વિશ્વના ઇતિહાસમાં જ્યારે પણ કોઈ મોટા સામાજિક કે રાષ્ટ્રીય પરિવર્તનોની ચર્ચા થાય છે, ત્યારે તેની પાછળ સામાન્ય રીતે પ્રચંડ સાધન-સંપત્તિ, રાજકીય સત્તા અથવા પ્રખર વક્તાઓનું તેજસ્વી નેતૃત્વ જવાબદાર હોય છે, પરંતુ ભારતની પવિત્ર ધરતી પર ૧૯૨૫માં એક એવું અદ્ભૂત આશ્ચર્ય સર્જાયું કે જેનું ઉદાહરણ સમગ્ર વિશ્વમાં, સમગ્ર માનવ ઇતિહાસમાં બીજે ક્યાંય જોવા મળતું નથી. શતાબ્દીના ઉંબરે ઊભેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એ એક એવું સંગઠન છે જેનો પ્રારંભ કોઈ લશ્કરી છાવણી કે રાજકીય કચેરીથી નહીં, પણ નાગપુરના મોહિતેવાડાના એક ધૂળિયા મેદાનમાં ૧૨થી ૧૫ વર્ષનાં બાળકો અને કિશોરો દ્વારા થયો હતો. વિશ્વનું આ એક માત્ર એવું અજોડ સંગઠન છે જેનો પ્રારંભ બાળકો-કિશોરોથી થયો છે અને તે પણ સમગ્ર રાષ્ટ્રના પુનરોત્થાનના અજોડ ધ્યેય સાથે.
ડૉ. હેડગેવારનું જીવનચરિત્ર વાંચતાં સમજાય છે કે, તેમનું એક માત્ર સૂત્ર હતું - ‘વ્યક્તિનિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણ.’ તેઓએ આ નિર્માણની પ્રક્રિયા બાળપણથી જ શરૂ કરેલી. ૧૯૨૫ની વિજયાદશમીએ જ્યારે
ડૉ. કેશવ બલિરામ હેડગેવારે સંઘની સ્થાપના કરી ત્યારે તેમની પાસે નહોતું કોઈ ભવ્ય મકાન કે નહોતું કોઈ ભંડોળ. બા.ના. વહા્ડપાંડે લિખિત - ‘સંઘ કાર્યપદ્ધતિનો વિકાસ’ પુસ્તકમાં ડૉક્ટર સાહેબે કઈ રીતે બાળકોને લઈને સંઘનો પ્રારંભ કરેલો તેનો વિગતવાર ઉલ્લેખ કરેલ છે. તેમાં નોંધ્યું છે કે, ‘ડૉક્ટર સાહેબની ઉંમર તે સમયે ૩૫-૩૬ વર્ષની હતી. તેઓ પોતે તબીબ હતા, સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી ક્રાંતિકારી હતા અને કોંગ્રેસના પ્રાંતીય સ્તરના નેતા હતા. તેમની પાસે પ્રખર વિદ્વાનો અને અનુભવી નેતાઓની મોટી ફોજ હતી, છતાં તેમણે રાષ્ટ્ર નિર્માણના આ ભગીરથ કાર્ય માટે સમાજના પ્રૌઢો કે નેતાઓને બદલે પ્રાથમિક-માધ્યમિક શાળામાં ભણતા ૧૨-૧૪ વર્ષના બાળકો- કિશોરોને પસંદ કર્યા.
નાગપુરના સાળુબાઈ મોહિતેના વાડામાં ઊગેલું ઘાસ અને કાંકરા સ્વયં ડૉક્ટરજીએ આ કિશોરો સાથે મળીને સાફ કર્યા. કોઈ મોટા પાયાની જાહેરાત નહીં, સમાચારપત્રોમાં કોઈ લેખ નહીં કે સાર્વજનિક સભામાં કોઈ ભાષણ નહીં, બસ એક ધ્યેય હતો અને એ ધ્યેય પણ બાળકોને ભરોસે હાંસલ કરવાનો હતો. વિચાર કરો, આખા રાષ્ટ્રના ઉત્થાન માટે સૌથી મોટું સંગઠન ઊભું કરવાના કાર્યનો પ્રારંભ કેવળ ૨૦-૨૫ બાળ-કિશોરોને ભેગા કરીને કબડ્ડી રમાડવાની શરૂઆત સાથે થયો હતો. આ સંઘના પ્રારંભમાં મોહિતે વાડામાં સર્જાયેલું સૌથી પ્રથમ અને સૌથી મોટું આશ્ચર્ય હતું. લોકો પૂછતા કે, ‘ડૉક્ટર, તમે આ બાળકો સાથે ધૂળમાં રમીને હિન્દુ સમાજનું સંગઠન કેવી રીતે કરશો?’ એટલું જ નહીં લોકો એમ પણ કહેતા કે, ‘આ માણસ પાગલ થઈ ગયો લાગે છે, આવી રીતે બાળકોને ભેગા કરીને, રમાડીને રાષ્ટ્રવ્યાપી સંગઠનનું સપનું જોવું એ જ મૂર્ખામી છે.’
