મુખપૃષ્ઠ વાર્તા । ૪ । અનામતના ઓઠે ડેમોગ્રાફિક ચેન્જની મેલી મુરાદ...

અનામતના ઓઠે ‘મતાંતરણ’નું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર: ડેમોગ્રાફિક ચેન્જ દ્વારા ભારતને અસ્થિર કરવાની ‘મેલી મુરાદ’નો પર્દાફાશ

    ૧૧-એપ્રિલ-૨૦૨૬   
કુલ દૃશ્યો |
 
The Crypto-Christian Crisis gujarati 
 
 
અનુસૂચિત જાતિના મતાંતરિત લોકોને અનામત સહિતના SC કેટેગરીના લાભો અપાવવા માટે એક મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ચાલી રહ્યું છે અને તે સેક્યુલર, ડાબેરીઓ અને ઇવેન્જીલીકલ ચર્ચની મીલીભગતથી ચાલી રહ્યું છે, આ સત્ય હવે ભારતના મોટાભાગના લોકો જાણે છે અને એમનો એજન્ડા ભારતને તોડવાનો છે એ પણ જાણે છે અને આ એજન્ડા પાર પાડવા માટે તેમની સૌથી મોટી રમત છે ડેમોગ્રાફિક ચેન્જની. એટલે કે હિન્દુ વસ્તીનું ખોરવીને દેશને જુદી દિશામાં લઈ જવો. જ્યારે દેશના સીમાવર્તી કે સંવેદનશીલ વિસ્તારોમાં અથવા અન્યત્ર ક્યાંય પણ હિન્દુ વસ્તી ઘટે છે ત્યારે તેની સીધી અસર રાષ્ટ્રની અખંડિતતા પર પડે છે. આ લેખમાં આપણે મતાંતરણથી સર્જાતા આ ડેમોગ્રાફિક સંકટ અને રાષ્ટ્રીય સુરક્ષાનાં ગંભીર પાસાંઓ વિશે છણાવટ કરીશું.
 
મતાંતરણ એ માત્ર વ્યક્તિગત આસ્થાનો વિષય નથી, પરંતુ તે રાષ્ટ્રના પાયાને નબળો પાડતી એક પ્રક્રિયા છે. જ્યારે કોઈ પ્રદેશમાં મોટા પાયે મતાંતરણ થાય છે, ત્યારે ત્યાંની સામાજિક સમરસતા તૂટી જાય છે. મતાંતરણને કારણે સમાજમાં બે ફાંટા પડે છે, જે આંતરિક કલહ અને અવિશ્વાસને જન્મ આપે છે. ઇતિહાસ સાક્ષી છે કે મતાંતરણ હંમેશા વિભાજનકારી નીતિઓનો હિસ્સો રહ્યું છે. જ્યારે આખેઆખા સમુદાયો પોતાની મૂળ પરંપરા છોડીને અબ્રાહમિક પંથોમાં જાય છે, ત્યારે તેમની વફાદારીનાં કેન્દ્રો પણ બદલાઈ જાય છે. આ પ્રક્રિયા દેશની ભૌગોલિક એકતા માટે જોખમરૂપ છે, કારણ કે તે સાંસ્કૃતિક વિચ્છેદ ઊભો કરે છે. મતાંતરણ દ્વારા વસ્તીનું સંતુલન ખોરવવાની પ્રક્રિયા એ વાસ્તવમાં એક ‘સાયલન્ટ ઈન્વેઝન’ (શાંત ઘૂસણખોરી) છે, જે લોકશાહી ઢબે દેશના નકશા અને નીતિઓને બદલવાની ક્ષમતા ધરાવે છે. જો આ પ્રક્રિયા અટકાવવામાં ન આવે, તો ભવિષ્યમાં આંતર-ધાર્મિક સંઘર્ષો વધવાની અને રાષ્ટ્રીય સુરક્ષા નબળી પડવાની પૂરેપૂરી સંભાવના છે.
 
કેવી રીતે ખેલાય છે આ ડેમોગ્રાફિક રમત?
 
આ ષડયંત્ર પાછળની કાર્યપદ્ધતિ અત્યંત ભયાનક અને ચાલાકીથી ભરેલી છે. મિશનરીઓ અને પાદરીઓ જાણે છે કે જો તેઓ સત્તાવાર રીતે કોઈને ખ્રિસ્તી જાહેર કરે તો તે વ્યક્તિ પોતાનો SC દરજ્જો અને અનામત ગુમાવશે (બંધારણની કલમ ૩, ૧૯૫૦ના આદેશ મુજબ). તેથી તેઓ એક નવું મોડેલ લાવ્યા છે. જેના મુદાઓ નીચે મુજબ છે...
 
