તંત્રીસ્થાનેથી । ધીરે ધીરે પ્રગટ થઈ રહ્યું છે..ભારતની સફળતાનું એ રહસ્ય

ભારત સિવાયના દેશોની દૃષ્ટિએ માત્ર સત્તા જ સર્વોપરી છે. પરંતુ ભારતનું ગુરુત્વકેન્દ્ર છે- ‘ધર્મ’.

    ૨૯-ઓક્ટોબર-૨૦૨૬   
કુલ દૃશ્યો |


bharat-ni-safaltanu-rahasya


વિક્રમ સંવત ૨૦૮૨ની વિજયાદશમીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ૧૦૧ વર્ષ પૂરાં કર્યાં, તો ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પૂર્વ અવતાર ભારતીય જનસંઘને ધ્યાને લઈએ તો તેનાં પણ ૭૫ વર્ષ પૂરાં થયાં છે.

 

એવું તે કયું મૂળભૂત કારણ છે કે, જેને ભાજપના વિરોધીઓ સમજી શક્યા નથી? એક એ જ કારણ છે કે, તે વિરોધીઓ રા.સ્વ. સંઘ (RSS)ના આંધળા વિરોધને કારણે રાષ્ટ્રના આત્મા એવા.. ‘ધર્મ’ને જ સમજી શક્યા નથી, મૅકોલે ગેંગે ધર્મનું ભાષાંતર ‘રીલિજિયન’ કર્યું ત્યારથી મૅકોલેને પગલે ચાલનારાં તત્ત્વોની પણ ‘ધર્મ’ને સમજવાની બુદ્ધિ બહેર મારી ગઈ. આ સૌના હિન્દુવિરોધની ‘લેટેસ્ટ વેરિયન્ટ’વાળી ઓળખ- ‘રૅઝિમ ચેંજ ગેંગ (Regime Change Gang)’ને દેશ આખો ધુત્કારી રહ્યો છે.

 

તમિલનાડુની મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે તાજેતરમાં FCRA સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન અબ્રાહમિક પંથો (યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ) વિશે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે, હિન્દુ ધર્મ સર્વસમાવેશક (inclusive) છે, જ્યારે અબ્રાહમિક પંથો મૂળભૂત રીતે અનન્ય કે વિશિષ્ટ (inherently exclusive) છે. પશ્ચિમ જેને રીલિજિયન (અબ્રાહમિક) કહે છે, તેનો અર્થ થાય છે- પંથ-મત-સંપ્રદાય-મઝહબ, ધર્મ હરગિજ નહિ.

 

હા, ધર્મને સમજીએ તો તેની સાર્વત્રિકતાનાં દર્શન અવશ્ય થશે..

 

૧) પંચ મહાભૂતનો ધર્મ, ઉદા. અગ્નિનો, પાણીનો ધર્મ

૨) પ્રકૃતિનો ધર્મ, ઉદા. માનવ ધર્મ, નદીનો ધર્મ

૩) સમય અનુરૂપ ધર્મ, ઉદા. શાશ્વત ધર્મ, યુગધર્મ

૪) સ્થિતિજન્ય ધર્મ, ઉદા. ધર્મસંકટ વખતે આપદ્ ધર્મ

૫) જીવન-પડાવના ધર્મ, ઉદા. વિદ્યાર્થી ધર્મ, ગૃહસ્થી ધર્મ, વાનપ્રસ્થ ધર્મ

૬) સાંસારિક સંબંધોના ધર્મ, ઉદા. પિતૃધર્મ-માતૃધર્મ-પતિધર્મ-પત્નીધર્મ-પુત્રધર્મ-પુત્રીધર્મ

૭) દાયિત્વ ધર્મ, ઉદા. રાજધર્મ, શિક્ષકધર્મ

૮) સમૂહ ધર્મ, ઉદા. પરિવાર-સમાજ-રાષ્ટ્રનો ધર્મ

૯) સ્થિતિ ધર્મ, ઉદા. સ્ત્રીઓનો માસિક ધર્મ, કાળધર્મ

૧૦) સંસ્થાન ધર્મ, ઉદા. ન્યાયાલયનો ધર્મ, મઠ-મંદિરોનો ધર્મ

૧૧) પરંપરાઓનો ધર્મ, ઉદા. ગુરુ-શિષ્ય પરંપરામાં ઊભરાતો ધર્મ. વગેરે વગેરે..

