સંસ્કૃતિસુધા । રંગોની રાજધાની : હોલી કબ હૈ? કેમિકલયુક્ત કલરને ફારગતી આપી ઇકો ફ્રેન્ડલી રંગનાં પોંખણાં કરીએ.

આજે ગુજરાત પાણીના પાણીદાર પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે ત્યારે પાણીનો ખોટો વ્યય ન થાય એ પણ જોવું રહ્યું. કેમિકલયુક્ત કલરને ફારગતી આપી ઇકો ફ્રેન્ડલી રંગનાં પોંખણાં કરીએ. ‘રંગ બરસે, ભીગે ચુનરવાલી...’ ગાઈને વસંત ઋતુનાં વધામણાં થાય છે.

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

holi vishesh 
 
 
હોળી નિમિત્તે વિશેષ...
 
 
 
એ અવસ્થામાં પરીક્ષાની તારીખ યાદ ન હોય, પણ ‘હોલી કબ હૈ?’ની ખબર રહેતી. કેટલાંક ગામડાંમાં તો કાદવ-કીચડ અને ચૂલાની મેશથી રમવાની ખોટી પરંપરા હતી. જેના કારણે ઝઘડાના તિખારાઓ ઝરતા. ગામલોકોને મફતમાં ‘જોણું’ થતું. જુગાર રમવાની અને દારૂ પીવાની ખોટી પ્રથાઓ. આ પ્રથાઓનું વહેલામાં વહેલી તકે બેસણું થાય એની રાહ જોઈએ છીએ. કેટલાંક ગામમાં હોળીના દિવસે ફાળો ઉઘરાવી ગામમાં જે સુવિધા ન હોય એ ઊભી કરવાની પરંપરા પણ છે. આવી ઉત્તમ પરંપરાનું અનુકરણ બધે કેમ નહીં? બરસાનાની લઠમાર હોળી હોય કે સૌરાષ્ટ્રની ધોલમાર હોળી હોય એમાં દામ્પત્યના નવા રંગો ઉમેરાય છે. દ્વારકાની ફૂલડોલ હોળીમાં ‘ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો’ની જેમ એકબીજા પર ફૂલ ફેંકવામાં આવે છે. આ બધાં પર્વોનું કામ એકમેકને સુગંધિત કરવાનું છે. ધીંગી ધુળેટીના નામે કોઈ પણ કામે જવાની ઇચ્છા ન થાય.
 
સવારે અમારી શેરી અને સામેની શેરી વચ્ચે ધુળેટીનું ધમાસાણ યુદ્ધ ચાલે. સાંજે વ્યક્તિગત ધુળેટી રમાય. જેમાં ઘરમાં છુપાયેલા એક એક મિત્રોને ‘ચુન ચુન કે’ રંગીએ. વડીલો ‘ચૂટકીવાલી હોલી’ રમતા અને બાળકો ડોલ ભરીને ‘ચોપાડવાળી હોળી’ રમતા. રસ્તામાં નીકળતા વડીલો જો ગોઠ ન આપે તો એના પર પણ રંગ છાંટીએ. મોઢા પર કલરના થથેડાને કારણે માતા પોતાના પુત્રને પણ ઓળખી ન’તી શકતી. આખા શરીરે એટલો બધો રંગ લાગી જાય છે એને જતાં અઠવાડિયું લાગતું. નદીકિનારે નળિયાનું ઠીકરું લઈ ઘસી ઘસીને ન્હાતા. હોળી પછી ઊજળા બાણ થઇ જતા. શરીર હળવુંફૂલ થતું. આખા વર્ષનો મેલ નીકળી જતો. આ દિવસે દુશ્મન પર પણ રંગ છાંટીને મૈત્રીની મહોર લગાવાય છે. આ રીતે સંબંધોનો મેલ પણ દૂર કરાય છે.
 
ઘમનાગુડી ગામમાં ૧૦૦ વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. ત્યાં સૌ હોળીનાં ગીતો ગાતાં હતાં ત્યારે ગામલોકોને એવો અનુભવ થયો કે એમને કોઈ દંડાથી મારી રહ્યું છે. એવી વાત ગામમાં ફેલાઈ ગઈ કે, રંગ રમનારા બીમાર થઈ ગયા અને કેટલાકના ચહેરા પર દાણા નીકળી આવ્યા. ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓને દફનાવી શકાય એક એવો તહેવાર પણ ન હોવો જોઈએ? આજે પણ અજબગજબની અંધશ્રદ્ધાને પોષીએ અને પાળીએ છીએ.
 
જોન મિરો કહે છે કે, ‘I try to apply colors like words that shape poems, like notes that shape music.’ ચિત્રકારની પીંછીથી નિતરતો – નિખરતો રંગ અદ્ભુત સર્જન થઈ આવે છે. જેમ ઉત્તમ ફિલ્ડરને એમ લાગે કે, દરેક બોલ એના તરફ આવી રહ્યો છે એમ દરેક કલાકારને દરેક રંગમાં એક ચિત્ર છુપાયેલું લાગે છે. ‘રંગરસિયા’ના રવિ વર્મા કે ‘પદ્માવત’માં ખીલજીના આક્રમણને ભૂલી રમાતી ધુળેટી મનમાં કેલિડોસ્કોપ સર્જે છે. આજે ગુજરાત પાણીના પાણીદાર પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે ત્યારે પાણીનો ખોટો વ્યય ન થાય એ પણ જોવું રહ્યું. કેમિકલયુક્ત કલરને ફારગતી આપી ઇકો ફ્રેન્ડલી રંગનાં પોંખણાં કરીએ. ‘રંગ બરસે, ભીગે ચુનરવાલી...’ ગાઈને વસંત ઋતુનાં વધામણાં થાય છે. લહલહ પાકથી લહેરાતાં ખેતરોમાં ખોવાઈ જઈ ખુશીને માણવાની અને મમળાવવાની આ મોસમ. પંજાબમાં બૈસાખીના ભાંગડા, મારવાડમાં ઘુમરના તાલે કે આદિવાસી વિસ્તારોમાં પારંપરિક નૃત્ય સાથે રમાતી હોળી.. આ સૌમાં રંગોની જેમ એકબીજામાં ભળી જવાનો સ્નેહાળ સંદેશ મળે છે. હોળી પ્રજ્વલિત રાખીશું એટલે રંગદેવની કૃપાથી સત્યનો જયઘોષ થતો રહેશે અને અસત્ય તમારી આંખ સામે ભડભડ બળી જશે. રાજેન્દ્ર શાહના શબ્દો સાથે વિરમું...
 
એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો, એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો..
એ જી આંબાની મ્હોરી મંજરી, કોઈ ફાગણ લ્યો, એવા સરવર સોહે કંજ રે, કોઈ ફાગણ લ્યો…

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.