શું ભારતનું "ગૃહ" અંદરથી વિભાજિત છે? ડૉ. આંબેડકરની એ ચેતવણી અને "અંત્યોદય"નો માર્ગ, જે દરેક ભારતીયે જાણવો જરૂરી છે!
૨૪-જાન્યુઆરી-૨૦૨૬
કુલ દૃશ્યો |
૨૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણસભા સમક્ષ આપેલું ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અંતિમ ભાષણ ભારતના સંવૈધાનિક ઇતિહાસમાં દિશાસૂચક અને ચેતવણીરૂપ દસ્તાવેજ છે. આ માત્ર બંધારણસભા સમક્ષ તેઓનું ભાષણ નથી, આ તેઓના મનમાં ચાલી રહેલા એક વંટોળની ભારત સમક્ષ પ્રસ્તુતિ છે. તેમણે રાજકીય લોકશાહીની મર્યાદાઓ, સામાજિક અને આર્થિક અસમાનતા, અનામતની આવશ્યકતા, સંપ્રદાયવાદ તથા સંવૈધાનિક નૈતિકતાની અનિવાર્યતા અંગે સ્પષ્ટ વિચારો રજૂ કર્યા છે. ભારતનું સંવિધાન માત્ર કાયદાકીય માળખું નહીં, પરંતુ એક સામાજિક ક્રાંતિનું સાધન છે. આ સંવિધાનના મુખ્ય શિલ્પકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણસભામાં આપેલું અંતિમ ભાષણ સ્વાધીન ભારત માટે આત્મમંથન અને દિશાસૂચન બંને રૂપે સામે આવે છે. બાબાસાહેબે સ્વતંત્રતા પછી ઊભાં થનારાં સંકટો અંગે જે ચેતવણીઓ આપી હતી, તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. આ લેખમાં વાચકો સમક્ષ ડૉ. આંબેડકરના વિચારોને આધુનિક પરિપ્રેક્ષ્યમાં સમજી, તેને અંત્યોદયના વિચાર સાથે સંકલિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.
ડૉ. આંબેડકરે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારત રાજકીય રીતે સમાનતા સ્વીકારશે, પરંતુ સામાજિક અને આર્થિક જીવનમાં અસમાનતા યથાવત્ રહેશે. તેમણે તેઓની આગવી છટામાં કહ્યું કે -
“On the 26th of January 1950, We are going to enter into a life of contradictions.”
આ વિરોધાભાસ લોકશાહીના ભવિષ્ય માટે ગંભીર ખતરો છે. જો સામાજિક અને આર્થિક અસમાનતા દૂર ન થાય, તો રાજકીય સમાનતા ખોખલી સાબિત થશે. બાબાસાહેબની આ દૃષ્ટિ અંત્યોદયના વિચાર સાથે સુસંગત છે, જ્યાં વિકાસનો સાચો માપદંડ સમાજના અંતિમ વ્યક્તિની સ્થિતિથી નક્કી થાય છે.
ડૉ. આંબેડકરે સત્તાના એકાધિકાર અને વ્યક્તિપૂજાને લોકશાહીના સૌથી મોટા શત્રુ ગણાવ્યા. તેમણે ચેતવણી આપી હતી કે -
“In politics, bhakti or hero-worship is a sure road to degradation and to eventual dictatorship.”
તેમના મતે, જો સમાજ સજાગ અને સંગઠિત નહીં રહે, તો લોકશાહી સંસ્થાઓ વ્યક્તિઓના હાથે બંધક બની જશે. આ ચેતવણી સંગઠિત સમાજની આવશ્યકતાને રેખાંકિત કરે છે. રાજકીય સત્તાનો એકાધિકાર અને તેના કારણે સર્જાતું સામાજિક વિભાજન. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ દેશની રાજકીય શક્તિ લાંબા સમયથી થોડા લોકોના હાથમાં કેન્દ્રિત રહી છે, જ્યારે મોટા પ્રમાણમાં જનતા માત્ર ‘beasts of burden’ તરીકે જીવતી આવી છે. આ વ્યવસ્થાએ માત્ર તેમને વિકાસના અવસરોમાંથી વંચિત રાખ્યા નથી, પરંતુ તેમના જીવનની અર્થવત્તા અને આત્મગૌરવને પણ નષ્ટ કર્યું છે.
