૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧; ‘આઝાદ’ હૈં, ‘આઝાદ’ હી રહેંગે!
ચાર વર્ષ પછી આ દિવસની શતાબ્દી હશે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં સમગ્ર ઉત્તર ભારતમાં દરેક ક્રાંતિ-સંગઠનને નેતૃત્વ પૂરું પાડીને, ક્યારેય અંગ્રેજોના હાથમાં ના આવનાર માંડ ૨૫ વર્ષના ચંદ્રશેખરે પ્રયાગરાજના એક ઉદ્યાનમાં બ્રિટિશ પોલીસનો સામનો કરીને આ દિવસે હુતાત્માનું ગૌરવપદ પ્રાપ્ત કર્યું હતું.
પ્રયાગરાજના થાર્નહિલ માર્ગ પર એક મ્યોર્ન કોલેજ છે. ત્યાંથી આગળ ઉદ્યાન, નામે આલ્ફ્રેડ પાર્ક. જેમની સામે એકથી વધુ પોલીસ આદેશ હતા કે જીવતા યા મરેલા પકડી પાડો, સમગ્ર ઉત્તર પ્રદેશ, બંગાળ, દિલ્હી અને પંજાબમાં સ્ટેશનો પર ખાનગી પોશાકમાં ગુપ્તચર તંત્ર ગોઠવાઈ ગયું હતું. કેટલાક ક્રાંતિકારો પકડાઈ ગયા હતા, સરદાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, બટુકેશ્વર દત્ત વગેરે જેલોમાં હતા, અને બહાર સક્રિય ક્રાંતિકારોની ટોળી ક્યારે તેમણે જેલ કે અદાલતોમાંથી ઉપાડી જાય તેના અહેવાલોથી બ્રિટિશ તંત્ર દિલ્હીથી લંડન સુધી પરેશાન હતું. આ ત્રીજી વારના ક્રાંતિમંડલને દોરવનારો એક ૨૫ વર્ષનો યુવક હતો, ચંદ્રશેખર આઝાદ. તેને માટે વોરંટ ઉપરાંત ઈનામ પણ જાહેર કરાયું હતું.
આ આલ્ફ્રેડ માર્ગ પર આઝાદ અને સુખદેવ રાજનું; આગામી દિવસોના આયોજન માટે આ બાગમાં મળવાનું આયોજન હતું. ત્યાં આઝાદની નજર બીજા માર્ગે ચાલ્યા જતા એક વ્યક્તિ તરફ પડી. તે વીરભદ્ર હતો. ક્રાંતિકારોની સાથે રહેવાનો દંભ કરીને પોલીસને માહિતી આપવાનું કામ કરતો હતો. આઝાદ ચેતી ગયા, પાર્કમાં જતાં પહેલાં એક ચક્કર માર્યું, પછી છોટા દરવાજેથી અંદર પહોંચ્યા. એક આદમી દાતણ કરી રહ્યો હતો તેની નજર ગઈ. સુખદેવ રાજ તેની તપાસ કરવા તેના તરફ ગયો, ત્યાં સડક પર એક જીપ આવીને ઊભી રહી ગઈ. તેમાથી એક અંગ્રેજ અફસર અને બે કોન્સ્ટેબલ ઉતર્યા, મિનિટની રાહ જોયા વિના અફસરે પિસ્તોલ ઉગામી. આવીને બોલ્યો: કોણ છો તમે? શું કરો છો, અહિયાં? આઝાદ પરિસ્થિતિ સમજી ગયા. ફાટેલો કોટ, અંદર ખમીશ, નીચે ધોતી, તેમણે પોતાની મોટા ખિસ્સામાંથી પિસ્તોલ કાઢવાનો પ્રયત્ન કર્યો. સામસામે આવી ગયા. અફસરની પિસ્તોલમાથી પહેલી ગોળી છૂટી. આઝાદની જાંઘ પર વાગી. સામસામે ગોળીબાર ચાલુ થઈ ગયા, આઝાદની જાંઘના હાડકાં તૂટી ગયા હતાં, પણ આ તો આઝાદ. અગાઉ એક વારની મિત્રમંડળીમાં મનોરંજનની વાતો થઈ જતી કે કોણ કઈ રીતે લડતાં, કે ફાંસી પર ચઢતાં મરશે? ભગતસિંહે રમુજ કરી કે ભૈયા (આઝાદ)ને માટે તો તેના દમદાર દેહને લીધે ફાંસીના તખતે લઈ જવામાં જ પરેશાની થઈ જશે. ત્યારે ખુલ્લા બદન પરની જનોઈ પર હાથ રાખીને તેની મૂછોમાં હાસ્ય વેરતાં આઝાદે કહ્યું હતું કે, કોઈ માઈનો લાલ તેને પકડી શકે તેમ નથી. હમ તો આઝાદ જીયેંગે, આઝાદ હી મરેંગે!
