મુખપૃષ્ઠ વાર્તા । સમર્થ ભારતનો મહામાર્ગ મેકોલેથી મુક્તિ મૂલ્યોની સ્વીકૃતિ

સમય પાકી ગયો છેઃ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવાનો.. આપણાં અણમોલ મૂલ્યોને અપનાવવાનો..

    ૦૯-જાન્યુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

End of Macaulayism

સમર્થ ભારતનો મહામાર્ગ મેકોલેથી મુક્તિ મૂલ્યોની સ્વીકૃતિ

૧૮૩૫માં મેકોલે નામના એક અંગ્રેજે ભારતને પોતાના સાંસ્કૃતિક મૂળમાંથી ઉખાડી ફેંકવાનાં બીજ વાવી માનસિક ગુલામીનો પાયો નાખ્યો હતો. ૨૦૩૫માં એ અપવિત્ર ઘટનાને ૨૦૦ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ એક કાર્યક્રમમાં ૨૦૩૫ પહેલાં જ ભારતને એ માનસિક ગુલામીમાંથી મુક્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હોવાની વાત કરી છે. ત્યારે કેવી રીતે મેકોલેએ યોજનાપૂર્વક ભારતને હંમેશા માટે માનસિક રીતે અંગ્રેજોના ગુલામ બનાવી રાખવાનો પાયો નાખ્યો હતો, શી હતી મેકોલેની મંશા અને માનસિકતા એ અંગે વિશેષ છણાવટ આ મુખપૃષ્ઠ વાર્તામાં...
 
 
-  મેકોલે, એ અંગ્રેજ જેણે આપણી મૂળ ભારતીય શિક્ષણ પદ્ધતિ પર પ્રહાર કરીને એક વિદેશી શિક્ષણ પદ્ધતિ થોપી.
- આપણી ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવા માયાજાળ રચીને આપણાં મૂલ્યોને વેગળાં કર્યાં, એનાં કાવતરાં ખુલ્લાં પડ્યાં.
-  સમય પાકી ગયો છેઃ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવાનો.. આપણાં અણમોલ મૂલ્યોને અપનાવવાનો..
 
ભારતની કોમ્યુનિસ્ટ અને માર્ક્સવાદી જમાત ભારત, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને બદનામ કરવા જૂઠાણાંસભર અને નકલી ઇતિહાસ ગઢવા માટે કુખ્યાત છે. આ જમાતનાં આવાં જ હળાહળ જૂઠાણાંઓમાનું એક છે - ‘મેકોલેની શિક્ષણપ્રણાલીએ ભારતના શિક્ષણની દિશા અને દશા બદલી નાખી.’ પરંતુ સત્ય શું છે? મેકોલે ભારત અને ભારતીયતાને કેટલી હદે નફરત અને ઘૃણા કરતો હતો એ મેકોલે દ્વારા લખાયેલ પત્રોથી જ સાબિત થાય છે. મેકોલે દ્વારા લખાયેલ પત્રો તેના ભારતીય સભ્યતાને નષ્ટ કરવા અને ભારતનું શોષણ કરવાના દુર્ભાવનાપૂર્ણ હળાહળ સાંપ્રદાયિક ઉદ્દેશ્યને ઉઘાડો પાડે છે. મેકોલે ૧૨ ઑક્ટોબર, ૧૯૩૬ના રોજ ભારતથી પોતાના પિતા જૈકરી મેકોલેને એક પત્ર લખ્યો હતો. તેમાં તે લખે છે કે,
 
‘પ્રિય પિતાજી,
 
ભારતમાં આપણી અંગ્રેજી શાળાઓ ખૂબ ફૂલીફાલી રહી છે. તમામ ઇચ્છુક વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું અમારા માટે અઘરું, બલ્કે કેટલાંક સ્થાનો પર તો અશક્ય છે. હુગલી નામના એક નાના વિસ્તારમાં ચૌદસો યુવકો અંગ્રેજી શીખી રહ્યા છે. હિન્દુઓ પર આ શિક્ષણનો પ્રભાવ અત્યંત વ્યાપક છે. અંગ્રેજી શિક્ષણ મેળવનાર કોઈ પણ હિન્દુ પોતાના ધર્મ પ્રત્યે પૂર્ણ નિષ્ઠા નથી રાખતો. કેટલાક કહેવા ખાતર જ ધર્મનું પાલન કરે છે. ધીરે ધીરે લોકો પોતાને શુદ્ધ એકેશ્વરવાદી માનવા લાગી ઈસાઈ મત અપનાવી રહ્યા છે. વધુમાં તે કહે છે કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, જો અંગ્રેજી શિક્ષણ સંબંધિત યોજનાઓનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે, તો ત્રીસ વર્ષ બાદ બંગાળના સંભ્રાંત વર્ગોમાં એક પણ મૂર્તિપૂજક નહિ બચે અને હું આ સંભાવનાથી અત્યંત પ્રસન્ન છું.’
 