 
કાગળ પર હિન્દુ, હૃદયમાં ખ્રિસ્તી : મતાંતરિતોને સૂચના આપવામાં આવે છે કે, તેઓ તેમનું નામ કે સરકારી રેકોર્ડ ન બદલે. તેઓ રવિવારે ચર્ચમાં જાય, બાઇબલ વાંચે, પણ સત્તાવાર રીતે પોતાની જાતિ ‘દલિત હિન્દુ’ જ બતાવે.
 
 
બેવડો લાભ : આ રીતે મતાંતરિત વ્યક્તિ ખ્રિસ્તી મિશનરીઓ પાસેથી આર્થિક મદદ અને વિદેશી ફંડ મેળવે છે અને બીજી તરફ સરકાર પાસેથી અનામત, સ્કોલરશિપ અને નોકરીના લાભો હડપ કરે છે.
 
 
આંકડાકીય માયાજાળ : સેન્સસ (વસ્તીગણતરી)માં આ લોકો હિન્દુ તરીકે જ નોંધાય છે, જેના કારણે સત્તાવાર આંકડાઓમાં ખ્રિસ્તીઓની વસ્તી ઓછી દેખાય છે, પણ હકીકતમાં જમીન સ્તર પર આખેઆખાં ગામડાંઓ ખ્રિસ્તી બની ગયાં હોય છે.
 
 
મતાંતરણને કારણે થઈ રહેલા ડેમોગ્રાફિક ચેન્જ (વસ્તીવિષયક પરિવર્તન) વિશે ન્યાયતંત્રએ પણ અનેકવાર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ન્યાયતંત્રએ પણ સ્પષ્ટપણે માન્યું છે કે મતાંતરણથી વસ્તીનું સંતુલન બગડે છે, જે સીધી રીતે રાષ્ટ્રીય સુરક્ષા અને લોકશાહી માળખા માટે ખતરો છે. અદાલતોએ વારંવાર ભારપૂર્વક કહ્યુંં છે કે, ધર્માંતરણ એ માત્ર પૂજાપદ્ધતિ બદલવાની બાબત નથી, પણ તે દેશની વસ્તીવિષયક એકતાને તોડવાનું સાધન છે. આવો આપણે આ સંદર્ભના કેટલાંક ઉદાહરણો જોઈએ....
 
# અલાહાબાદ હાઈકોર્ટે ૨૧ નવેમ્બર, ૨૦૨૫ના જિતેન્દ્ર સાહનીના કેસમાં આ ક્રિપ્ટો-ક્રિશ્ચિયન્સ (છૂપા ખ્રિસ્તીઓ)નાં મહોરાં ઉતારી દીધાં હતાં. જિતેન્દ્ર સાહની પોતે રવિવારે પાદરી તરીકે પ્રાર્થનાસભાઓ ચલાવતો હતો અને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરતો હતો, છતાં સરકારી ચોપડે તે અનુસૂચિત જાતિ (કેવટ જાતિ)નો હિન્દુ હોવાનો દંભ કરી રહ્યો હતો, જેથી SC અનામતના તમામ આર્થિક લાભો તેને મળી શકે, અર્થાત્‌ હડપી શકાય.
 
