સંસદમાં નક્સલી, બુદ્ધિજીવી અને રાજકારણીની સાંઠગાંઠ ખુલ્લી પડી
‘દેશ હવે નકસલી હિંસાથી મુક્ત થઈ ગયો છે.’ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જ્યારે આવું બોલી રહ્યા હતા ત્યારે અનેક દેશભક્તોની આંખમાં હર્ષનાં આંસુ હતાં! વિશેષ રૂપે, છત્તીસગઢ, બિહાર, ઓડિશા, પ. બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના લોકોએ હાશકારો અનુભવ્યો. સીઆરપીએફ અને પોલીસે તો કેવી રાહત અનુભવી હશે તે કલ્પવી અઘરી છે.
નકસલી હિંસાથી મુક્તિ એ કાર્ય પણ શ્રી રામમંદિરનું બાંધકામ એ જ ભૂમિ પર કરવું, અનુચ્છેદ ૩૭૦માંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને મુક્ત કરવું અને મુસ્લિમ મહિલાઓને ત્રિ-તલાકના ભયમાંથી મુક્ત કરવા જેટલું જ અસંભવિત લાગતું હતું. આનું કારણ એ હતું કે, તેને ભારતના રાજકીય, બૌદ્ધિક, ન્યાયાલય અને પડદા પાછળ શત્રુ દેશ ચીનનો ટેકો હતો. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આવી રહેલા સમાચાર સતત રાહત પમાડનારા હતા. સુકમા, બસ્તર, ગઢચિરોલી વગેરે અનેક સ્થાનો પર નકસલીઓનાં અથડામણમાં મૃત્યુ, તેમની શરણાગતિ.. આ સમાચાર ભલે દેશના મીડિયામાં સર્વોચ્ચ પાંચમાં સ્થાન નહોતા પામતા. સ્થાન પામતા તો નકસલીઓ જવાનોને વીરગતિ આપે તે સમાચાર હેડલાઇન બનતા અને તે પણ છૂપા વિકૃત આનંદ સાથે કે, ‘નક્સલોએ જવાનોને ફૂંકી માર્યા.’
નકસલીઓના કારણે દેશના એક મોટા ભૂભાગનો વિકાસ અટકી ગયો હતો. મોદી સરકાર આવ્યા પછી વિકાસ થવા લાગ્યો. કેટલાંક ઉદાહરણો:
૧. છત્તીસગઢમાં ઈન્દ્રાવતી નદી પર પુલના કારણે ગામડાંઓ હૉસ્પિટલો અને બજારો સાથે જોડાયાં.
૨. સુકમા અને બીજાપુરમાં પોટ્ટા કેબિન (પૉર્ટેબલ કેબિન)ના નામે જાણીતી નિવાસી શાળાઓથી આદિવાસી બાળકોને શિક્ષણ મળવા લાગ્યું.
૩. ગઢચિરોલી જેવા સ્થાનમાં, જ્યાં પરંપરાગત રીતે વીજળીની લાઇનો મેઇનટેઇન થવી અઘરી છે ત્યાં સૌર માઇક્રો ગ્રિડથી અનેક ઘરો પ્રકાશથી ઝળહળી રહ્યાં છે.
૪. બસ્તરમાં ગત ૩ એપ્રિલે જ ખેલો ઇણ્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું સફળ આયોજન સંપન્ન થયું.
૫. છત્તીસગઢના નારાયણપુરમાં અબુઝમાડ મલખમ્ભ ઍન્ડ સ્પૉર્ટ્સ ઍકેડેમી માઓવાદી હિંસાગ્રસ્ત ગામ અબુઝમાડનાં જનજાતિ બાળકોને નિવાસ, ભોજન, શિક્ષણ સાથે મલખમ્ભ વગેરેમાં પ્રશિક્ષણ આપે છે. અહીં પ્રશિક્ષણ પામેલા કિશોર-કિશોરીઓએ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ૪૦૦ ચંદ્રકો જીત્યા છે. કુતુલ ગામના ૧૫ જ વર્ષના કિશોર રાકેશકુમાર વરદાએ ખેલો ઇણ્ડિયા બીચ ગેમ્સ (૨૦૨૫)માં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
૬. ગઢચિરોલીમાં પોલીસ દાદાલોરા ખિડકી કાર્યક્રમ હેઠળ પોલીસ આદિવાસી અને નક્સલગ્રસ્ત લોકોને સરકારી યોજના અને સેવાઓનો લાભ આપે છે. તે આદિવાસી યુવાનોને આજીવિકા અને કૌશલ્યવિકાસ માટે નિઃશુલ્ક વૉકેશનલ ટ્રેઇનિંગ પણ આપે છે. એટલું જ નહીં, યુવાનોને વૉલિબૉલ, કબડ્ડી, મેરેથોન, તીરંદાજી અને ઍથ્લેટિક્સમાં પણ પ્રશિક્ષણ આપે છે.