મેકોલેએ પોતાના પિતાને લખેલો આ પત્ર (૧) ભારત અને ભારતની સનાતન સભ્યતાને નષ્ટ કરવા અને (૨) ભારતને કાયમી પરાધીન બનાવી રાખી શોષણ કર્યે રાખવાના અંગ્રેજોના દુર્ભાવનાપૂર્ણ ઉદ્દેશ્યને સ્પષ્ટરૂપે ઉજાગર કરે છે. છતાં પણ સામ્યવાદી ઇતિહાસકારો અને કથિત બુદ્ધિજીવી વર્ગ અને સેક્યુલરવાદી રાજનૈતિક પક્ષો તેની પ્રશંસા કરતાં થાકતા નથી. એ આપણા દેશનું મોટું દુર્ભાગ્ય છે. આવા જ અન્ય એક પ્રસંગે પણ મેકોલેની ભારતીય સભ્યતાવિરોધી ભાવના છતી થઈ છે. તે છે મેકોલે દ્વારા ૧૮૩૫માં બ્રિટિશ પાર્લિયામેન્ટને સંબોધન.
 
ભારતીય શિક્ષણ પર મેકોલેનું ભાષણ (૧૮૩૫)
 
માનનીય સદસ્યો,
 
આજે હું ભારતમાં શિક્ષણની દિશા અને ઉદ્દેશ્ય પર મારા વિચાર આપની સમક્ષ રજૂ કરું છું. ભારત એક વિશાળ દેશ છે, જેની જનસંખ્યા ખૂબ જ વધારે છે, પરંતુ આપણાં સંસાધનો સીમિત છે. એવી સ્થિતિમાં એ સંભવ નથી કે આપણે પ્રત્યેક વ્યક્તિને પ્રત્યક્ષરૂપે શિક્ષિત કરી શકીએ માટે આપણે એવી એક શિક્ષણનીતિ અપનાવવી પડશે જેનો સમાજ પર દૂરગામી પ્રભાવ પડે. મારો મત એવો છે કે, આપણે એક એવો વર્ગ તૈયાર કરવો જોઈએ જે લોહી અને રંગથી ભારતીય હોય, પરંતુ વિચારો – નૈતિકતા અને બૌદ્ધિકતાથી અંગ્રેજ હોય. આ જ વર્ગ આગળ જઈ જનતા અને શાસન વચ્ચે સેતુનું કાર્ય કરશે. તેમજ આધુનિક જ્ઞાનનો પ્રસાર કરશે.
 
ભારતના પારંપરિક શિક્ષણના સંસ્કૃત અને અરબી સાહિત્યમાં આધુનિક વિજ્ઞાન, દર્શન અને પ્રશાસનિક જ્ઞાન પર્યાપ્ત રૂપે નથી. યુરોપના સાહિત્ય અને વિજ્ઞાનમાં તે શક્તિ છે. એક સારા યુરોપીય પુસ્તકાલયની એક અલમારી પણ ભારતના સંપૂર્ણ પારંપરિક સાહિત્યથી વધારે ઉપયોગી સિદ્ધ થઈ શકે છે એવો મને દૃઢ વિશ્વાસ છે. અતઃ મારું સૂચન છે કે, ‘શિક્ષણનું માધ્યમ અંગ્રેજી રાખવામાં આવે. આ નીતિના માધ્યમથી આપણે ભારતમાં શિક્ષણનો એક નવો યુગ પ્રારંભ કરી શકીએ છીએ. ધન્યવાદ.
 
૧૮૩૫ મેકોલેના ભારતીય શિક્ષણ પરના ભાષણ- ‘Minute on Indian Education’ એ ભારત અને ભારતીયોનો ઉપહાસ, યુરોપીય અહંકારી ભાવનાથી ગ્રસ્ત છે. યુરોપીય જ્ઞાનપ્રણાલીઓની સામે સંસ્કૃત સાહિત્યની સમૃદ્ધ, સહસ્રાબ્દી પ્રાચીન પરંપરાઓ અમાન્ય ઠેરવવાનો પ્રયાસ ગેર-યુરોપીય સંસ્કૃતિઓ પ્રત્યે મેકોલેનું મહા અપમાન દર્શાવે છે.
 
ભારતના ‘સ્વ’ને મીટાવી દેવાનું સુનિયોજિત ષડયંત્ર
 
મેકોલેના સાંસ્કૃતિક સામ્રાજ્યવાદનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ તેનો એ પ્રસ્તાવ છે કે, ‘એક એવો વર્ગ બનાવવામાં આવે જે આપણી અને એ લોકો વચ્ચે મધ્યસ્થથી કામ કરે, જેના પર આપણે શાસન કરીએ છીએ; એક એવો વર્ગ જે રક્ત અને રંગે ભારતીય હોય, પરંતુ સ્વાદ વિચારો, નૈતિકતા અને બુદ્ધિથી અંગ્રેજ હોય.’ Indian in blood and colour, but English in tastes, in Opinion, in Morals and in intellect. (C.H.I.Vol. Vip) મેકોલેના આ કથનમાં ન માત્ર નસ્લીય અહંકારની ગંધ આવે છે, બલ્કે ભારતીય સમાજને ઉપનિવેશવાદીઓની છબીમાં ઢાળવા અને સમૃદ્ધ સ્વદેશી બૌદ્ધિક પરંપરાઓને નષ્ટ કરવાના તેના ભયાવહ આશયને પણ ઉજાગર કરે છે.
 
