કૌણ્ડિન્ય એટલે અનેકોમાંના એક પણ અનેક વિશેષતાઓ સાથેના પૂર્વજ. હજુ પરંપરામાં વંશ, ગોત્ર, પ્રવરનું મહત્ત્વ રહ્યું છે. હિન્દુ જીવનને વ્યવસ્થિત બનાવનારા સોળ સંસ્કારો છે, દરેકમાં વ્યક્તિના વર્તમાનનો અતીત અપેક્ષિત છે. જોકે હવે તેવી ઓળખનું મહત્વ ઓછું થતું જાય છે. પણ આ ગોત્ર, પ્રવર, અને વંશનું સમાજશાસ્ત્રીય સંશોધન ઘણી બાબતો પર ઇતિહાસનો અંદાજ આપે છે.
હમણાં સંજીવ સાન્યાલનું એક બહુચર્ચિત પુસ્તક ‘ધ ઓસન ઓફ ચર્ન: હાઉ ધ ઇંડિયન ઓસન શેપ્ડ હ્યુમન હિસ્ટ્રી’ વાંચી રહ્યો છું. ભારત સરકારના આર્થિક સલાહકાર, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રી, નગરજીવનના અભ્યાસી તરીકે જાણીતા સાન્યાલ ઓક્સફર્ડમાં અધ્યાપક છે અને ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સન્માન મેળવ્યા છે. વર્લ્ડ યંગ ગ્લોબલ લીડર-૨૦૧૦નું સન્માન આ એક માત્ર ભારતીયને મળ્યું છે.
તેમનાં આ પુસ્તકમાં આંગકોરવાટ, વિજયનગર, મધ્યયુગનાં આરબ સામ્રાજ્યો, અને ચીન સુધીનું રસપ્રદ વિવરણ છે. પૂર્વ આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા સુધીના ફલક પર આ સંશોધન હિન્દ મહાસાગરના કિનારે વિકસિત સમાજ જીવનની રસપ્રદ દસ્તાવેજી માહિતી આપે છે, તેનાથી અંદાજ આવે છે કે, ભારતગાથાના મહાનાયકો ક્યાં દૂરસુદૂર પહોંચ્યા હતા અને સંસ્કૃતિનું સંવર્ધન કર્યું હતું. પ્રાચીન કાળથી વર્તમાન વિદેશવાસી ભારતીય વ્યાપારીઓ, રાજવીઓ અને દેશભક્ત ક્રાંતિકારો સુધીની કહાણી આ પુસ્તકમાં છે.
આમાં જ એક પ્રકરણમાં કૌણ્ડિન્યનો ઉલ્લેખ છે. અરે, આ તો આપણા ગોત્ર-પૂર્વજો-ભૃગુ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, કેવલા અંગીરસ, કાશ્યપ, કેવલા ભૃગુ, ગૌતમ, અત્રિ, કશ્યપ, વશિષ્ઠ, અગસ્ત્ય.. આમાંના એક કૌણ્ડિન્ય. વ્યક્તિગત રીતે મારું ગોત્ર કૌણ્ડિન્ય છે એટલે વધુ રસ પડ્યો.સાન્યાલે કેટલીક વિગતો નોંધી છે તે પ્રમાણે મૌર્ય સામ્રાજ્યના પતન પછીનો સામાન્ય પ્રજાનો ઇતિહાસ અંધારામાં ખોવાયેલો છે, તેવા સમયે વિયેતનામના મીકાંગ નગરનું ભારે મહત્વ હતું અને ત્યાં ઈસુની પહેલી શતાબ્દીની પૂર્વે દક્ષિણ એશિયામાં પહેલું ભારતીય સામ્રાજ્ય સ્થપાયું હતું. ચીન તેને ‘ફૂનાન’ નામે ઓળખતું. આ રાજ્ય કઈ રીતે સ્થાપિત થયું? તેની એક રોચક કથા છે. આ વિસ્તારમાં એક ભારતીય વ્યાપારીનું જહાજ પસાર થયું ત્યારે સમુદ્રમાં ડાકુઓના એક સમુદાયે તેના પર હુમલો કર્યો. ડાકુઓની નેતા સોમા નામની નાયક-પુત્રી કરી રહી હતી.