આલ્ફ્રેડ બાગની આ લડાઈ તેવી જ રહી. સામે અંગ્રેજ ઓફિસર ઘાયલ, આ તરફ આઝાદ પર ત્રણેનો ગોળીબાર. બીજી ગોળીએ તેની છાતી ચીરી નાખી. ડાબા હાથે અફસર નોટ બાવર પર ગોળીબાર કરીને તેનું કાંડું વિક્ષત કરી નાખ્યું. તે મોટરકાર તરફ ભાગી જવા દોડ્યો પણ આઝાદની બીજી ગોળી વાગી. તે મૌલશ્રીના વૃક્ષની પાછળ સંતાઇ ગયો. મોટરકારના ટાયર ગોળીથી નકામા થઈ ગયા હતાં. પાણીના નાળામાં છૂપાઈને પોલીસ ગોળીબાર કરી રહી હતી. આઝાદે સાથી સુખદેવ રાજને ભાગી છૂટવા કહ્યું. પોતાનો એક સાથીદાર બચી જવો જોઈએ. આઝાદ બીજા વૃક્ષની આડમાં ગોળીબાર કરતા રહ્યા, બ્રિટિશ પોલીસનો વફાદાર ઈન્સ્પેકટર ઠાકુર વિશ્વેશ્વર ૫૦ ગજ દૂરથી આઝાદ પર ધુંઆધાર ગોળીબાર કરી રહ્યો હતો. એકલા આઝાદની ગોળી-વર્ષા ચાલુ રહી. શરીર ઘાયલ અને લોહીલુહાણ છતાં અંતિમ ગોળી સુધીનું આ સ્વાતંત્ર્ય યુદ્ધ! છેલ્લી ગોળી આઝાદે પોતાની છાતી પર લગાવી. મુક્તિ સંગ્રામનો એ સાચુકલો પ્રતિજ્ઞાવાન વીર હતો. પોલીસ તેના મૃતદેહ પાસે જતાં પણ ડરતી રહી, ક્યાંક આઝાદ ઊઠીને ગોળીબાર કરશે તો?
મૌલશ્રી અને જાંબુનું વૃક્ષ. એકની પાછળ બ્રિટિશ સત્તાનો પ્રતિનિધિ, અને જાંબુના વૃક્ષ તળે ભારતીય પ્રજાનો મહા-નાયક. હવે આ પાર્ક આલ્ફ્રેડ નથી, આઝાદ પાર્ક છે, એક તેજસ્વી પ્રતિમા ચંદ્રશેખરની ઊભી છે. ગમગીન વૃક્ષો અને સ્થાન ગૌરવપૂર્વક એ ઘટના હૃદયમાં સાચવીને બેઠાં છે.
સમગ્ર ક્રાંતિકારોનું આઝાદે નેતૃત્વ લીધું તેઓ સેંકડો ફાંસી, આંદામાન અને ગોળીબારમાં હુતાત્મા થયા . હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મીના કમાન્ડર ઇન-ચીફ ચંદ્રશેખર આઝાદનો અકિંચન બ્રાહ્મણ પરિવારમાં આનંદભવન જેવા ભવ્ય સ્થાને નહિ, વાંસની ઝૂપડીમાં જન્મ થયેલો. પિતા સીતારામ તિવારી. માતા જગરાની મિશ્રા. ગુજરાતની સાથે આઝાદની જ્ન્મભૂમિનો નાતો રહ્યો છે. વિંધ્યાચલની નાની-મોટી પશ્ચિમી મધ્યપ્રદેશની વનવાસી વસ્તી ધરાવતો પ્રદેશ. જિલ્લો ઝાબુઆ. જ્યાં જમીન પથરીલી છે, જ્યાં નદી અને તેણે રચેલાં મેદાનો ખુલ્લા આકાશ નીચે વનવાસીઓની ઝૂંપડીઓ અને કાચાં મકાનોવાળા જોબટ તાલુકાનું એક નાનકડું ખોબા જેવડું ગામ ભાવરા, તાડ, મહુડા, આમ્રવૃક્ષ, વાંસ વગેરે વૃક્ષોથી સદા આચ્છાદિત હોય. અહીં તેજપુરુષ આઝાદનો જન્મ થયો. અલીરાજપુર હેઠળ આ ભાવરા ગામ હતું. પિતાની આર્થિક સ્થિતિ એકદમ નબળી હતી. ભેંસ પાળીને દૂધ વેંચવાનો ધંધો, ભેંસ મારી જવાથી ચાલ્યો નહીં એટલે સરકારી બગીચાના પહેરેગીર બન્યા. ભારે સંશોધન પછી આ ગરીબ માબાપના તેજ નક્ષત્રની સાચી જન્મ તારીખ મળી ૨૩ જુલાઇ, ૧૯૦૬. ૧૫ વર્ષના આઝાદને પોલીસે વંદે માતરમ્ માટે ફટકા મારવાની સજા કરી હતી. ગાંધીજીએ અસહકારની લડત પાછી ખેંચી એટલે યુવા વર્ગ ક્રાતિના માર્ગ પર નીકળી પડ્યો.
