યુવાસંવાદ । માતૃભાષા કેમ છે આપણા જીવનની ‘ત્વચા’? જાણો ઉમાશંકર જોશીની ‘ગાંધીગિરા’નો અદભુત મહિમા!

ઉમાશંકરજીએ કહ્યું છે, તેમ આ ભાષા સદા સૌમ્ય રહીને વૈભવે ઊભરાતી રહે અને એનો ટહુકો વિશ્વના ખૂણેખૂણે સંભળાતો રહે ..!!

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

matrubhaSha

મળી માતૃભાષા મને ગુજરાતી...

 
ધૈર્ય : નમસ્તે સર! આજે ૨૧ ફેબ્રુઆરીનો સૂર્ય જાણે કંઈક અલગ જ તેજ લઈને આવ્યો છે.
 
‘કેમ તું આમ કહી રહ્યો છે, ધૈર્ય!!
 
ધૈર્ય : મહોદય, જુઓ તો ખરા! સોશિયલ મીડિયા અને નાની મોટી સંસ્થાઓમાં ચારેબાજુ ગુજરાતી ભાષાના ગુંજારવની વાતો છે. ૨૧મીએ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ હતો અને એ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આ વખતે આખા રાજ્યમાં ૫૫૧ જેટલા કાર્યક્રમોનું એક જબરદસ્ત આયોજન થયું… !!
 
વૈદેહી: નમસ્તે સર! ધૈર્યની વાત સાચી છે. પણ મને લાગે છે કે આ ૫૫૧ કાર્યક્રમો માત્ર આંકડો નથી, એ તો આપણી સુપ્ત પડેલી ચેતનાને જગાડવાનો એક ભગીરથ પ્રયાસ છે. સર, આપ હંમેશા કહો છો ને કે, માતૃભાષા એ સંસ્કારની જનની છે. આજે જ્યારે આપણે ઉમાશંકર જોશીની પેલી અમર પંક્તિ યાદ કરીએ છીએ- ‘મળી માતૃભાષા મને ગુજરાતી’, ત્યારે એમાં માત્ર શબ્દો નહીં, પણ એક આખી સભ્યતાનો રણકો સંભળાય છે.
 
…‘જી, બિલકુલ, સાચી વાત છે, આ કવિતાને તમારે વ્યાપક રીતે જોવી જોઈએ. આ માત્ર અક્ષરોની ગૂંથણી નથી, પણ સમયના વહેણ સાથે સાથે આપણી અસ્મિતાનો દસ્તાવેજ છે.
 
ધૈર્ય: હા સર, એ જ કવિતામાં ઉમાશંકર જોશી જ્યારે નરસિંહ-મીરાંની વાત કરે છે, ત્યારે મધ્યકાલીન અને ભક્તિ પરંપરાની આખી યુગની ચેતના અહીં પડઘાય છે.
 
વૈદેહી: સર, આપના વ્યાખ્યાનોમાં આપ સમજાવો છો તેમ, નરસિંહની એ ભક્તિ અને મીરાંની એ તડપ જ તો આપણી ભાષાનું સાચું ઘરેણું છે.
 
જુઓ, વિશેષતા એ છે કે હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને ‘ગાંધીગિરા’ સુધી ઉમાશંકર જોશી વાત કરે છે. તેઓ ગુજરાતી ભાષાને એક જીવંત નદીની જેમ વહેતી બતાવે છે, જેણે જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય કર્યો છે.
 
વૈદેહી: અને સર, અખાની વાત તો કેમ ભુલાય? ઉમાશંકરજીએ કાવ્યમાં તેને ‘ધીરો ભક્ત’ કહ્યો છે. અખાએ જે રીતે ગુજરાતીમાં જ્ઞાનના છપ્પા પિરસ્યા, તે જોતા લાગે છે કે, આપણી ભાષામાં ગંભીર તત્વજ્ઞાન સમજાવવાની કેટલી તાકાત છે! સર, આપ જે રીતે સંસ્કૃતના શ્લોકો સાથે ગુજરાતીના લાલિત્યને જોડો છો, તે જ રીતે આ કવિતામાં ‘ગિરા’ શબ્દનો પ્રયોગ થયો છે. સંસ્કૃતની એ ભવ્યતા આપણી ગુજરાતીમાં કેવી રીતે ઉતરી આવી છે, તે આ કાવ્યના એક-એક શબ્દમાં વર્તાય છે.
ધૈર્ય: વૈદેહી, મને તો પેલી પંક્તિ બહુ ગમી- ‘રમે અન્ય સખીઓ થકી દઈ તાળી’. સર, આપ હંમેશા કહો છો કે, ગુજરાતી ભાષા ઉદાર છે. તે કોઈ ભાષાની વિરોધી નથી, પણ સખી છે. આપણી ભાષાએ અરબી, ફારસી અને અંગ્રેજીના શબ્દોને પણ એવા વહાલથી અપનાવ્યા છે કે જાણે એ આપણા પોતાના જ હોય. આ ઉદારતા જ તો આપણને ‘વિશ્વમાનવી’ બનાવે છે, ખરું ને સર?
 
