वसुधैव कुटुम्बकम् ... એક સાદી સમજણ...
‘નમસ્તે, મહોદય..’
‘નમસ્તે, વૈદેહી… કેમ આજે એકલી! ધૈર્ય ક્યાં છે ?’
‘ધૈર્ય ગામડે ગયો છે, અમારા દૂરના સગાનો એક પ્રસંગ છે, અમારા દાદાએ ખૂબ આગ્રહ કર્યો કે, આપણા પરિવારનો કહેવાય એટલે આપણે સૌએ જવું જોઈએ પણ મારે આજે કૉલેજમાં પ્રેક્ટીકલની પરીક્ષા હતી એટલે હું ન ગઈ પણ ધૈર્ય અને અમારા પરિવારના સૌ આજે ગામડે ગયાં છે.’
‘કેવી સારી વાત કહેવાય! ખરેખર યુવાનનો એ પણ આ પરિવારના બધા પ્રસંગોમાં જોડાવું જોઈએ.. સમજવું જોઈએ કે, શા માટે પ્રસંગો ઉજવાય છે, પ્રસંગ તો પ્રસંગની જગ્યાએ હોય છે પણ એ બધાં મળતાં હોય છે અને એકબીજા વિશે વાતો કરતાં હોય છે અને એ રીતે આપણી સામાજિકતા વધુ દ્રઢ બને છે..!’
‘મહોદય, મેં હમણાં તમારું એક પ્રવચન સાંભળ્યું, તમે કહેતા હતા કે, ટેક્નોલોજી અને માર્કેટિંગને કારણે આપણી સામાજિકતા જોખમમાં ના મુકાવવી જોઈએ.. મને આ વાત સમજવી છે…’
‘બહુ સરસ પ્રશ્ન છે, જો આપણો જૂનો સમાજ હતો, જેમાં સમાજનાં દરેક અંગો ક્યાંય ને ક્યાંય જોડાયેલાં હતાં. પ્રસંગ હોય એટલે ઢોલી હોય, પુરોહિત હોય, રસોઈ જેને આવડતી હોય એવા લોકો હોય, મંડપ બાંધનારા હોય, રંગોળી દોરનારા હોય એમ એક પ્રસંગમાં આખો સમાજ જોડાતો. હવે, એક નાનું ઉદાહરણ આપું.. એવું થવા લાગ્યું છે કે, તમને કોઈ પણ વસ્તુ ઓનલાઇન ૧૦ મિનિટમાં મળી જાય.. આના લીધે શું થયું કે, જે ગૃહિણી હતી એની સામાજિકતા પર અસર ઊભી થાય છે. એ બહાર જાય છે, શાકવાળી સાથે વાત કરે છે, કામવાળા સાથે વાત કરે છે. જો આ બધું કામ ટેકનોલોજીથી થવા માંડે તો વિચાર કરો કે, સમાજ સાથેનું આપણું કનેક્શન આપણો સંબંધ તૂટી જાય. સમાજને વિભક્ત કરવાની જે બધી ટેકનિકો આધુનિક સમયમાં યુગપરિવર્તનને કારણે આવી છે એની સામે આપણે સૌ સાવધાન થઈને આ પરિવર્તનની સામે સામાજિકતા કેવી રીતે ટકાવી એના માટે મહેનત કરવી જોઈએ.’
‘ચાલો ટેક્નોલોજી અને માર્કેટિંગથી આપણી સગવડો વધી છે તો વાંધો નહીં, તેને સ્વીકારીએ.. સામૂહિક; કોઈને કોઈ એવી પ્રવૃત્તિ કરીએ, જેમાં સમાજ એકબીજા સાથે જોડાય. કીટી કે બીજાં જે ગ્રુપો ચાલે છે એમાં એવું થાય છે કે, આર્થિક રીતે એક સમાન સ્થિતિ ધરાવતા લોકો એકબીજા સાથે સંવાદમાં રહે છે. પણ સમાજના દરેક તબક્કા સાથે એટલે કે સમાજના દરેક વર્ગ સાથે સંવાદ ચાલવો જોઈએ...’
‘આવો આગ્રહ કેમ રાખવો જોઈએ…?’
