નવરાત્રિ પૂરી થઈ અને હવે દિવાળીના તહેવારોની ધૂમ ચાલુ થશે. હિન્દુ તહેવારો કેટલા રંગીન અને આનંદદાયક હોય છે, નહીં! તત્ત્વચિંતનની રીતે જુઓ તો, જીવન જીવવાનો દૃષ્ટિકોણ આપે. અને તે પણ પાછો દરેક વર્ષે નવો દૃષ્ટિકોણ મળે. વિજયાદશમી પર દર વર્ષે તમને નવો દૃષ્ટિકોણ મળી જાય અને પરંપરા પણ જળવાય. એ પરંપરામાં શસ્ત્રપૂજન અને વાહનપૂજન જેવું પૂજન પણ આવે અને મસ્ત પીળા રંગના ચટાકેદાર ફાફડાની સાથે ગળચટ્ટી કેસરી રંગની જલેબી પણ આવે. ‘કેસરિયો રંગ મને લાગ્યો એલા ગરબા’ પર ગરબા લીધા પછી કેસરી રંગની જલેબી ખાવાની કેવી મજા પડે!
પરંતુ હિન્દુઓની ફરિયાદ હોય છે કે, દર તહેવારે સેક્યુલરો અને અધર્મીઓ જીવન જીવવાનું શીખવતા મેસેજો ચાલુ કરી દે છે અને તહેવારોની ઉજવણી ફિક્કી કરી નાખે છે. શ્રાવણ મહિનામાં કહેશે કે શિવ તો કલ્યાણકારી તત્ત્વ છે. તેની ઉપાસના કરવા માટે દૂધ રેડવું આવશ્યક નથી. દૂધ ગરીબ બાળકોને આપો. આ રીતે દિવાળીમાં ફટાકડા નહીં ફોડીને પર્યાવરણને બચાવવાનો સંદેશ એ. સી. પર ૧૮ ડિગ્રી તાપમાન રાખીને મોબાઇલથી કરશે. મોબાઇલ બનાવવા માટે વપરાતા નીઓડાયમિયમ, લેન્થેનમ, સીરિયમ અને યુરોનિયમ જ્યાંથી મળી આવે છે ત્યાં આજુબાજુના લોકોની સ્થિતિ જોઈ છે? ચીનમાં દલાહાઈ અને શિન્ગુઆંગ કેન્સર વિલેજ બની ગયાં છે.
વાત સાચી છે કે હિન્દુઓના તહેવારોને જ લક્ષ્ય બનાવવામાં આવે છે, પરંતુ સાથે હિન્દુઓએ એ પણ વિચારવું પડશે કે, આપણા તહેવારોને વધુ સાર્થક રીતે કેવી રીતે ઊજવી શકાય. જો ચાઇનીઝ મૂર્તિઓ સાથે પૂજા કરતા હોઈએ તો તે દેશને આર્થિક રીતે ફટકો પાડનાર છે. આથી જ કેટલીક બાબતો નક્કી કરવી પડશે.
૧) તહેવારોની ઉજવણી આત્મનિર્ભર રીતે કરીએ : દિવાળીમાં કોડિયાં, શણગારની ચીજો, વસ્ત્રો, ફટાકડા, બૂટ-ચપ્પલ, ઘરેણાં, ઇત્યાદિ દેશી કંપનીઓ પાસેથી ઑનલાઇન ખરીદવાનું ટાળીએ. આનાથી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન મળશે. પૈસા પણ ભારતમાં જ રહેશે. કોડિયાં, રંગોળી માટે રંગ, ફૂલ, હાર, ઇત્યાદિ નાના-નાના ફેરિયા પાસેથી ખરીદીશું તો તેમને બે ટંકનો રોટલો પૂરો પાડવામાં નિમિત્ત બનીશું. દિવ્યાંગોની બનાવેલી ચીજો ખરીદી તેમને પણ પ્રોત્સાહિત કરવાં જોઈએ.
૨) હિન્દુવિરોધી જાહેરખબર આપતી કંપનીનાં ઉત્પાદનો ન ખરીદીએ : દિવાળી પહેલાં આવતી ઘરેણાં, ગારમેન્ટ, ફૂટવૅર ઇત્યાદિ જાહેરખબરો ધ્યાનથી જુઓ. હિન્દુવિરોધી કોઈ એજન્ડા તો નથી ને. તનિષ્કની આવી જાહેરખબરો અગાઉ આવી ચૂકી છે. ત્યારે તો વિરોધ કર્યો હોય, પરંતુ દિવાળી પર વળી પાછી, ડાહીડમરી જાહેરખબર આપી દે એટલે આપણું મન પીગળી જાય, તેવું ન થવું જોઈએ.