મેકોલેના એ ઉદ્દેશ્યોની પૂર્તિ માટે એ જરૂરી હતું કે, ‘ભારતના સાંસ્કૃતિક જાગરણને રૂંધવામાં આવે. જો ભારતમાં શિક્ષા, શિક્ષણની વ્યવસ્થા તેમજ શિક્ષણનું માધ્યમ ભારતીય ભાષાઓ જ બની રહે, તો એ અસંભવ હતું. મેકોલેની આ યોજનાને પાર પાડવા ભારતનાં પરંપરાગત શિક્ષણ સંસ્થાનોને બંધ કરવામાં આવ્યાં, શિક્ષાના ધ્યેય બદલવામાં આવ્યા અને માધ્યમ ભારતીય ભાષાઓને બદલે અંગ્રેજી બની આપણી પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા તેને મૂળ સમેત ઉખેડી ફેંકવામાં આવી. તેના સ્થાને અંગ્રેજ શિક્ષણપદ્ધતિ લદાઈ અને કહેવામાં આવ્યું કે, નોકરી એને જ મળશે જે અંગ્રેજી માધ્યમમાંથી અમુક-અમુક વિષયો ભણશે. તેમાં યુરોપિયન સાહિત્ય અને વિજ્ઞાન-ટેક્‌નોલોજી હશે. એટલે કે નોકરી મેળવવા માટે સેક્સપિયર, મિલ્ટનને વાંચવા પડશે. ગ્રીક સાહિત્યનું જ્ઞાન મેળવવું પડશે, પરંતુ ભારતનું શું ભણવું પડશે તેનો ક્યાંય ઉલ્લેખ મેકોલે નીતિમાં નથી થયો. જે મેકોલે મુજબનું શિક્ષણ મેળવશે તેને જ ડિગ્રી મળશે, તેજ એકેડિમિશિયન કહેવાશે ને તેને જ નોકરી મળશે. આગળ જઈ ભારત અંગે નાનો મોટો ઇતિહાસ ભણાવવામાં આવ્યો તો તે પણ ‘કેંબ્રિઝ હિસ્ટરી ઑફ ઇંડિયા’ના આધારે અભ્યાસક્રમ બનાવીને.
 
જો કોઈ વ્યક્તિ ભારતીય સંદર્ભોને આધારે ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠતા કે કોઈ તથ્યનું પ્રતિપાદન કરે તો તેને અંધશ્રદ્ધાળુ (Uncritical) અવૈજ્ઞાનિક (Unscientific) અનૈતિહાસિક (Unhistorical) તર્કવિરુદ્ધ (Irrational) પ્રમાણશૂન્ય (legendry) કે પછી મિથક (Mythology) જણાવી તેને નકારી દેવાની આખી પરંપરા મેકોલેવાદી શિક્ષણ પદ્ધતિમાં (શિક્ષણ વટાળ પ્રવૃત્તિ) ચાલી. તેની સામે જે કોઈ તુલનાત્મક અધ્યયનના નામે કોઈ પ્રાચીન આચાર્ય કે સાયણાચાર્ય વગેરે ભાષ્યકારોએ તારવેલાં શાશ્વત સત્યો અંગે ઊંધી ચત્તી વાતો માંડીને રજૂ કરે તો તેને તરત જ પી.એચડીની ડિગ્રીથી સમ્માનિત કરી દેવાતો. ઉંચો પગાર, મોટો બંગ્લો, પ્રાધ્યાપકનું પદ વગેરે લાલચોનો શિકાર બનીને આપણી પેઢીઓ ધીરે ધીરે આપણી ગૌરવવંતી શિક્ષણ પદ્ધતિથી દૂર થતી ગઈ, પરિણામે ભણેલાગણેલા વર્ગમાં ભારત, ભારતીયતાં પ્રાચીન જીવનમૂલ્યો પ્રત્યે અજ્ઞાન અને ઉપહાસનો ભાવ જન્મ્યો.
 
સ્વભાષા વિના નહિ ઉદ્ધાર
 
વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે, ઇંગ્લેન્ડની રાજભાષા એક સમયે ફ્રેન્ચ હતી તે સમયે ત્યાંના કેટલાક સ્વાભિમાનીઓમાં સળવળાટ થયો અને બ્રિટનની સંસદમાં ખરડો મૂક્યો કે, આપણું બધું જ કામ આપણી ભાષામાં જ થવું જોઈએ અને પછી ઇંગ્લેન્ડની રાજભાષા અંગ્રેજી બની. શિક્ષણનાં બધાં પુસ્તકો, અભ્યાસક્રમો સહિતના તમામ ગ્રંથો જડમૂડથી બદલી નાખવામાં આવ્યા અને પોતાની ભાષાને સમૃદ્ધ અને સર્વસ્વીકૃત બનાવી. પોતાના દેશમાં ‘શિક્ષણ પોતાની માતૃભાષામાં જ મળવું જોઈએ’ના કટ્ટર આગ્રહી અંગ્રેજોએ મેકોલે દ્વારા ભારતના માથા પર અંગ્રેજી મારી, જેનાં માઠાં પરિણામ એ આવ્યાં છે કે, આજે જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં ત્યાં અંગ્રેજી ભાષા-ભૂષાનો જ પ્રભાવ દેખાય છે, પરંતુ હકીકત શું છે? અંગ્રેજો ખૂબ સારી રીતે લખી-વાંચી-બોલી શકે તેવા લોકોની સંખ્યા આજે માંડ વીસ-પચ્ચીસ લાખની છે. એટલે કે ૧૪૫ કરોડ ભારતની વસ્તીમાં મુઠ્ઠીભર ગણ્યા ગાઠ્યા લોકો જ ઇંગ્લીશને પચાવી શક્યા છે. દેશના મોટા ભાગના લોકોને અંગ્રેજી માથે મારવામાં આવ્યું છે તેની પીડા આજે પણ છે. પરિણામે આમ જનતાને કેવો ત્રાસ વેઠવો પડે છે? સરકારી કચેરીમાં ભાગ લઈ શકતા નથી કોર્ટ-કચેરી, ન્યાયાલયમાં આમથી તેમ ફંગોળાવું પડે છે. અરે પરદેશી અંગ્રેજોએ પેદા કરેલી આ વ્યવસ્થામાં ભાષા સાથે ભૂષાની પણ અંધ નકલ કરવામાં આવે છે. આ માનસિક ગુલામીને સ્વતંત્ર પ્રજા સત્તા કેવી રીતે કહી શકાય.
 