પણ ડૉક્ટરજીનો મક્કમ વિશ્વાસ હતો કે, જે સંસ્કારો બાળપણમાં નખાય છે, તે જ રાષ્ટ્રનો કાયમી પાયો બની શકે છે. તેઓ માનતા હતા કે, બાળકોના મનમાંથી ઘુંટાયેલા એકડા પાછળ મીંડાં લાગતાં વાર નહીં લાગે, અને તેમણે એ સત્ય પુરવાર કરી બતાવ્યું. આજે બાળકોથી શરૂ થયેલું એ સંગઠન રાષ્ટ્રવ્યાપી બનીને અણથક, અટલ ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ચુક્યું છે.
રમત-ગમત દ્વારા ચરિત્રનિર્માણ
સંઘની કાર્યપદ્ધતિમાં પણ ક્રીડાંગણ એટલે કે મેદાનને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું. ઉત્તમ રાવ કાનિટકર લિખિત ‘સંઘ સંસ્કારો કે બલસ્થાન’ નામના હિન્દી પુસ્તકમાં આ અંગે વિગતવાર વર્ણન છે અને તેમાં નોંધવામાં આવ્યું છે કે, ‘જે રીતે વોટરલૂની લડાઈ ખરેખર ઇંગ્લેન્ડની શાળાઓના રમતના મેદાન પર જીતવામાં આવી હતી તે જ રીતે સંઘનો પ્રારંભ પણ બાળકોથી, મેદાનથી થયો. આ જ મનોવિજ્ઞાનને ડૉક્ટરજીએ ભારતીય પરિપ્રેક્ષ્યમાં અમલમાં મૂક્યું છે. બાળકોમાં શારીરિક શક્તિની સાથે માનસિક દૃઢતા લાવવા માટે કબડ્ડી, ખો-ખો અને લંગડી જેવી સ્વદેશી રમતોને માધ્યમ બનાવ્યું.’
આ રમતો કેવળ મનોરંજન નહોતી. રમતની હાર-જીત દ્વારા બાળકોમાં ખેલદિલી, સામૂહિક્તા અને નિયમોનું પાલન કરવાની વૃત્તિ વિક્સી. જ્યારે ૧૨ વર્ષનો કિશોર કબડ્ડીના મેદાનમાં પ્રતિસ્પર્ધી સામે ઝઝૂમતો ત્યારે તેનામાં અજાણતાં જ ‘રાષ્ટ્ર માટે લડવાની’ ક્ષમતા કેળવાતી હતી.
વાર્તાલાપ દ્વારા આત્મીયતાનો સંવાદ
સંઘની સ્થાપના સમયે ડૉક્ટરજીએ ક્યારેય ભાષણ આપ્યું નહોતું. રમત પૂરી થયા પછી મેદાન પર બેસીને તેઓ બાળકો સાથે વાર્તાલાપ કરતા. આ વાર્તાલાપમાં કોઈ ભારેખમ સિદ્ધાંતો નહોતા, પણ આત્મીયતા હતી. તેઓ પૂછતા કે, ‘ભાઈ, તારા ઘરે કોણ કોણ છે?’, ‘તારો અભ્યાસ કેવો ચાલે છે?’ , ‘તને શું ગમે છે?’ વગેરે...! આ હળવા સંવાદો દ્વારા ડૉક્ટરજીએ કિશોરોના મનમાં રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જગાડ્યો.
ડૉક્ટરજીએ કેવળ સંબંધો બાંધ્યા. તેઓ બાળકોના ઘરે જતા, તેમના માતા-પિતા સાથે મુલાકાત કરતા. જો કોઈ સ્વયંસેવક શાખામાં ન આવે તો ડૉક્ટરજી બીજાં બાળકોને લઈને તેના ઘરે પહોંચી જતા. આ ‘ઘરે જવાની પદ્ધતિ’એ સંઘને એક સંસ્થામાંથી ‘પરિવાર’માં ફેરવી નાખ્યું. આજે સંઘ વિશ્વવ્યાપી હોવા છતાં તેની મૂળ શક્તિ આ વ્યક્તિગત સંપર્ક અને આત્મીયતા જ છે. બાકી લોકો માટે તે બાળકો હતાં, પણ ડૉ. સાહેબ માટે તો તેઓ સ્વયંસેવકો હતા.
