વર્તમાનમાં સૌનું ધ્યાન પશ્ચિમ એશિયા (ઈંગ્લેન્ડમાં ઊભો રહેલો અંગ્રેજ જેને ‘મિડલ ઇસ્ટ’ કહે છે તેની) તરફ છે. સૌ ઇરાન, લેબનોન, ઇઝરાયેલ, બહેરિન, દુબઈ, UAE, કતાર, કુવૈત, ઓમાન વગેરેથી વાકેફ છે, પરંતુ જેના વિશે ઝાઝું કોઈ વાકેફ નથી તેવા મુદ્દે.. તેવા માનવતાના મુદ્દે.. તેવા માનવીય મૂલ્યોના મુદ્દે ચીનમાં તાજેતરમાં મંજૂર કરવામાં આવેલ એક કાયદા પર ખૂબ જ ધીરે ધીરે સૌનું ધ્યાન જઈ રહ્યું છે.
દશકાઓથી વૈચારિક રીતે કમ્યુનિઝમનો શિકાર બનેલા ચીનને સત્તાની સાઠમારીમાં સમાજના તાણા-વાણા જળવાયેલા રહે તે અંગેની કોઇ ચિંતા નથી, એથી ઊલટું.. ચીન પોતાના સાંસ્કૃતિક વૈવિધ્યને સૌથી મોટો પડકાર ગણે છે. ચીનને જાણવું-સમજવું કઠિન છે. ચીન અમેરિકાની સ્પર્ધામાં છે. દાદાગીરીની દૃષ્ટિએ અમેરિકાથી આગળ નીકળવાની જાણે ચીને નેમ લીધી છે. જેને ચીન પોતાના ઘર આંગણાની પ્રથમ સમસ્યા ગણે છે તે લઘુમતીઓ રોજ-બરોજની જીવનશૈલી પર કાયદાના નામે ક્રૂર કાતર ફેરવી દીધી છે. ચીને હમણાં એક કાયદો મંજૂર કર્યો છે, તેનું નામ છે- જાતીય એકતા કાનૂન. નામ તો તેનું એકતા કાનૂન છે, પરંતુ તે નામ સ્વયં ભ્રામક છે. UPA સરકાર વખતે આપણે ત્યાં પણ એક કમ્યુનલ વાયોલન્સ બિલ લાવ્યું હતું, જેનો વિરોધ પરાકાષ્ઠા પહોંચ્યો, અંતે દેશ બચી ગયો. જેમ ચીનમાં માત્ર ‘હાન’ની આંધળી તરફેણમાં આ કાયદો મંજૂર કરવામાં આવ્યો છે, તેમ પેલું કમ્યુનલ વાયોલન્સ બિલ પણ માત્ર મુસ્લિમોની તરફેણમાં તૈયાર કરવામાં આવેલું. તેને આજે પણ વાંચશો તો રૂંવાડાં ઉભાં થઈ જશે.
‘જાતીય એકતા’ નામના કાયદાને મંજૂર કરનાર ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસનો અઘોષિત ઉદ્દેશ્ય; છેક ૧૯૪૯થી માન્યતાપ્રાપ્ત વંશીય વૈવિધ્યને દૂર કરવાનો છે. એવું કરીને શું જોઈએ છે ચીનને? એેને જોઈએ છે...
૧, ચીનનાં વિવિધ ૫૬ વંશીય જૂથો, જે તમામની મળીને જનસંખ્યા માત્ર ૯% થવા જાય છે, જે લઘુમતીમાં છે, તે વિવિધ સમુદાયોની આગામી પેઢીઓ પોતાની ભાષા અને સંસ્કૃતિથી દૂર હડસેલાઈ જાય..
૨, બહુમતી ૯૧% ‘હાન’ની ઓળખમાં આ તમામ લઘુમતીઓ (તિબેટીયન, ઉઇગર, મોંગોલ, હુઈ, માન્ચુસ, વગેરે)ની ઓળખ વિલિન થઈને આખરે શૂન્ય થઈ જાય..
૩, લઘુમતીઓ પોતાની અસ્મિતા જેમાં સચવાયેલી છે, તેવી જીવનશૈલીથી અલગ થઈને બહુમતી ‘હાન’ની જીવનશૈલી અપનાવી લે..
૪, લઘુમતીઓનાં બાળકો માટે મેન્ડરિનનો અભ્યાસ કરવો ફરજિયાત બની જાય..
૫, હમણાં સુધી આ લઘુમતીઓ, પોતાની વંશીય ભાષાઓ ભણતી હતી, પરંતુ તે ‘જાતીય એકતા માટે હાનિકારક’ હોઈ તે ભાષાઓને શિક્ષણમાંથી દૂર કરવામાં આવે, છતાં જો માતા-પિતા પોતાનાં બાળકોને પેલી વંશીય ભાષાઓ ભણાવતાં રહેશે તો તેમની સામે કાયદાકીય મુકદ્દમા દાખલ કરવામાં આવશે.
ટૂંકમાં આવા અનેક પ્રકારના ઉદ્દેશ્યો સાથે રાષ્ટ્રપતિ શી જિનપિંગ લઘુમતીઓનાં મૂળિયાંનું વિચ્છેદન કરી રહ્યા છે. આ માટેનાં લેવામાં આવેલાં સંખ્યાબંધ પગલાં જોઈએ તો..
- તિબેટ, શિનજિયાંગ અને પોતાના હસ્તકના મંગોલિયા જેવા વિસ્તારોમાં લઘુમતીઓના અધિકારોને પ્રતિબંધિત કરી દેવાના આદેશો..
- એકલા તિબેટમાં જ જોઈએ તો બૌદ્ધ મઠો સરકારના નિયંત્રણમાં લઈ લેવા હજારો બૌદ્ધ સાધુઓની ધરપકડ..
- સૌથી કફોડી સ્થિતિ થઈ છે તેવા ઉઇગર મુસ્લિમોની વાત કરીએ તો લગભગ ૧૦ લાખની સંખ્યામાં કરવામાં આવેલી તેમની ધરપકડો..
ડ્રેગનના મસ્તક પર ‘Only’ism સવાર થયું છે. ‘Also’વાળી માનસિકતા પૂર્ણપણે મરી પરવારી છે. સૌનું બીબાકરણ ચાલી રહ્યું છે. એકચક્રી શાસન રહે, એક માત્ર પંથ રહે અને એક ઓળખનો જયજયકાર રહે, આ માટે મનમાની કરવા માટેનો કાયદો એટલે- ‘જાતીય એકતા’નો કાયદો જે વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન કરીને ભાવનાઓનું યાંત્રિકિકરણ કરીને માનવ-રોબોટનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ છે અને દુનિયાભરનાં માનવાધિકારવાદીઓ માર્ક્સવાદ (વામપંથના-વોકેઇઝમ)ના ખોળે મીઠી નિંદર માણી રહ્યાં છે.