પ્રખર પર્યાવરણવિદ્ - ‘Water Woman’ શિપ્રા પાઠક સાથે સાક્ષાત્કાર
શિપ્રાજીએ મા નર્મદાની ૩૬૦૦ કિલોમીટરની અને અયોધ્યાથી રામેશ્વરમની ૪૧૦૦ કિલોમીટરની કઠિન પદયાત્રા કરીને પર્યાવરણ અને અધ્યાત્મનો અનોખો સંગમ રચ્યો છે. તેમજ મા ગોમતીની ૧૦૦૦ કિમીની પદયાત્રા દ્વારા ૭ જિલ્લાઓમાં જનજાગૃતિ ફેલાવી છે.
આપણી ભારતીય સંસ્કૃતિના માર્ગ પર ચાલીને જ આપણે આ સમસ્યાનું સમાધાન કરી શકીશું -શિપ્રા પાઠક
આજે વિશ્વમાં ચારેકોર પર્યાવરણ દૂષિત થયું છે અને એના સંરક્ષણની સમસ્યા ઉભી થઈ છે. ભારતમાં પણ પર્યાવરણની સમસ્યાના સમાધાન માટે ખૂબ પ્રયત્નો અનેક લોકો દ્વારા ચાલે છે. તેમાં એક અગ્ર હરોળનું નામ એટલે શિપ્રા પાઠક. શિપ્રાજીને આખી દુનિયા ‘વોટર વુમન’ના નામથી જાણે છે. તેઓ પર્યાવરણ સંરક્ષણ, અધ્યાત્મ અને સમાજ સેવામાં કાર્યરત છે અને જળસુરક્ષામાં તેમનું બહુ મોટું યોગદાન છે. શિપ્રા પાઠક ‘પંચતત્વ’ સંસ્થાનાં સ્થાપક છે. આ સંસ્થાના માધ્યમથી તેમણે એક કરોડ વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી સંકલ્પ લીધો છે, જેનું કાર્ય દેશનાં અનેક રાજ્યોમાં ગતિમાન છે. જળસંરક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન અભૂતપૂર્વ છે. તેમણે અનેક પવિત્ર નદીઓના ઘાટો પર અનેક સંરક્ષણકાર્યો કર્યાં છે. તેમણે ‘જળશપથ’ અભિયાન દ્વારા કરોડો લોકોને પાણી બચાવવા અને જળાશયોને સ્વચ્છ રાખવા માટે જાગૃત કર્યાં છે. શિપ્રાજીએ મા નર્મદાની ૩૬૦૦ કિલોમીટરની અને અયોધ્યાથી રામેશ્વરમની ૪૧૦૦ કિલોમીટરની કઠિન પદયાત્રા કરીને પર્યાવરણ અને અધ્યાત્મનો અનોખો સંગમ રચ્યો છે. તેમજ મા ગોમતીની ૧૦૦૦ કિમીની પદયાત્રા દ્વારા ૭ જિલ્લાઓમાં જનજાગૃતિ ફેલાવી છે. બદાયુંની ‘સોત નદી’ના પુનરુત્થાન માટેના તેમના પ્રયાસોની વાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ‘મન કી બાત’માં કરી છે. તેમને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ તેમજ આઈઆઈએમ રાયપુર, હિન્દુસ્તાન ટાઇમ્સ સહિત અને ૩૦ જેટલી યુનિવર્સિટીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં છે. આવા બહુમુખી પ્રતિભાનાં ધની શિપ્રાજી ‘સાધના’નાં અતિથિ બન્યાં હતાં ત્યારે તેમનો સાક્ષાત્કાર કરીને પર્યાવરણ સંરક્ષણ અંગે તેમના વ્યાપક વિચારો જાણ્યા હતા. આવો, પ્રખર પર્યાવરણવિદ્ શિપ્રાજીના પર્યાવરણસુરક્ષા અંગેના વિચારોને જાણીએ...
પર્યાવરણ સંરક્ષણ માટે આપ ઘણા સમયથી ખૂબ સારું કામ કરી રહ્યાં છો. અમે એ જાણવા માંગીએ છીએ કે એવી કઈ સ્થિતિ-પરિસ્થિતિ પેદા થઈ કે, આજે દરેક વ્યક્તિ પર્યાવરણના વિષયમાં ચિંતિત છે?
