
મનુષ્યની પ્રકૃતિ એવી છે કે, એને સીધેસીધી કોઈ જ લેવા-દેવા ન હોય તો પણ કોઈક ઠેકાણે યુદ્ધ ચાલતું હોય ત્યારે, ખબર નહીં; એક અલગ જ પ્રકારે આનંદ આવતો હોય છે. युद्धस्य कथा रम्या.. બ્રેકિંગ ન્યુઝ આપતી ચેનલ ઉત્સાહનો અડ્ડો બની જતી હોય છે. આ જ માનસિકતા (psychology)નો મહત્તમ લાભ, પોતાના નેરેટિવ સેટ કરવાવાળા ઉઠાવતા હોય છે. એક સાવ સહજ ઉદાહરણ આપું. જુઓ આ યુદ્ધની કથા સમાચારપત્રોમાં કેવી ઉભરાઈ રહી છે. એક જ તારીખનાં જુદાં જુદાં અખબારોમાં તેનાં મથાળાંમાં, તેના લેખોમાં, તેનાં ફોટો કેપ્શનમાં આ યુદ્ધનો ઉલ્લેખ કેવાં જુદાં જુદાં નામોથી કરવામાં આવે છે, તે જોવા જેવું છે. મોટા ભાગે આ યુદ્ધનો ‘ઈરાન યુદ્ધ’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેમ આવું? આ યુદ્ધ કંઈ ઈરાને તો છેડ્યું નથી. યુદ્ધની શરૂઆત કરનાર અને વધુમાં વધુ શસ્ત્રો છોડનાર, મહત્તમ લોકોની જાનહાનિ થઈ તેના કારણમાં તો ઈઝરાયેલ અને અમેરિકાએ પહેલો હુમલો કર્યો તે છે, તો પછી આ યુદ્ધને ‘ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધ’ કેમ નથી કહેવામાં આવતું? ‘ઈરાન યુદ્ધ’ ઉપરાંત; જુદાં જુદાં કેટલાંક ગુજરાતી-હિન્દી-અંગ્રેજી સમાચાર પત્રોમાં આ યુદ્ધ માટે ‘મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)નું યુદ્ધ’, ‘ઈરાન-અમેરિકા યુદ્ધ’, ‘અખાતના દેશો (ગલ્ફ કન્ટ્રી)નું યુદ્ધ’, ‘પશ્ચિમ એશિયાનું યુદ્ધ (વૉર ઈન વેસ્ટ એશિયા)’, ‘ઈરાન-અમેરિકા-ઈઝરાયેલનું યુદ્ધ’, ‘ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ’, ‘યુએસ-ઈઝરાયેલ વિરુદ્ધ ઈરાન યુદ્ધ’, એવાં નામથી ઉલ્લેખ કરાયેલો જોવા મળ્યો.
ઉપરનાં નામો જોઈએ તો.. ક્યાંક ઈરાન-અમેરિકા કહીને ઈઝરાયેલનો ઉલ્લેખ ટાળવામાં આવે છે, તો વળી ક્યાંક ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ કહીને અમેરિકાનો ઉલ્લેખ ટાળવામાં આવે છે. બધે ઈરાન પહેલા ક્રમે છે.
હા.. અંગ્રેજી છાપાંમાં ‘મીડલ ઈસ્ટ વૉર’, ‘ગલ્ફ વૉર’ એવું વાંચવા મળે (જો કે ત્યાં અમેરિકાનો ઉલ્લેખ સાવ ગાયબ છે), પરંતુ હવે ત્યાં પણ કમ સે કમ એક બદલાવ તો જોવા મળી રહ્યો છે.. ઈંગ્લેન્ડની ધરતી પર ઉભા રહીને ‘મીડલ ઈસ્ટ વૉર’ કહેવું બરાબર છે, પણ ભારત ભૂમિમાં ઊભા રહીને તો ‘વેસ્ટ એશિયા વૉર’ જ કહેવું પડે. આવી ખબર જેમને જેમને પડી તે અંગ્રેજી અખબારો હવે ‘વેસ્ટ એશિયા વૉર’ જ કહી રહ્યાં છે. કંઈક અંશે આ ભારતના ‘સ્વ’ના જાગરણનું ઉદાહરણ છે.
