૨૧ માર્ચ - વિશ્વ વન દિવસ તથા ૨૬ માર્ચ ચિપકો આંદોલન નિમિત્તે
વૃક્ષોના રક્ષણ માટે ૩૦૦ વર્ષ પહેલાં ૩૬૩ લોકોનું બલિદાન અમર બલિદાની અમૃતાદેવી બિશ્નોઈ
વન અને પર્યાવરણનું જતન કરવું એ આપણી સૌની સહિયારી ફરજ છે. તેના રક્ષણથી જ સૃષ્ટિનું ઋતુચક્ર અને જૈવ વિવિધ્ય જળવાઈ રહે છે. એ માટે વૃક્ષોનું જતન અને રક્ષણ કરવું આવશ્યક છે. આપણે વૃક્ષોના રક્ષણ માટે થયેલા ‘ચિપકો’ આંદોલનનું તો નામ સાંભળ્યું છે. વૃક્ષોના નિકંદનને રોકવા અને જંગલોને બચાવવા સને ૧૯૭૩માં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શરૂ થયું હતું. જ્યારે જંગલોમાં વ્યવસાયી કઠિયારાઓ દ્વારા વૃક્ષો કાપવામાં આવતાં હતાં ત્યારે ત્યાંના લોકો વૃક્ષોને વીંટળાઈ જતા. જેથી વૃક્ષને કાપવું અસંભવ બની જતું. વૃક્ષોના કપાઈ જવાથી સૌથી વધારે પ્રભાવિત મહિલાઓ થતી હતી. તેમને પશુઓ માટે ચારો અને ઘર માટે ઇંધણ મળતું નહોતું. જંગલો ઓછાં થવાથી વરસાદ પણ ઓછો થતો. પરિણામે મોટી સંખ્યામાં મહિલાઓ આ અહિંસક આંદોલનમાં જોડાઈ તેનું નેતૃત્વ સુંદરલાલ બહુગુણાએ કર્યું હતું અને તે ‘ચિપકો’ આંદોલન હિમાચલના અન્ય પ્રદેશોમાં ફેલાયું હતું. વૃક્ષોને બચાવવાનું આ ચિપકો આંદોલનના મૂળમાં જઈએ તો છેક ૧૭મી સદીમાં જવું પડે તેનો રોચક ઇતિહાસ આપણે ગૌરવ લેવા જેવો છે.
૧૫મી સદીમાં થઈ ગયેલા ગુરુ જંભેશ્વરે પોતાના શિષ્યોને ૨૯ ઉપદેશ આપ્યા હતા. રાજસ્થાનના જોધપુર અને અન્ય વિસ્તારોમાં રહેતા બિશ્નોઈ લોકો તેમના અનુયાયીઓ હતા. તેમના ઉપદેશો સામાજિક આચરણ, વ્યક્તિગત સ્વાસ્થ્ય, પૂજાપાઠની પદ્ધતિઓ અને પર્યાવરણના સંરક્ષણને સંબંધિત હતા. તેમના છેલ્લા આઠ ઉપદેશ વૃક્ષો અને વન્ય જીવોના રક્ષણ અને પાલતુ પશુઓના પાલન પોષણ અંગેના હતા. બિશ્નોઈ જાતિ તેમના ઉપદેશોનું દૃઢતાથી પાલન કરતી. પરિણામે અફાટ રણ વચ્ચે પણ બિશ્નોઈ ગામો હર્યાંભર્યાં રહેતાં હતાં.
જોધપુરથી લગભગ ૧૯ કિલોમીટર દૂર થારના રણમાં ખેજલડી નામનું રમણીય ગામ આવેલું છે. જ્યાં મુખ્યત્વે બિશ્નોઈ લોકો રહેતાં હતાં. રણપ્રદેશ હોવાને કારણે અહીં વનસ્પતિ ખૂબ ઓછી હતી. અહીંની વનસ્પતિમાં મુખ્યત્વે ખીજડાનાં વૃક્ષો હતાં, જે અહીંના ગ્રામીણો માટે જીવનરેખા સમાન હતાં. તેઓ છાંયડો આપતાં તેનાં પાન ઊંટ અને બકરીઓને કામમાં આવતાં. તેની શીંગોને શાકભાજી બનાવવામાં આવતી, તેની છાલ ઔષધ તરીકે વપરાતી અને તેની સૂકી ડાળીઓ બળતણ તરીકે કામમાં આવતી. બિશ્નોઈ જાતિ માટે આ વૃક્ષો અમૂલ્ય હતાં.