‘આગ્રહ નહીં આ આપણી સામાજિક નૈતિકતા છે, આપણી સામાજિક ઓળખ છે, આપણી આધ્યાત્મિક ચિંતનપરંપરા પણ છે…’
‘એ કેવી રીતે…?’
‘જો તમે કોઈની પાસેથી શાક લીધું, કે કરિયાણું લીધું કે એની સેવા લીધી, આ બધાં એકબીજાનાં જાણીતાં હોય તો સંવાદિતા સ્થપાય છે, કારણ કે સંબંધ સ્થપાય છે. મને ખબર નથી, મને શાકભાજી કોણ આપી ગયું, મને ખબર નથી, મારું કરિયાણું કોણ આપી ગયું. સગવડ વધી, પણ સામાજિકતા ઘટી. તો સામાજિકતા વધારવા શું કરવું એનો વિચાર કરો જોઈએ…’
‘જેમ ધૈર્યને દાદાએ સમજાવ્યું કે, જેમને ઘેર પ્રસંગ છે એ આપણા પરિવારનાં સભ્યો છે. સીધાં સગાં ના પણ હોય, પરંતુ કાકા-ફોઇના કે પિતરાઇ હોય અને સંબંધ ચાલું હોય એ એક પ્રકારની સહાનુભૂતિ અને સંવેદના જાળવી રાખે છે. ભલે, આ જ પ્રમાણે નહીં તો કોઈ વૈકલ્પિક રીતે પણ આ વ્યવસ્થા ચાલું રહેવી જોઈએ… સંવાદ રહેશે તો સમાજ રહેશે.’
‘બહુ સરસ વાક્ય છે, સંવાદ રહેશે તો સમાજ રહેશે. અને સમાજ રહેશે તો એકલતા સામે લડી શકશો. બીજા ઘણા બધા પ્રસંગો આવશે જ્યારે તમને સમાજની જરૂર પડશે, તો આવનારી ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને આપણે આ વાત સમજવી જોઈએ.’
‘તમે કહ્યું કે, આપણી મનોવિજ્ઞાનિક અને આધ્યાત્મિક જરૂરિયાત છે, એ કેવી રીતે?’
‘એવી રીતે કે, દરેક માણસને બીજા માણસને મળવાથી આનંદ થાય છે, હૂંફ મળે છે. હવે આપણી આ યુગની જે વ્યવસ્થાઓ ઉભી થતી જાય છે એમાં માણસ એના સમાજથી દૂર ધકેલાતો જાય છે, એકલો પડતો જાય છે.. આપણી મૂળ ભાવના એવી છે કે, આપણે આ જે બ્રહ્માંડમાં રહીએ છીએ એ બ્રહ્માંડની એક કનેક્ટિવિટી છે. દરેકે દરેક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ સાથે જોડાયેલી છે…’
‘અરે, હા… આપે અગાઉ કહેલું કે, આપણે એક જ બ્રહ્મની આત્મતત્વની અલગ અલગ અભિવ્યક્તિ છીએ…’
‘બસ આ વાત જ સમજવાની છે.. આપણે તો પરિવાર એટલે એવું માનીએ છીએ કે, એક પૂર્વજના આપણે સંતાનો છીએ માટે આપણે એકબીજા સાથે સંવાદમાં રહેવું જોઈએ. જ્યારે ભારતના ઋષિએ તો એવું કહ્યું ઈશોપનિષદમાં…
ઇશનું રાજ છે આખું, જે જે આ અવનિ વિશે…
એટલે કે આ વિશ્વમાં રહેલી વનસ્પતિ-પુષ્પો-સૂર્ય-ચંદ્ર-પાણી-હવા તે જ દરેક તત્વો સાથે અને દરેક મનુષ્ય કોઈને કોઈ રીતે જોડાયેલો છે. આ જોડાણ વૈજ્ઞાનિક કારણો અને ધોરણોને લીધે હોય તો પણ જો એમાં તમે સંવેદન ઉમેરો તો જીવનમાં એક પ્રકારની મધુરતા આવે. આ દૃષ્ટિએ તમે જુઓ તો સમજાશે કે, ભારતના ઋષિએ वसुधैव कुटुम्बकम् કહ્યું છે.