ગુજરાતનો સાવરકર બંધુઓ સાથેનો અનુબંધ..
સામાન્ય રીતે પ્રચલિત ઇતિહાસમાં ગુજરાતને ગાંધી, સરદારની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ને તે સ્વાભાવિક છે. ગાંધીજીનો આશ્રમ, દાંડીયાત્રા, બારડોલીનો સત્યાગ્રહ જેવી ઐતિહાસિક ઘટનાઓએ ગુજરાતમાં આકાર લીધો હતો, પરંતુ ગુજરાત વિષે ભીતરમાં જાઓ તો છેક ૧૮૫૭થી ૧૯૪૭ સુધી ભારતીય ક્રાંતિકારોની ભારે અસર રહી હતી, ૧૮૫૭માં નવ દેશભક્તોને આજીવન કેદની આંદામાન સજાથી માંડીને કેનેડામાં ગદર પાર્ટી અને લંડનમાં ઇન્ડિયા હાઉસ સહિત ટોકિયો અને રંગૂનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને પશ્ચિમી સમુદ્રમાં નૌકાસેના સુધીની આ તવારીખની દસ્તાવેજી સામગ્રી પ્રસ્તુત કરવામાં ઇતિહાસકારો અસરકારક સાબિત થયા નથી. સરકારો અને યુનિવર્સિટીઓ પણ તેવા રસ્તે રહી પરિણામે નવી યુવા પેઢી સુધી આ સાહિત્ય અને સમીક્ષા પહોંચ્યા નથી.
આમાં કોઈ ગુજરાત સાથેના ક્રાંતિવીર સાવરકરજીના સંબંધ વિષે કંઈક કહેવા ઇચ્છે તો પણ સંદર્ભો એટલા વેરવિખેર છે કે થોડું મુશ્કેલ બને. એવા દિવસોમાં વડોદરાના સાવરકર સંશોધનને સૂઝ્યું કે, સાવરકર અને ગુજરાત વિષે સ્મૃતિ-વ્યાખ્યાન ગોઠવવું. મંડળના અધ્યક્ષ અનિલ કાનેટકર અને તેમની ટીમ વર્ષોથી સાવરકર વંદનનો કાર્યક્રમ કરે છે. પ્રા. ચિરાયુ પંડિત પણ સાથે હતા, સ્થાન પણ ઐતિહાસિક માણેકરાવનો અખાડો. માણેકરાવે અહીં સ્વાતંત્ર્યજંગની પ્રવૃત્તિ શરૂ કરી હતી. છેક ૧૯૦૫ની આસપાસ શ્રી અરવિંદ, ભગિની નિવેદિતા, પુરાણી બંધુ, બારીન્દ્ર ઘોષ, જતીન અને ઉપેન્દ્રનાથ ભૂમિ પર સક્રિય રહ્યા અને કેટલાકને તો આંદામાન અને અલીપુર જેલની સજાઓ થઈ હતી.
અને વડોદરા ૧૮૫૭ના સંઘર્ષનું કેન્દ્ર પણ રહ્યું. અહીં બાપુરાવ ગાયકવાડે પરિવારની નાખુશી છતાં સત્યાગ્રહમાં ભાગ લીધો. તેમાં પાટણના મગનલાલ શેઠ, ઝાલોદના બ્રાહ્મણ નાયક મુનીરામ શાલિગ્રામ, ખેરાળુના મોતીચંદ બેચરદાસ, આણંદના મુખી ગરબડદાસ, ખેરડાના ઠાકોર જયસિંહ, પ્રતાપપુરાના મુખી અજા દાના, આણંદના કર્મકાંડી બ્રાહ્મણ મૂળજી જોશી, ચાંદોદના મામલતદાર દયાશંકર, ચાંપનેરના રાયજી મંગળ, અમદાવાદમાં સૈનિકી બટાલિયનો અને ૧૦૦ જેટલાં ગામો મુખ્યત્વે - મહીસાગર, પંચમહાલ અને ખેડાની સામાન્ય પ્રજા તેની સાથે રહી. મહીકાંઠે એક વડની ડાળીઓ પર ૨૫૦ ગ્રામજનોને ફાંસી આપવામાં આવી હતી, કારણ કે તે લોકોએ તાત્યા ટોપેને ગુજરાતમાં નવેસરથી યુદ્ધ માટે મદદ કરી હતી. દૂર પશ્ચિમે કાઠિયાવાડ તો ઊંઘતું રહ્યું પણ બેટદ્વારિકા. દ્વારિકાનો સમગ્ર વિસ્તાર બહાદુર વાઘેરોને લીધે રક્તરંજિત રહ્યો એટલું જ નહિ, બહાદુર વાઘેર સ્ત્રીઓએ સમુદ્રમાંથી જનરલ ડોનાવને છોડેલ તોપના ગોળાઓને પાણીથી ભીંજવેલા તકિયા, ગોદડા, ગાભાથી નિષ્ક્રિય બનાવી દીધા હતા.! મૂળુ અને જોધા માણેક તેના નાયક હતા. ૧૮૫૭માં બ્રિટિશ અદાલત ચાલી તેમાં ૩૦ વિપ્લવીને સજાઓ થઈ હતી.