આ વિષય પર પ્રાથમિક સ્તરે જો આપણે જોઈશું તો ઘણાં બધાં કારણો છે જે વૈજ્ઞાનિક છે, આધુનિક છે અને ટેક્નોલોજી સાથે જોડાયેલાં પણ છે, પરંતુ જો તમે એમ કહેશો કે આ સમસ્યાનું સમાધાન એક જ વાક્યમાં બોલું તો હું એમ કહીશ કે, ફક્ત ધર્મ અને સંસ્કૃતિ પર પ્રહાર થવાથી પર્યાવરણની આ સમસ્યા ઉત્પન્ન થઈ છે. કારણ કે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ પૂરી રીતે પર્યાવરણ પર આધારિત એક વૈજ્ઞાનિક જીવનશૈલી છે. એ જીવનશૈલી મુજબ આપણા પૂર્વજો, ૠષિ-મુનિઓ વગેરે સૌ જીવતા આવ્યા છે, અને આપણે આની સાથે કરેલાં ચેડાં પછી જ આ સમસ્યા ઉદ્ભવવાનું શરૂ થયું. અને આ ચેડાં પણ એટલાં ધીમેથી થયાં કે આપણને સમજાયું જ નહીં કે પર્યાવરણ બગડી રહ્યું છે.
તમને એકાદ બે ઉદાહરણો આપું તો આપણા પૂર્વજો ડાંગરને પીસીને જાતે ચોખા બનાવતા હતા પણ હવે તે બધું કેમિકલ પ્રોસેસથી થાય છે. આપણા રસોડામાં એવી વ્યવસ્થા હતી કે રસોઈ ફક્ત ઘરના મુખ્ય વ્યક્તિ માટે જ નહીં પણ જીવ-જંતુ, પશુ-પંખીઓ માટે પણ બનતી, પણ આજે એ બધું નષ્ટ થઈ ગયું છે. સમગ્ર જીવનશૈલીમાં આવી સ્થિતિ પરિસ્થિતિ પેદા થઈ જેની વિપરિત અસર સમગ્ર પર્યાવરણ ઉપર થતાં આજે સૌ આ વિષયમાં ચિંતિત છે.
આ પરિસ્થિતિ માટે કોણ કોણ જવાબદાર છે?
ભારતનો દરેક વ્યક્તિ, દરેક વર્ગ જવાબદાર છે. જો તમે આર્કિટેક્ટ સિસ્ટમ જુઓ, તો આજકાલ તમે જોશો કે જે સ્ટ્રક્ચર બની રહ્યાં છે તેની જરૂર છે ખરી? મોટા-મોટા હૉલ, મોટી-મોટી ઑફિસ, મોટાં-મોટાં ઘર અને એમાં બિનજરૂરી અને અગણિત ઈલેક્ટ્રોનિક ઉપકરણો. શું ખરેખર એટલી લાઇટ, એટલા પંખા અને એટલા એસીની જરૂરિયાત હોય છે ખરી? શું આજથી ૫૦ વર્ષ પહેલાં તમે આવી કલ્પના કરી હતી? ના, ત્યારે આવી કોઈ જરૂરિયાત નહોતી.
આપણે બિઝનેસની વાત કરીએ તો પહેલાં લઘુ અને કુટીર ઉદ્યોગો ચાલતા હતા. આજે એ પણ મોટાભાગે બંધ થઈ ગયાં છે. પૃથ્વી પાસેથી લઈને પૃથ્વીને જ આપવું, નદી પાસેથી સહયોગ લઈને નદીને જ આપવું એવી ભાવના હવે નથી. પહેલાં પણ રંગકામ (Dye) થતું હતું પણ બધું ઓર્ગેનિક હતું. તે પાણી નદીમાં જતું હતું તો નદીને તેનાથી કોઈ નુકસાન નહોતું થતું.
અરે, તમે ખેડૂતોનાં ઉદાહરણો જુઓ. પહેલાં પાક લેતી વખતે ખેડૂત પહેલા દાણા ભૂમિ માતાને અર્પણ કરતો હતો, કારણ કે જેની પાસેથી એ દાણા, એટલે કે અનાજ મેળવ્યું તે તેને પહેલાં આપવાની ભાવના હતી. આજે એ બધું નહિવત્ થઈ ગયું છે. આજે ખેતરમાં પરાળી ભેગી થાય તો એને આગ લગાવી દેવામાં આવે છે, એટલે કે આપણને કંઈક અર્પણ કરનારી માતાનું હૃદય જ આપણે સળગાવી દઈએ છીએ.
