મોનાલિસા, રિદ્ધિ જાધવ અને ચિન્મયી શ્રીપદા : જિહાદનો ભોગ
એવું લાગે છે કે લવ જિહાદના કિસ્સા હવે બહુ સામાન્ય થઈ ગયા છે. પ્રતિદિન આવા કોઈ ને કોઈ કેસ જોવા મળે જ છે. પરંતુ તેમાં પ્રેમ ઓછો, મુગ્ધતા (શારીરિક/પૈસાનું આકર્ષણ વધુ, કાચી વય) વધુ અને ષડયંત્ર સૌથી વધુ હોય છે. અમદાવાદના મહાનગરીય ન્યાયાલયમાં રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદની સંડોવણી બહાર આવવાથી ષડયંત્રની શંકા વધુ ગાઢ બની છે.
આવામાં સૌથી ચર્ચિત વ્યક્તિ કે કલાકાર જ્યારે લવ જિહાદનો શિકાર બને છે ત્યારે અન્ય હિન્દુ છોકરીઓ માટે પ્રેરણાસ્રોત બની જાય છે. ‘મેરા અબ્દુલ ઐસા નહીં હૈ’ એવું દર વખતે કહેવામાં આવે છે, ચાહે તે સંગીતા બિજલાની-મોહમ્મદ અઝહરુદ્દીન હોય કે સોનાક્ષી સિંહા-ઝહીર, દીપિકા કક્કડ-શોએબ ઇબ્રાહિમ હોય કે તાજો કેસ મોનાલિસાનો…
મોનાલિસાએ એક મંદિરમાં ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધાં અને ..
જી હા, આ મોનાલિસા પણ અભિનેત્રી છે, પરંતુ ભોજપુરી ફિલ્મવાળી નહીં. આ તો પેલી ચર્ચિત માંજરી આંખોવાળી, મહા કુંભથી ચર્ચિત બનેલી કન્યા, જે મહા કુંભમાં માળા વેચતી હતી અને સૉશિયલ મીડિયાના કારણે ચર્ચાનો વિષય બની ગઈ. તેની મૂળ માતાની ગરીબી પણ બહાર આવી. તે પછી તેને સનોજ મિશ્ર નામના નિર્દેશકે હિન્દી ફિલ્મમાં રૉલ પણ આપ્યો. આ મોનાલિસાએ કેરળમ્ના તિરુવનંતપુરમમાં એક મંદિરમાં ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધાં અને ત્યાં ફરમાન ખાન સાથે થમ્પનૂર પોલીસ પાસે સુરક્ષા માગી. (સૈયાં ભયે કોટવાલ ફિર ડર કાહે કા, સામ્યવાદી શાસકોના રાજમાં ડર કેમ? પરંતુ આખું નાટક એવું બતાવવા માટે કે હિન્દુ યુવતી મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કરે તો હિન્દુ સમાજ તેની પાછળ પડી જાય છે.)
સનોજ મિશ્રાના કહેવા પ્રમાણે, તેઓ તેને અભિનય ઇત્યાદિનું પ્રશિક્ષણ આપતા હતા. ત્યાં તે કેરળમ્ ચાલી ગઈ. મોનાલીસાના પરિવારજનો પણ તેના ફરમાન ખાન સાથે લગ્નથી દુઃખી છે. પરિવારજનો કહે છે કે, મોનાલિસાને અભિનય શીખવવાના બહાને કેરળમ્ લઈ જવાઈ.
જોકે સર્વોચ્ચ ન્યાયાલયના અધિવક્તા નાઝિયા ઇલાહી ખાન કહે છે કે, આ લગ્ન પાછળ દિલ્લી રમખાણોનો આરોપી અને ચિકનનેકથી ભારતના બે ટુકડા કરવાનું સ્વપ્ન જોતો શરજીલ ઈમામ અને પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન પીએફઆઈ હોઈ શકે છે. તેમણે રાષ્ટ્રપતિ પાસે આ વિષયમાં હસ્તક્ષેપ કરવાની માગણી કરી કહ્યું કે, “અમને મોનાલિસા જીવિત જોઈએ છે, ૩૫ ટુકડાઓમાં નહીં.”