આંબેડકર માટે આ સ્થિતિ માત્ર સામાજિક અન્યાયનો પ્રશ્ન નહોતો, પરંતુ લોકશાહીના અસ્તિત્વ માટેનો ખતરો હતો. તેઓ નોંધે છે કે, દબાયેલા અને પછાત વર્ગો હવે શાસિત રહેતાં થાકી ગયા છે; તેઓ પોતે શાસન કરવા, પોતાના ભાગ્યના નિર્ણયોમાં ભાગીદાર બનવા આતુર છે. આ આત્મસાક્ષાત્કારની ઇચ્છા લોકશાહી સમાજમાં સ્વાભાવિક છે, પરંતુ જો તેને યોગ્ય દિશા ન મળે, તો તે વર્ગસંઘર્ષ અથવા વર્ગયુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે.
આ જ સંદર્ભમાં ડૉ. આંબેડકરે અબ્રાહમ લિંકનના અત્યંત અર્થપૂર્ણ વાક્યને ઉદ્ધૃત કર્યું.
‘A House divided against itself cannot stand very long.’
લિંકનનું આ વાક્ય માત્ર અમેરિકન ગૃહયુદ્ધના પરિપ્રેક્ષ્યમાં સીમિત નથી; તે લોકશાહીની એક શાશ્વત ચેતવણી છે. ડૉ. આંબેડકરે આ વિચારને ભારત પર લાગુ કરતાં જણાવ્યું કે, જો રાષ્ટ્ર આંતરિક રીતે વિભાજિત રહેશે - શાસક અને શાસિત, એકાધિકારભોગી અને વંચિત, શક્તિશાળી અને નિર્બળ વચ્ચે તો સ્વાધીનતા લાંબા સમય સુધી ટકી શકશે નહીં.
આંબેડકર માટે ભારતનું ‘House’ એટલે સમગ્ર સમાજ. જો આ ઘરમાં થોડા લોકો તમામ સત્તા પર કાબૂ ધરાવે અને મોટાભાગના લોકો માત્ર સહનશીલતા દાખવતા રહે, તો આ ઘર અંતે તૂટી પડશે. તેથી તેઓ ચેતવે છે કે, દબાયેલા વર્ગોની આકાંક્ષાઓને દબાવવી નહીં, પરંતુ સમયસર અને સંવિધાનિક રીતે સ્વીકારવી જરૂરી છે. એવું ન કરવાથી સમાજમાં વિસ્ફોટક સ્થિતિ ઊભી થશે, જે લોકશાહી માટે વિનાશક સાબિત થશે.
આ સંકટનો ઉકેલ આપતાં ડૉ. આંબેડકર સ્પષ્ટ કરે છે કે, એકમાત્ર માર્ગ છે- સમાનતા (Equality) અને ભાઈચારો (Fraternity). સમાનતા વિના ન્યાય શક્ય નથી અને ભાઈચારાવિહોણી સમાનતા યાંત્રિક બની જાય છે. આ બંને મૂલ્યો સાથે મળીને જ લોકશાહી સમાજને આંતરિક વિભાજનથી બચાવી શકે છે.
આ રીતે, અબ્રાહમ લિંકનનો “વિભાજિત ગૃહ”નો વિચાર અને ડૉ. આંબેડકરની સામાજિક ન્યાયની દૃષ્ટિ એક જ નિષ્કર્ષ પર પહોંચે છે. લોકશાહી માત્ર સંવિધાનથી નહીં, પરંતુ સમાજની આંતરિક એકતા, સમાનતા અને પરસ્પર ગૌરવથી ટકી રહે છે.