# આ નેટવર્કનું સૌથી મોટું કેન્દ્ર અત્યારે દક્ષિણ ભારત અને પંજાબ બન્યું છે. આંધ્રપ્રદેશના આંકડાઓ આ ષડયંત્રની ભયાનકતા સાબિત કરે છે. આંધ્રપ્રદેશમાં ૧૯૭૧માં ખ્રિસ્તીઓની વસ્તી ૪.૨% હતી અને ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ખ્રિસ્તીઓની વસ્તી માત્ર ૧.૩% દેખાય છે. શું ખરેખર ખ્રિસ્તીઓ ઘટ્યા? ના. વાસ્તવમાં લાખો દલિતોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો પણ અનામત ન જાય તે માટે પોતાને કાગળ પર હિન્દુ જ રાખ્યા. ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ત્યાં હજારો ગેરકાયદેસર ચર્ચો ધમધમે છે. એવાં ગામોનાં ઢગલો ઉદાહરણ છે કે, જ્યાં ચોપડે એક પણ ખ્રિસ્તી નથી, પણ ગામમાં બે-પાંચ ચર્ચ ધમધમે છે. કેટલાય સર્વે અને સામાજિક સંસ્થાઓના અહેવાલો મુજબ, આંધ્રપ્રદેશમાં ખ્રિસ્તીઓની વસ્તી ૧૫થી ૨૦% સુધી પહોંચી ગઈ છે. આ તફાવત એટલે છે કારણ કે લાખો લોકોએ ખ્રિસ્તી પંથ અંગીકાર તો કરી લીધો છે, પણ અનામત, નોકરી અને સ્કોલરશિપ ના ગુમાવવી પડે તે માટે તેઓ પોતાને સરકારી રેકોર્ડમાં પોતાને ‘મડિગા’ કે ‘માલા’ જેવી હિન્દુ અનુસૂચિત જાતિ તરીકે જ ઓળખાવે છે.
 
# આંધ્રમાં હજારો ‘ચર્ચ’ એવાં છે, જે સરકારી રેકોર્ડમાં નોંધાયાં જ નથી. જ્યારે ચિંથાડા આનંદ જેવા પાદરીઓ SC હોવાનો દાવો કરીને એટ્રોસિટી એક્ટનો ઉપયોગ કરે છે, ત્યારે સાબિત થાય છે કે આખી સ્ટેટ મશીનરી આ ડેમોગ્રાફિક ચેન્જમાં આડકતરી રીતે મદદ કરી રહ્યું હતું.
 
પંજાબના સરહદી જિલ્લાઓમાં અત્યારે ભયાનક રીતે મતાંતરણ ચાલી રહ્યું છે. અહીં મજહબી શીખ અને રવિદાસિયા દલિતોને મોટા પાયે ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે. અંકુર નરૂલા જેવા પાદરીઓ હજારોની મેદની એકઠી કરીને ‘ચમત્કાર’ના નામે મતાંતરણ કરાવે છે. પણ તેમને સૂચના આપવામાં આવે છે કે તેઓ શીખ તરીકેની ઓળખ જાળવી રાખે, જેથી અનામતનો લાભ ચાલુ રહે. આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પણ બંધારણ સાથેનો દ્રોહ પણ છે. વિદેશી ફંડ દ્વારા આવતાં નાણાંનો ઉપયોગ કરીને આ નેટવર્ક એવા ક્રિપ્ટો-ક્રિશ્ચિયન્સ તૈયાર કરે છે જેઓ અનુસૂચિત જાતિના સમાજમાં રહીને સમાજનાં મૂળિયાં કાપે છે. જ્યારે કોઈ ખ્રિસ્તી પાદરી બનીને પણ SC ક્વોટાની નોકરી મેળવે છે, ત્યારે તે એક સાચા, રાષ્ટ્રભક્ત અને પરંપરાગત પદ્ધતિથી જીવતા અનુસૂચિત જાતિના વ્યક્તિના હક્કો પર મોટી તરાપ મારે છે. આ આખું નેટવર્ક ભારતને અસ્થિર કરવાના બદઇરાદા સાથે કામ કરી રહ્યું છે, જેનો પર્દાફાશ કરવો એ રાષ્ટ્રહિતમાં અનિવાર્ય છે. આ મુદ્દો એટલો તો ગંભીર છે કે, મુંબઈ ખાતે હિંદ-કી-ચાદર ગુરુ તેગ બહાદુરના ૩૫૦મા શહીદી પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પંજાબમાં થઈ રહેલા ધર્મપરિવર્તન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ‘લાલચ’થી પ્રેરાઈને થતા ધર્માંતરણ (કન્વર્ઝન)ને તાત્કાલિક રોકવામાં આવે.
 
#  તમિલનાડુમાં ‘ક્રિશ્ચિયન ડેમોક્રેટિક ફ્રન્ટ’ અને વિવિધ મિશનરી સંગઠનો રાજકીય રીતે અત્યંત શક્તિશાળી છે. ૨૦૨૪ના સી. સેલવારાણી કેસમાં સુપ્રીમ કોર્ટે જોયું કે કેવી રીતે તમિલનાડુમાં હિન્દુ નામ ધારીને ખ્રિસ્તીઓ SC ક્વોટાની નોકરીઓ મેળવી રહ્યા છે.
 