ભારતીયોનું નેતૃત્વ એક સુંદર બ્રાહ્મણ પાસે હતું, તેનું નામ કૌણ્ડિન્ય. બંને વચ્ચે યુદ્ધ થયું, ડાકુઓએ ભાગવું પડ્યું. પણ જહાજ ક્ષતિગ્રસ્ત હતું, આગળ વધી શકે તેમ નહોતું, વ્યાપારીઓ તો બીજા હુમલાની આશંકા સાથે ચિંતામાં હતા. કરવું શું? ભાગ્યની રમત પણ કેવી છે, પેલી ડાકુ ટોળીની નાયિકા સોમાને આ શત્રુ બ્રાહ્મણ પસંદ પડી ગયો, પ્રેમમાં પડી અને લગ્ન માટેનો પ્રસ્તાવ મોકલ્યો. કૌણ્ડિન્ય દ્વારા તેનો સ્વીકાર થયો અને એક નવો વંશ શરૂ થયો. તે વંશે વર્ષો સુધી અહી શાસન કર્યું. આ ઇતિહાસ વિયેતનામના ચામ અને કમ્બોડિયાના અભિલેખોમાં અને ચીની અભિલેખોમાં પણ આલેખિત છે! ૧૫૦૦ વર્ષ સુધી રાજકુમારીના પ્રથમ પ્રસ્તાવની સાથે રાજકીય માન્યતાનાં કેન્દ્રમાં આ સત્તા રહી. એટલે માતૃસત્તાક સમાજનો પણ ઉદય થયો. તે સમાજમાં નાગપૂજા થતી અને આંગકોરમાં ‘નાગ’ અને આંગકોર રાજકીય અનુષ્ઠાન રહ્યું તે છેક ૧૦૦૦ વર્ષ સુધીનું!
વળી એ પ્રશ્ન થાય કે, આ કૌણ્ડિન્ય હતા કોણ? ક્યાના રહેવાસી હતા? યુદ્ધવીર કઈ રીતે બન્યા? કૌણ્ડિન્ય કોઈ સામાન્ય નામ નથી રહ્યું. પણ તમિળ, આંધ્ર, ઓરિસ્સાના સમુદ્ર કિનારે આ ગોત્ર સાથેના લોકો રહે છે. બીજી મહત્વની વાત એ છે કે, તમિળ વ્યાકરણના રચયિતા અગસ્ત્ય હતા, તેનું પણ એક ગોત્ર છે. આસામના મારા પ્રવાસ દરમિયાન કુંડીન નદી જોવા મળી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહીં સદિયા નજીક કુંડીલા નગરના ભગ્ન અવશેષો હજુ જોવા મળે છે. રુક્મિણિના પિતા ભીષ્મકનું અહી શાસન હતું. અહી કૌણ્ડિન્યનો એક સમૂહ આવીને વસ્યો હશે?
ક્યાં પૂર્વોત્તર અને ક્યાં દક્ષિણ ભારત? ચેન્નઈથી ૧૫૪ કિલોમીટર દૂર પણ એક નદી છે જેનું નામ કૌણ્ડિન્ય નદી છે. એક ઋષિની તપસ્યાને કારણે આ નદી વહેતી થઈ હતી. તેનો ઉદ્ગમ કુરુદુમાલે પાસેના પર્વતોમાં છે. બીજી તરફ આપણા પ્રાચીન ગ્રંથ ‘આશ્વલાયન સૂત્ર’માં વ્યાકરણશાસ્ત્રી કૌણ્ડિન્યનો ઉલ્લેખ છે. મોનિયર વિલિયમ્સ (જેની સાથે પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ સંસ્કૃત–અંગ્રેજી શબ્દકોશનું નિર્માણ કર્યું હતું)ના જણાવ્યા પ્રમાણે તો ૨૪ પૌરાણિક બૌદ્ધમાંના એક કૌણ્ડિન્ય હતા!
પરંતુ એક કૌણ્ડિન્ય શોધી કાઢવા મુશ્કેલ છે. અંગીરસ ઋષિના પુત્ર તરીકે તેનો નિર્દેશ છે. અગસ્ત્યની સાથેનો તેનો અનુબંધ છે. તેઓને ૨૪ પ્રવરોમાંના એક ગણવામાં આવે છે. તમિળ વ્યાકરણ તેમણે રચ્યું હતું. તેમણે એક વિદ્યાલય પણ ચલાવ્યું. લોપામુદ્રા-અગસ્ત્ય સંવાદ ખ્યાત છે. ચરક સંહિતા, બૃહદ્ આરણ્યક, શતપથ બ્રાહ્મણ, બૌધાયન ગુહ્યસૂત્ર અને પાણિનિના ગ્રંથોમાં કૌણ્ડિન્યનો ઉલ્લેખ છે. એક કહાણી એવી પણ છે કે, ઈસ પૂર્વે ૭૦૦માં આ નામે બૌદ્ધ સાધુ પણ ખ્યાત હતો.
