વૈવિધ્ય । વાસ્તુશાસ્ત્ર: પ્રાચીન નગર આયોજન અને આધુનિક સ્થાપત્ય
આવો, આપણે માણીએ ભારતીય ભવન અને ભારતીય ભ્રમણના આત્મસ્થાને રહેલ એક શાશ્વત સત્યને સ્થાપિત કરતા તે શાસ્ત્રને... વાસ્તુશાસ્ત્રને..
૨૪-ફેબ્રુઆરી-૨૦૨૬
કુલ દૃશ્યો |
માત્ર દિશાઓ નહીં, પણ વિજ્ઞાન છે વાસ્તુશાસ્ત્ર: જાણો સિંધુ સંસ્કૃતિથી આધુનિક સ્થાપત્ય સુધીની અદભૂત સફર
વાસ્તુ : ભારતીય જીવનદૃષ્ટિ
વાસ્તુશાસ્ત્રને ઘણીવાર માત્ર ઘર-મકાનની દિશા કે શુભ-અશુભ સંજોગો સાથે જોડી દેવામાં આવે છે, પરંતુ ભારતીય પરંપરામાં વાસ્તુશાસ્ત્રનો અર્થ ઘણો વિશાળ છે. ‘વાસ્તુ’ શબ્દ સંસ્કૃતની વસ્ ધાતુ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે – વસવું અથવા નિવાસ કરવો. એટલે વાસ્તુશાસ્ત્ર એ માનવ કેવી રીતે વસે, પ્રકૃતિ સાથે કેવો સંબંધ રાખે અને સામૂહિક જીવન કેવી રીતે ગોઠવે, તેનું શાસ્ત્ર છે.
મયમાતા ગ્રંથમાં વાસ્તુની વ્યાખ્યા આ રીતે આપવામાં આવી છે:
वास्तुं नाम समाख्यातं निवासार्थं प्रजापतेः।
અર્થાત્ માનવનિવાસ માટે જે અવકાશયોગ્ય રીતે ગોઠવવામાં આવે, તેને વાસ્તુ કહેવામાં આવે છે. અહીં યોગ્ય’ શબ્દ મહત્વનો છે; તેનો અર્થ છે માનવશરીર, મન અને પર્યાવરણ માટે અનુકૂળ.
પ્રાચીન ભારતમાં બાંધકામ માત્ર ભૌતિક ક્રિયા નહોતી. પ્રકાશ, હવાપ્રવાહ, જલસ્રોત, જમીનનો ઢાળ અને હવામાનને ધ્યાનમાં રાખીને અવકાશ રચવામાં આવતો. તેથી વાસ્તુશાસ્ત્રમાં વિજ્ઞાન, અનુભવ અને સંવેદનશીલતા એક સાથે જોવા મળે છે. ભારતીય દૃષ્ટિએ માનવ પ્રકૃતિનો માલિક નથી, પરંતુ તેનો ભાગ છે. તેથી સાચું વાસ્તુ પ્રકૃતિ સાથે સંવાદ સાધે છે, તેના વિરોધમાં ઊભું રહેતું નથી.
સિંધુ ઘાટીનું નગર આયોજન – વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ
ભારતીય નગર આયોજનની સૌથી પ્રાચીન અને વૈજ્ઞાનિક પરંપરા સિંધુ ઘાટી સંસ્કૃતિમાં જોવા મળે છે. હડપ્પા અને મોહેંજો-દરો જેવાં નગરો ઈ.સ.પૂર્વે ત્રીજી સહસ્રાબ્દીમાં જ એવી શહેરી સમજ પ્રસ્તુત કરે છે, જે આજે પણ આધુનિક શહેરી આયોજન માટે આદર્શ ગણાય. અહીં નગરની રચના ધાર્મિક કલ્પનાઓ પર નહીં, પરંતુ પ્રકૃતિના નિયમો અને માનવ જરૂરિયાતોના સૂક્ષ્મ નિરીક્ષણ પર આધારિત હતી.
સિંધુ નગરોમાં રસ્તાઓ ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ દિશામાં સમકોણે ગોઠવાયેલા હતા. આ ગ્રીડ પદ્ધતિ પાછળનું વિજ્ઞાન સ્પષ્ટ છે, આ દિશાઓ સૂર્યપ્રકાશના સમુચિત વિતરણ અને કુદરતી હવાપ્રવાહ માટે સૌથી અનુકૂળ છે. દરેક ઘરમાં આંતરિક આંગણું હતું, જે પ્રકાશ, હવા અને સામૂહિક જીવનનું કેન્દ્ર બનતું. આંગણાંથી જોડાયેલી રહેણાંક વ્યવસ્થા આજે ‘ક્લાઈમેટ-રિસ્પોન્સિવ આર્કિટેક્ચર’ તરીકે ઓળખાય છે.
