અર્બન નકસલોએ ફેલાવેલી ભ્રમણાઓનો પર્દાફાશ
નકસલવાદને લઈને અર્બન નકસલો, કથિત બુદ્ધિજીવીઓ અને કથિત માનવતાવાદીઓ દ્વારા દાયકાઓથી એક હળાહળ ખોટો વિમર્શ ચલાવવામાં આવી રહ્યો છે કે, નકસલીઓ જનજાતીય અને વંચિતોના અધિકારો માટે લડે છે. પરંતુ સચ્ચાઈ આનાથી તદ્દન વિપરિત છે. એક અંદાજ મુજબ માઓવાદી હિંસાને કારણે ભારતમાં આશરે ૧૨,૦૦૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નકસલવાદીઓ દ્વારા હંમેશા જનજાતીય સમાજનું શોષણ થયું છે. અને ગરીબ જનજાતીય સમાજને સરકાર દ્વારા અપાતું અનાજ પણ આ લોકો લૂંટી લેતા હતા. સ્થાનિક નકસલવાદીઓ માત્ર ખંડણી ઉઘરાવનારા સંગઠનો બની ગયા હતાં. તેઓ માત્ર ઠેકેદાર અને ગ્રામીણો પાસે બળજબરીથી પૈસા જ પડાવતાં હતાં. પોતાને છુપાવવા માટે દબાણ કરતા હતા. અને જો કોઈ આનો વિરોધ કરે તો તેના પર પોલીસનો ખબરી ગણાવી તેની હત્યા કરી દેતા હતા. નકસલવાદના આવા અનેક અત્યાચારોની પોલ આત્મસમર્પણ કરી નવું જીવન શરૂ કરી ચૂકેલા પૂર્વ નકસલીઓ દ્વારા જ ખૂલી છે.
વિશાલને જંગલમાંથી જ ઉઠાવી લઈ ગયા હતા નકસલી
પૂર્વ નકસલી વિશાલ ખેરવાર કહે છે કે, તેઓ ગરીબ મજૂર ખેડૂત પરિવારના હતા. અને જંગલમાંથી લાકડાં કાપી જેમ તેમ કરી પરિવારનું ગુજરાન ચાલતું હતું. ૨૦૧૪માં એક દિવસ તે જંગલમાં લાકડાં કાપી રહ્યા હતા ત્યારે નકસલીઓએ તેમને ધમકાવ્યા અને બળજબરીથી પોતાના સંગઠનનો સભ્ય બનાવી દીધા. ૨૦૧૫માં તેમની અનિચ્છા છતાં એરિયા કમાન્ડર બનાવી દેવામાં આવ્યા. તે કહે છે કે તેમની હિંસક અને વિકાસવિરોધી નીતિથી તે ત્રાસી ગયો હતો. આત્મસમર્પણ કરી ચૂકેલા કલેશ્વર ખેરવાર નામના પૂર્વ નકસલીની વાર્તા પણ વિશાલ જેવી જ છે. તે કહે છે નકસલવાદનો ડર એવો હતો કે અમારા વિસ્તારમાં કોઈ જ શાળાએ જતું ન હતું. પરિણામે તે ભણી ન શક્યો. ૨૦૧૩માં અચાનક એક દિવસે કેટલાક લોકો મારા ઘરે આવ્યા અને મારાં માતા-પિતાને ધમકાવી મને બળજબરીથી તેમની સાથે લઈ ગયા અને હાથમાં બંદૂક પકડાવી દીધી. સરકારની આત્મસમર્પણની નીતિથી પ્રભાવિત થઈ આત્મસમર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. હરેન્દ્ર ઉરાવ ઉર્ફે હરિવિલાસને પણ ૨૦૧૩માં માતા-પિતાની હત્યા કરી દેવાની ધમકી આપી સંગઠનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તે અનેક નકસલી હુમલામાં સામેલ રહ્યો હતો. અને એરિયા કમાન્ડર બનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ સતત બંદૂકની ધણધણાટી ઉપરી અધિકારીઓની ગુલામીમાંથી ત્રાસીને તેણે સંગઠન છોડી આત્મસમર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રત્યેક ઘરમાંથી એક બાળક આપવાનો નિયમ
આત્મસમર્પણ કરી ચૂકેલા ચંદુ ઉરાવ નામના પૂર્વ નકસલી કહે છે કે, નકસલીઓ દ્વારા તેને ૨૦૧૩માં બળજબરીથી પોતાના સંગઠનમાં સામેલ કરી લેવામાં આવ્યો હતો. એક દિવસ નકસલવાદીઓ અમારા વિસ્તારમાં આવ્યા અને ફરમાન કર્યું કે, હવે પ્રત્યેક પરિવારે પોતાનો એક દીકરો નકસલીઓને આપી દેવો પડશે. જો એમ નહીં કરે તો તે પરિવારે તેનાં પરિણામો ભોગવવાં પડશે. આ ધમકીના ડરે તેના પિતા સહિતના ગામના અન્ય પરિવારોએ પોતાના એક એક દીકરાને નકસલીઓને સોંપવા પડ્યા હતા.