 

વિશ્વ આખામાં ઉપરોક્ત સર્વ પ્રકારે વ્યાપ્ત ‘ધર્મ’ એટલે હિન્દુ ધર્મ. તેને ‘હિન્દુ ધર્મ’ એવું ન કહીએ અને માત્ર ‘ધર્મ’ એવું પણ કહી જ શકીએ, કારણ કે વિશ્વમાં બાકી બધા પંથ-સંપ્રદાય-મત-મઝહબ-રીલિજિયન છે, ધર્મ તો માત્ર આ એક જ છે. હિન્દુ ધર્મ અંતર્ગત ઉદ્ભવેલા પંથ-સંપ્રદાય-મતો પણ ધર્મ અંતર્ગત વિકસેલાં વિવિધ સ્વરૂપો છે. તે દરેકને પણ વ્યાપક દૃષ્ટિએ ધર્મ કહેવો, એ સાહજિક છે, કારણ કે હાઈકોર્ટે જે Inclusivenessની વાત કરી છે, તે સર્વ હિન્દુ પંથ-સંપ્રદાય-મતોમાં પણ વિદ્યમાન છે જ.

 

સર્વસમાવેશી હોવાથી હિન્દુત્વ બાહ્ય રીતે વિવિધતાઓવાળું દેખાય, પણ આંતરિક આધ્યાત્મિક રીતે તે વિવિધતાઓ; એ એક જ પરમ તત્ત્વનું વૈવિધ્યપૂર્ણ પ્રગટીકરણ માત્ર છે. માટે કહ્યું છે- सर्वं खल्विदं ब्रह्म।

 

આપણી સર્વોચ્ચ સંસ્થાઓનાં ધ્યેયવાક્યો જોઈશું તો ત્યાં પણ ધર્મ જ માર્ગદર્શન કરી રહેલો દેખાશે..

 

સુપ્રીમ કોર્ટ : यतो धर्म: ततो जय:

રાજ્યસભા : सत्यं वद धर्मं चर

લોકસભા : धर्मचक्र प्रवर्तनाय

રૉ (RAW) : धर्मो रक्षति रक्षित:
 

ભારત સિવાયના દેશોની દૃષ્ટિએ માત્ર સત્તા જ સર્વોપરી છે. પરંતુ ભારતનું ગુરુત્વકેન્દ્ર છે- ‘ધર્મ’. જે સંપૂર્ણ સમાજને ધારણ કરે છે. સમાજજીવનનાં અનેક મહત્ત્વનાં પાસાં પૈકીનું માત્ર એક પાસું છે- સત્તા. આમ સમાજ મુખ્ય છે.. સત્તા ગૌણ છે. સંપૂર્ણ સમાજ તરીકે રા.સ્વ. સંઘ કાર્યરત છે. અને સત્તા તરીકે ભાજપ કાર્યરત છે. પ્રથમ સમાજ, પછી સત્તા. હા.. એટલે સંઘ શરૂ થયો ૧૯૨૫માં અને ભારતીય જનસંઘ શરૂ થયો ૧૯૫૧માં. પણ કોંગ્રેસના કેસમાં.. પહેલાં કોંગ્રેસ અને પછી સેવાદળ! (પહેલાં સત્તા પછી સેવા), જ્યાં આવો ક્રમ છે ત્યાં સંઘ, ભાજપને સમજવા માટેની જરૂરી સમજણનો અભાવ ન રહે તો જ નવાઈ!

 

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કૉલેજમાંથી બી.ઈ. (સિવિલ)નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રિજિયોનલ પ્લાનિંગમાં એમ.ટેક. કર્યું છે. અગાઉ તેમણે કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ પણ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. ‘સાધના’માં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ લખાયેલ વિવિધ વિચારપ્રેરક લેખોમાં તથા તંત્રીલેખોમાં તેઓનો વૈચારિક પરિચય પ્રાપ્ત થાય છે...