વૈદેહી: સાચી વાત છે. અને એટલે જ કદાચ ઉમાશંકરજીએ તેને છેલ્લે ‘ગાંધીગિરા’ કહીને નવાજી છે. મહોદય, આપણે જાણીએ છીએ કે ગાંધીજીના ભાષાશુદ્ધિના આગ્રહની વાત વારંવાર આવે છે. સત્ય અને અહિંસા જેવા અઘરા વિષયોને જો કોઈ ભાષાએ સાવ સરળ બનાવીને જન-જન સુધી પહોંચાડ્યા હોય, તો તે આપણી ‘ગાંધીગિરા’ ગુજરાતી છે.
 
‘સમજો, આ ૨૧ ફેબ્રુઆરીએ જ્યારે અકાદમીએ આટલો મોટો જ્ઞાનયજ્ઞ સંપન્ન કર્યો છે, ત્યારે સૌને સમજાવું જોઈએ કે, ભાષા એ આપણી ત્વચા છે. ત્વચા જેમ શરીરનું રક્ષણ કરે છે અને બહારની દુનિયા સાથેનો પહેલો સ્પર્શ છે, તેમ માતૃભાષા આપણી સંવેદનાની રક્ષક છે. માતૃભાષા એ માત્ર વાણી નથી, એ આપણો શ્વાસ છે. જ્યારે શ્વાસ જ રૂંધાય ત્યારે જીવન કેવું? માટે જ આ ૫૫૧ કાર્યક્રમો દ્વારા આપણે ફરી એકવાર એ સાબિત કર્યું છે કે, ગુજરાતી માત્ર જીવંત નથી, પણ તે સક્ષમ અને સમૃદ્ધ છે.’
ધૈર્ય: સાચું કહ્યું સર! ભાષાને ‘ત્વચા’ કહેવી એ તો અદભુત રૂપક છે. જેમ ત્વચા વગર શરીર અધૂરું છે, તેમ માતૃભાષા વગરનો મનુષ્ય પોતાની ઓળખ ગુમાવી બેસે છે. આજે જ્યારે નવી પેઢી અન્ય ભાષાઓ તરફ આંધળી દોટ મૂકે છે, ત્યારે તેમને સમજાવવું પડશે કે, દુનિયા જીતવા માટે પણ પગ તો પોતાના જ ઘરની જમીન પર હોવા જોઈએ.
 
વૈદેહી: બિલકુલ સર, આપના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ અમે પણ એ જ સંકલ્પ લઈએ છીએ કે, આપણી ભાષાને માત્ર પુસ્તકોમાં નહીં, પણ લોકજીભ પર જીવતી રાખીએ. આપનાં પ્રવચનો અને કવિતાઓ દ્વારા જે રીતે માતૃભાષાનું માધુર્ય રેલાય છે, તે રીતે અમે પણ નાનામાં નાની વાતમાં ગુજરાતી હોવાના ગૌરવને જીવીશું.
 
‘ધૈર્ય અને વૈદેહી…! યાદ રાખજો, જ્યારે ભાષા મરે છે ત્યારે આખી સંસ્કૃતિ અને વિચારવાની ક્ષમતા મરે છે. પણ ગુજરાતી તો એ ભાષા છે જે નર્મદની ખુમારી અને ન્હાનાલાલના ડોલનશૈલીના લાલિત્યથી સતત પુષ્ટ થતી રહી છે. આપણો વારસો ‘ગિરા’ (વાણી)થી શરૂ થઈને ‘ગિરિ’ ( ગિરનાર જેવા ઊંચા વિચારો) સુધી વિસ્તરેલો છે.
 
વૈદેહી: સાચું છે સર! જેમ ઉમાશંકરજીએ કહ્યું છે, તેમ આ ભાષા સદા સૌમ્ય રહીને વૈભવે ઊભરાતી રહે અને એનો ટહુકો વિશ્વના ખૂણેખૂણે સંભળાતો રહે ..!!
 
 

ભાગ્યેશ જહા

ગુજરાતી રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે સૌથી વરિષ્ઠ અધિકારી એવા ભાગ્યેશ જહા એક ઉત્તમ કવિ અને નિબંધકાર છે. તેમનું સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે.તે એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.