# કેરળમાં તો વસ્તીનું સંતુલન એટલું બદલાયું છે કે, અનેક જિલ્લાઓમાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે. આ પરિવર્તન માત્ર આસ્થાનું નથી, પણ તે સત્તાના કેન્દ્રો (વોટ બેંક) પર કબજો જમાવવાની વ્યૂહરચના છે.
 
#  ગુજરાતમાં મતાંતરણની ઘટનાઓ, ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચિંતાનો વિષય બની છે.મતાંતરણના કારણે ગુજરાતના એક આખા જિલ્લાની ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે. ગુજરાતના એક પ્રખ્યાત દૈનિકના અહેવાલ પ્રમાણે તાપી જિલ્લાનાં ગામોમાં ખ્રિસ્તી મત પાળનારા લોકોની સંખ્યા ૭૦%થી પણ વધી ગઈ છે. ગુજરાતમાં ૧-૨ નહીં, પરંતુ ૯ વિધાનસભા બેઠક પર ખ્રિસ્તી મતો બહુમતીમાં અથવા નિર્ણાયક ભૂમિકામાં છે. આ વિધાનસભા બેઠકોમાં ડાંગ, વ્યારા, નિઝર, ઝઘડિયા, માંડવી, ડેડિયાપાડા, કપરાડા, નાંદોદ અને ઝાલોદનો સમાવેશ થાય છે.
 
 
ડેમોગ્રાફિક ચેન્જ થાય તો શું થાય?
 
જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારની ડેમોગ્રાફી બદલાય છે, ત્યારે તેની અસર માત્ર ધર્મ પૂરતી મર્યાદિત નથી રહેતી. પણ તે બહુ મોટા જોખમો ઊભાં કરે છે. દા.ત..
 
રાજકીય પ્રભુત્વ : આરક્ષિત બેઠકો (Reserved Seats) પરથી એવા લોકો ચૂંટાઈને આવે છે જેઓ ખ્રિસ્તી એજન્ડા પર કામ કરે છે. પરિણામે સાચા હિન્દુ દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જાય છે. ગુજરાતમાં પણ આ મુદ્દો સપાટી પર આવ્યો છે.
સાંસ્કૃતિક વિનાશ : પૂર્વજોની પરંપરા, ગ્રામ્ય દેવતાઓ અને તહેવારો વિસરાઈ જાય છે. આખું સામાજિક માળખું પશ્ચિમી વિચારધારાના પ્રભાવ હેઠળ આવી જાય છે.
 
સુરક્ષા અને અલગતાવાદ : ઇતિહાસ સાક્ષી છે કે, ઉત્તર-પૂર્વનાં રાજ્યો (નાગાલેન્ડ, મિઝોરમ)માં જ્યારે ડેમોગ્રાફી બદલાઈ ગઈ ત્યારે તરત જ ત્યાં અલગતાવાદી આંદોલનો શરૂ થઈ ગયાં હતાં. ડેમોગ્રાફિક ચેન્જ એ રાષ્ટ્રીય એકતાને તોડવાનું પ્રથમ પગલું છે.
 
આંકડાકીય વિશ્લેષણ અને ચેતવણી : વિવિધ રિસર્ચ સંસ્થાઓના મતે જો મતાંતરિતોને SC લાભો મળવાનું ચાલુ રહેશે, તો આગામી ૨૦ વર્ષમાં દક્ષિણ ભારત અને સરહદી રાજ્યોમાં હિન્દુ વસ્તી નિર્ણાયક સ્તરે ઘટી જશે.
 
***
 
મતાંતરણ અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે અત્યંત ગાઢ સંબંધ છે. જ્યારે કોઈ સરહદી રાજ્ય કે વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારમાં વસ્તીનું ધાર્મિક સંતુલન બદલાય છે ત્યારે ત્યાં અલગતાવાદી આંદોલનો અને અસ્થિરતાનું જોખમ વધી જાય છે. ઇતિહાસ ગવાહ છે કે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મોટા પાયે થયેલા મતાંતરણ પછી ત્યાં ભારતવિરોધી સંગઠનો સક્રિય થયાં હતાં. મતાંતરણ પછી વ્યક્તિની આસ્થા ભારતની બહારના દેશો સાથે જોડાય છે, જેના કારણે વિદેશી શક્તિઓ ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવાની તક મેળવે છે. જ્યારે રાષ્ટ્રની સુરક્ષા એજન્સીઓ તપાસ કરે છે ત્યારે જાણવા મળે છે કે મતાંતરણ માટે વપરાતું નાણું ઘણીવાર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં પણ ડાયવર્ટ કરવામાં આવે છે. મતાંતરિત વિસ્તારોમાં ઘણીવાર સરકારી તંત્ર અને કાયદાને પડકારવાની વૃત્તિ વધે છે, જે આખરે દેશની સુરક્ષા સામે મોટો પડકાર બને છે.
 