સૌથી અદ્ભુત બાબત તેમની નિકાસ વ્યવસ્થા હતી. દરેક ઘરથી નીકળતું પાણી ઢાંકેલી નાળીઓ દ્વારા મુખ્ય નિકાસ સાથે જોડાતું, જેથી સ્વચ્છતા જળવાય અને રોગચાળો ફેલાય નહીં. આ બતાવે છે કે આરોગ્ય અને સ્વચ્છતા શાસનનો મુદ્દો નહીં, પરંતુ નગર આયોજનનો મૂળ સિદ્ધાંત હતો.
વાસ્તુદૃષ્ટિએ આ આયોજન તે વિચાર સાથે સુસંગત છે, જે પછીના ગ્રંથોમાં સ્પષ્ટ થાય છે. અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે:
माता भूमिः पुत्रोऽहं पृथिव्याः
અર્થાત્ – પૃથ્વી મારી માતા છે અને હું તેનો પુત્ર છું.
આ ભાવના સિંધુ ઘાટી નગરોમાં જીવંત હતી. નગર પૃથ્વી પર ભાર નહોતું, પરંતુ તેની સાથે સુસંગત રચના હતી.
વાસ્તુવિજ્ઞાન
સિંધુ ઘાટી પછી ભારતીય વાસ્તુશાસ્ત્ર અનુભવમાંથી શાસ્ત્ર બન્યું. આ જ્ઞાન માંસાર, મયમાતા અને સમરાંગણ સૂત્રધાર જેવા ગ્રંથોમાં વ્યવસ્થિત રીતે સંકલિત થયું. અહીં વાસ્તુશાસ્ત્રને કોઈ અંધ આસ્થાપ્રણાલી તરીકે નહીં, પરંતુ અવકાશને ગોઠવવાનું વિજ્ઞાન (Science of Space) તરીકે સમજાવવામાં આવ્યું છે. વાસ્તુકલા એટલે એવી રચનાકલા, જેમાં માનવશરીર, મન અને પ્રકૃતિ ત્રણે વચ્ચે સંતુલન સાધવામાં આવે.
वास्तुपुरुषं देवैः स्थापयित्वा च भूमिषु ।
तस्मात् सर्वाणि कार्याणि वास्तुमध्ये निवेशयेत् ॥
દેવતાઓએ પૃથ્વી પર વાસ્તુ પુરુષને સ્થાપિત કર્યો છે. તેથી કોઈપણ નિર્માણ કાર્ય કરતાં પહેલાં વાસ્તુ પુરુષની સ્થિતિને ધ્યાનમાં રાખીને અવકાશનું આયોજન કરવું જોઈએ.
વાસ્તુશાસ્ત્રનો આધાર પંચમહાભૂત સિદ્ધાંત પર છે- પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આ પાંચ તત્ત્વોનું અસંતુલન રોગ, અશાંતિ અને અવ્યવસ્થા પેદા કરે છે, આ વાત પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. તેથી બાંધકામ એવી રીતે થવું જોઈએ કે જમીનનો ઢાળ, પાણીનો પ્રવાહ, પવનની દિશા અને સૂર્યપ્રકાશ કુદરતી રીતે કાર્ય કરી શકે.
આ વિચારને વ્યવહારુ સ્વરૂપ આપે છે વાસ્તુ-પુરુષમંડલ. આ ચોરસ ગ્રીડ કોઈ રહસ્યમય આકૃતિ નથી; તે અવકાશને તર્કસંગત રીતે વહેંચવાની પદ્ધતિ છે. મંડલનું કેન્દ્ર, જેને બ્રહ્મસ્થાન કહે છે, ખુલ્લું અને અવરોધરહિત રાખવામાં આવે છે. કારણ કે કેન્દ્ર અવકાશનો શ્વાસ છે, પ્રકાશ અને હવાપ્રવાહનું મૂળ છે.
આ શ્લોક બતાવે છે કે, વાસ્તુશાસ્ત્ર કોઈ એકસરખું સૂત્ર નથી, પરંતુ સ્થાનિક અને સમયાનુકૂળ વિવેક પર આધારિત જીવંત પરંપરા છે. આ રીતે વાસ્તુકલા ભારતની વૈજ્ઞાનિક સંવેદનશીલતાનું પ્રતિબિંબ બની જાય છે.
ગૃહ નિવાસ નહીં, જીવનનું કેન્દ્ર
પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ઘર માત્ર રહેવાની જગ્યા નહોતું; તે જીવન, સંસ્કાર અને સામૂહિક ચેતનાનું કેન્દ્ર હતું. તેથી ગૃહરચનામાં વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ સુખ-સુવિધા માટે નહીં, પરંતુ શારીરિક આરોગ્ય, માનસિક શાંતિ અને કુટુંબના સંયમિત જીવન માટે કરવામાં આવતો. ભારતીય વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર એવું હોવું જોઈએ કે જેમાં માનવ પ્રકૃતિ સાથે સંઘર્ષ ન કરે, પરંતુ તેની સાથે સુસંગત રીતે વસે.