આ બાબતે આપણે યહૂદીઓ પાસેથી શીખવુ જોઈએ સત્તરસો વર્ષ પછી પોતાની માતૃભૂમિ પાછી મળી તે પ્રજા સમગ્ર વિશ્વમાં વેર વિખેર હતી, જે બંજર ભૂમિમાં તણખલું પણ નહતું ઉગતું એ ભૂમિને નંદનવન બનાવી અને આ બધુ ‘સ્વ’ ગૌરવ વગર શક્ય ન હતું. ૧૯૪૮માં નવા બનેલા એ દેશની સરકારે દેશનો કારભાર, વ્યાપાર પોતાની જ ભાષામાં કરવો એવી ઘોષણા કરી અને પોતાની માતૃભાષા હિબ્રુને સજીવન કરી આજે પણ એ દેશની પોતાની હિબ્રુ ભાષામાં વહીવટ ચલાવે છે.
ઈઝરાયલ જેવો નાનો દેશ અને નાનો યહૂદી સમુદાય જો સત્તરસો વર્ષ પછી સ્વ-ભાષાને પુનઃ જીવીત કરી શકતો હોય તો આપણે ત્યાં તો માત્ર દોઢસો-બસો વર્ષથી જ માથે મારી દેવાયેલી પરાધીનતાની યાદ અપાવતી અંગ્રેજીને હટાવી આપણી માતૃભાષાઓને પુનઃ કેમ જીવિત ન કરી શકીએ?
 
માત્ર મેકોલે નહિ, અન્ય અનેક અંગ્રેજ શિક્ષણવિદો, અંગ્રેજ અધિકારીઓએ ભાતને કાયમ અંગ્રેજોનું ગુલામ બનાવી રાખવા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણની વકીલાત કરી છે.
 
પ્રસિદ્ધ અંગ્રેજ ડૉક્ટર ડફ લખે છે : ‘રોમન લોકો કોઈ દેશ જીતી લેતા ત્યારે તે દેશની ભાષા લિપિનો નાશ કરી ત્યાંના ઉપલા વર્ગના લોકોમાં રોમન ભાષા, આચાર, વિચાર લાદી દેતા. આ નીતિ રોમન સામ્રાજ્ય માટે લાભકારક થઈ.’ અંગ્રેજોએ પણ ભારત સાથે આવું જ કર્યુ છે.
 
અંગ્રેજ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો સન ૧૮૩૫થી કાયદો : ‘ભારતના રાજા-રિયાસતો સાથે અંગ્રેજ કંપનીનો બધો જ વ્યવહાર હવેથી અંગ્રેજી ભાષામાં જ કરવો.’ આ કાયદાથી ભારતમાં ફરજિયાત અંગ્રેજી ભાષાના મહત્ત્વ તરફની શરૂઆત થઈ.
 
વિલિયમ બેન્ટિકના સમર્થનમાં અંગ્રેજ ડૉક્ટર ડફ લખે છે : ‘ભાષાનો પ્રભાવ એટલો જબરદસ્ત હોય છે કે, ભારતમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થયા કરશે ત્યાં સુધી ભારતવાસીઓની ભક્તિ અને ઝુકાવ કાયમ આપણી તરફ જ રહેશે.’ એટલે કે તેઓ મનથી હમેશાં આપણા ગુલામ જ રહેશે.
 
‘જ્યોર્જ ઑરવેલ લખે છે : ‘કોઈપણ દેશની સંસ્કૃતિ અને ઓળખને નષ્ટ કરવાનો ચોક્કસ ઉપાય એ છે કે, તે દેશની ભાષાને હીન-નીચી બનાવી દેવી.’
 
સન ૧૭૯૨માં એક અંગ્રેજ અમલદારે કેળવણી ઉપર એક પુસ્તક લખ્યું હતું તેમાં જણાવ્યું હતું કે, આ અંગ્રેજી કેળવણીના વિજયમાં તો આપણા રાજ્યની સ્થિરતા છે તેથી આપણા રાજ્યનો વિનાશ નહીં થાય.
 
અંગ્રેજ નીતિજ્ઞ સર ફેડરીક હૉલેડે એક જગ્યાએ લખ્યું છે કે, ‘શિક્ષિત થયેલા ભારતવાસીઓ કરતાં અશિક્ષિત રહેલા ભારતવાસીઓ આપણા શાસન માટે વધારે ભયાવહ છે. કેવળ પશ્ચિમનું શિક્ષણ (કેળવણી) આપીને જ તેમનામાં રાષ્ટ્રીયતાના ભાવો પેદા થતા અટકાવી શકાશે અને શાસન માટેના ઉપયોગી યંત્રો બનાવી શકાશે.’
 