અહીં પ્રશ્ન એ પણ છે કે, મંદિરના ટ્રસ્ટી, પૂજારીઓ વગેરે આખી વાતથી અનભિજ્ઞ કેમ રહ્યા? હિન્દુ ધર્મના લોકોએ હવે આ બાબતે સચેત બનવું પડશે. મંદિરમાં આવીને કોઈ પણ આ રીતે લગ્ન કરી જાય? તે પણ વિશેષ કરીને અન્ય પંથી?
નાઝિયાએ એમ પણ માગણી કરી કે, શરજીલની પેરોલ નિરસ્ત કરવામાં આવે અને તપાસ કરવામાં આવે. તેમણે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, ફરમાન શરજીલની સભાઓમાં ઉપસ્થિત હતો.
અહીં પ્રશ્ન એ છે કે મોનાલિસા ભોસલે ઈન્દોરની છે, ફરમાન ખાન ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી આવે છે. બંને ક્યારે મળ્યાં? કેમ મળ્યાં? પ્રેમમાં કેવી રીતે પડ્યાં? અને તેમને કોણે કહ્યું કે કેરળમ્માં જઈ તિરુવનંતપુરમ્માં મંદિરમાં લગ્ન કરી લો? કેરળમ્ની પોલીસ પાસે સુરક્ષા માગવાની કાનૂની સલાહ કોણે આપી? આ બધું કોઈ એક વ્યક્તિના ભેજાની ઊપજ ન હોઈ શકે. આની પાછળ એક સંગઠન, કાનૂની સલાહ આપનારા તેમજ રાજકીય આશ્રય આપનારો પક્ષ એમ ત્રણ ક્ષેત્ર સંકળાયેલાં હશે.
વધુ એક ચર્ચિત કેસ જોઈએ. આ કેસ છે રિદ્ધિ જાધવ ...
પરંતુ મોનાલિસાનો કેસ અગાઉ કહ્યું તેમ અપવાદ નથી. વધુ એક ચર્ચિત કેસ જોઈએ. આ કેસ છે રિદ્ધિ જાધવ અને અદનાન શૈખનો. અદનાન શૈખ કલર્સ ટીવી પર વિવાદાસ્પદ શૉ ‘ધ ૫૦’માં પ્રતિસ્પર્ધી છે. સૉશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પણ છે. ‘અકબર બાની ગૉસિપ્સ’ નામે યુટ્યૂબ ચેનલ ચલાવે છે. રિદ્ધિ જાધવ ઇન્ડિગો ઍરલાઇન્સની ઍરહૉસ્ટેસ રહી ચૂકી છે. રિદ્ધિ પણ સૉશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હતી. તેણે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ‘ટૂંકાં કપડાં પહેરીને મંદિર કેમ ન જઈ શકાય?’ તે પોતે પણ ટૂંકાં કપડાં પહેરીને પોતાની છબિઓ સૉશિયલ મીડિયા પર મૂકતી હતી.
આ રીતે હિન્દુ યુવતીઓને ભડકાવનાર રિદ્ધિ જાધવને જ લવ જિહાદનો શિકાર બનાવી લેવાઈ. અને હવે આ રિદ્ધિ જાધવનો બધો જ વિદ્રોહ, પંથાંતરણ કરીને આયેશા શૈખ નામ રાખ્યા પછી, હવાઈ ગયો છે. તે હવે બુરખો પહેરેલી જોવા મળે છે.
‘લેટ્સ ટૉક વિથ નમિતા’ નામના યુટ્યૂબ શૉમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, તેણે પોતાની પત્નીને બુરખો પહેરવા વિવશ કરી તો અદનાન શૈખે બહુ જ નફ્ફટાઈ સાથે કહ્યું, “મારું જીવન હું મારી રીતે જીવીશ. હું પત્નીને નહીં દેખાડું. જે પોતાની પત્ની પાસે પડદો નહીં કરાવે તેમને જન્નત નહીં મળે.”
અદનાને કહ્યું, “હું એક પુરુષ છું. મને ખબર છે કે, એક પુરુષ સ્ત્રીને કેવી રીતે જુએ છે. તમે નહીં સમજી શકો. અમારામાં એમ કહેવામાં આવ્યું છે કે, સ્ત્રીને જો ખબર પડી જાય કે પુરુષ તેને કેવી રીતે જુએ છે તો પોતે જ એટલી ઢંકાઈને નીકળશે કે તે વિચારી પણ નહીં શકે. મારા રિલિજિયન પૉઇન્ટ ઑફ વ્યૂથી હું આ કહી રહ્યો છું, પરંતુ હું માનું છું કે, આ વિષયમાં ન પડો તો જ સારું છે. શૉ માટે આવ્યા છો તો શૉ વિશે વાત કરીએ તે જ સારું છે.”