કોણ હતા આઝાદના સાથીઓ અને સૈનિકો? થોડાં નામો યાદ કરવાનો પ્રયત્ન કરીએ. સદાશિવરાવ મલકાપુરકર. વિશ્વનાથ ગંગાધર વૈશ્શપાંયણ. બાલકૃષ્ણ ગિધોશેવાલે. સોમનાથ. કાલિકાપ્રસાદ અગ્રવાલ. સરદાર ભગતસિંહ. શિવરામ રાજગુરુ. સુખદેવ થાપર. ભગવતી ચરણ વહોરા. સુશિલા દીદી, શિવ વર્મા. સુરેન્દ્રનાથ પાંડે. બટુકેશ્વર દત્ત, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા ખાન, શચિન્દ્રનાથ સાન્યાલ, મન્મથનાથ ગુપ્તા, યોગેશ ચંદ્ર, રાજદુલારે ત્રિવેદી, ભગવાનદાસ મહૌર, જયદેવ કપૂર, કાશીરામ, સુખદેવ રાજ, યતીન્દ્ર નાથ દાસ, ગજાનન પોતદાર, મન્મથ નાથ ગુપ્ત. સુરેન્દ્ર શર્મા. રામકૃષ્ણ ખત્રી, તારા અગ્રવાલ. રાજારામ શાસ્ત્રી, ભવાની સિંહ રાવત, મનોહર લાલ ત્રિવેદી...
આ યાદી તદ્દન અધૂરી છે. રામપ્રસાદ બિસ્મિલ જેવા કવિ ક્રાંતિકાર હતા. વૈશંપાયન તો અમદાવાદ જેલમાં હતાં, ઝવેરચંદ મેઘાણીના બે ખ્યાત કાવ્યો તેની ગઝલો પરથી રચાયાં હતાં. ભગવતી ચરણ વડનગરના નાગર બ્રાહ્મણ હતા. તેમના જીવનસાથી દુર્ગાભાભી પણ ગુજરાતી બ્રાહ્મણ. બંનેનો નિવાસ લાહોરમાં, ચંદ્રશેખરના પ્રિય સાથી. બધાએ સાથે મળીને લાહોર જેલમાં ફાંસીની સજા પામેલા સરદાર ભગતસિંહ અને સાથીઓને છોડાવવાનું આયોજન કર્યું. તેના એક દિવસ પૂર્વે રાવી કિનારે બોમ્બ પરીક્ષણ કરવામાં ભગવતી ચરણને ક્રાંતિકારોએ ગુમાવ્યા, પણ સ્વર્ગસ્થ પતિની સ્મૃતિ સાથે દુર્ગાભાભી ક્રાંતિકારી રહ્યાં. ચંદ્રશેખર આઝાદે દુર્ગાભાભી અને તેના પુત્ર સચીનને કાયમ સાચવ્યાં. આઝાદનું નેતૃત્વ તમામ ક્રાંતિકારો માટે પ્રેરક હતું. ભગતસિંહ, ભગવતી ચરણ, ચંદ્રશેખર વચ્ચે અતૂટ સંબંધ હતો. દુર્ગાભાભી તો એકવાર જેલવાસી ભગતસિંહ અને સાથીદારોને; ગાંધી-અરવિન કરારમાં અસહકાર આંદોલનમાં જેલવાસીઓના છૂટકારો થવાનો હતો, તેમાં ભગતસિંહ વગેરેને છોડવા ગાંધી મંત્રણામાં કહે તેવું જણાવવા ગયાં, તેમની પાછળ પણ વોરંટ હતું. ગાંધી સમજ્યા કે સશસ્ત્ર પ્રવૃત્તિ છોડી દેવા આ મહિલા સૌના તરફથી આવી છે એટ્લે સૂચવ્યું કે, અત્યારે શરણાગતિ મેળવી લો. ભાભી કહે, બાપુ, હું શરણાગત થવા આવી નથી, હું તો ભગતસિંહ વગેરે માટે બધા વિષે તમે અંગ્રેજોને કહો એવું કહેવા માટે આવી છું. દુર્ગાભાભીના પોતાના જ શબ્દોમાં..‘ગાંધીજીએ તેમ કરવાની ના પાડી અને હું પાછી વળી ગઈ. ‘આઝાદ’ પણ પ્રયાગરાજના ‘નેહરૂ નિવાસ’ ‘આનંદભવન’માં જવાહરલાલને મળવા ગયા ત્યારે આઝાદ ફાસિસ્ટ હોવાની તેમના પર છાપ પડી હતી.