દરેક બાબતે આવું થયું છે. નારીઓના શૃંગારની જ વાત લઈ લો. એક જમાનામાં આપણી માતા, દાદી અને નાની એવો શૃંગાર કરીને નીકળતાં કે જોઈને એમ લાગે કે કોઈ દેવી નીકળ્યાં છે. અને શૃંગારનાં સંસાધનો પણ કુદરતી હતાં. પણ આજે આપણી બાળાઓ, યુવતીઓ વગેરે જે શૃંગાર કરી રહી છે તે પૂરેપૂરું કેમિકલયુક્ત છે. પૂરેપૂરાં કોસ્મેટિક છે. ઘણી બધી બ્રાન્ડે આપણા મગજ પર પૂરેપૂરું શાસન કરી લીધું છે.
આપણા રોજિંદા જીવન-વ્યવહારમાંય ઘણી આવી બાબતો છે. આપણે ભીનો કચરો, સૂકો કચરો એવી વ્યવસ્થા લાવવી પડી. જ્યારે તે પહેલેથી જ હતી. મેં પોતે જોયું છે કે, મારી માતા જ્યારે લોટ બાંધતી ત્યારે તે લોટ બાંધતાં બચેલું જે પાણી હોય તેમાં, એ જ લોટામાં ત્યાં સુધી હાથ ધોવે છે જ્યાં સુધી લોટ નીકળી ન જાય. અને તે બચેલા લોટાનું પાણી છોડને નાંખી દે. આજકાલ લોટ બાંધીને આપણે તરત જ નળ ખોલીએ છીએ અને ત્યાં સુધી તેને ઘસતા રહીએ છીએ જ્યાં સુધી બધો લોટ નીકળી ના જાય. વિચાર કરો, કેટલો બધો પાણીનો બગાડ થયો.
હું તમને પ્રશ્ન પૂછું છું કે, શું તમે તમારા ઘરના કચરાનું ગંદું પાણી તુલસીક્યારામાં નાંખો છો? તો ના, કારણ કે આપણે સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ. આપણ પૂર્વજોએ પાપ, પુણ્ય, ધર્મ, અધર્મ, સ્વર્ગ, નર્ક, મોક્ષ આ બધાંની વાતો સાથે જોડીને આપણને આમ કરતાં રોક્યા છે. પણ દુઃખ એ છે કે તો પછી ફેક્ટરી નાંખનારા કેટલાક લોકોને કેમ નથી સમજાતું નથી કે આનું ગંદું પાણી સીધું જ કોઈપણ પ્રક્રિયા કર્યા વગર ગંગામાં જઈ રહ્યું કે અન્ય કોઈ નદીમાં જઈ રહ્યું છે, જો તે વ્યક્તિ સાંસ્કૃતિક કે ધાર્મિક રીતે વિકસિત હોત, જો તેના મનમાં પણ એ ભાવ હોત કે આ પ્રહાર છે, આ નદી નથી, દેવી છે, તો તે આવું ક્યારેય ન કરત. પરંતુ પાખંડની હદ એ છે કે તે સમયે નદી તેના માટે દેવી નથી હોતી. પરંતુ તે જ વ્યક્તિ પૂનમના દિવસે પાપ ધોવા માટે તે જ નદીને દેવી ગણીને ડૂબકી જરૂર લગાવતો હોય છે, કારણ કે એને પાછું એ પણ ખબર છે કે ગંગાના આચમન વગર તો ઉદ્ધાર થવાનો નથી.