સને ૧૭૩૦નો સપ્ટેમ્બર મહિનો હતો. ખેજલડી ગામના બધા પુરુષો કામ પર ચાલ્યા ગયા હતા. એક મહિલા અમૃતાદેવી ઘરમાં ખાવાનું બનાવી રહી હતી. સાથે તેની ત્રણ નાની દીકરીઓની દેખભાળ પણ કરી રહી હતી. ગામમાં ક્યાંક ક્યાંક બકરીઓના અવાજ સિવાય સન્નાટો ફેલાયેલો હતો.
અચાનક અમૃતાદેવીએ ઘોડાઓના ડાબલાનો અવાજ સાંભળ્યો. ગામમાં એક સાથે આટલા બધા ઘોડાઓનો અવાજ અચરજભરી ઘટના હતી. અમૃતાદેવીએ બારીમાંથી બહાર જોયું તો સો ઘોડાઓનો કાફલો દેખાયો. તે જોવા માટે બારણાની બહાર આવી ત્યાં સુધીમાં બીજી સ્ત્રીઓ અને બાળકો પણ ભેગાં થઈ ગયાં. ઘોડા પરથી આદમીઓ નીચે ઉતર્યા. દરેકના હાથમાં કુહાડી હતી. અમૃતાદેવીએ વિચાર્યું. આ તો ખૂબ અજીબ છે. બધા ઘોડા પરથી નીચે ઉતરી પોતપોતાના ઘોડાને બાંધી કુહાડી હાથમાં લીધી.
અમૃતા બહાદુર મહિલા હતી. તેણે આગેવાન દેખાતા વ્યક્તિને પૂછ્યું. ‘આપ કોણ છો? અને અહીં શા માટે આવ્યા છો?’
પેલા આગેવાને આ ગ્રામીણ મહિલાના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું. અને ખીજડાના ઝાડને જોવા લાગ્યા. કેટલાં ઝાડ છે તેને ક્યાંથી કાપવા વગેરે પોતાના સાથીદારો સાથે ચર્ચા શરૂ કરી.
વાસ્તવમાં આ લોકો જોધપુરના મહારાજા અભયસિંહના મહેલમાંથી આવ્યા હતા. રાજા એક નવો મહેલ બનાવી રહ્યા હતા. આ મહેલના નિર્માણમાં ચૂનો પકવવા માટે તેમણે બળતણની જરૂર હતી. તેથી તેઓ ખેજલડીમાં ઝાડ કાપવા આવ્યા હતા. આ ગ્રામવાસીઓને આ વિશેની કોઈ જાણકારી નહોતી.
કઠિયારાઓ ખીજડાનાં વૃક્ષો તરફ આગળ વધી રહ્યા હતા. અમૃતાદેવી તેમનો ઇરાદો ઓળખી ગઈ. એક આદમી ધારદાર ખીજડાના વૃક્ષને કુહાડીથી કાપવા જતો હતો. અમૃતા તેની સામે દોડી અને જોરથી બૂમ પાડી. ‘નહીં, તું મારું ઝાડ નહીં કાપી શકે.’
પેલા કઠિયારાએ તિરસ્કારભરી નજરે તેની સામે જોયું અને કહ્યું, ‘અહીંથી દૂર હટી જા, અમે રાજાના હુકમનું પાલન કરી રહ્યા છીએ.’
અમૃતાદેવીએ બે હાથ પહોળા કરી તેની સામે ઊભી રહી અને કહેવા લાગી. ‘મહેરબાની કરીને મારી વાત સાંભળો, ઝાડ કાપશો નહીં.’
પેલાએ ધક્કો મારી તેને દૂર કરી. ત્યાં સુધી ગામની બધી સ્ત્રીઓ, બાળકો અને થોડા પુરુષો પણ આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા. ‘આ ઠીક નથી, તમે આવી રીતે અમારાં ઝાડ કાપી ના શકો. આ મોટો અપરાધ છે. મોટું પાપ છે.’
