તંત્રીસ્થાનેથી । આપણા નિર્ણયોનો નિખાર...‘બૉર્ડ ઑફ પીસ’વાળી નહીં, ‘પેક્સ સિલિકા’વાળી શાંતિ જરૂરી

વિશ્વ અને ખાસ તો અમેરિકા બરાબર જાણે છે કે, ભારત પાસે વિરાટ ટેલેન્ટ પૂલ છે અને વિશ્વસનીય વિદેશ નીતિ પણ છે.

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

editorial-sadhana-saptahik-pax-silica 
 
 
ભારતનું વિહંગાવલોકન કરવું હોય તો તેને આંતર-બાહ્ય, એમ બે દૃષ્ટિએ જોવું પડે.
 
૧) આંતરિક ભારતનું આકલન ખૂબ જ અઘરું છે, છતાં મોટું મોટું ચિત્ર જોઈએ તો સાંસ્કૃતિક ભારત શ્રીરામમય છે, ભારતની ઝેન-ઝીને કુંભમય જોઈને દેશને હરખાતો જોયો છે. વિજ્ઞાન-ટેકનોલોજીની દૃષ્ટિએ પ્રચંડ આત્મવિશ્વાસ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની સફળ ‘AI Impact Summit’ યોજી શકે છે. શૈક્ષણિક રીતે વિદેશી વામપંથી મૉડલમાંથી બહાર આવવા ભારત મથી રહ્યું છે. ધંધા-વ્યાપાર-રોજગાર-ઈન્ફ્રા-સંરક્ષણ વગેરે તમામ ક્ષેત્રે ભારત અગાઉ હતું તેના કરતાં અનેકગણું વિકસિત થયું છે, જેની અવિરત યાત્રા જારી છે. રાજકીય ભારતમાં ભારતનું બૂરું બતાવવા છેલ્લી કક્ષાનાં હવાતિયાં મારી રહેલ કોંગ્રેસનું નેતૃત્વ સ્વયં પોતે દેશદ્રોહી તરીકે ઓળખાય તે માટેના પ્રયત્નોમાં સફળ પુરવાર થવા જઈ રહ્યું છે. ભારત મંડપમ્‌માં વિદેશીઓ સામે નગ્નતાભર્યું પ્રદર્શન; એ તેની નિમ્નતાની છેલ્લી કક્ષાનું ઘૃણાસ્પદ કરતૂત છે.
 
૨) ભારતની બાહ્યતાને જાણવા માટે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતને જોવું પડે. તાજેતરમાં જે બંને વૈશ્વિક મંચ પર ભારતે વિશેષ નિર્ણય લીધા છે, તેનાથી ચિત્ર સ્પષ્ટ થાય છે.
 
નિત નવા ધમપછાડા કરતા અમેરિકાએ ૨૦૨૫ના અંતમાં ભારતને બે સંગઠનો (એલાયન્સ)માં સામેલ થવા માટે પ્રસ્તાવો રજૂ કરેલા.. (૧) પેક્સ સિલિકા અને (૨) બૉર્ડ ઓફ પીસ. હવે જોઈએ કે, ભારતે શું કર્યું અને શું પામ્યું? પેક્સ (Pax)નો અર્થ શાંતિ છે અને હાલમાં ચર્ચાના ચકડોળે એક ‘બૉર્ડ ઓફ પીસ’ ચઢેલું છે, તેના શબ્દ- ‘પીસ’નો અર્થ પણ શાંતિ થાય છે.
 
પહેલાં પેક્સ સિલિકા અંગે જોઈએ. તાજેતરમાં AI સમિટ વખતે સેમિકન્ડક્ટર ઉત્પાદન અને ચિપ ડિઝાઇન માટે અત્યંત મહત્વ ધરાવતા અમેરિકાના નેતૃત્વ હેઠળના પેક્સ સિલિકા સાથે ભારત પણ જોડાઈ ગયું.‌ તેના કારણે ભારતીય ડેટા સેન્ટરોમાં અને ક્લાઉડ કમ્પ્યુટીંગમાં રોકાણ વધશે.. સાથે સાથે.. ભારત સેમિકન્ડક્ટર અને AIના વિશ્વના સૌથી મોટા ગઠબંધનનો હિસ્સો બની એક અર્થમાં ગેમ ચેન્જર બની ગયું. આ શક્ય બન્યું, કારણ કે હવે વિશ્વ અને ખાસ તો અમેરિકા બરાબર જાણે છે કે, ભારત પાસે વિરાટ ટેલેન્ટ પૂલ છે અને વિશ્વસનીય વિદેશ નીતિ પણ છે.
 