ડૉ. આંબેડકરે અનામતને સામાજિક ન્યાયની અનિવાર્ય સંવૈધાનિક વ્યવસ્થા તરીકે જોઈ. ઐતિહાસિક રીતે પછાત અને શોષિત સમુદાયો માટે માત્ર ઔપચારિક સમાનતા પૂરતી નથી; વાસ્તવિક સમાનતા માટે વિશેષ વ્યવસ્થાઓ જરૂરી છે. અનામત રાજ્યની નૈતિક અને સંવિધાનિક જવાબદારીનું પ્રતિબિંબ છે.
Granville Austin અનુસાર, આંબેડકર માટે અનામત ‘substantive equality’ હાંસલ કરવાનો માર્ગ હતો. અનામત વિના સમાનતાનો સિદ્ધાંત માત્ર સિદ્ધાંતરૂપ રહી જાય છે. અનામતને વિશેષાધિકાર નહીં, પરંતુ સામાજિક સંતુલન સ્થાપિત કરનાર વ્યવસ્થા તરીકે સમજવી જરૂરી છે.
સંપ્રદાયવાદ અને સંવૈધાનિક સમજ
ડૉ. આંબેડકર સંપ્રદાયવાદને લોકશાહી માટેનું ગંભીર જોખમ માનતા હતા. તેમના મતે સંપ્રદાયવાદ માત્ર ધાર્મિક અસહિષ્ણુતા નથી, પરંતુ રાજકીય સત્તાને ધાર્મિક ઓળખ સાથે બાંધી દેવાની માનસિકતા છે. જ્યારે રાજકારણ સાંપ્રદાયિક ઓળખ દ્વારા સંચાલિત થાય છે ત્યારે નાગરિકત્વ સમાન રહેતું નથી અને રાષ્ટ્ર ‘સમુદાયોના સરવાળા’માં પરિવર્તિત થઈ જાય છે.
આંબેડકરે ચેતવણી આપી હતી કે, સંપ્રદાયવાદ રાષ્ટ્રને અંદરથી ખોખલું કરે છે. તે વ્યક્તિને નાગરિક તરીકે નહીં, પરંતુ સમુદાયના સભ્ય તરીકે જ ઓળખવા મજબૂર કરે છે. પરિણામે રાષ્ટ્ર એકતા નૈતિક આધાર ગુમાવે છે અને લોકશાહી સ્પર્ધાત્મક સમુદાયવાદમાં ફેરવાઈ જાય છે.
બંધુત્વ : લોકશાહીનો નૈતિક આધારસ્તંભ
ડૉ. આંબેડકરના વિચારમાં બંધુત્વ (Fraternity)ને વિશેષ સ્થાન છે. તેમણે બંધારણના મૂલ્યત્રય સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વમાંથી બંધુત્વને સામાજિક લોકશાહીનો આત્મા ગણાવ્યો. બંધુત્વ વિના સમાનતા યાંત્રિક બની જાય છે અને સ્વતંત્રતા સ્વાર્થમાં ફેરવાઈ જાય છે.
બંધુત્વનો અર્થ માત્ર સહનશીલતા નથી, પરંતુ પરસ્પર સન્માન અને સામૂહિક ભાગ્યની ભાવના છે. આ ભાવના વિના સંપ્રદાયવાદ સામે કોઈ કાયદાકીય વ્યવસ્થા લાંબા ગાળે સફળ થઈ શકતી નથી. આંબેડકર માનતા હતા કે બંધુત્વ એ એક સામાજિક સંસ્કાર છે, જે શિક્ષણ, ન્યાય અને નૈતિક નેતૃત્વ દ્વારા વિકસાવવામાં આવે છે.