તેણે આગળ કહ્યું, “મૉડર્ન દુનિયામાં લોકો પોતાની પત્નીઓ અને માતાઓને બેપર્દા કરે છે અને દેખાડે છે, ટૂંકાં કપડાં પહેરાવે છે. બધાંનું પોતાનું જીવન છે. કાલે જ્યારે મરશે ત્યારે આપણે જે અપરાધો કરીશું તે અંગે ઉત્તર આપવો પડશે. હું મારી ચીજો સંભાળીને ચાલું છું. મારા માટે મારો મઝહબ જ વધુ મહત્ત્વનો છે.”
વિચાર કરો ! આવું અદનાન કહેતો હશે ત્યારે આયેશા શૈખ બનેલી રિદ્ધિને શું પહેલાંના પોતાના ઉત્તર યાદ નહીં આવતા હોય કે ટૂંકાં કપડાંની તરફેણમાં તે કેવાં-કેવાં તર્કો કરતી હતી? અરે ! મંદિરમાં પણ તે આવાં કપડાં પહેરીને જવા માટે હિન્દુ યુવતીઓને ભડકાવતી હતી. હવે આયેશા શૈખ બનીને શું તે મુસ્લિમ યુવતીઓને ભડકાવી શકશે?
એક ઇન્ટરવ્યૂમાં અદનાને એમ પણ કહ્યું કે, પંથ પરિવર્તન એ રિદ્ધિનો વ્યક્તિગત નિર્ણય હતો. જે વ્યક્તિ હિન્દુ ધર્મમાં હતી અને ધર્મના નિયમોની ઐસીતૈસી કરતી હતી તે શું આવાં ચુસ્ત બંધનોવાળો મઝહબ સ્વીકારી શકે?
અદનાને રિદ્ધિને કેવી રીતે પટાવી તે પણ જાણવા જેવું છે. જોકે આ મૉડસ ઑપરેન્ડી નવી નથી. લોકો જાણે જ છે, પરંતુ છતાં, અદનાનના પોતાના મોઢે આ વાત નીકળેલી છે તેથી જણાવવી આવશ્યક છે. અદનાને એક જૂના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “રિદ્ધિ જ્યારે ખાલસા કૉલેજમાં ભણતી હતી ત્યારે તેણે તેને પહેલી વાર જોઈ હતી. શરૂઆતમાં રિદ્ધિએ તેના પર (અદનાન પર) ધ્યાન ન આપ્યું, પરંતુ તે તે દિવસોમાં છોકરીઓનું ધ્યાન આકર્ષિત કરવા માટે કૉલેજ આસપાસ બાઇકથી સ્ટંટ કરતો હતો.
આનો અર્થ શું થયો? કે આ લોકો સાંયોગિક રીતે પ્રેમમાં નથી પડતાં. વારંવાર મળ્યાં, એકબીજાને સહાય કરી, સૈદ્ધાંતિક વિચારો મળ્યા. તેવું કંઈ નથી. આ લોકો કૉલેજ આસપાસ ઊભા રહે છે. કઈ યુવતી પટે તેવી છે તેની રૅકી કરે છે. પછી લક્ષ્ય નક્કી કરી તેની પાછળ પડી જાય છે. બાઇક પર સ્ટંટ કરી, સારાં કપડાં પહેરી, ભેટસોગાદો આપીને હિન્દુ યુવતીઓને ફસાવે છે.
આ લોકો એવી યુવતીઓને પસંદ કરે છે જે મૉડર્ન હોય, જે સૉશિયલ મીડિયા ઇન્ફલુઅન્સર હોય, જે અભિનેત્રી કે અન્ય કોઈ રીતે ચર્ચિત હોય. જે યુવતી અગાઉ કહેવાતી મૉડર્ન હોય, ટૂંકાં કપડાં પહેરતી હોય, સિગારેટ-દારૂ પીતી હોય, પુરુષો સાથે ફરતી હોય, આવી યુવતીઓને મુસ્લિમ બનાવી આ લોકો એવું દર્શાવવા માગે છે કે જુઓ, આ ઇસ્લામનો વિજય છે. તમે હિન્દુઓ જે નથી કરાવી શકતા, તમારી દીકરી, બહેન કે પત્નીને નિયંત્રણમાં નથી કરી શકતા, તે અમે મુસ્લિમો કરી શકીએ છીએ.