હિન્દુ હશે તો જ દેશ રહેશે... હિન્દુ ઘટ્યો તો દેશ તૂટ્યો
 
વિચારકો અને દાર્શનિકોએ વર્ષોથી એક ચેતવણી આપી છે કે, ‘હિન્દુ હશે તો જ દેશ રહેશે... હિન્દુ ઘટ્યો તો દેશ તૂટ્યો.’ આ માત્ર ભાવનાત્મક વિધાન નથી, પણ એક કડવું સત્ય છે. ભારતની ભૌગોલિક સીમાઓ તેની સાંસ્કૃતિક સીમાઓ સાથે જોડાયેલી છે. જે જે પ્રદેશોમાં હિન્દુ વસ્તી લઘુમતીમાં આવી છે અથવા ઘટી છે, ત્યાં ભારતની અખંડિતતા જોખમાઈ છે. અફઘાનિસ્તાનથી લઈને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધીના અલગ થયેલા પ્રદેશો એ વાતના સાક્ષી છે કે જ્યાં હિન્દુ ઘટ્યો ત્યાં ભારતભૂમિનો નકશો બદલાયો. હિન્દુત્વ રાષ્ટ્રનો આત્મા છે, જે અનેક વિવિધતાઓ છતાં દેશને એક તાંતણે બાંધે છે. મતાંતરણ દ્વારા હિન્દુ વસ્તી ઘટાડવાનું ષડયંત્ર વાસ્તવમાં ભારતને ખંડિત કરવાનું ષડયંત્ર છે. જો ભારતની વસ્તી ઘટશે તો તો લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સહિષ્ણુતા જેવાં મૂલ્યો પણ આ દેશમાં ટકી શકશે નહીં. તેથી, હિન્દુઓનું રક્ષણ કરવું અને હિન્દુઓની જનસંખ્યાનું પ્રમાણ જાળવી રાખવું, એ માત્ર ધાર્મિક કાર્ય નથી, પણ સર્વોપરી રાષ્ટ્રરક્ષા છે.
 
 
સંઘ; કેટલો વહેલો પરિસ્થિતિને પારખી ગયેલો ! સાંપ્રદાયિક આધાર પર આરક્ષણ નહીં : રા.સ્વ.સંઘ
 
૧૧થી ૧૩ માર્ચ, ૨૦૦૫ દરમિયાન મેંગલોરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન થયું હતું જેમાં ત્રણ મહત્વપૂર્ણ પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવોમાં એક હતો ‘સાંપ્રદાયિક આધાર પર આરક્ષણ નહી’ જે અહીં રજૂ કરવામાં આવ્યો છે.
 
અખિલ ભારતીય પ્રતિનિધિ સભા, અનુસૂચિત જાતિઓમાંથી મતાંતરણ થયેલા લોકો માટે આરક્ષણ મેળવવાના પ્રયત્નો પ્રત્યે પોતાની અસંદિગ્ધ અસંમતિ વ્યક્ત કરે છે. અમે સંપ્રદાય પર આધારિત આરક્ષણના વિરોધી છીએ. એ યાદ રહે (જ્ઞાતવ્ય) કે અનુસૂચિત જાતિઓ માટે સંવિધાન દ્વારા અપાયેલ આરક્ષણ અનુસૂચિત જાતિઓમાંથી મતાંતરણ થયેલા લોકોને પણ આપવાની માંગ કરતી જનહિતની અરજીઓને ઉચ્ચતમ ન્યાયાલય પહેલાં પણ અનેક વાર અસ્વીકૃત કરી ચૂક્યું છે. ઉચ્ચતમ ન્યાયાલયે પોતાના નિર્ણયોમાં એ સ્પષ્ટ કર્યું છે કે, આરક્ષણની એ જોગવાઈ હિન્દુ સમાજમાં વ્યાપ્ત જાતિગત ભેદભાવના કારણે ઉત્પન્ન સામાજિક અક્ષમતાનું પરિમાર્જન કરવા માટે કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ ઈસાઈ કે મુસલમાન થતાં જ હિન્દુ સમાજની જાતિ-વ્યવસ્થામાંથી બહાર થઈ જાય છે. ફરી આ પ્રકારના મતાંતરિતો માટે આરક્ષણની માંગ કેવી રીતે કરી શકાય? મતાંતરણ કરવા માટે ઈસાઈ પાદરીઓ એ દલીલ આપે છે કે ઈસાઈ સમાજમાં કોઈ પણ પ્રકારનો જાતિગત ભેદભાવ નથી. શું ઈસાઈ મતના પ્રમુખો એ જાહેર કરશે કે તેમના પંથમાં જાતિગત ભેદભાવ છે?
 