અંગ્રેજ ચાર્લ્સ ટ્રેવેલિયને જૂન, ૧૮૫૩ની ૨૩મીએ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ સમક્ષ કહ્યું : ‘જે ભારતીય યુવકો આપણી ભાષા અને સાહિત્ય વડે આપણી સાથે પરિચિત થાય છે તેમનામાં હિન્દુસ્થાનીપણું ઓછું થતું જાય છે અને અંગ્રેજીપણું વિશેષ આવતું જાય છે તથા આપણને તેમના મિત્ર-મદદગાર તેમજ બળવાન તથા ઉપકારક ગણે છે.’
 
મેકોલેના વિચારોનું વર્ણન કરતા સન ૧૮૫૩, જુલાઈની પાંચમીએ પ્રસિદ્ધ અંગ્રેજ એચ. એચ. વિલ્સને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ સમક્ષ કહ્યું હતું કે, ‘ખરું જોતાં આપણે અંગ્રેજી લખી-વાંચી જાણનારાઓની એક જ્ઞાતિ બનાવી દીધી છે. આ વર્ગ એવો છે કે, તેને પોતાના સમાજ-દેશ તેમજ દેશવાસીઓ તરફ બિલકુલ સહાનુભૂતિ નથી.’
 
જ્હૉન ગ્રોટફિડ વૉન હેડર નામના ફિલસૂફે વર્ષો પહેલાં જણાવ્યું હતું કે, ‘કોઈ ભાષા મરી પરવારે ત્યારે તેની સાથે સંકળાયેલા વિચારો, સભ્યતા, ધાર્મિકતા, રહેણીકરણી તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો પણ અંતિમ સંસ્કાર પામે છે.’
 
બેરિસ્ટર મહાત્મા ગાંધી ‘હિંદ સ્વરાજ’માં લખે છે : ‘કરોડો માણસોને અંગ્રેજી કેળવણી દેવી તે તેઓને ગુલામીમાં નાખવા બરોબર છે. મેકોલેએ જે કેળવણીનો પાયો રચ્યો તે ખરું જોતાં ગુલામીનો પાયો હતો... અંગ્રેજી કેળવણીથી દંભ, રાગ, જુલમ વગેરે વધ્યાં. અંગ્રેજી ભણનારે લોકોને ધૂતવામાં, તેઓને ત્રાસ પમાડવામાં મણા નથી રાખી.’
 
જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, ઇંગ્લૅન્ડ, ચીન, કોરિયા વગેરે જેવા દેશોએ તો પોતાની ભાષાને શિક્ષણના માધ્યમ તરીકે ક્યારની અપનાવી લીધી છે. સરકારમાં સર્વોચ્ચ હોદ્દો ભોગવતા પ્રમુખ કે વડા પ્રધાનથી લઈને સરકારી અધિકારીઓ પણ પરદેશમાં પોતાની ભાષામાં જ પ્રવચન આપે છે. દુભાષિયાએ ખડેપગે રહેવું પડે તો ભલે! પરંતુ બોલવાનું તો પોતાની ભાષામાં જ.
 
એક દાખલો રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનનો છે, જેઓ દુનિયાના કોઈપણ દેશની રાજદ્વારી મુલાકાતે જાય ત્યારે ત્યાં બધો વાર્તાલાપ પોતાની ભાષામાં જ ચલાવે છે. રશિયાના વિજ્ઞાનીઓ આજે પણ બધું સંશોધન માતૃભાષામાં કરે છે. અંતરિક્ષ ક્ષેત્રે રૂસી વિજ્ઞાનીઓએ અમેરિકાને વર્ષો સુધી હંફાવ્યું એ જાણીતી વાત છે. જાપાનીઓ પોતાની ભાષાથી જ ટેકનોલોજીના ક્ષેત્રે અમેરિકાને ઓવરટેક કરી ગયા છે.
 
શસ્ત્ર-સરંજામમાં તથા અણુવીજળીમાં ફ્રાન્સનું સ્થાન આગળ પડતું છે. મિરાજ-૨૦૦૦ અને આપણે ત્યાં પધરામણી થઈ તે રફાલ જેવાં લડાયક વિમાનો તેમજ અગોસ્તા પ્રકારની સબમરીન ફ્રાન્સે બનાવી છે. કલાકના સાડા ત્રણસો કિલોમીટર ધસી જતી TGV નામની ટ્રેન એ દેશમાં દોડે છે. આ બધી મહારત ફ્રેન્ચ ભેજાબાજોએ અંગ્રેજી નહિ પોતાની ભાષાથી હાંસલ કરી તે હકીકત છે.
 
જર્મની, ફ્રાન્સ, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન, ડેનમાર્ક, ફિનલેન્ડ, આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, જાપાન, કોરિયા, મલેશિયા, ચીન જેવા અનેક દેશોએ દુકાનનાં પાટિયાં, રસ્તાનાં નામો, રેલવે તથા બસ સ્ટેશન પરનાં લખાણો, અરે ચીજવસ્તુઓના પડીકાં વગેરે પર તેઓ પોતાની ભાષાનો જ ઉપયોગ કરે છે, પરંતુ આપણે ત્યાં...?
 