પાણી પીવાનો જે સ્ત્રોત છે તે નદી જ છે. આપણે આજે ચંદ્ર પર તો પહોંચી ગયા છીએ પણ હજુ સુધી આપણે પાણી બનાવવાની કળા નથી શીખી શક્યા. આપણને સોલ્યુશન ખબર છે કે, આ સોલ્યુશનથી પાણી બને છે, છતાં પણ એ નથી બનાવી શક્યા. અને બહુ સારું થયું કે નથી બનાવી શક્યા. ઈશ્વરે કેટલીક શક્તિઓ પોતાની પાસે રાખી છે જેથી આપણે દંડિત થતા રહીએ. તમે કોઈ પણ પ્રવૃત્તિ ઉઠાવીને જુઓ - આર્કિટેક્ટ, ઇન્ટીરિયર, મેકઅપ, કોસ્મેટિક, ડૉક્ટર, એન્જિનિયર, ખેડૂત વગેરે, આપણે બધા જ બદલાયા છીએ. ભારતની ગૃહિણીઓ અને સૌથી વધુ ભારતનું રસોડું બદલાયું છે, ભારતની માતૃશક્તિ બદલાઈ છે. આ બધું જ બદલાયું છે કારણ કે આપણે આપણી સંસ્કૃતિ અને ધર્મથી વિમુખ થયા અને અંતે પર્યાવરણ બગાડી બેઠા છીએ. એટલા તો પતિત થયા છીએ કે એવું માનવા લાગ્યા છીએ કે, હવે પર્યાવરણને બચાવી શકાય તેમ નથી.
બે વિરોધાભાસી સ્થિતિઓ પણ જોવા મળે છે. એક તરફ વરસાદની તીવ્રતા વધી છે, પૂર આવી રહ્યાં છે અને બીજી તરફ મોટું જળસંકટ પણ ઊભું થયું છે. તો આ વિષયમાં આપ શું કહેવા માંગશો? કારણ શું છે આનું?
આધુનિક યુગમાં અંગ્રેજી શબ્દકોશમાંથી કેટલાક નવા શબ્દો આપણી જીવનશૈલીમાં ઊતરી આવ્યા છે, જે મેં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ સાંભળ્યા છે. જેમકે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ, પ્લાસ્ટિકમુક્ત, કેન્સર, કેમિકલ કોસ્મેટિક, ડિપ્રેશન અને એન્ગ્ઝાઈટી. આ એવા શબ્દો છે જેનો હું રોજ સામનો કરું છું.
આ પરિસ્થિતિ કેમ સર્જાઈ? શું અગાઉ આવું નહોતું? ગુજરાતની ભૂમિ સાક્ષી છે કે તે વર્ષો સુધી પાણી માટે તરસી છે અને આસામની ભૂમિ સાક્ષી છે કે તે વધુ પડતા પાણીથી પરેશાન રહી છે. આ ભૂવૈવિધ્ય હતું જ. કુલ મળીને આપણી બધી વિવિધતાઓ આપણી વિશિષ્ટતા હતી, જેને કારણે આપણો દેશ ‘સોનાની ચીડિયા’ કહેવાતો હતો. આપણું ભારત માત્ર સોનામહોરો કે ધન-દૌલતથી નહીં, પણ તેના સંતુલિત હવામાન, પાક, સંસ્કારો, સંસ્કૃતિ, પરંપરાઓ, કલા અને સાહિત્યથી સમૃદ્ધ હતું. આપણા ભોજન, આભૂષણ, પહેરવેશ અને ભાષાઓમાં અદ્ભુત વિવિધતા હતી. આટલી વિવિધતા હોવા છતાં, જ્યારે કુંભ જેવા મેળાઓમાં આખું ભારત એકઠું થતું, ત્યારે તમે એ પારખી પણ ન શકો કે કોણ આસામથી આવ્યું છે કે કોણ ગુજરાતથી. આપણે જ્યારે એકજૂટ છીએ ત્યારે એક છીએ અને જ્યારે વિખરાયેલા છીએ ત્યારે વિવિધ છીએ. આપણે આ વિવિધતા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આપણું સૌંદર્ય પ્રગટ કરીએ છીએ અને સંગઠિત થઈને આપણી તાકાત બતાવીએ છીએ.
રહી વાત ક્લાઈમેટ ચેન્જની, તો અગાઉ પણ ક્યાંક વરસાદ થતો અને ક્યાંક નહોતો થતો, પરંતુ તેની વ્યવસ્થા પ્રકૃતિએ સ્વયં કરી હતી. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની સ્થાનિક વનસ્પતિઓ અને ત્યાંના પાક અલગ હતા. ઉત્તર પ્રદેશની ભૂમિ માટે જે પાક અનુકૂળ છે તે પંજાબ માટે અલગ છે. જે ડાંગર (ચોખા) દક્ષિણ ભારતના કોસ્ટલ એરિયા માટે વરસાદના પાણીને કારણે યોગ્ય હતા, તે જ ડાંગર આજે ભારતના દરેક હિસ્સામાં વવાય છે. ડાંગરના પાકને પુષ્કળ પાણી જોઈએ છે. આમ, આપણે પ્રકૃતિના આદાન-પ્રદાનની વ્યવસ્થામાં ગરબડ કરી દીધી છે.