અગાઉ કેવું ચિત્ર હતું?
આજથી થોડાં વર્ષો પૂર્વે જ આ રાજ્યોના નક્સલગ્રસ્ત વિસ્તારોમાં ચિત્ર જુદું હતું. અહીં નકસલીઓની સમાંતર સરકાર ચાલતી હતી. તેઓ પોતાનાં ન્યાયાલયો ચલાવતાં હતાં. સ્થાનિક લોકોને ડરાવી-ધમકાવીને પોતાના નિર્ણયો તેમના પર થોપતા હતા. તેઓ સ્થાનિક આદિવાસીઓ પાસેથી રોકડ રૂપિયા, દારૂ, મરઘાં અને બકરી જેવી વસ્તુઓના રૂપમાં ખંડણી ઉઘરાવતા હતા.
ચૂંટણી દરમિયાન તેઓ સ્થાનિક રાજકારણીઓ પાસેથી ભંડોળ લેતા.
નકસલીઓનું ૪૦ ટકા ભંડોળ નશાના વેપારમાંથી આવતું હતું. તેઓ ત્યાં કંપનીઓને કામ કરવા દેવાના બદલામાં તેમની પાસેથી વિશાળ ભંડોળ વસૂલતા હતા. વિચાર કરો, નકસલીઓનો ખંડણીનો જ માત્ર રૂ. ૧,૫૦૦ કરોડથી લઈને રૂ. ૨,૦૦૦ કરોડ જેટલો વાર્ષિક ‘વેપાર’ હતો. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અને ટાટા સ્ટીલ, આંધ્ર પ્રદેશમાં કાગળ ઉદ્યોગની કંપનીઓને તેમના કામકાજમાં નકસલીઓના કારણે ભારે અડચણ આવતી હતી. તેમાં કામ કરતા અધિકારીઓથી માંડીને કર્મચારીઓને નકસલીઓ સખેથી કામ કરવા નહોતા દેતા. બૅન્કો અને તેમનાં એટીએમનું સંચાલન પણ આ વિસ્તારમાં ભારે જોખમભર્યું હતું.
નકસલી હિંસામાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ૨૦,૦૦૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તેમાં ૫,૦૦૦ તો સુરક્ષા જવાનો છે. આદિવાસીઓ પર તેઓ સરકાર કે સુરક્ષા જવાનોને માહિતી આપતા હોવાની શંકા જાય તો તેમને પણ મારી નાખતાં ખચકાતા નહોતા. આ હિંસામાં રાજકારણીઓ પણ મર્યા. કટોકટી વખતે જેમનો ભારે ભય હતો તેવા કૉંગ્રેસ નેતા વી. સી. શુક્લ, મહેન્દ્ર કર્મા સહિત ૨૪ લોકોને નકસલીઓએ મારી નાખ્યા હતા.
લોકસભામાં અમિત શાહનું વિસ્ફોટક ભાષણ
નકસલીઓ, બ્યુરોક્રેટ, પ્રાધ્યાપક, રાજકારણીઓ અને ન્યાયાધીશોની સાંઠગાંઠની શંકા તો ઘણા સમયથી લોકોને હતી અને સૉશિયલ મીડિયા પર વિજય ગજેરા જેવા અનેક જાગૃત લોકો શોધી-શોધીને આ સાંઠગાંઠ ખુલ્લી પાડતા હતા. વિશેષ રૂપે સલવા જુડુમ કેસ.
છત્તીસગઢમાં ૨૦૦૫માં ભાજપ સરકાર હતી ત્યારે હિંસક નકસલીઓ સામે લડવા સ્થાનિક લોકોનું સંગઠન બન્યું હતું તેનું નામ હતું સલવા જુડુમ. સરકારે આ સંગઠનના કેટલાક આદિવાસી બંધુઓને સશસ્ત્ર પ્રશિક્ષણ આપ્યું હતું. આ સંગઠન નહોતું ભાજપનું, ભાજપ પ્રેરિત કે ભાજપ તરફી હતું. આ સંગઠનના સ્થાપક મહેન્દ્ર કર્મા કૉંગ્રેસના વિપક્ષના નેતા હતા જેમની પછી નકસલીઓએ હત્યા કરી હતી.