કેટલીક બીજી ઉપલબ્ધિ પણ કૌણ્ડિન્યની રહી, તે આપણા આ મહાન પૂર્વજનો પરિચય કરાવે છે. તેમણે ભાગવત પાશુપત સૂત્રનું ભાષ્ય રચ્યું. તે ધર્મશાસ્ત્રના વિદ્વાન હતા. કૂલદેવી ચક્રેશ્વરી, કેટલાક વિદ્વાનો તેનો જન્મ કપિલવસ્તુ પાસે ગણાવે છે. યજુર્વેદ, અથર્વવેદના વિદ્વાન હતા. યુદ્ધશાસ્ત્ર શીખ્યા હતા.
સૌથી આધારભૂત માહિતી મળે છે કે, તે મહર્ષિ વશિષ્ઠના વંશજ અને મહાભારતકાર વેદવ્યાસના અનુબંધિત હતા, પછીથી વશિષ્ઠનાં ૯૯ કૂળ થયાં તેમાં કૌણ્ડિન્ય મુખ્ય છે. તેમની જન્મતિથિ નાગપંચમી છે. ઋષિ અત્રિ ત્યાં ૩૦૦૦ વર્ષ પૂર્વે શ્રાવણ સુદ પાંચમે કાશીમાં જન્મ્યા. કુંડીન નામ પરથી કૌણ્ડિન્ય વંશજની યાદી મળે છે તે પ્રમાણે અત્રિ, કૌણ્ડિન્ય, કુંડલ્ય, આયુધમા, દેવાશ્રય, વગેરે છે. તેલુગુમાં તો તેનાં ઉપનામો પણ બોલાય છે. માત્ર બ્રાહ્મણ નહિ, અન્ય સમાજોમાં પણ આ ગોત્ર છે. બુંદેલખંડમાં બનાફર ક્ષત્રિય, યાદવ, અને અન્યત્ર ભોજ કૌણ્ડિન્યનો સમાવેશ થાય છે. મહાવીર, યશોદા, કશ્યપ, લોપામુદ્રા, પણ આવે.
કુંડીન ગોત્ર અને પ્રવરમાં વશિષ્ઠ, મિત્રાવરણ, કૌણ્ડિન્ય એમ ત્રણનો સમાવેશ થાય છે. ગુજરાતની સાથે આ બ્રાહ્મણોનો વિશેષ ઐતિહાસિક અનુબંધ છે. ઈસ ૯૪૨માં મૂળરાજ સોલંકીએ અણહિલપુર પાટણ કબ્જે કર્યું. સામંતસિંહ ચાવડાની હત્યાના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે રૂદ્રયજ્ઞ કરવા છેક ભિન્નમાળ અને ઉત્તરપ્રદેશથી વિદ્વાન બોધાયનના નેતૃત્વમાં ૧૦૩૭ બ્રાહમણ પરિવારો આવ્યાં, રુદ્રમાળ દેવાલય પ્રતિષ્ઠિત થયું, ૩૭ પરિવાર દૂર રહ્યા, જે ટોળકિયા કહેવાયા, બાકીના ૧૦૦૦ સહસ્ર ઔદિચ્યને રાજવીએ ગામો આપ્યાં. પુરોહિતપદ અને ખેતી મુખ્ય પ્રવૃત્તિ. અલ્લાઉદ્દીન ખીલજીના આક્રમણ પછી આ પરિવારોએ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વસીને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા ક્યારેક આક્રમકોની સામે યુદ્ધ પણ કર્યું. આજે પણ તેમની કૂળદેવીઓ, ખાંભીઓ ક્યાંક જોવા મળે છે. ચાણસ્માથી ચામુંડા તેમના આસ્થાસ્થાનો છે.
ગોત્ર અનેક છે. કૌણ્ડિન્ય તો દક્ષિણથી ઉત્તર, પૂર્વોત્તરથી પશ્ચિમ સુધી પ્રસ્થાપિત છે. હજુ તેનું સંશોધન થઈ શકે. જરૂરી એટલા માટે કે, ભારતગાથાના વટવૃક્ષની અનેક ઘેઘૂર ડાળીઓ છે, વડવાઈઓ છે, તેના પરિચયમાં આપણો જ્વલંત ઇતિહાસ પડ્યો છે. સમાજ-શૈલીનો પરિચય થાય છે અને ‘સ્વ’ની જાગૃતિ થાય છે. અન્યથા વિસ્મૃતિનો અભિશાપ દેશ અને સમાજને નિર્માલ્ય કરી નાખે. ઇતિહાસ સંશોધન અને જનસમાજ સુધી તે અસ્મિતાને પહોંચાડવી તે આજનો યુગધર્મ છે.