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મેકોલેના ષડયંત્રને નષ્ટ કરી શકે છે
 
સ્વાધીનતા બાદ આશા જરૂર જાગી હતી કે, અંગ્રેજો ગયા હવે અંગ્રેજીયત પણ ચાલી જશે, પરંતુ કમભાગ્યે એવું થયું નહિ. અંગ્રેજોએ પોતાની દૂરગામી રણનીતિ અંતર્ગત પં. જવાહરલાલ નેહરૂને દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનાવડાવ્યા. જેમની સંપૂર્ણ શિક્ષા-દીક્ષા ઇંગ્લેન્ડમાં થઈ હતી. પરિણામે તે અપૂર્ણ રીતે અંગ્રેજીયતમાં સરાબોર હતા અને તેઓ ખુલ્લે આમ કહેતા કે, ‘હું ભારત પર શાસન કરનારો અંતિમ અંગ્રેજ છું.’ (સ્વતંત્રતા બાદ શિક્ષણસુધારા કરવા માટે કહેવા ખાતર તો મોટા મોટા કમિશનોની રચના કરવામાં આવી, પરંતુ ૧૯૪૮ની રાધાકૃષ્ણન સમિતિ, ૧૯૬૪-૬૬નું કોઠારી કમિશન ૧૯૬૮ અને ૧૯૮૬ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય કે ૨૦૦૫નું રાષ્ટ્રીય જ્ઞાનપંચ તમામનો અભિગમ એજ મેકોલેવાદી જ રહ્યા. એટલે કે આ શિક્ષણ નીતિઓ અંતર્ગત શિક્ષણમાં કેટલાક સુધારા તો લાવવામાં આવ્યા, પરંતુ માળખુ એજ, અંગ્રેજી પ્રભુત્વ ધરાવતું, પશ્ચિમી અને માત્ર પરીક્ષાલક્ષી જ રહ્યું.) આમ સેક્યુલરવાદના નામે એ જ પુરાણી સામ્રાજ્યવાદી, ભારત-ભારતીય સભ્યતા સંસ્કૃતિ વિરોધી મેકોલેની શિક્ષા પ્રણાલી જ દેશમાં ચાલુ રહી, પરિણામે આજે પણ દેશના કોઈપણ ક્ષેત્રે ભારતના મહાનના મહાન યોગદાનથી વિદ્યાર્થી પરિચિત નથી હોતો અને ભણી-ગણીને પણ હિન્દુ ધર્મ, સંસ્કૃતિ તત્ત્વજ્ઞાન સંદર્ભે તે ઘોર અજ્ઞાની જ રહે છે. આમ, આપણા દેશનું દુર્ભાગ્ય છે કે, મેકોલેવાદી શિક્ષણપદ્ધતિમાંથી નીકળેલા ભારતીય અંગ્રેજોના હાથમાં જ દેશનું રાજનૈતિક નેતૃત્વ રહ્યું, જેને કારણે સ્વતંત્રતા પછી પણ શિક્ષણની વ્યવસ્થા, નીતિ અને સંરચનામાં કોઈ ખાસ પરિવર્તન આવી શક્યું નહિ, પરંતુ સ્વાધીનતાના સાત દાયકા બાદ પ્રથમ વખત એવી દૃષ્ટિવાળી શિક્ષણનીતિ આપણી સમક્ષ આવી છે, જે મેકોલે ષડયંત્રને પૂર્ણ રીતે નિષ્ફળ કરી શકે છે. ૧૯૩૫માં ભારતની શિક્ષણપ્રણાલીનું જે શીર્ષાસન કરવામાં આવ્યું હતું તેને સીધું કરવાની ક્ષમતાથી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં છે.
 
આ શિક્ષાનીતિ ખરા અર્થમાં રાષ્ટ્રીય શિક્ષાનીતિ છે. જે ભારતના ‘સ્વ’ ગૌરવને પુનઃ પ્રસ્થાપિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. અગાઉ જ્યારે ૧૭ જાન્યુઆરી, ૨૦૧૫માં નવી શિક્ષણનીતિની ઘોષણા કરતાં વિમર્શ શરૂ થયો ત્યારે તેને નવી શિક્ષા નીતિના નામે પ્રચારિત કરવામાં આવી હતી. ટી.એસ.આર. સુબ્રહ્મણ્યમજીની અધ્યક્ષતામાં પ્રથમ સમિતિની સ્થાપના પણ આ જ નામે થઈ હતી, પરંતુ રાષ્ટ્રીય સંગઠનોના આગ્રહ અને શિક્ષણવિદોની અપીલને કારણે તેને રાષ્ટ્રીય શિક્ષાનીતિનું નામ આપવામાં આવ્યું. આ કેવળ નામ પરિવર્તન ન હતું, બલકે દૃષ્ટિ પરિવર્તન હતું. આ શિક્ષણનીતિ સ્વાધીન ભારતની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણનીતિછે. અને આ શિક્ષણનીતિ કોઈ વિદેશી, ભારત અને સનાતનવિરોધી મેકોલે દ્વારા નહી, અખિલ ભારતીય સહભાગથી બની છે. અઢી લાખથી વધારે ગ્રામપંચાયતોમાં વિવિધ કાર્યશાળાઓના માધ્યમ થકી આ શિક્ષાનીતિ પર ચર્ચા કરવામાં આવી છે. ૩૩ કરોડથી વધારે સહભાગીઓ દ્વારા સીધેસીધા જ તેમાં પોતાનાં મંતવ્યો રજૂ કરાયાં છે. તે સરકારી, બિનસરકારી, સ્વયંસેવી સંસ્થાઓ અને સંગઠનોના માધ્યમ થકી આ નીતિ પર સર્વાંગીણ વિમર્શ બાદ અનેક આદર્શ તથા વ્યવહારિક સૂચનો સમિતિઓને પ્રાપ્ત થયાં હતાં. અને તેને આધારે રાષ્ટ્રીય શિક્ષણનીતિની રચના થઈ છે. વિશ્વમાં કોઈપણ નીતિને બનાવવા માટે આટલી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા આજ દિન સુધી નથી અપનાવવામાં આવી, તે રીતે એ એક વિશ્વવિક્રમ છે. જેટલા લોકોએ રાષ્ટ્રીય શિક્ષણનીતિ વિચાર કર્યો છે તે ૧૨૦ દેશોની જનસંખ્યાથી પણ વધુ છે. તમામ રાજ્ય સરકારો, શિક્ષણમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના જનપ્રતિનિધિઓ સાથે પણ આટલો વ્યાપક વિમર્શ કોઈ નીતિ માટે પ્રથમ વખત જ થયો છે.
 