ગરીબોને જંગલમાંથી જ ઉઠાવી લેતા હતા નકસલી
આત્મસમર્પણ કરનાર ગંજુ નામનો એક યુવા નકસલી જણાવે છે કે, તેઓ જંગલમાંથી જ યુવકોને ઉઠાવી જાય છે. તે ખૂબ જ ગરીબ પરિવારનો હતો. જંગલ પેદાશ લેવા માટે જંગલમાં ગયો હતો ત્યારે રવીન્દ્ર ગંજુ અને તેના સાથીને નકસલીઓ દ્વારા પૈસાની લાલચ આપવામાં આવી, પરંતુ તે ન માનતાં, તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોતાની સાથે લઈ ગયા અને નકસલી બનાવી દીધો.
માત્ર યુવક જ નહિ, યુવતીઓ પણ નકસલીઓના નિશાને
નકસલવાદીઓને લઇ અન્ય એક એવો વિમર્શ ચલાવવામાં આવતો રહ્યો છે કે, નકસલી ક્રાંતિકારીઓ છે અને પોતાની કેડરમાં મહિલા-પુરુષોને બરાબર અધિકાર આપે છે. પરંતુ સચ્ચાઈ એ છે કે, જનજાતીય મહિલાઓનું સૌથી વધુ શોષણ આ જ નકસલીઓ દ્વારા થયું છે. રેણુકા નામની પૂર્વ મહિલા નકસલી જણાવે છે કે, નકસલીઓ મહિલા સાથે સાથે ખૂબ જ અમાનવીય વ્યવહાર કરે છે. એક જ કપડામાં તેઓને દિવસો પસાર કરવા પડે છે. અને નકસલીઓની બંદૂકો સહિતનો સામાન મહિલાઓએ જ ઉઠાવવો પડે છે.
૨૫ વર્ષની શોભા મંડી નામની એક પૂર્વ નકસલી મુજબ પુરુષ નકસલીઓ માટે સંગઠનની તમામ યુવતીઓ માત્ર હવસ પૂરી કરવાનું સાધન હોય છે. તેની સાથે સતત ૭ વર્ષો સુધી સંગઠનના કમાન્ડરોએ બળાત્કાર કર્યો હતો અને એ પણ ત્યારે જ્યારે તે ૨૫-૩૦ સશસ્ત્ર નકસલીઓની કમાન્ડર હતી. ત્યારે સામાન્ય મહિલા નકસલીઓની કેવી સ્થિતિ હશે તેનું અનુમાન લગાવી શકાય છે.
વિધવા સીમા, મીના ઉરાંવ, સુશાંતિ ઉરાંવ હોય કે સુખલાલ નગેલિયા એવી તો સેંકડો ગરીબ મજબૂર જનજાતીય યુવતીઓ નકસલીઓની આ ક્રૂરતાનો શિકાર બની છે. આમ છતાં આપણા દેશની મહિલા અધિકારોના નામે રસ્તાઓ પર સરઘસ કાઢતી મોટી બિન્દી ગેંગે નકસલી મહિલાઓના શોષણ સામે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી, કારણ કે ત્યાં પ્રશ્ન એમની વામપંથી વિચારધારાનો આવી પડે છે. હવે જ્યારે નકસલવાદ દેશમાંથી નેસ્તોનાબૂદ થયો છે ત્યારે દેશના જનજાતીય વિસ્તારોમાં પણ વિકાસની સાથે સાથે વિશ્વાસ અને સુરક્ષાનો પણ સૂર્યોદય થશે તેવી આશા જાગી છે.