એ પણ જોઈએ કે, જાહેરખબરમાં હિન્દુઓને કેવા બતાવે છે? કેટલીક જાહેરખબરોમાં હિન્દુ પતિ-પત્ની અથવા માત્ર હિન્દુ યુવતીઓને સોગિયાં મોઢાં સાથે બતાવે છે. મોઢાં પર કોઈ ઉત્સાહ કે ઉમંગ જ જાણે ન હોય! આ ઉપરાંત તેમને અર્ધનગ્ન કહી શકાય તેવાં વસ્ત્રોમાં બતાવાય છે. તેમના કપાળ પર સરસ મજાનો ચાંદલો નથી હોતો. હોય તોય સા…વ નાના ટપકા જેવડો હોય છે. આવી કંપનીઓની જાળમાં ફસાઈએ નહીં. ટ્વિટર પર તેમની કંપનીના આઈડી (ટ્વિટરની ભાષામાં હૅન્ડલ)ને ટેગ કરીને તેનો વિરોધ પણ કરીએ, જેથી તેમને ખ્યાલ આવે. (ઉપરોક્ત વાત લગ્ન સીઝનમાં આવતી જાહેરખબરોને પણ લાગુ પડે છે.)
આ સાથે આપણાં સગાસંબંધીઓને, મિત્રોને, ઑફિસના સહકર્મચારીઓને અથવા વેપારી મિત્રોને આવી કંપનીઓ વિશે ફૉન કરી અથવા વૉટ્સઍપ કરી સાવચેત કરવાના છે.
પ્રૉડક્ટ પર હલાલ સર્ટિફિકેટ હોય તો પણ તે ખરીદવાની નથી. કારણકે તેના પૈસા આતંકવાદી કે હિંસા કરનાર કટ્ટરવાદીને જામીન અપાવવામાં થશે.
૩) પરંપરાને તોડીએ નહીં : ચોકલેટ વેચવા કૅડબરી જેવી કંપની ભાવુક જાહેરખબર આપે છે. બે પડોશીઓ વચ્ચે ગાડી પાર્કિંગ અંગે ઝઘડો થતો હોય, પરંતુ જ્યારે એક પડોશીને ખબર પડે કે બીજા પડોશીને પગે ફ્રૅક્ચર થયું છે તો કૅડબરીને લઈને પહોંચી જાય. દિવાળી પર મોઢું મીઠું કરાવે. કેવો સરસ સંદેશ! પણ ચૉકલેટ એ આપણી પરંપરા નથી. આપણે ત્યાં મોહનથાળ, કાજુકતરી, બદામપાક, અંજીરરોલ, સૂતરફેણી, મગસ, ઘૂઘરા, પેંડા, બરફી, લાડુ જેવી અનેક મીઠાઈઓ છે. તે સ્થાનિક કંદોઈઓ જ બનાવી શકશે. તો તેમને કમાણી કેમ ન કરાવીએ? કૅડબરી અમેરિકાની કંપની છે. જ્યારે અમેરિકા ભારતને અશાંત બનાવવા માગતું હોય, ત્યાં રહેતા ભારતીયોને તગેડી મૂકતું હોય, તેના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતને ડેડ ઇકૉનૉમી અને નરક કહેતા હોય ત્યારે તેની કંપનીને કમાણી કરાવીને તેને મજબૂત શાના માટે કરીએ?
આ ઉપરાંત ચૉકલેટ સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક છે. તેમાં વધુ પડતી ખાંડ, કેલરી આવે છે. તેનાથી વ્યક્તિનું વજન વધે છે. બાળકો નાની ઉંમરે અંત:સ્ત્રાવોની રીતે પુખ્ત બની જાય છે. તેનાથી દાંત સડી જાય છે, કારણકે તે દાંતમાં ચોંટી જાય છે. આ સિવાય અનેક નુકસાન છે.