૧૯૩૫ની વિદેશી શિક્ષણનીતિને પર્ણરૂપે પરિવર્તિત કરી ભારત કેન્દ્રિત રાષ્ટ્રનિર્માણકારી શિક્ષણ વ્યવસ્થાના નિર્માણનો પાયો રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સ્પષ્ટરૂપે જોઈ શકાય છે. તે અર્થમાં આ શિક્ષાનીતિ સાચા અર્થમાં રાષ્ટ્રીય છે. મહત્ત્વની વાત એ છે કે, કેન્દ્રીય મંત્રાલયનું નામ પુનઃ એક વખત શિક્ષા અને સંસ્કૃતિ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. વર્તમાનમાં સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત લગભગ ૧૫૦ એવાં સંસ્થાનો છે જે કલાશિક્ષણના કાર્યમાં સંલગ્ન છે. બંને મંત્રાલયોને સાથે જોડવાથી શિક્ષણ અને સંસ્કારકાર્ય વધારે પરિણામકારી સાબિત થશે.
 
શિક્ષાનીતિમાં ભારતીય ભાષાઓમાં શિક્ષણ, ભારતના જ્ઞાન અંતર્ગત દેશના સાંસ્કૃતિક-આધ્યાત્મિક જ્ઞાન અંગે પાઠ્યક્રમની વાત કરવામાં આવી છે. આ શિક્ષણનીતિની વિશેષતા એ છે કે, તેમાં તમામ સ્તરોમાં ભારતને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. ભારતે જ્ઞાનના ક્ષેત્રને ક્યારેય સરહદોમાં બાંધ્યું નથી. આપણા શિક્ષકોએ સમગ્ર વિશ્વમાં જ્ઞાનની જ્યોત જગાવી છે અને વિશ્વભરમાંથી જિજ્ઞાસુઓ ભારતીય વિશ્વવિદ્યાલયોમાં આવીને જ્ઞાન મેળવવાની પરંપરા રહી છે. મેકોલે પદ્ધતિને કારણે ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સાવ નગણ્ય થઈ ગઈ હતી. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી. વિશ્વના સર્વશ્રેષ્ઠ ૧૦૦ વિશ્વવિદ્યાલયોને ભારતમાં પોતાના પરિસર ખોલવાની અનુમતિની વાત પણ રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં કરવામાં આવી છે. વિદેશી વિશ્વવિદ્યાલયોના ભારતમાં સ્વાગતની સાથે સાથે ભારતીય વિશ્વવિદ્યાલયોને પણ વિદેશોમાં પ્રાંગણ ખોલવા માટે પ્રોત્સાહિત કરવાની વાત રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં છે.
 
આમ, મેકોલેએ આપણી મૂળ ભારતીય શિક્ષણ પદ્ધતિ પર પ્રહાર કરીને એક વિદેશી શિક્ષણ પદ્ધતિ થોપી. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ કોઈ પણ દેશના તમામ ક્ષેત્રો પર અસર કરતું હોય છે. આ રીતે મેકોલેએ શિક્ષણ પધ્ધતિ પર પ્રહાર કરીને ભારતના તમામ ક્ષેત્રોને હાનિ પહોંચાડી. તેણે આપણી ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવાની માયાજાળ રચી, આપણાં તમામ મૂલ્યોને વેગળાં કર્યાં. પરંતુ હવે સમય પાકી ગયો છે આ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવાનો, આપણાં અણમોલ મૂલ્યોને અપનાવવાનો.. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જ આ માનસિક ગુલામીમાંથી મુક્ત થવાનું આહ્‌વાન કર્યું છે. આવો, આપણે સૌ સાથે મળીને, મેકોલેથી મુક્તિ મેળવીને મૂલ્યોની સ્વીકૃતિ કરીએ. આપણા અણમોલ મૂલ્યો અપનાવીને સમર્થ ભારતના મહામાર્ગ પર આગળ વધીએ.
 
આપણે ભારતીય શરીરમાં વિદેશી મસ્તિષ્ક લઈને ફરી રહ્યા છીએ : ડૉ. મોહનજી ભાગવત (પ.પૂ. સરસંઘચાલકજી, રા.સ્વ. સંઘ)
 
 
ભારતમાં આપણને આપણી પરંપરાગત શિક્ષાપ્રણાલીમાં નહિ, મેકોલેની જ્ઞાન પ્રણાલીમાં શિક્ષિત કરવામાં આવ્યા છે. માટે આપણા વિચાર અને જ્ઞાનની દિશા વિદેશી પ્રભાવમાં ઢળી ગઈ છે. આપણે ભારતીય છીએ, પરંતુ આપણી બુદ્ધિ અને વિચાર વિદેશી થઈ ગયાં છે. આપણે આ વિદેશી પ્રભાવથી સંપૂર્ણપણે મુક્ત થવું પડશે. ત્યારે જ આપણે આપણી જ્ઞાનપરંપરાને સમજી શકીશું અને તેના મહત્ત્વને સમજી શકીશું.
 