જ્યારે નકસલી આતંકનો ભોગ બનેલ પોતાની વિતકકથા વર્ણવી રહ્યા છે...
સિયારામ નામના એક પીડિત કહે છે કે, અમારા ગામમાં ઉપસરપંચ હતો અને કાંકેરના કોઈલીબેડા ગામમાં રહેતો હતો. દરરોજની જેમ એ દિવસે પણ હું મારા ખેતરે ગયો હતો. ત્યાં અચાનક જ નકસલવાદીઓએ મારા પર આડેધડ ગોળીબાર કર્યો. મારા પગ, કમર, પેટ ગોળીઓથી ચારણી બની ગયાં. મારા પગનાં હાડકાં તોડી ગોળીઓ બહાર કાઢવી પડી. આજે હું મારા પગ પર ઊભો પણ રહી શકતો નથી. નકસલીઓ સાથે મારે કોઈ જ દુશ્મની ન હતી, પરંતુ તેઓને હું ગામમાં ઉપસરપંચના નાતે રોડ-રસ્તા બનાવું એ પસંદ નહોતું. નકસલવાદીઓના ડરને કારણે હવે હું મારા ગામમાં રહી શકતો નથી. ગામલોકોએ પણ ડરના કારણે મારી સાથે તમામ વ્યવહારો કાપી નાખ્યા છે. આ શબ્દો છે છત્તીસગઢના નકસલવાદીઓની હિંસાનો ભોગ બનેલા સિયારામ નામના ખેડૂતના.
સિયારામ જેવી જ કહાની છત્તીસગઢના કાંકેર જિલ્લામાં રહેતા વૈદ્યરાજ દયાલુરામ જૈનની છે. ૧૬ જૂન, ૨૦૧૮ની રાત્રે લગભગ ૮ વાગે વૈદ્યરાજ તેમના નાના દીકરા જ્ઞાનેન્દ્રસિંહ સાથે ઘરે હતા ત્યારે અચાનક કેટલાક નકસલીઓ તેમના ઘરમાં ઘૂસી ગયા અને જ્ઞાનેન્દ્ર પર હુમલો કરી દીધો. અને તેને કુહાડીથી કાપી નાંખ્યો એટલું જ નહિ તેઓએ વૈદ્યરાજ દયાલુ અને તેમના દીકરા જ્ઞાનેન્દ્રને ત્રણ કિલોમીટર સુધી ઢસડ્યા, જેને કારણે તેમના પીઠની ચામડી પણ ઊતરી ગઈ હતી. હવે વૈદ્યરાજના મોટા દીકરા ઉપર આખા પરિવારની જવાબદારી છે.
હથિયાર હેઠાં મૂકનાર અને તેમનાથી ડરતા લોકો હવે એક સાથે...
# ૧૨ વર્ષની વયે સંગઠનમાં ભરતી કરવા માટે નકસલીઓ ઉઠાવી ગયા હા. ત્યાં રહી લખમૂરામ સાથે લગ્ન થયા. અમે જાન્યુઆરી ૨૦૨૫માં સરેન્ડર કર્યું. - બસ્તરના અમલીદરની ફૂલમતિ
# માર્ચ ૨૦૧૬માં સરેન્ડર કર્યું. અહીં ટ્રેનિંગમાં કંઈક અલગ લાગતું હતું. હવે શાંતિ છે. મારા બંને બાળકો ખુશ છે. - સુકમાના વીરેન્દ્ર ઠાકર, જનમિલિશિયાના સભ્ય રહી ચૂક્યા છે
# ૨૦૦૬માં પિતાએ સરેન્ડર કર્યું તો પરિવારે ગામ છોડવું પડ્યું. કેફેની ટ્રેનિંગ બાદ જીવનમાં હવે કંઈક સારું થઈ રહ્યું છે. - દરભાના કોલેંગ, ગામના ઠાકુર
ઝુંબેશનો ઉદ્દેશ્ય હથિયાર છોડનાર અને ડરનાર લોકો વચ્ચેનું અંતર ઘટાડવાનું છે. આ કેફેને લીધે વિચારસરણીમાં ફરક પડ્યો છે. - સુંદરરાજ પી, આઈજી. બસ્તર સંભાગ