આ સંગઠન સામે સર્વોચ્ચ ન્યાયાલયમાં યાચિકા થઈ અને બી. સુદર્શન રેડ્ડી અને સુરિન્દરસિંહ નિજ્જરની પીઠે સલવા જુડુમને ગેરકાયદે ઠરાવી દીધું. કોની હતી આ યાચિકા? ના, છત્તીસગઢના કોઈ કૉંગ્રેસી કે ડાબેરી રાજકારણીની નહોતી, કોઈ એનજીઓવાળાની પણ નહોતી. આ યાચિકા કરી હતી નંદિની સુંદરે જે દિલ્લી સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં પ્રાધ્યાપિકા હતાં. એક પ્રાધ્યાપિકાને આ બાબત સાથે શું લેવાદેવા? તેમને તો ભણાવવાનું હોય. પરંતુ જો તેમના પરિવારને જોશો તો સમજાઈ જશે. નંદિનીના પતિ સિદ્ધાર્થ વરદરાજન અગાઉ ‘ધ હિન્દુ’ (જે નામનું જ હિન્દુ છે, બાકી તો ઘોર સામ્યવાદી છે) અને અત્યારે ‘ધ વાયર’ના સ્થાપક તંત્રી છે. તેઓ અગાઉ હાર્ડકૉર લેફ્ટિસ્ટ, પરંતુ તેની માહિતી અને વાચનસામગ્રીના કારણે આઈએએસની તૈયારી માટે આદર્શ ગણાતા ‘ધ હિન્દુ’ના તંત્રી હતા.
નંદિનીનાં માતા પુષ્પા સુંદર અને પિતા સંજીવી સુંદર ગુજરાતમાંથી આઈએએસ બનેલાં છે. પુષ્પા સુંદર બાદમાં ફૉર્ડ ફાઉન્ડેશનના પ્રૉગ્રામ ઑફિસર બન્યાં હતાં. આ ફૉર્ડ ફાઉન્ડેશન કેજરીવાલના એનજીઓ, માત્ર ભાજપ શાસિત રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે જ જાગીને કૉર્ટે ચડતા એડીઆર, રિપૉર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ (રિપૉર્ટર્સ સાન્સ ફ્રન્ટિયર્સ) (જે ઘોર સામ્યવાદી રવીશકુમારને સ્વતંત્રતા પુરસ્કાર આપે છે) તેને ભંડોળ આપે છે.
નંદિની સુંદર મે-૨૦૧૬માં ‘રિચા કેશવ’ના બનાવટી નામે માઓવાદીગ્રસ્ત વિસ્તાર બસ્તરમાં જેએનયૂના પ્રાધ્યાપક અર્ચનાપ્રસાદ અને જોશી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિનીત તિવારી સાથે ગયાં હતાં ત્યારે તેમના પર ગ્રામવાસીઓને સરકાર વિરુદ્ધ ભડકાવવાનો આક્ષેપ થયો હતો. એવો પણ દાવો કરાયો હતો કે જો ગ્રામવાસીઓ માઓવાદીઓનું સમર્થન નહીં કરે તો તેમનાં ઘરોને બાળી નાખવામાં આવશે.
‘ધ વાયર’માં વીણીવીણીને હાર્ડકૉર લેફ્ટિસ્ટ પત્રકારો ભર્યા છે. આરફા ખાનમ શેરવાની આ ડાબેરી પૉર્ટલમાં રહીને ઇસ્લામિક એજન્ડા ચલાવે છે. તેના સ્થાપક તંત્રી એમ. કે. વેણુ ફાઇનાન્સિયલ ઍક્સ્પ્રેસના પૂર્વ તંત્રી છે. એક તંત્રી છે સીમા ચિશ્તી. સીમા ચિશ્તી ‘બીબીસી’ હિન્દીનાં વડાં અને દિલ્લી બ્યૂરૉનાં વડાં રહી ચૂક્યાં છે. તેમજ તેઓ ‘ઇણ્ડિયન ઍક્સ્પ્રેસ’માંથી જ સર્જાયેલા ‘ધ ન્યૂ ઇણ્ડિયન ઍક્સ્પ્રેસ’નાં ઉપતંત્રી પણ રહી ચૂક્યાં છે. સીમા ચિશ્તી એ થોડા સમય પહેલાં મૃત્યુ પામેલા સીપીએમના નેતા સીતારામ યેચૂરીનાં પત્ની છે. એટલે હવે ધ્યાનમાં આવી સાંઠગાંઠ?