..પરંતુ આ વિગતો અંધારામાં રહી ગઈ. વળી ૧૯૦૫માં શ્રી અરવિંદ ઘોષે ચેતના જગાવી. વડોદરાના રેલ્વે સ્ટેશને ભગિની નિવેદિતા અને અરવિંદ ઘોષની મુલાકાત થઈ. નિવેદિતાએ કહ્યું કે, તમે તો કર્મયોગી છો. હું તમારી સાથે કાયમ માટે છું. વડોદરાના ગાયકવાડના શ્યામજી અને સાવરકર સાથે સંપર્કો હતા. વિદેશ મુલાકાતે જ્યારે ગાયકવાડ ગયા ત્યારે પોલિટિકલ એજન્ટે એક પત્ર આપ્યો કે, વિદેશમાં વસેલા ૫૦ ભારતીય નેતાઓ બ્રિટિશ-વિદ્રોહી છે, તેમને મુલાકાત આપશો નહિ, પરંતુ રાજમાતા ચીમનાબાઈ પેરિસમાં મેડમ કામાને ડર્યા વિના મળ્યાં. ભારતીય રાજવીઓમાંના કેટલાક સ્વાતંત્ર્ય જંગમાં સક્રિય રહે તો આઝાદીની લડાઈ વધુ સફળ બને, એમ આ ક્રાંતિકારો માનતા હતા. અને ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે, વડોદરા સહિતના ઘણા રાજવીઓ સાથે રહ્યા અને ૧૯૪૭માં વિલય કર્યો.
૧૯૩૦માં ક્રાંતિ મંડળી જુદા જુદા નામો સાથે સશસ્ત્ર કાર્ય કરી રહી હતી. તેથી ય પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. હેડગેવાર પણ કોલકાતામાં સામેલ હતા. તે સમયે વિદેશોમાં ૧૦૦૦થી વધુ ક્રાંતિકારો વિદેશોમાં ભારતીય આઝાદી માટે સમર્પિત હતા. લાલા હરદયાલ, ડૉ. પાંડુરંગ ખાનખોજે, અંબાપ્રસાદ સૂફી, સરદાર અજિતસિંહ, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, રાસબિહારી બોઝ, મદનલાલ ધિંગરા, જમનાદાસ પરીખ, પ્રાણજીવન મહેતા, ધારાશાસ્ત્રી જેઠાલાલ મોતીલાલ પરીખ, મેડમ કામા, કેપ્ટન પેરીન નવરોજી, ગોશી નવરોજી, નટવરલાલ આચાર્ય, એમ. એસ. અન્સારી, મંચેરશા ગોદરેજ, નીતિસેન દ્વારિકાદાસ, વડોદરા રાજ્યના લશ્કરી અધિકારી માધવરાવ, રાજા મહેન્દ્ર પ્રતાપ, હરનામ સિંહ, સરદાર આનંદ મોહન સહાય, એ. એસ. અય્યર, પ્રેમકુમાર સહગલ, સોહનલાલ પાઠક, છગન ખેરાજ વર્મા, ઇસ્માઈલ કાસીમ, મેજર કિયાની, ગુલજારા સાઇનહ, મેજર પ્રીતમ સિંહ, બેટાઈ દંપતી, ગિનપ્પા, ગુરુગ્રામ સિંહ, કુમારન કૂટ્ટી, રઘુવીર સિંહ, બાબુરાવ પરાંજપે, ગુરુબક્ષ સિંહ ધિલોન, મોહિન્દર સિંહ, જ્ઞાની પ્રીતમ સિંહ, અમરીક સિંઘ, કેપ્ટન મોહનસિંહ, શ્રીમતી ગુરુદયાલ કૌર, કુંદનસિંહ, ગોપાલ સેન. શ્રીરામ નેગી, સત્યાનંદ પૂરી, સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણવર્મા, ભાનુમતિ કૃષ્ણવર્મા...