વાસ્તવમાં પ્રકૃતિ ક્યારેય પ્રહાર નથી કરતી. મેં મારા બાળપણમાં જોયું છે કે, ૨૦ દિવસ સુધી વરસાદ સતત વરસતો, જેને આપણે ચોમાસું કહેતા. કપડાં સુકાતાં નહીં, ઠંડી એટલી પડતી કે ૨૫ દિવસ સુધી સૂર્યનાં દર્શન ન થતાં અને ગરમી પણ આકરી પડતી. છતાં આપણે તે સહન કરી શકતા હતા, કારણ કે આપણે તે પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પર્યાવરણીય વ્યવસ્થાઓ બનાવી હતી. આપણે લાકડાંઓ સાચવીને રાખતા, વિવિધ પાકોના અવશેષોનો ઈંધણ તરીકે ઉપયોગ કરતા. એક પાક આપણા આખા પરિવાર અને રસોડાના વ્યવસ્થાપન માટે પૂરતો હતો. આપણે સંગ્રહ (Storage) કરવાની કળા જાણતા હતા. આપણને જ્યારે બચત અને બેંકિંગ આયોજનની વાત કરવામાં આવે, તો મને લાગે છે કે ભારતની સામાન્ય ગૃહિણીથી શ્રેષ્ઠ કોઈ આયોજક નથી. જે મહિલા કોઈ કોન્વેન્ટમાં નથી ભણી કે ગુરુકુળમાં નથી ગઈ, છતાં પોતાના સંસ્કારોથી તે એવું આયોજન કરતી કે પરિવાર પર આફત આવે ત્યારે લાખો રૂપિયા કાઢી શકતી. તે નાની નાની બચત કરવાનું જાણતી હતી, તે શેમ્પૂની ખાલી શીશીમાં તેલ ભરતી. તેનાથી શ્રેષ્ઠ રિસાઇકલિંગ કોઈ ન કરી શકે. જ્યારે વસ્ત્રો પહેરવા લાયક ન રહેતાં ત્યારે તેને મોટા ભાઈથી નાના ભાઈ સુધી વાપરવામાં આવતાં અને અંતે તેમાંથી પોતું બનાવવામાં આવતું. તે ક્યારેય વસ્ત્રોને નદીમાં ફેંકતી નહીં. તે સમયે કપડાં સૂતરનાં, લીનન કે કોટનનાં હતાં. હવે પોલિએસ્ટર અને મિક્ષ કાપડ આવી ગયું છે. તમે જ કહો, વિશ્વના કયા વર્ગ દ્વારા પ્રકૃતિ પર પ્રહાર નથી થઈ રહ્યો? આપણે કૃતઘ્ન બની ગયા છીએ અને આખું વિશ્વ એક સાથે યુગ બદલી રહ્યું છે, જેનું પરિણામ આપણી સામે છે. આપે કહ્યું તેમ વિરોધાભાસી સ્થિતિઓ અને પર્યાવરણની સમસ્યાઓ ઊભી થઈ છે.
તો આ સમસ્યાના સમાધાન માટે કેવા પ્રયાસો જરૂરી છે? શું આપણે સંપૂર્ણપણે જૂની જીવનશૈલી તરફ પાછા વળવું જોઈએ કે પછી આધુનિક સમયના વૈજ્ઞાનિક ઉપાયોની જરૂર છે?