આ બધી વાતો કેન્દ્ર સરકારના ધ્યાનમાં હોય જ. તેને સંસદમાં ઉજાગર કરી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે. એટલે સંસદના રેકૉર્ડ પર સત્તાવાર રીતે આ વાતો હવે ચડી ચૂકી છે. અમિતભાઈએ સ્પષ્ટ કહ્યું કે, માઓવાદીઓ-નક્સલવાદીઓની કોઈ વિચારધારા નથી. તેમનું સૂત્ર છે- બંદૂકથી સત્તા મળે છે. શું બ્રિટિશરો સામે લડનારા વીર ભગતસિંહ અને ભગવાન બિરસા મુંડા સાથે માઓવાદીઓ-નક્સલવાદીઓને સરખાવવા ઉચિત છે, જેઓ બંધારણનો ભંગ કરી નિર્દોષોને મારી નાખે છે?
તેમણે કહ્યું કે, આદિવાસીઓ સ્વતંત્રતા પહેલાં ભગવાન બિરસા મુંડા, તિલકા માંઝી, રાણી દુર્ગાવતી અને મુર્મુ બંધુઓને પોતાના આદર્શ માનતા હતા. ઈ. સ. ૧૯૭૦થી એક વિદેશી માઓ તેમના આદર્શ કેવી રીતે બની ગયા? વિકાસના અભાવ કે અન્યાયના કારણે નહીં, પરંતુ સરકારની નબળી ઇચ્છાશક્તિના કારણે ડાબેરીઓ આ કરી શક્યા, જેમાં વિકટ સ્થાનો (ભૂગોળની રીતે) પણ ઉત્તરદાયી હતાં. તેમણે કહ્યું કે સત્તામાં બેઠેલાઓની સહાય વગર દેશની વચ્ચોવચ્ચ રેડ કૉરિડૉર બનવો અસંભવ હતો.
નકસલીઓનાં સગાને સરકારમાં સ્થાન હતું
તેમણે એમ પણ કહ્યું કે, ડૉ. મનમોહનસિંહની સરકાર સમયે રાષ્ટ્રીય સલાહકારી પરિષદ (એનએસી) રચવામાં આવી હતી. તે બંધારણની વિરુદ્ધ હતી. તેમાં એક સભ્ય હતા હર્ષ મંદર. તેમની એનજીઓ અમન વેદિકાનું સંચાલન એક ટોચના નકસલીનાં પત્નીના હાથમાં હતું. રેકૉર્ડ બતાવે છે કે, તેઓનાં પત્ની શહેરી વિસ્તારોમાં અપહરણના કેસોમાં સંકળાયેલાં હતાં. તેમણે કહ્યું કે નક્સલવાદીઓ સામે લડતી સલવા જુડુમને અટકાવવા માટે નંદિની સુંદર સાથે કથિત ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, ઇ. એ. એસ. શર્મા અને અન્યો સંકળાયેલાં હતાં. તેમણે કહ્યું કે જ્યારે વડા પ્રધાનથી પણ ઉપર હોય તેવી એનએસીના સભ્યો નક્સલવાદના સમર્થક હોય ત્યારે નક્સલવાદીઓનું મનોબળ તો ઊંચું જવાનું જ તેમણે કહ્યું કે, વિપક્ષના નેતા (રાહુલ ગાંધી) અનેક વાર નક્સલવાદીઓ અને તેમના સમર્થકો સાથે જોવા મળ્યા છે. ભારત જોડો યાત્રામાં અનેક નક્સલ સંસ્થાઓ જોડાઈ હતી. ૨૦૧૦માં રાહુલ ગાંધી ઓડિશામાં લાડો સિકોકા સાથે જોવા મળ્યા હતા. સિકોકાએ સ્ટેજ પરથી ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું અને રાહુલ ગાંધીએ તેમને હાર પહેરાવ્યો હતો. ૨૦૧૮માં રાહુલ ગાંધી હૈદરાબાદમાં ગુમ્માડી વિઠ્ઠલ રાવ ઉપાખ્ય ગદ્દરને મળ્યા હતા, જે પણ આ જ વિચારધારાના છે. જ્યારે ૧૭૨ જવાનોને મારી નાખનાર હિડમા માર્યો ગયો ત્યારે ‘ઇણ્ડિયા ગેટ’ પર કાર્યક્રમમાં સૂત્રોચ્ચાર થયો હતો: તુમ કિતને હિડમા મારોગે? હર ઘર સે હિડમા નિકલેગા. રાહુલ ગાંધીએ પોતે આ વિડિયો શૅર કર્યો હતો.
જોકે વનમાં રહીને આતંક ફેલાવતા નકસલીઓનો સફાયો થયો છે, હવે વારો કૉલમિસ્ટ, ફિલ્મ કલાકાર, પ્રાધ્યાપકો સહિતના વિવિધ રૂપોમાં દેશને તોડતા અર્બન નકસલીઓનો છે.