જાવેદ અખ્તર અને મુફ્તી નદવીની ‘ગોડ’ પરની ચર્ચા: શું આ આખું નાટક સ્ક્રિપ્ટેડ હતું? જાણો અસલી સત્ય!

એક તરફ મુફ્તિ નદવી અને બીજી તરફ જાવેદ અખ્તર. એટલે લાગે કે જાવેદ મિયાં તો ઇસ્લામના પણ એટલા જ જાણકાર છે. તેમની વાતોમાં તર્ક હોય છે. તેઓ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ સાથે મોઢું બગાડીને ચર્ચા કરી શકે છે.

    ૦૯-જાન્યુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Javed Akhtar vs Mufti Nadvi

‘ગૉડ છે કે નહીં’ સ્ક્રિપ્ટેડ ચર્ચામાં જાવેદ અખ્તરની હાર!

 
ગત ૨૦ ડિસેમ્બરે દિલ્લીની કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં મુફ્તિ શમાઇલ નદવી અને જાવેદ અખ્તર વચ્ચે ‘Does God exit?’ (ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં?) પર જોરદાર ચર્ચા થઈ. જે લોકો પ્રવાહમાં વહી જવાની ક્ષમતા ધરાવતા હોય તેમણે આ ચર્ચા જોવી જ જોઈએ. પરંતુ જો પ્રવાહમાં વહી ગયા તો લાગશે કે ઇસ્લામ આટલો તાર્કિક પંથ છે! અને આ મુફ્તિ તો કેટલા તાર્કિક છે! તેમણે ભલભલાની બોલતી બંધ કરી દેતા જાવેદ અખ્તરને હરાવી દીધા.
 
ફિલ્મ લેખક સલીમ-જાવેદ પૈકીના જાવેદ અખ્તર…હા, એ જ સલીમ-જાવેદ જેમણે ‘દીવાર’માં હાજી મસ્તાન નામના ગુંડાનું હિન્દુકરણ કર્યું. તેને શંકર ભગવાનમાં વિશ્વાસ ન ધરાવતો બતાવ્યો. અને ૭૮૬માં વિશ્વાસ ધરાવતો બતાવ્યો. એ જ સલીમ-જાવેદ જેમણે ‘શાન’માં ‘આતે જાતે હુએ, સબ પર નજર રખનેવાલા’ અબ્દુલ બતાવ્યો, જેની હત્યા થઈ જાય છે અને એ જ ‘શાન’માં એક પોલીસ અધિકારીના બે દીકરા સાધુનો વેશ ધરીને ઠગાઈ કરે છે.
 
આવી તો આખો ગ્રંથ થાય તેવી બાબતો છે. આ જાવેદ મિયાં બોલકા છે. તેઓ વિવિધ ચર્ચાઓમાં ભાગ લે છે. ક્યારેક ભાષા પરની (ઉર્દૂની જોરદાર તરફેણ કરે છે.) તો ક્યારેક ફિલ્મો પરની. ક્યારેક સામાજિક વિષય પરની. તેઓ ક્યારેક-ક્યારેક પોતાને તટસ્થ દેખાડવા એમ પણ કહે છે કે, ‘યુગાંતર’માં મેં શ્રી કૃષ્ણનાં અનેક નામોવાળું ગીત બનાવ્યું હતું. તેમના ચમચાઓ એમ પણ કહે છે કે, ‘લગાન’માં તેમણે ‘ઓ પાલનહારે’ ગીત લખ્યું હતું. જોકે તેઓ એવું કહેવાનું ભૂલી જાય છે કે, તેમાં સાકાર મૂર્તિ આગળ પ્રાર્થના તો થાય છે પરંતુ શબ્દો છે - ઓ પાલનહારે નિર્ગુણ ઔર ન્યારે. હિન્દુ તો સાકારથી નિરાકાર તરફની યાત્રામાં માને છે, પરંતુ જાવેદ મિયાંએ અહીં સીધા નિર્ગુણને જોડીને ઇસ્લામના નિર્ગુણ, નિરાકારની જ વાત કરી દીધી.
 
જાવેદ મિયાં પોતાને નાસ્તિક (atheist) કહે છે, પરંતુ તેમણે ફિલ્મો દ્વારા ઇસ્લામનો પ્રચાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું.
એક તરફ મુફ્તિ નદવી અને બીજી તરફ જાવેદ અખ્તર. એટલે લાગે કે જાવેદ મિયાં તો ઇસ્લામના પણ એટલા જ જાણકાર છે. તેમની વાતોમાં તર્ક હોય છે. તેઓ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ સાથે મોઢું બગાડીને ચર્ચા કરી શકે છે. તો મુફ્તિ નદવીને તો તેઓ હરાવી જ દેશે, પરંતુ તેમ ન થયું. મુફ્તિ નદવીથી તેઓ હારી ગયા. હા, હારી ગયા શબ્દ જ ઉપયુક્ત છે. કારણકે તેમણે બોદી દલીલો કરીને હારવાનું જ હતું.
 