ડૉ. આંબેડકરના મતે રાષ્ટ્રીય એકતા માત્ર ભૂગોળ અથવા સત્તા દ્વારા જાળવી શકાય તેમ નથી. સાચી રાષ્ટ્ર એકતા ત્યારે જ શક્ય છે જ્યારે તમામ નાગરિકો પોતાને સમાન ભાગીદાર માને. સંપ્રદાયવાદ આ ભાવનાને તોડી નાંખે છે, જ્યારે બંધુત્વ તેને મજબૂત બનાવે છે. તેમણે ચેતવણી આપી હતી કે સામાજિક અસમાનતા સાથેની રાજકીય સમાનતા એક વિસ્ફોટક સંયોજન છે. જો આ અસમાનતાઓ દૂર ન થાય, તો સંપ્રદાયવાદ અને વર્ગવિભાજન રાષ્ટ્રએકતાને સતત પડકાર આપતા રહેશે.
આજના સમયમાં આંબેડકરના વિચારો વધુ પ્રાસંગિક બને છે. વૈશ્વિક સ્તરે ઓળખ આધારિત રાજકારણ અને આંતરિક વિભાજનો લોકશાહીને પડકાર આપી રહ્યા છે. આ સંજોગોમાં ડૉ. આંબેડકરની બંધુત્વની સંકલ્પના ભારતના સંવિધાનને જીવંત બનાવી રહી છે.
સંવૈધાનિક નૈતિકતા : લોકતંત્રનો આત્મા
ડૉ. આંબેડકરની ‘Constitutional Morality’ની સંકલ્પના લોકશાહીની આત્મા સમાન છે. તેમણે કહ્યું હતું કે -
‘Constitutional morality is not a natural sentiment. It has to be cultivated.’
કાયદા સાથે નૈતિક જવાબદારી અને સંયમ જોડાય, ત્યારે જ સંવિધાન જીવંત રહે છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો અંત્યોદય વિચાર
પંડિત દીનદયાળ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદના માધ્યમથી અંત્યોદયની સંકલ્પના રજૂ કરી. અંત્યોદયનો અર્થ છે સમાજના અંતિમ માણસનો ઉદ્ધાર. વિકાસનો હેતુ માનવના સર્વાંગી કલ્યાણ સાથે જોડાયેલો હોવો જોઈએ – આ વિચાર આંબેડકરના સામાજિક ન્યાયના અભિગમના સ્વાભાવિક વિસ્તારો છે.
ડૉ. આંબેડકરે સ્વાધીન ભારત માટે જે ભય વ્યક્ત કર્યા તેમાં સામાજિક વિખંડન, સંપ્રદાયવાદ, વ્યક્તિપૂજા અને સત્તાકેન્દ્રિત રાજનીતિ મુખ્ય હતાં. આ ભય દૂર કરવા માટે સંગઠિત સમાજ અનિવાર્ય છે. અંત્યોદય વ્યક્તિને સમાજથી જોડે છે અને સામૂહિક જવાબદારીની ભાવનાને મજબૂત કરે છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અંતિમ ભાષણ સ્વાધીન ભારત માટે ચેતવણી અને માર્ગદર્શન બંને છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો અંત્યોદય વિચાર આ ચેતવણીનો ભારતીય, સમાજકેન્દ્રિત પ્રતિઉત્તર આપે છે. સંવિધાનિક માળખું અને સંગઠિત સમાજ સાથે અંત્યોદયની ભાવના જોડાય, ત્યારે જ સાચી લોકશાહી અને સામાજિક ન્યાય સાકાર થઈ શકે.
***
- ઈશાન જોષી
સંદર્ભસૂચિ (References) ઃ
(1) Ambedkar, B. R. *Constituent Assembly Debates*,
Vol. XI, 25 November 1949. (2) Austin, Granville. *The Indian
Constitution: Cornerstone of a Nation*. Oxford University Press, 1966. (3) Upadhyaya, Deendayal. *Integral Humanism*. Suruchi Prakashan. (4) Jaffrelot, Christophe. *Dr Ambedkar and Untouchability*.
Permanent Black. (5) Government of India. *The Constitution of India*.
(6) Ambedkar, B. R., Constituent Assembly Debates, Vol. VII & XI, Government of India, 1949. (7) Jaffrelot, Christophe, Dr Ambedkar and Indian Democracy, Permanent Black, 2013.