માંસાર ગ્રંથમાં ગૃહરચના અંગે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છેઃ
गृहं तु सुखदं कार्यं सर्वदोषविवर्जितम् ।
અર્થાત્ ઘર એવું હોવું જોઈએ કે તે સુખદ હોય અને દોષોથી મુક્ત હોય. અહીં ‘દોષ’નો અર્થ અંધવિશ્વાસજન્ય ખામી નહીં, પરંતુ પ્રકાશ, હવાપ્રવાહ, ભેજ, અવાજ વગેરેની અવ્યવસ્થાથી થતી અસ્વસ્થતા છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનું કેન્દ્ર બ્રહ્મસ્થાન હોય છે. આ સ્થાન, આંગણું ખુલ્લું રાખવામાં આવે છે, જેથી સૂર્યપ્રકાશ અને વાયુ સરળતાથી વહે. આંગણું કુટુંબના સામૂહિક જીવનનું કેન્દ્ર બને છે, જ્યાં રોજિંદી ક્રિયાઓ કુદરતની નજીક રહે છે.
રસોડું દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવાનું કારણ અગ્નિતત્વ સાથે તેનો સંવાદ છે. સૂર્યપ્રકાશ અને ઉષ્ણતા અહીં યોગ્ય રીતે મળે છે. શયનકક્ષ સામાન્ય રીતે દક્ષિણ અથવા પશ્ચિમમાં રાખવામાં આવે છે, કારણ કે આ દિશાઓ સ્થિરતા અને આરામ સાથે જોડાયેલી છે. જળસ્રોત ઉત્તર અથવા ઉત્તર-પૂર્વમાં રાખવામાં આવે છે, જેથી પાણીનો કુદરતી પ્રવાહ જળવાઈ રહે. આ રીતે ભારતીય ગૃહરચના આજે જેને ‘પેસિવ આર્કિટેક્ચર’ કહેવામાં આવે છે, તેનું પ્રાચીન અને જીવંત સ્વરૂપ છે, જ્યાં ઘર માનવ માટે ભાર નહીં, પરંતુ આધાર બને છે.
આધુનિક સ્થાપત્ય માટે વાસ્તુશાસ્ત્રનો સંદેશ – પરંપરા અને ભવિષ્ય વચ્ચેનો સેતુ
આજના સમયમાં વિશ્વભરમાં સ્થાપત્ય અને શહેરી આયોજન એક ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઊંચી ઇમારતો, કોંક્રિટનાં જંગલો અને યાંત્રિક જીવનશૈલી વચ્ચે માનવ પ્રકૃતિથી દૂર થતો જાય છે. આ પરિસ્થિતિમાં પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્ર માત્ર ઐતિહાસિક જ્ઞાન નહીં, પરંતુ ભવિષ્ય માટેનું માર્ગદર્શન બની જાય છે. વાસ્તુશાસ્ત્રનો મૂળ સંદેશ એ છે કે, વિકાસ પ્રકૃતિના વિરોધમાં નહીં, પરંતુ તેની સાથે સુસંગત હોવો જોઈએ.
આજે ‘સસ્ટેનેબલ આર્કિટેક્ચર’ ‘ગ્રીન બિલ્ડિંગ’, ‘પેસિવ ડિઝાઇન’ અને ‘ક્લાઈમેટ-રિસ્પોન્સિવ પ્લાનિંગ’ જેવી સંકલ્પનાઓ વૈશ્વિક સ્તરે સ્વીકારાઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ બધા સિદ્ધાંતો વાસ્તુશાસ્ત્રમાં હજારો વર્ષ પહેલાંથી હાજર હતા. પ્રકાશ અને હવાપ્રવાહ માટે ખુલ્લું કેન્દ્ર, જલસંરક્ષણ માટે તળાવો અને વાવો, દિશા અનુસાર અવકાશ ગોઠવણી-આ બધું આધુનિક શબ્દોમાં નવીન લાગે છે, પરંતુ ભારતીય પરંપરામાં તે જીવનનો સ્વાભાવિક ભાગ હતું.
વાસ્તુશાસ્ત્ર માનવને ‘ઉપભોક્તા’ નહીં, પરંતુ સહઅસ્તિત્વ ધરાવતો જીવ તરીકે જુએ છે. તેથી તે માનસિક શાંતિ, સામાજિક સંવાદ અને પર્યાવરણીય સંતુલન પર સમાન ભાર મૂકે છે. આજના તણાવગ્રસ્ત અને વિભાજિત સમાજ માટે આ દૃષ્ટિ અત્યંત પ્રાસંગિક છે.
આ ભાવનાને એક પ્રાચીન શ્લોકમાં સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે:
‘प्रकृत्या सह यः वर्तते स एव सुखमाप्नुयात् । ’
અર્થાત્ જે માનવ પ્રકૃતિ સાથે સુસંગત રીતે વર્તે છે, તે જ સાચું સુખ પ્રાપ્ત કરે છે. આ શ્લોક વાસ્તુશાસ્ત્રનો સાર છે: પ્રકૃતિ સાથે સંવાદ જ સાચો વિકાસ છે.