આ આખું નાટક કેમ લાગે છે. તેનાં કારણો સમજીએ.
 
કારણ ૧....
 
આ આખી ચર્ચા ‘લાલભાઈ ટૉપ પર’ અર્થાત્ ‘લલ્લનટૉપ’ પર સૌરભ દ્વિવેદીએ ગોઠવી હતી. પહેલા તબક્કામાં તેમાં વારાફરતી પોતાની વાત મૂકવાની હતી. સામેવાળાની વાતનું ખંડન કરવાનું હતું. બીજા તબક્કામાં એકબીજાને સામસામે પ્રશ્ન કરવાના હતા. અને ત્રીજા તબક્કામાં શ્રોતાઓના પ્રશ્નોના ઉત્તરો આપવાના હતા. લલ્લનટૉપ પર ચર્ચા હોય એટલે ધારેલું પરિણામ જ મેળવી બતાવવાનું હોય. સૌરભ દ્વિવેદીનો ડાબેરી ઝુકાવ જાણીતો છે. આ જ કૉલમમાં આપણે જોઈ ગયા છીએ કે, ડાબેરી ઊગીને ઊભી થતી કથિત ઇતિહાસકાર રુચિકા શર્મા જે વિચિત્ર મેકઅપ કરતાં-કરતાં વિકૃત ઇતિહાસ ઊભો કરી મુસ્લિમ આક્રાંતાઓની તરફેણમાં અને હિન્દુઓ વિરુદ્ધમાં બોલે છે તેનો સૌરભ દ્વિવેદી ઇન્ટરવ્યૂ કરે છે. જમણેરીઓને આકરા સામા પ્રશ્નો કરતા સૌરભ દ્વિવેદી રુચિકા શર્માને આકરા પ્રશ્નો નથી કરતા.
 
વિકાસ દિવ્યકીર્તિ તેમના આઈએએસ શિક્ષણના વર્ગના નામે ‘રામાયણ’ની ખોટી વિગતો આપીને શ્રી રામ અને સીતા માતા વિશે એલફેલ વાતો કરે છે ત્યારે સૌરભ દ્વિવેદી તેમને ‘લલ્લનટૉપ’નો મંચ પૂરો પાડી તેમને સ્પષ્ટતા કરવા પૂરતી છૂટ આપે છે. તે સમયે પણ કોઈ આકરા સામા પ્રશ્નો નહીં, પરંતુ એક પુસ્તકને ટાંકીને નુપૂર શર્માએ કહ્યું ત્યારે નુપૂરને આવી કોઈ તક તેમણે નહોતી આપી.
 
કારણ ૨....
 
આ કાર્યક્રમમાં જાવેદ અખ્તરના સમર્થકો ઓછા હતા. મુફ્તિના સમર્થકો વધુ હતા. મુફ્તિની દલીલો પર વધુ તાળીઓ પડતી હતી.
 
કારણ ૩....
 
આ આખી ચર્ચા અલ્લાહનું અસ્તિત્વ છે કે નહીં તેના પર જ હતી. ઈશ્વરની કે ગૉડની વાત નહોતી. હિન્દુ મત મુજબ તો સર્વ શક્તિમાન ઈશ્વર એક જ છે. તેનું નામ ભગવાન, ઈશ્વર, અલ્લાહ કે ગૉડ હોઈ શકે છે, પરંતુ અહીં વાત મુસ્લિમોની છે. તેઓ એમ કહે છે કે ના, ભગવાન જેવું કંઈ નથી. અલ્લાહ જ છે. એટલે ચર્ચાનું શીર્ષક ભલે અંગ્રેજી ‘Does God exist?’ એવું રાખ્યું હોય, પરંતુ ચર્ચા માત્ર અલ્લાહ છે કે નહીં તેની આસપાસ જ હતી. કાર્યક્રમમાં આવેલા લોકોમાં જે હિન્દુ દેખાતા હતા તેમણે પણ હિન્દુ મત પ્રમાણેના તર્ક કરીને પ્રશ્ન પૂછ્યા નહીં.
 
કારણ ૪....
 