ડોક્ટરજીએ નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ આ બાળ-કિશોરો સ્વયંસેવકોને સહભાગી કરેલા. ભલે તે માત્ર ૧૨-૧૪ વર્ષના જ હતા, પણ ડૉક્ટરજી તેમની સાથે બેસીને ચિંતન અને વિચાર-વિનિમય કરતા. કોઈપણ કાર્યક્રમ નક્કી કરવો હોય તો સર્વસંમત નિર્ણય લેવાની પદ્ધતિ આ સ્વયંસેવકો સાથેની બેઠકમાંથી જ વિકસિત થઈ. સામાન્ય રીતે બાળકોને કેવળ સૂચનાઓ આપવામાં આવે છે, પણ ડૉક્ટરજીએ તેમને શરૂમાં સ્વયંસેવક અને આગળ જતાં પ્રખ ‘કાર્યકર્તા’ બનાવ્યા, તેમને જવાબદારી આપી. આનાથી તેમનામાં જવાબદારીની ભાવના જન્મી. તેઓ મેદાન સાફ કરતા, ધ્વજની વ્યવસ્થા કરતા અને સમયસર શાખામાં પહોંચતા. આ નાનકડાં કામોએ તેમનામાં રાષ્ટ્રકાર્ય પ્રત્યેનું ગંભીર સમર્પણ ઊભું કર્યું. આજના મોટાભાગના કાર્યકર્તાઓ, સંઘચાલકો અને વરિષ્ઠ પ્રચારકો આ જ બાલ-વિભાગની નીપજ છે.
બાળકોમાં અનુશાસન અને રાષ્ટ્રભક્તિ જગાડવા માટે ડોક્ટર સાહેબે જે પદ્ધતિ અપનાવી તે કોઈ પણ તાલીમ સંસ્થા માટે અભ્યાસ (રીસર્ચ)નો વિષય છે. બાળકોને ક્યારેય એવું ન લાગ્યું કે, તેઓ કોઈ કઠોર અનુશાસનમાં જીવી રહ્યાં છે, પણ તેમને લાગ્યું કે, તેઓ કોઈ એક અતિ મહત્ત્વના રાષ્ટ્રકાર્ય માટે રમતાં રમતાં સહભાગી બની રહ્યા છે. આ જ સંસ્કારોને કારણે સંઘનો સ્વયંસેવક જ્યારે પ્રૌઢ બને છે, ત્યારે પણ તે શાખામાં રમાયેલી રમતો અને મેળવેલા સંસ્કારોને ભૂલતો નથી.
૧૦૦ વર્ષની મજલ
આજે સંઘ દ્વારા ચાલતાં સેવાકાર્યો હોય, સુદૂર વનોમાં જનજાતિ કલ્યાણની પ્રવૃત્તિઓ હોય કે આપત્તિના સમયે દોડી જવાની તત્પરતા હોય - આ બધું જ એ જ ‘શાખા’ની નીપજ છે. જે સ્વયંસેવક મેદાન પર ધૂળમાં રમીને રાષ્ટ્રના હિતમાં પોતાનો અહં ઓગાળતાં શીખ્યો છે, તે જ આજે સમાજના દરેક ક્ષેત્રમાં શુદ્ધ સાત્ત્વક ભાવે સેવા કરી રહ્યો છે. મેદાન પર કબડ્ડી રમાડતાં રમાડતાં રાષ્ટ્રભક્તિની ઘૂંટી પીવડાવવાની ડૉક્ટરજીની એ પદ્ધતિએ ભારતને કરોડો નિઃસ્વાર્થ દેશભક્તો આપ્યા છે. જે સંગઠન પાસે નહોતી કોઈ આધુનિક ઓફિસ કે નહોતી કોઈ સરકારી મદદ! માત્ર મુઠ્ઠીભર બાળકોને લઈને શરૂ થયેલું આ સંગઠન આજે વિશ્વનું સૌથી મોટું સેવાભાવી સંગઠન બની રહ્યું છે, એ વિશ્વનું સૌથી મોટું આશ્ચર્ય નથી તો બીજું શું છે!
સાંભળો...