આ કઈ રીતે કરે છે તે વિવાદનો વિષય છે. કેવી રીતે આ યુવતીઓ એટલી બધી બ્રેઇન વૉશ થઈ જાય છે કે તેઓ બુરખા પહેરવા પર માની જાય છે તે સમજાતું નથી. ૨૦૨૧માં કેરળમ્ના સાઇરો મલબાર ચર્ચે એક પુસ્તિકા બહાર પાડી હતી. તેમાં કહેવાયું હતું કે મુસ્લિમ પંથગુરુઓ કાળો જાદુ કરે છે અને ખ્રિસ્તી યુવતીઓના નખ, વાળ અથવા હાથ રૂમાલના આધારે તેમને વશીભૂત કરે છે. પછી તેમની સાથે લગ્ન કરી લે છે.
કંઈક તો કારણ છે જ. આ વખતે રમઝાનમાં અનેક વિડિયો સૉશિયલ મીડિયા પર એવા આવ્યા કે જેમાં હિન્દુ યુવતીઓ રોજા રાખે છે. એક વિડિયોમાં હિન્દુ યુવતીઓને ઇફ્તારમાં બોલાવાયેલી તો તેઓ પોતાનાં નામ મુસ્લિમ જણાવે છે…પ્રિયા શૈખ, ગૌરી ખાન, નૈના અન્સારી, માહી ખાન, જયા સુલતાન, અંજલિ ખાતૂન…એવું લાગે છે કે તેઓ પરિહાસમાં આવું બોલે
છે, પરંતુ શરૂઆત આ રીતે જ થતી હોય છે.
એક ગાયિકા અને કાર્યકર્તા ચિન્મયી શ્રીપદાએ હિન્દુઓને સલાહ આપી કે, મુસ્લિમ સહકર્મચારીઓ કે મિત્રો રોજા રાખતા હોય તો તેમની ઉપસ્થિતિમાં, તેમનો રોજો જ્યાં સુધી ન ખૂલે ત્યાં સુધી હિન્દુઓએ કંઈ ખાવું કે પીવું ન જોઈએ. બોલો ! આનો અર્થ તો એ જ ને કે હિન્દુઓએ પણ રોજો રાખવાનું? આવી એક તરફી સહિષ્ણુતા, ભાઈચારો કેવો? અને ચિન્મયી શ્રીપદા કોણ છે? તેને આવી સલાહ હિન્દુઓને આપવાનો અધિકાર કોણે આપ્યો?
આ જ ચિન્મયી શ્રીપદા કરવા ચૌથે પાછી લખે છે કે “આ ઉપવાસ પતિઓ માટે નથી, ગણેશજી માટે છે. અને ભારતના હિન્દુઓમાં ઉપવાસ કરવાની સંસ્કૃતિ જ નથી ! માતા-પિતા, દાદાદાદી કે સંતાનની સુખાકારી માટે કોઈ ઉપવાસ નથી, માત્ર પતિ માટે જ છે. તમારે કરવા ચૌથ રાખવી હોય તો રાખો, તે મારી સંસ્કૃતિ નથી.”
બાળક શાળાએ જાય ત્યારે શિક્ષકોથી શરૂ કરી પ્રાધ્યાપકો સુધી, ટીવી ધારાવાહિકો, ફિલ્મો, વેબ શ્રેણી, નાટકો, છાપામાં સ્તંભલેખકો, અને ટીવી ચેનલો/વેબ પૉર્ટલો આદિમાં એટલો હિન્દુ વિરોધી એજન્ડા ચલાવાય છે અને ઘરમાં તો ધર્મના કોઈ સંસ્કાર અપાતા ન હોય. આ અઢાર-ઓગણીસ વર્ષ સુધીમાં તો બાળક લગભગ મનથી મુસ્લિમ કે ખ્રિસ્તી જ બની ગયું હોય છે.