સૌથી મોટું કારણ. આ ચર્ચા ભલે સૌરભ દ્વિવેદીએ સંચાલિત કરી, તેનું પ્રસારણ ભલે ‘લલ્લનટૉપ’ની યુટ્યૂબ ચેનલ પર થયું, પરંતુ આયોજન કોલકાતા સ્થિત વહાઇન ફાઉન્ડેશન અને દિલ્લી સ્થિત એકેડેમિક ડાયલૉગ ફૉરમે કર્યું હતું. વહાઇન ફાઉન્ડેશનના પ્રમુખ બીજું કોઈ નહીં, પરંતુ મુફ્તિ શમાઇલ નદવી પોતે જ છે. એટલે કે ચર્ચામાં જાવેદ અખ્તરે હારી જ જવાનું હતું અને ભારતમાં (વિશ્વભરમાં પણ) કટ્ટર મુસ્લિમો વિરુદ્ધ જે મત છે તેને ઠંડો પાડવાનું કાર્ય કરવાનું હતું. (સદુગુરુ જેવી રીતે બરખા દત્તથી લઈને જાવેદ અખ્તર સાથે ચર્ચા કરતા હતા તે જોઈને મુફ્તિને આ વિચાર આવ્યો લાગે છે. ચાલો, ચર્ચા સુધી તો કમ સે કમ આવ્યા. અત્યાર સુધી તો ‘અમે બોલીએ તે જ સાચું’ તેવું જ આ લોકો કહેતા હતા અને તેના માટે તેમની પાસે એક જ શસ્ત્ર હતું- ટોળાની હિંસા.)
 
જાવેદ અખ્તરની કઈ દલીલો હતી? જાવેદ મિયાંએ કહ્યું કે, ગૉડ હોય તો દુનિયામાં આટલો અત્યાચાર, દુઃખ, પીડા કેમ છે? તેમણે કહ્યું કે નૈતિકતા તો માણસે બનાવેલી બાબત છે.
 
બાંગ્લાદેશમાં દીપુચંદ્ર દાસ (ભલે કદાચ અપમાન ન કર્યું હોય તોય તેને મારી નખાયો તેમ) જેવી સ્થિતિ જાવેદ અખ્તરની પણ થઈ શકે. નદવીએ કહ્યું કે ડૉક્ટરો જે દવા આપે છે તેમાં આપણે તર્ક નથી કરતા, કારણ કે આપણે તેમના જ્ઞાન અને (દવા આપવાની) સત્તાને માનીએ છીએ. તો જાવેદ અખ્તરે કહ્યું કે, ‘નહીં, નહીં…ડૉક્ટર ઔર ખુદા મેં બડા ડિફરન્સ હૈ. ડૉક્ટર તો પઢા-લિખા હોતા હૈ...’ આવું જો હિન્દુ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, યહૂદીએ કહ્યું હોત તો તેની ટોળાએ હત્યા કરી નાખી હોત.
પરંતુ જાવેદ અખ્તર સામે કંઈ નહીં થાય, કારણ કે તે લોકો જાણે છે કે, જાવેદ અખ્તર આપણા માટે કામના છે. જાવેદ અખ્તરની તોપ હિન્દુ મત સામે તકાયેલી છે. તેમણે હિન્દુઓને કઈ રીતે મનથી મુસ્લિમ બનાવ્યા છે તે તેઓ જાણે છે. વળી, જાવેદ અખ્તરે અહીં ચાલાકી કરી હતી. તેમણે ‘ખુદા’ શબ્દ વાપર્યો હતો. જે લોકો ઇસ્લામને સારી રીતે જાણે છે તે જ અલ્લાહ અને ખુદા વચ્ચેનો તફાવત સમજી શકશે.
 
પહેલાં ભારતમાં ‘ખુદા’ શબ્દ જ વપરાતો હતો. પરંતુ ’૮૦ના દાયકા પછી જેમ-જેમ કટ્ટરતા વધી તેમ-તેમ ‘ખુદા’ શબ્દ વાપરવાનું બંધ કરી દેવાયું અને ‘અલ્લાહ’ શબ્દ વપરાવા લાગ્યો. દા. ત. પહેલાં આવજો કહેવા માટે મુસ્લિમો ‘ખુદાહાફિઝ’ કહેતા હતા, પરંતુ પછી ‘અલ્લાહહાફિઝ’ કહેવા લાગ્યા. કારણ? ખુદા શબ્દ ફારસી છે. ઈરાનનો છે. અને ઈરાનમાં શિયા બહુલતા છે. અને અલ્લાહ સાઉદી અરબિયાનો-અરબી શબ્દ છે. વિશ્વભરમાં સુન્નીઓ ૮૫થી ૯૦ ટકા છે. શિયાઓ માત્ર ૧૦થી ૧૫ ટકા જ છે. પારસીઓ ‘ખોદાયજી’ કહેતા હતા, તેઓમાંથી ઘણા શિયા થઈ ગયા. તેથી ખુદા શબ્દ ફારસી શબ્દ છે. એ ન વપરાય. એટલે જાવેદ અખ્તરે ચતુરાઈપૂર્વક ડૉક્ટર વિરુદ્ધ ખુદા શબ્દ વાપર્યો. અલ્લાહ નહીં.
 
