તંત્રીસ્થાનેથી । ગપોડબાજીનો ઉત્તર.. ‘મિશન માનવતા’

સ્વામી વિવેકાનંદજીએ ૧૮૯૧માં કોલકાતા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, અંગ્રેજો દ્વારા રચાયેલા જુઠ્ઠા ઇતિહાસને ન વાંચો. તેઓએ તેને ‘Pseudo Historical Propaganda’ કહેલો.‌

    ૦૭-જાન્યુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Pseudo Historical Propaganda
 
 
મકરસંક્રાંતિ : સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન. ‘ક્રાંતિ’ આકાર લે છે.. નિર્દયી હિંસા, સત્તાની ખેંચતાણ અને સ્ત્રોતોના શોષણથી. અને ‘સંક્રાંતિ’ સાકાર થાય છે.. સાત્વિક વિચારો, સામાજિક જાગૃતિ અને સ્ત્રોતોના દોહનથી. ભારત સંક્રાંતિમૂલક છે, તેથી સનાતન છે અને તેથી નિત્ય નૂતન પણ છે. ૧૦૦૦ વર્ષ ભારતે અતિ સહન કર્યું, પણ ભારત બદલાયું નહિ. ક્રાંતિમાં માનવાવાળી તાકાતો જ્યારે થાકી ત્યારે છેવટે ભ્રમણાઓ ફેલાવીને વૈચારિક વિકૃતિકરણનો રસ્તો અપનાવ્યો. જે જેમ્સ મિલ, જેણે ભારતનો મૂર્ખતાપૂર્ણ ઇતિહાસ લખ્યો, તેણે કદી ભારત જોયું જ નહોતું.‌ આ વિકૃતિકરણના વ્યૂહને તોડવા માટે સંક્રાંતિના પરમ સાધક સ્વામી વિવેકાનંદજીએ કરેલ વાતોનું સ્મરણ કરવાનું શ્રેષ્ઠ નિમિત્ત એટલે.. મકરસંક્રાંતિ.
 
સ્વામી વિવેકાનંદજીએ ૧૮૯૧માં કોલકાતા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, અંગ્રેજો દ્વારા રચાયેલા જુઠ્ઠા ઇતિહાસને ન વાંચો. તેઓએ તેને ‘Pseudo Historical Propaganda’ કહેલો.‌
 
મેકોલેએ ભારતીય ઇતિહાસને ‘બેહૂદો ઇતિહાસ’ કહેલો, તો વળી કાર્લ માર્કસે તો ભારતને પોતાનો કોઈ ઇતિહાસ જ નથી, તેવું કહી નાંખેલું, પરંતુ સત્ય પરથી પડદો હટાવીને સ્વામી વિવેકાનંદજીએ નિષ્કર્ષરૂપે કહેલું કે, ‘વિશાળ ધાર્મિક સાહિત્યકાવ્ય, પણિ - સિંધુ, દર્શન શાસ્ત્રો અને વિભિન્ન શાસ્ત્રોની પ્રત્યેક પંક્તિનું શ્રવણ, વિશિષ્ટ રાજવંશોની વંશાવળીઓ અને જીવનચરિત્રો અપેક્ષા કરતાં ય હજારો ગણું અધિક સ્પષ્ટ ચિત્ર પ્રસ્તુત કરે છે.’ તેઓએ ઇતિહાસપુરાણને પાંચમો વેદ કહેલો.
 