તમે જુઓ કે મીડિયા અને ઍડવર્ટાઇઝવાળાઓએ તેમજ ફિલ્મ-ટીવીવાળાઓએ પણ એક તરફ ભારતીય મીઠાઈઓને આરોગ્ય માટે નુકસાનકારક ગણાવી દીધી, બીજી તરફ ચોકલેટ અને કેકને તહેવારોમાં ઘૂસાડી દીધી.
આ અંક તમારા હાથમાં આવશે ત્યારથી દિવાળી સુધી ફટાકડા, વાયુ પ્રદૂષણ અને મીઠાઈઓ વિશે નેગેટિવ સમાચારો અને દિવાળી પર વજન વધી જાય તો શું કરવું તેના લેખો છપાશે. કોઈ દુર્ઘટના બનશે તો ‘દિવાળીએ જ …અકસ્માત થયો’, ‘દિવાળીએ જ પત્ની ભાગી ગઈ’ જેવા હેડિંગ આપી દિવાળીનું નકારાત્મક ચિત્રણ કરશે. આવું દરેક હિન્દુ તહેવાર સાથે કરાતું હોય છે. પ્રશ્ન એ છે કે શું દિવાળી પર જ વજન વધે છે? ક્રિસમસ પર માંસાહાર અને દારૂ પીવાથી વજન નથી વધતું? લિવરને અસર નથી થતી?
ઈદ પર મટન, બીફ (ગૌ માંસ), લિવર અને બ્રેઇન, સમોસાં, ભજિયાં, શીર ખુરમા, જેવી ખવાતી ચીજોમાં પણ સેચ્યુરેટેડ ફેટ, ભારે તેલ, ખાંડ અને રિફાઇન્ડ કેલેરી હોય છે. ત્યારે આવા કોઈ લેખ કે ટીવી પ્રૉગ્રામો નથી આવતા. ડાયેટ વાનગીઓની વાત નથી થતી. હિન્દુઓને જ ઉજવણીના આનંદથી અળગા રાખવા છે તમારે?
એવા વિડિયો પણ પ્રચલિત કરાય છે કે, આ વાનગીઓ કેવી રીતે બને છે તે જુઓ. ભારતના લોકોનું આરોગ્ય પથરાને પણ પચાવી જાય તેવું હતું, પરંતુ હવે નથી, કારણ કે આવા વિડિયો બતાવાય છે. માનસિક રીતે તોડી પાડો તો પછી શરીર સાથ નહીં જ આપે. આરોગ્ય ખાતાવાળા હિન્દુ તહેવારો પર દરોડા પાડીને ભેળસેળવાળી મીઠાઈ પકડી પાડે છે, સારી વાત છે, પરંતુ ઈદ અને ક્રિસમસ પર કોઈ દરોડા નથી પડતા, કેમ? ખાદ્ય સુરક્ષાના બધા માપદંડ તેમાં અનુસરાય છે? એ વિસ્તારમાંથી નીકળીએ તો ખબર પડી જ જાય કે કેટલી સ્વચ્છતા જળવાતી હશે.
એટલે મીઠાઈ, ચોળાફળી, ફરસી પુરી, તીખી પુરી, સકરપારા જેવો નાસ્તો ઘરે બને તો તો ઉત્તમ જ, પણ ન બની શકે અને બહારથી ખરીદવો પડે તો ખરીદવાનો. આરોગવાનો. ‘નૂતન વર્ષાભિનંદન’ (સાલ મુબારક કે હેપ્પી ન્યૂ યર કહે તો નમ્રતાથી કહેવાનું કે આપણી ભાષામાં શુભેચ્છા આપો.) કરવા આવનારને ખવડાવવાનો. પણ દુરાગ્રહ નહીં કરવાનો.
દિવાળીના એક મહિના પહેલાંથી જ વાયુ પ્રદૂષણના આંકડાઓ છપાવા લાગે છે. દિવાળી પતે પછી ખબર પડે છે કે, આપણે દિવાળી પર કેટલું પ્રદૂષણ વધારી દીધું! એ પછી પ્રદૂષણના સમાચાર અદૃશ્ય થઈ જાય છે. ઊલટું પ્રદૂષણ તો તે પછી વધે છે. ફટાકડા ન ફોડતા લાહોરમાં પણ શિયાળામાં ખૂબ જ પ્રદૂષણ વધે છે. કારણ?