આ સંગઠનનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટર અને રેર અર્થ મટિરિયલ્સનાં પુરવઠા-સ્ત્રોતજોડાણો (સપ્લાય ચેઈન); કોઈપણ અવરોધ વગર પરસ્પર સક્રિય રહે તે છે. એટલું જ નહીં, એવા દેશો પરની નિર્ભરતા ઘટાડવાનો પણ ઉદેશ્ય છે, જે આ સંગઠનનો હિસ્સો નથી. આ સંગઠનમાં ભારત અને અમેરિકા સહિત ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, ઈઝરાયેલ, જાપાન, કતાર, દક્ષિણ કોરિયા, સિંગાપુર, બ્રિટન અને યુએઈ, આ બધા દેશો સામેલ છે. આ જોડાણના આધારે ભારત આ દશેય દેશો સાથે મળીને ‘ગ્લોબલ ટેક ઈકોસિસ્ટમ’ ઘડી કાઢશે.
 
બીજી તરફ નજર કરીએ કથિત ગાઝાસંકટ માટે ટ્રમ્પે બનાવેલા ‘બૉર્ડ ઓફ પીસ’ પર, જેમાં (દુનિયાભરથી મળતી ભીખ પર નભતું અને ‘ટકો લો અને મને ગણો’વાળી લઘુતાગ્રંથિથી પીડાતું) પાકિસ્તાન ભીખમાં મળેલાં નાણાં આપીને સભ્ય બન્યું. અન્ય ૨૭ દેશો પણ તેમાં ખરા, પરંતુ ભારત સભ્ય નથી બન્યું. આ બોર્ડની વૉશિંગ્ટન ખાતેની પહેલ વહેલી બેઠકમાં ઓબ્ઝર્વર તરીકે ભારત ઉપસ્થિત રહ્યું.‌ આ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર માન-સન્માન મળે તે માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્રમ્પને ‘મેન ઓફ પીસ’ અને ‘દક્ષિણ એશિયાના ઉદ્ધારક’ કહીને ભરપૂર પ્રશંસા કરી. ..પરંતુ ટ્રમ્પે પોતાના ચાલુ સંબોધને શાહબાઝ શરીફને ઉભા કરીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે ‘ખૂબ સારા મિત્ર’ અને ‘મહાન માણસ’ જેવા શબ્દોથી ખુલ્લેઆમ મ્હોંફાટ વખાણ કર્યાં. એટલું જ નહીં સમૂહછબી (ગ્રુપ ફોટો)માં પણ શરીફને ઠેક ખૂણામાં ઊભા કરીને; જો કદાચ થોડી પણ ઈજ્જત-આબરૂ બચી હોય તો તેને પણ ધૂળમાં મિલાવી દીધી.
 
કથિત શાંતિના બંને સંગઠનો સંદર્ભે ભારતે લીધેલા નિર્ણયો એ વિદેશી શક્તિઓ સામે ભારતે; ભારત માટેની અગ્રતા નિશ્ચિત કરીને નમ્રતાપૂર્વક દાખવેલું અણનમપણું છે. પશ્ચિમે ઘડેલી ભ્રમણાઓ (નેરેટિવ્સ) ભલે શાંતિના નામે હોય કે સમૃદ્ધિના નામે, ભારત તે વિદેશી (ખાસ કરીને પશ્ચિમી) નેરેટિવ-વૉરને સમજી ચૂક્યું છે. તેની સામે ભારતની ક્રિયા-પ્રતિક્રિયામાંથી ઉપસતી-ઉભરતી નવા ભારતની ઉજ્જ્વળ છબીનાં દર્શન કરીને ભારતનાં સત્યો (વિમર્શો) પર વિશ્વ આકર્ષિત થઈ પોતાના તાલમેલ બેસાડી રહ્યું છે.
 
 

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.