આખી ચર્ચામાં મુફ્તિએ અંગ્રેજીના ભારેખમ શબ્દો ‘Contigency’, ‘Infinite Regress Of Causes’, ‘Necessary Being Existance’, ‘Objective Morality’ વારંવાર વાપર્યા. જાવેદ અખ્તરને આ શબ્દો બાઉન્સર ગયા. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેને સરળ રીતે સમજાવો. આ શબ્દોમાં મને ગતાગમ નથી પડતી. આવું બને ખરું? જાવેદ મિયાં અંગ્રેજીના પણ સારા જાણકાર છે. પોતાની વાતને મજબૂત બનાવવા આ ત્રણ શબ્દો મુફ્તિ ગોખીને આવ્યા હોય તેમ વારંવાર આ જ વાપરતા હતા. એક કૉમેડી કાર્યક્રમમાં હિન્દુવિરોધી મુન્નવર ફારુકીએ મૌલાનાઓને અંગ્રેજી નથી આવડતું તેવો ટોણો માર્યો હતો તેનો જાણે કે આ ઉત્તર હતો.
 
આખી સ્ક્રિપ્ટેડ લાગતી ચર્ચા હોવા છતાં જાવેદ અખ્તરના હાથ ધ્રૂજતા હતા. તેમને પણ ડર લાગતો હતો. (કોઈ ચમચાએ એવી દલીલ કરી કે, તેમને પાર્કિન્સન છે. આ વાત ખોટી છે.) તેમણે અંતમાં એમ કહીને વાત વાળી લીધી કે, તેઓ કાર્યક્રમ પછી મુફ્તિ સાથે ભોજન લેશે.
 
મુફ્તિ નદવીને હીરો બનાવીને લલ્લનટૉપે બહુ મોટી બદમાશી કરી છે. આ ચર્ચામાં મુફ્તિ નદવીએ ‘ઇઝરાયેલ’ને ‘ઑક્યુપાઇડ પેલેસ્ટાઇન’ સંબોધિત કર્યું. અર્થાત્ હિન્દુ ધર્મ જેવો વિશાળ મત નદવીનો નથી. નદવી માત્ર મુસ્લિમો પૂરતી જ વાત કરે છે. તેમના અલગ એક વિડિયોમાં તેઓ કહે છે કે શરિયા દેશથી મોટો છે. મુફ્તિ દારુલ ઉલૂમના વિદ્યાર્થી હતા.
તમે જુઓ કે જાવેદ અખ્તર ભલે તાર્કિક અને તટસ્થ ગણાતા હોય, પરંતુ નદવીની જેમ તેમને પણ દુઃખ ગાઝાના મુસ્લિમોનું જ છે. તેમણે ‘ગૉડ નથી’ તેવું સાબિત કરવા કહ્યું કે તો પછી ગાઝામાં નિર્દોષ (મુસ્લિમ) બાળકો કેમ મરી રહ્યાં છે? નદવીને તો બાંગ્લાદેશમાં મરાઈ રહેલા હિન્દુઓની ચિંતા ન હોય તે સ્વાભાવિક છે, ચીનમાં મરાઈ રહેલા ઉઈગર મુસ્લિમોની ચિંતા ન હોય તે સ્વાભાવિક છે, પાકિસ્તાનમાં અહમદિયાઓની ચિંતા ન હોય તે સ્વાભાવિક છે, પરંતુ એક નાસ્તિક અને તર્કવાદી જાવેદ અખ્તરને પણ અલ્લાહનું અસ્તિત્વ નથી તેમ સાબિત કરવા ગાઝાની દલીલ આપવી પડે?
 
આ ચર્ચામાં અલ્લાહ છે તેમ સાબિત કરવા મુફ્તિ નદવીએ બળાત્કાર અને હત્યાઓને પણ ઉચિત ગણાવી! તેમણે કહ્યું કે આવું થાય તો જ અલ્લાહની મહત્તા આપણને સમજાય. આની સામે જાવેદ અખ્તરે વાંધો લીધો. પરંતુ તમે જુઓ, કે જો મુફ્તિ નદવીની જગ્યાએ કોઈ ભગવાં વસ્ત્રધારી કે રાષ્ટ્રવાદી વ્યક્તિ હોત તો મીડિયાએ ઉપાડો લીધો હોત, ‘ફલાણા બાબાએ બળાત્કાર અને હત્યાને યોગ્ય ગણાવ્યાં!’ પરંતુ આ ચર્ચાનું જેટલું પણ કવરેજ થયું તેમાં એક પણ માધ્યમે આ વાતની નોંધ જ નથી લીધી!
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…