ખરેખર તો આપણો ધર્મ અને સંસ્કૃતિ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. સૂર્યને જળ અર્પણ કરવું, પાયલ કે બંગડી પહેરવી, મસ્તકના આજ્ઞાચક્ર પર તિલક લગાવવું - આ બધી જ બાબતો પાછળ અધ્યાત્મની સાથે સાથે વિજ્ઞાનનાં ઊંડાં તથ્યો રહેલાં છે. આપણે કોઈ અન્યની નકલ કરીને નથી ચાલવાનું, કારણ કે આપણે મૂળભૂત રીતે આધુનિક જ છીએ. આપણા ૠષિ-મુનિઓ શ્રેષ્ઠ સર્જકો હતા. આ જ યુગમાં રહીને આપણે માત્ર પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણથી બચવાનું છે. પર્યાવરણની સમસ્યાનું વાસ્તવિક સમાધાન ભારતની માતૃશક્તિ પાસે છે. જો તે પોતાના ઘરનું રસોડું, બાથરૂમ અને પૂજાઘર વ્યવસ્થિત કરી લે અને ત્યાંથી નીકળતા કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરે, તો ૧૦૦ કરોડ પરિવારો મળીને ભારતની આ સંસ્કૃતિને ફરીથી સુરક્ષિત કરી લેશે એ નિશ્ચિત છે. ટૂંકમાં આપણી ભારતીય સંસ્કૃતિના માર્ગ પર ચાલીને જ આપણે આ સમસ્યાનું સમાધાન કરી શકીશું.
અત્યારે જનજાગૃતિ અને ચિંતન વધ્યું છે, ઘણા લોકો આ વિષયમાં લખી રહ્યા છે અને કાર્ય પણ કરી રહ્યા છે, તો આપનો અનુભવ શું કહે છે? વ્યાવહારિક રીતે કોઈ સકારાત્મક પરિણામો દેખાઈ રહ્યાં છે?
સરેરાશ જાગૃતિ કેટલી વધી છે તે જોવું રહ્યું. અગાઉ આપણી દાદી-નાનીના યુગમાં સોએ સો લોકો પ્રકૃતિપ્રેમી હતા અને બધું જ ઓર્ગેનિક હતું. ત્રણ વર્ષના બાળકને પણ એવું શીખવવામાં આવતું કે સ્નાન કરીને તુલસીમાં જળ ચઢાવ્યા પછી જ દૂધ
કે ચા મળશે. આ માત્ર ધાર્મિક વિધિ નહોતી, પણ બાળક સવારે વહેલાં ઊઠીને પ્રકૃતિના સંપર્કમાં આવે, સૂર્યપ્રકાશમાંથી વિટામિન-ડી મેળવે અને પવિત્ર વાતાવરણમાં શુદ્ધતાનો અનુભવ કરે તેવો સાયન્ટિફિક અભિગમ હતો. તુલસીને ‘મા’ કહીને પ્રણામ કરવા પાછળ કૃતજ્ઞતાની ભાવના અને મનોવૈજ્ઞાનિક રીતે અહંકાર ઓગાળવાનો બોધ રહેલો હતો.
અગાઉ બાળક બોલતાં શીખે ત્યારે આપણે તેને પ્રણામ કે ‘રામ-રામ’ કરવાનું શીખવતા, જે વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ફેલાવતું. આજે આપણે બાળકને ‘હાય-હેલો’ અને ‘ગુડ મોર્નિંગ’ કરવાનું તેમજ હેન્ડશેક કરવાનું શીખવીએ છીએ. જો તમે બારીકીથી જોશો તો ખ્યાલ આવશે કે પ્રહાર ક્યાં થઈ રહ્યો છે. જો માતૃશક્તિ પોતાના આચરણ, આવરણ અને આંચલને સંભાળી લે, તો પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ એક દિવસમાં ઉકેલાઈ શકે છે.
આ સમસ્યા વૈશ્વિક હોવા છતાં, ભારતની પર્યાવરણની સમસ્યાના વિષયમાં કોઈ ખાસ સંશોધનો કે પ્રયોગો થયા હોય અને તેનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો હોય તો કહો.