શું આ યાદી સંપૂર્ણ છે? ના. જોન કેમ્પબેલના એક પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા, યુરોપ પૂર્વ-મધ્ય એશિયાનાં મુખ્ય શહેરો સુધી આ ક્રાંતિકારો ફેલાયા હતા. ત્રીસ હજાર જેટલા આઝાદ હિન્દ સૈનિકો તો સામસામેના યુદ્ધમાં મરાયા. ઇરાવતી નદીના કિનારે, જંગલો અને પર્વતો પર આ યુદ્ધ લડાયું હતું, જે પકડાયા તેને બ્રિટિશ સરકાર યુદ્ધ-અપરાધી તરીકે જાહેર કરીને નેસ્તનાબૂદ કરવા માંગતી હતી, પણ લાલ કિલ્લાની અદાલતમાં ચાલેલા આઈ.એન.એ. મુકદમાનો પ્રબળ વિરોધ થયો. દેશભરમાં લોકોનાં સરઘસ નીકળ્યાં. લાઠીમાર અને ગોળીબાર થયા. કોંગ્રેસ તેના અહિંસાના નશામાં હતી. સુભાષની ફોજનો વિરોધ જવાહરલાલે કર્યો હતો, પણ જનતા સાથે રહેવા માટે લાલ કિલ્લા કેસમાં સાથે રહેવાનો ઠરાવ કર્યો. દંતકથા એવી ફેલાવવામાં આવી કે, ખુદ જવાહરલાલે આઝાદ હિન્દ ફોજના બચાવનો મુકદ્દમો લડવા માટે ફરીવાર વકીલનો કોટ પહેર્યો. વાસ્તવિકતા તો એ હતી કે આ મુકદ્દમો ગુજરાતના ખ્યાત ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈ એકલા હાથે લડી રહ્યા હતા!
દેશની બહાર ૫૦ જેટલા દેશોમાં ક્રાંતિકારોનો સંપર્ક ચાલુ હતો. ફ્રી હિંદુસ્તાન, વંદે માતરમ્, મદન તલવાર, સ્વરાજ, સ્વદેશ સેવક, આર્યન, ઇંડિયન સોશિયોલોજિસ્ટ, લાલા હરદયાળના ગદર પત્રો ચાર ભાષામાં ગુજરાતીમાં પણ આવૃત્તિ નીકળતી તેના તંત્રી પોરબંદરના છગન ખેરાજ વર્મા સાનફ્રાન્સિસ્કોથી પ્રકાશિત કરતો, રંગૂનમાં તેને ફાંસી મળી.
ખરી વાત એ છે કે, ભારતની બહાર ફેલાયેલી ક્રાંતિપ્રવૃત્તિથી તે દેશો અધિક પ્રભાવી થયા હતા. જર્મની, બ્રિટન, થાઈલેંડ, ફ્રાંસ, જાપાન, અમેરિકા, કેનેડા, ઈજિપ્ત, અફઘાનિસ્થાન, બર્મા, રશિયા સુધી તેનો પ્રતિસાદ પડ્યો. લંડનના ઇન્ડિયા હાઉસમાં લેનિન અને સાવરકર વચ્ચે મુલાકાત થઈ હતી. આઈરિશ પત્રકાર ગાય-દ-અલ્ફ્રેડ પોતાના અખબારમાં તો લખતો, ઇંડિયન સોશ્યોલોજિસ્ટે પણ પ્રકાશિત કર્યું. રશિયન તંત્રી મેકઝીમ ગોર્કી; મેડમ કામા અને શ્યામજી કૃષ્ણવર્માના સંપર્કમાં હતા. શ્યામજીને તે ભારતના મેઝીની કહેતા. અમેરિકન ક્રાંતિકારો મેડમ કામાને મધર ઓફ રિવોલ્યુશનનું માન આપતા. ફ્રેંચ અખબારો તેની તસવીર નીચે જોન ઓફ આર્ક લખતા ! સાવરકર બાંધવોની સમર્પિત દેશભક્તિમાં ગુજરાત અને ગુજરાતીઓનો મહત્ત્વનો ફાળો છે.