ઔદ્યોગિક પ્રદૂષણ, બાંધકામ, વાહનો, એસી ઇત્યાદિ છે. પરંતુ લક્ષ્ય માત્ર ફટાકડા જ છે. આ દિવસે પોલીસ જાહેરનામું પણ બહાર પાડે છે કે, રાત્રે આઠથી દસ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. દર વર્ષે દિવાળી પહેલાં સર્વોચ્ચ કે ઉચ્ચ ન્યાયાલયમાં યાચિકા પણ થઈ જાય છે. જોકે આ વખતે સર્વોચ્ચે ફટાકડાના સંપૂર્ણ વેચાણ પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી.
આમ છતાં, મીડિયા અને આલિયા ભટ્ટ જેવી Sell-I-Brat-I (બગડેલાં સંતાનો જે પૈસા માટે ગમે તે બોલવા તૈયાર થઈ જાય છે) બકરી ઈદના દિવસે કોઈ સલાહ નહીં આપે, પણ દિવાળી પર ફટાકડા નહીં ફોડવા સલાહ આપશે.
તેની ઉપેક્ષા કરીને આપણે ફટાકડા ફોડવાના, પરંતુ આજુબાજુ રહેતા લોકોને હેરાનગતિ ન થાય તે રીતે.
રંગોળી, ઉંબરા પર સાથિયો, દરવાજા પર શુભ-લાભનાં સ્ટિકર અને આસોપાલવનું તોરણ, બેસતા વર્ષે સબરસ ખરીદવું, ગુજરાતી કેલેન્ડર ખરીદવું (પહેલાં ડટ્ટો આવતો જેમાં તિથિ મુખ્ય અને દિનાંક નાના અક્ષરે લખાતી), સવારમાં વહેલા ઊઠી જવું, નવા ઓછાડ અને તકિયાના કવરથી સોફા, સેટ્ટી ઇત્યાદિ સજાવવાં, ઘરના વડીલોને પગે લાગવું, વડીલો સાથે ફૉન પર વાત કરી ખબરઅંતર પૂછવા, મંદિરે જવું, ગાયને ઘાસચારો ખવડાવવો, ધનતેરસ અને દિવાળીએ ઘરે પૂજા કરવી… આ બધી પરંપરાઓ ચાલુ રાખવા જેવી છે.
૪) તહેવારોમાં વિકૃતિ દૂર કરીએ, સાત્વિકતા જાળવીએ: તાજેતરમાં નવરાત્રિમાં પાર્ટી પ્લૉટમાં જે કેટલાંક દૃશ્ય આવ્યાં તે કોઈ પણ સભ્ય વ્યક્તિને વિચલિત કરી દે તેવાં હતાં. વસ્ત્રોથી લઈને કામુક ચેષ્ટાઓ સુધી.. આ ભારતીયતા નથી. નવરાત્રિમાં ઉર્દૂવુડનાં ગીતો ઘુસાડી દેવાયાં છે. આદિત્ય ગઢવી, આર જે આકાશ અને હાર્દિક દવે જેવા ગાયકો- સંચાલકો હિન્દુ તહેવારોને ‘સેક્યુલર’ બનાવવા પ્રયાસ કરે, તેમાં અધર્મીઓને દૂર રાખવાને નાઝી દ્વારા યહૂદીઓને દેશ છોડી જવાનું કહેવા સાથે સરખાવે, તે બધું યોગ્ય નથી. દિવાળી હોય કે અન્ય કોઈ પણ તહેવાર, તેને ભક્તિ અને આનંદનો તહેવાર બનાવીએ. તેને ‘સેલિબ્રેશન’ કે ‘ઇવેન્ટ’ નહીં, તેને ઉજવણી બનાવીએ. ધૂળેટી પર માત્ર રંગો ઉડાડવા, પાણીથી ભીંજવવા કે ભાંગ પીવી એ જ ઉજવણી નથી. ગણેશચતુર્થીએ ઉર્દૂવુડનાં ગીતો પર ઘોંઘાટિયા ડીજે સાથે દારૂ પીને ગણેશજીની મૂર્તિ લાવવાથી ગણેશજી પ્રસન્ન થાય?
રક્ષાબંધન પર ભાઈને રાખડી પહેરાવતી વખતે કૃતિ સેનન પહેરે તેવાં કપડાં શોભનીય છે? આવી Sell-I-Brat-Iનું આંધળું અનુકરણ યોગ્ય નથી.