મેં કહ્યું તેમ જાગૃતિ આવી રહી છે! પરંતુ પહેલાંની સરખામણીએ આપણી જીવનશૈલી ઘણી બદલાઈ છે. આપણે દાદી-નાનીની વાતોને આજે ‘તમે કંઈ નથી જાણતા.. તમને ના ખબર પડે!’ એવું કહીને નકારી દઈએ છીએ. પણ ખરેખર તો તેઓ આપણને નાની નાની વાતોમાં શિખામણ આપતાં - જેમ કે પગ ન હલાવવા, પાણીનો બગાડ ન કરવો, કારણ કે પાણી વહી જશે તો લક્ષ્મી જતી રહેશે. આમ તેઓ આ બાબતોને ડર, લોકોક્તિઓ કે પ્રેમ દ્વારા સંસ્કારો સાથે જોડતાં હતાં. પણ આજે આપણે સામે પૂછીએ છીએ કે પાણી વહાવવાથી લક્ષ્મી કેવી રીતે જતી રહે? વાસ્તવમાં પાણી જશે તો બુદ્ધિ પણ જતી રહેશે. જ્યારે શુદ્ધ પાણી જ નહીં હોય તો શુદ્ધ વિચારો ક્યાંથી આવશે? આપણે અશુદ્ધ પાણીથી શાકભાજી ઉગાડીએ છીએ અને તે ગ્રહણ કરીએ છીએ. આજે કન્યાકુમારીથી કાશ્મીર અને ગુજરાતથી આસામ સુધી નદીઓ, જંગલો અને પહાડોની સ્થિતિ સમાન રીતે ચિંતાજનક છે. એરપોર્ટ પર ડસ્ટબિન શોધીને તેમા કચરો નાંખતો હોય એવા વિડિયો બનાવતો વ્યક્તિ બસ-સ્ટેન્ડ પર આવીને ગંદકી કરતાં અચકાતો નથી. વ્યક્તિ એ જ છે, પણ સ્થાન મુજબ તેનો વ્યવહાર બદલાઈ જાય છે.
આપણામાં આત્મચિંતન અને આત્મમંથનનો અભાવ છે કારણ કે આપણે ધ્યાન અને આત્મજ્ઞાનથી વિમુખ થઈ ગયા છીએ. જે દિવસે આપણે ફરીથી અધ્યાત્મ અને યોગ તરફ વળીશું, ત્યારે આપણને આ મૂલ્યોની કિંમત સમજાશે. આજે જે નેબ્યુલાઈઝરનો ઉપયોગ થાય છે, તેને મહર્ષિ પતંજલિએ પ્રાણાયામના રૂપમાં વર્ષો પહેલા આપ્યું હતું. તે કુદરતી નેબ્યુલાઈઝર હતું, જે જંગલની શુદ્ધ હવામાં થતું હતું, જ્યારે આજે બધું જ આર્ટિફિશિયલ અને અશુદ્ધ થઈ ગયું છે.
અંતમાં, અમારા વાચકો માટે પર્યાવરણ સુરક્ષાનો કોઈ સંદેશ આપશો?
મારી આપ સૌને વિનંતી છે કે તમે માત્ર તમારા પોતાના ઘરની જવાબદારી ઉઠાવો. હું જે ૧૩,૦૦૦ કિલોમીટર પગપાળા ચાલી રહી છું અને ૫૫ લાખ છોડ વાવી ચૂકી છું, તે માત્ર મારા માટે કે મારા પરિવાર માટે નથી, પણ સમગ્ર ભારત માટે છે. નવી પેઢીના લોકોએ જાતિ, રંગ, રાજનીતિ અને સામાજિક મર્યાદાઓથી ઉપર ઊઠીને મા ભારતીના સંરક્ષણ માટે કાર્ય કરવું પડશે.
આ કાર્યની શરૂઆત માતૃશક્તિના રસોડા અને પૂજા ઘરથી જ થઈ શકે છે. જે દિવસે આપણે કચરાનું વ્યવસ્થાપન અને સંસાધનોની બચત શરૂ કરી દઈશું, તે દિવસે પર્યાવરણ સુરક્ષિત થઈ જશે. જે દિવસે માતૃશક્તિ ઝાંસીની રાણી કે અહિલ્યાબાઈ હોલકર જેવી મક્કમતા સાથે સંકલ્પ કરશે કે, હું મારા ઘર અને દેશની પ્રકૃતિ પર કોઈ હુમલો નહીં થવા દઉં, તે દિવસે પરિવર્તન નિશ્ચિત છે. હું ઉંમર અને અનુભવમાં નાની છું, પણ મેં વડીલો પાસેથી જે શીખ્યું છે તે જ ફરીથી આજની પેઢીને સમજાવવાનો પ્રયાસ કરી રહી છું. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં આવીને આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ પર પ્રહાર ન કરો. દરરોજ અડધો ગ્લાસ પાણી બચાવવું એ પણ બહુ મોટી શરૂઆત હશે. નર્મદે હર.
રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.