પાછળથી આગેવાનનો અવાજ આવ્યો. ‘ચાલો, દૂર રહો અમને અમારું કામ કરવા દો.’
કઠિયારો અમૃતાદેવીના પ્રિય ખીજડા પાસે પહોંચી ગયો હતો. અમૃતાદેવીએ ખીજડાના ઝાડને બાથ ભીડીને તેની સાથે ચીપકી ગઈ હતી. કોઈપણ રીતે ઝાડને કાપવા ન દેવા તે મક્કમ હતી. પેલા આદમીએ અમૃતાને ચેતવણી આપી. ‘દૂર હટી જા. જો નહીં હટે તો ઝાડ સાથે તને પણ કાપી નાખીશ.’
અમૃતાએ કહ્યું, ‘તું શું કાપીશ, હું મારો જીવ આપીને એક એક ઝાડ બચાવીશ.’ તેણે મજબૂતાઈથી ઝાડ પકડી રાખ્યું.
ગામના લોકો પણ ગુસ્સે થઈ ગયા. ‘તારી હિંમત કેવી રીતે ચાલી તેને ધમકાવવાની? અમે એક પણ ઝાડ નહીં કાપવા દઈએ. જોઈએ કેવી રીતે કાપો છો?’ આમ કહી દરેક જણ એક એક ઝાડ સાથે ચિપકાઈ ગયા. રાજાના માણસો ગુસ્સે ભરાઈ ગયા. પહેલાં તેણે અમૃતાદેવીવાળું ઝાડ કાપ્યું સાથે અમૃતાદેવી પણ ઝાડ બચાવતાં કપાઈને બલિદાન થઈ ગયાં. ગામના બધા લોકો એક એક ઝાડ માટે બલિદાન થઈ રહ્યા હતા. આજુબાજુના ગામલોકોને ખબર પડતાં તેઓ પણ દોડી આવ્યા. તેઓ પણ ઝાડ બચાવવા ખીજડાના થડને વીંટળાઈ ગયા. ઝાડના થડોમાંથી લોહીની નદીઓ વહેવા લાગી. એક એક કરતાં ૩૬૩ લોકોએ વૃક્ષ બચાવવા પોતાના પ્રાણની આહૂતિ આપી. ચારેબાજુ લાશોના ખડકલા થઈ ગયા. જાણે કોઈ મહાભીષણ યુદ્ધ ખેલાયું હોય ! અમૃતાદેવીની ત્રણેય પુત્રીઓ પણ બલિદાન થઈ ગઈ.
આ ઘટનાની જાણ મહારાજા અભયસિંહને થતાં તે મૂર્છિત થઈ ગયા. થોડા સમય પછી ભાન આવતાં તેઓ ઘોડા પર બેસીને ઘટનાસ્થળે પહોંચ્યા. અહીંનું ભયાનક દૃશ્ય જોઈને તેઓ હેબતાઈ ગયા. બહોળા ગ્રામીણ લોકોની સામે જોવાની તેમનામાં હિંમત રહી નહોતી.
તેમણે બધાની ક્ષમા માંગી અને એક તામ્રપત્ર પર હુકમ લખાવ્યો છે : ‘આજથી આ ક્ષેત્રના બિશ્નોઈ ગામોમાં ઝાડને કાપવા પર તેમજ પશુઓના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવે છે. જે તેનું ઉલ્લંઘન કરશે તેને આકરી સજા કરવામાં આવશે.’
આજે પણ બિશ્નોઈ સમુદાય પર્યાવરણના જતન માટે અને પશુઓના સંરક્ષણ માટે પૂરી નિષ્ઠાથી પ્રતિબદ્ધ છે. આ ઘટનાની સ્મૃતિમાં પર્યાવરણના રક્ષણ માટે ભારત સરકારે ૨૦૦૧ના વર્ષમાં ‘અમૃતાદેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર’ની સ્થાપના કરી અને આ ક્ષેત્રે કાર્ય કરતાં વ્યક્તિઓને પુરસ્કાર આપવામાં આવે છે.