૯ એપ્રિલ, ૧૮૬૬માં લંડનની રોયલ એશિયાટિક સોસાયટીના વિંસ્કાટ સ્ટ્રેફોર્ડની અધ્યક્ષતામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવેલો કે, આર્યો ભારતની બહારથી આવેલા.‌ ૧૯૦૦માં સ્વામી વિવેકાનંદે પેરિસ ધર્મ સંમેલનમાં યુરોપિયન વિદ્વાનોની સામે ઉપરોક્ત પ્રસ્તાવવાળા કથનને ‘એક મૂર્ખતાપૂર્ણ પ્રલાપ માત્ર’ કહેલું. સ્વામીજીએ આ આર્યઆક્રમણના તુક્કાને અંગ્રેજોની ગપોડબાજી કહી. તેઓએ તેને ‘નિશ્ચિતપણે દૂર્બુદ્ધિતા-દુષ્ટતાપૂર્ણ કૃત્ય’ કહ્યું હતું.‌ સ્વામીજીએ કહ્યું કે, ‘હિન્દુ શાસ્ત્રમાં એક પણ એવો શબ્દ નથી, જે આનું પ્રમાણ આપે કે, આર્યો કોઈક અન્ય દેશોમાંથી આવેલા.’ સ્વામી વિવેકાનંદજીએ પોતાની માનસિક પીડા વ્યક્ત કરતાં કહેલું કે, ‘આશ્ચર્ય તો એ વાતનું છે કે, ‘આપણા ભારતીય વિદ્વાનો પણ તેઓના (અંગ્રેજોના) સૂરમાં જ બોલી રહ્યા છે.’ ડૉ. બી. આર. આંબેડકરજીએ પણ કહેલું કે, ‘ઋગ્વેદમાં એવું કોઈ પ્રમાણ નથી જેનાથી આપણે કહી શકીએ કે આર્યો બહારથી આવ્યા હતા.’
 
બ્રિટિશ ઈતિહાસકાર ડબલ્યુ ડબલ્યુ હન્ટરે પહેલીવાર કહેલું કે, ‘ભારત એક બનતું રાષ્ટ્ર છે.’ (A Nation in making). પરંતુ વાસ્તવિકતા એ છે કે, ભારતીય રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતાનો વિકાસ પ્રાચીનતમ છે. વેદોમાં તેનું સુપેરે વર્ણન છે. સ્વામીજીના કહેવા અનુસાર ‘અનેક તથાકથિત પ્રાચીન રાષ્ટ્રોનાં; વિશ્વમાં કોઈપણ જગ્યાએ કોઈ અવશેષ કે ચિહ્ન રહ્યાં નથી.’‌ તેઓએ ભારતીય રાષ્ટ્રને ‘બધાં જ રાષ્ટ્રોમાં સર્વોચ્ચ ધર્માચારી રાષ્ટ્ર’ માનેલું. તેની તુલના બીજાં રાષ્ટ્રો સાથે કરવી તે ઈશનિંદા સમાન છે, તેવું તેઓએ કહેલું.
 
૧૮૯૭માં વિદેશથી પાછા ફરી સ્વામી વિવેકાનંદજીએ મદ્રાસમાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘દક્ષિણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદિરો અને ગુજરાતનાં સોમનાથ જેવાં મંદિરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે. ઢગલાબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઇતિહાસમાં તમને એ વધુ ઊંડી દૃષ્ટિ આપશે. જુઓ તો ખરા કે નિરંતર ખંડિયેરમાંથી પાછાં બંધાઈને ઊભાં થતાં, પુનર્જીવન પામેલાં અને પૂર્વના જેવાં સદા મજબૂત આ મંદિરો કેવાં સેંકડો હુમલાઓનાં અને સેંકડો પુનરુત્થાનનાં ચિન્હો ધારણ કરી રહેલાં છે! એ છે રાષ્ટ્રીય માનસ. એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ. એનું અનુકરણ કરો તો એ તમને કીર્તિના પંથે લઈ જશે. એનો ત્યાગ કરો તો તમારો વિનાશ છે.’
 
સ્વામી વિવેકાનંદજીએ કહેલું કે, “Every nation has a massage to deliver, a mission to fulfill, a destiny to reach. The mission of India has been to guide humanity.” વિશ્વને પરિવાર બનાવવાનું કામ એટલે જ.. To guide humanity, ધર્મ દ્વારા સિદ્ધ-સાર્થક થનાર લક્ષ્ય!

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.