મેકોલે શિક્ષણપ્રણાલીથી મુક્ત થવાનો સમય : દત્તાત્રેય હોસબાલેજી (સરકાર્યવાહ રા.સ્વ. સંઘ)
 
મેકોલે શિક્ષણપ્રણાલી અને માર્ક્સવાદી વિચારોને કારણે દેશ રાજનીતિક સ્વતંત્રતા બાદ પણ દશકાઓ સુધી ભૌતિક ગુલામીમાં રહ્યો. આ ગુલામ માનસિકતાને કારણે હિન્દુત્વને નકારવા અને ઘૃણા કરવાની પ્રવૃત્તિ, બૌદ્ધિક વર્ગ, વિશ્વવિદ્યાલયો, માધ્યમો અને અભ્યાસક્રમોમાં રહી છે. આ પ્રવૃત્તિને કારણે સમાજનો જે પ્રકારે વિકાસ થવો જોઈતો હતો તે થઈ ન શક્યો. દેશે વર્ષોની આ માનસિક ગુલામીમાંથી મુક્ત થવું પડશે.
 
 
એક સંપૂર્ણ દમિત દેશ....
 
 
સોશિયલ મીડિયા પર મેકોલેના બ્રિટિશ સાંસદનું અન્ય એક સંબોધન પણ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તે કહે છે કે,
‘હું ભારતના ખૂણે ખૂણામાં ફર્યો છું. એક પણ વ્યક્તિ એવા નથી જોયા જે ભિક્ષુક હોય કે ચોર હોય! મેં આ દેશમાં એટલો તો ધનવૈભવ જોયો છે, એટલા ઊંચા ચરિત્ર્યવાન, આદર્શ ગુણવાન મનુષ્યો જોયા છે કે, મને નથી લાગતું આપણે આ દેશને ત્યાં લગી જીતી શકીશું જ્યાં લગી તેની કરોડરજ્જુ જે તેની આધ્યાત્મિક સંસ્કૃતિ અને વિરાસત છે તેને તોડી નહિ નાખીએ! માટે હું પ્રસ્તાવ રાખું છું કે, આપણે આ દેશની શિક્ષણ વ્યવસ્થા અને સંસ્કૃતિને બદલી નાખીએ! કારણ કે જો ભારતીયો વિચારવા લાગશે કે, જે વિદેશી છે અને અંગ્રેજી છે તે જ ઉત્તમ છે અને તેમના પોતાનાથી વધારે સારું છે, તો તે પોતાના આત્મગૌરવ અને પોતાની જ સંસ્કૃતિને વિસારી દેશે! અને એ એવા બની જશે જેવા આપણે ઇચ્છીએ છીએ, એક સંપૂર્ણ દમિત દેશ.’ (બ્રિટિશ પાર્લિયામેન્ટ, ૨ ફેબ્રુ, ૧૮૩૫)
 
 
એક અજ્ઞાની વ્યક્તિના નામે...
 
૨ ફેબ્રુઆરી, ૧૮૩૫. થોમસ બેબિંગ્ટન મેકોલેએ તે દિવસે એક ‘મિનિટ’ પ્રસ્તુત કરી. તેના પાંચ ભાગ હતા. તેમાં ભારતમાં કેવી નીતિ (માત્ર શિક્ષણની નહિ, વહીવટની, અને તેની પાછળ બ્રિટિશ સામ્રાજ્યને બધી રીતે ભારતમાં મજબૂત કરવાની) અપનાવવામાં આવે તેની ચર્ચા છે. જોસેફ ડી. વોનાએ અને ધર્મપાલે સાથે મળીને તેનું સંશોધન અને નિષ્કર્ષ આપ્યાં છે. મૂળ વાત એ હતી કે, શિક્ષણમાં અનુદાનનો મુદ્દો હતો, તેનો લુચ્ચાઈ સાથે ઉપયોગ થયો. મહેસૂલ માટેની અસીમિત ભૂખે ભારતીય વ્યવસ્થાને પોતાનાં સંસાધનોથી અલગ કરી અને સાંસ્કૃતિક તેમ જ ધાર્મિક વિષયવસ્તુને સ્થાનિક શિક્ષણથી દૂર કરી. મેકોલે અને બેન્ટિક બંનેએ જાણી જોઈને પશ્ચિમનું શિક્ષણ ઘૂસાડી દીધું.
 
ગાંધીજી, મહાત્મા જ્યોતિબા ફુલે સહિત અનેકોએ લખ્યું છે કે, મેકોલેનું શિક્ષણ વધુ ગુલામ બનાવે છે. અંગ્રેજીનું પ્રચલન સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય નથી, મોટાભાગના દેશો પાસે પોતાની ભાષા અને અવાજ છે. ભાષા જ્ઞાનની વસ્તુ છે, ગુલામીની નહિ. અંગ્રેજોએ ગુરુતાગ્રંથિથી નીતિ ઘડી. વાસ્તવમાં મેકોલે સંસ્કૃત અને અન્ય ભાષાઓ વિષે તદ્દન અભણ હતો. ગુલામીની વિડંબના તો જુઓ કે, એક અજ્ઞાની વ્યક્તિના નામે સ્થાપિત નીતિની અસર હજુ પણ ભારતમાંથી ગઈ નથી!
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…