ભલે જે હોય તે, પણ આ યુદ્ધને કોઈ ‘અમેરિકા-પશ્ચિમ એશિયા’ યુદ્ધ કહી રહ્યું નથી!!!
કયું નામ આ યુદ્ધને આપવું? આ અંગેનો નિર્ણય ચોક્કસ લૉબીના લોકો ખૂબ જ વિચારપૂર્વક ઉછાળે (coin કરે) છે. કેટલાક સમજપૂર્વક અનુસરે છે, તો કેટલાક આમાં બુદ્ધિના ઉપયોગને નિષેધ (વર્જ્ય) સમજે છે. જો કે ક્યારેક સત્યને યથાતથ પ્રગટ કરતા નામનો ઉપયોગ ખૂબ જ સહજતાથી મીડિયા કરી દેતું હોય છે. જ્યારે આ યુદ્ધને માત્ર ‘ઈરાન વૉર’ કહેવામાં આવે છે ત્યારે તે યુદ્ધના કેન્દ્રમાં મુસ્લિમસમસ્યા કારણભૂત હોવાનું ફલિત કરે છે. આ મુસ્લિમ સમસ્યા એટલે.. (૧) મુસ્લિમ દ્વારા ઊભી થયેલી સમસ્યા. (દા.ત. ૨૦૨૩ના ૭ ઓક્ટોબરના દિવસે ઇઝરાઇલ ઉપર ગાઝા-પેલેસ્ટાઈન દ્વારા કરવામાં આવેલ ક્રૂર અમાનવીય હુમલો) (૨) મુસ્લિમોની અંદર અંદરની જ સમસ્યા (ઈરાન દ્વારા મુસ્લિમ દેશો કતાર, સાઉદી અરેબિયા, યુએઇ, ઓમાન, બહેરિન, જોર્ડન, કુવૈત વગેરે પર કરવામાં આવી રહેલા અણધાર્યા હુમલાઓ)
‘પેટ્રો-ડોલર’નો આર્થિક કારોબાર ડગમગી રહ્યો છે. વાસ્તવમાં આ સત્તા (power)નું યુદ્ધ છે. જ્યાં સાંપ્રદાયિક સત્તા (આધિપત્ય) ક્યારેય કેન્દ્રસ્થાનેથી હટી શકે તેમ નથી. હમણાં ‘એનર્જી વૉર’ શબ્દ ચાલ્યો છે.. (એનર્જી પણ અંતે તો પાવર જ છે ને!) હજુ પણ વધુ સટિક રીતે કહેવું હોય તો આ યુદ્ધ કેટલાક અંશે સદીઓથી, પેઢી દર પેઢીથી પરસ્પર શત્રુ રહેલા એક જ ઇશ્વરને માનતા એવા મુખ્ય ચાર અબ્રાહમિક પંથો વચ્ચેની ખેંચતાણનું, ‘રિલિજિયસ સુપ્રીમસી’નું અને વર્ચસ્વનું વૉર છે. યહુદી, ઈસાઈ, ઈસ્લામ (શિયા), ઈસ્લામ (સુન્ની) વચ્ચેના સેંકડો વર્ષોથી ચાલ્યા આવતા જૂના સંઘર્ષો ‘આધ્યાત્મિકતા’ના છે કે નર્યા આધિપત્યના? આધિપત્ય સ્થાપવાનું ઝનૂન હાલ યુદ્ધસ્વરૂપે વિશ્વને દઝાડી રહ્યું છે. ત્યાંની બેકાબૂ આગને ઠારવા ‘ભાઈચારા અને શાંતિ’નું સેક્યુલર નેરેટિવ કેમ ઠરીને ઠીકરું થઈ ગયું છે??? આ યુદ્ધમાં પ્રત્યક્ષ-પરોક્ષપણે જોડાયેલા આ બધા જ અબ્રાહમિક પંથોવાળા દેશોની જનસંખ્યા કરતાં ત્રણ ગણી વધુ જનસંખ્યા ધરાવતા ૩૩ કરોડ (+) દેવી-દેવતાઓમાં માનતા સનાતન ભારતના; સૌને એક સૂત્રમાં પરોવેલાં રાખતા ઐક્યભાવને ધન્ય છે!
સાંભળો આ લેખને...