આ બાબતે ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫થી લઈને અનુસૂચિત જાતિ અને જનજાતિ આદેશ, ૧૯૫૦ તેમજ ત્યારબાદ જારી અત્યાર સુધીના તમામ આદેશો ખૂબ સ્પષ્ટ છે. આપણા સંવિધાન નિર્માતાઓએ સંવિધાન સભામાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરી અને તેને નકારી દીધો. ૧૯૩૬માં અંગ્રેજોએ પણ અનુસૂચિત જાતિઓમાંથી મતાંતરણ થયેલા ઈસાઈઓ માટે આરક્ષણની આ જ પ્રકારની માંગને ઠુકરાવી દીધી હતી.
 
જો અનુસૂચિત જાતિઓમાંથી મતાંતરણ થયેલા લોકો માટે આરક્ષણની આ માંગ સ્વીકારી લેવામાં આવે છે તો અનુસૂચિત જાતિઓ માટે આરક્ષણની સુવિધાઓનો મહત્તમ ભાગ આ મતાંતરિતો દ્વારા હડપી લેવામાં આવશે. તેનું બીજું ગંભીર પરિણામ અનુસૂચિત જાતિના લોકોના મતાંતરણની પ્રક્રિયામાં તીવ્ર ગતિએ વૃદ્ધિના રૂપમાં આવશે અને તેના કારણે યેન-કેન પ્રકારેણ મતાંતરણ કરાવવામાં લાગેલા વિદેશી ધનથી પોષિત ઈસાઈ મિશનરીઓના રસ્તાનો એક મોટો અવરોધ દૂર થઈ જશે. અનુસૂચિત જાતિઓમાંથી મતાંતરણ થયેલા ઈસાઈઓનો એક મોટો વર્ગ છે, જેણે પોતાનાં હિન્દુ નામ બદલ્યાં નથી અને આરક્ષણના લાભો મેળવી રહ્યા છે. આપણી જનસંખ્યાના લગભગ ૨.૧ ટકા આ પ્રચ્છન્ન ઈસાઈ (ક્રિપ્ટો-ખ્રિસ્તી)ઓ અનુસૂચિત જાતિઓને તેમના વાંછિત લાભથી વંચિત કરી રહ્યા છે.
 
તેથી પ્રતિનિધિ સભા જોરદાર શબ્દોમાં એ માંગ કરે છે કે કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિના લોકોનાં વ્યાપક હિતોની રક્ષા કરવાના પોતાના સંવૈધાનિક ઉત્તરદાયિત્વને પૂરું કરતા અનુસૂચિત જાતિઓમાંથી મતાંતરણ થયેલા લોકો માટે આરક્ષણની આ માંગને સ્પષ્ટ રીતે ઠુકરાવી દે. અ. ભા. પ્ર. સભા અનુસૂચિત જાતિઓના જન-પ્રતિનિધિઓ, નેતાઓ અને સંસ્થાઓને અપીલ કરે છે કે આ માંગ પાછળ છુપાયેલા મતાંતરણ કરાવનારાઓના ઘાતક મનસૂબાઓને સમજીને તેમના ષડયંત્રોને નિષ્ફળ બનાવી દે.
 
 

હિતેશ સોંડાગર

હિતેશ સોંડાગર 'સાધના' સાપ્તાહિક-સોશિયલ મીડિયાના સહતંત્રી છે. ગૂજરાત વિદ્યાપીઠમાંથી પ્રથમ ક્રમાંક સાથે જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. ભારતીય સંસ્કૃતિ, વિશ્વ પ્રવાહો, સાંપ્રત સમસ્યાઓ, રાષ્ટ્રીય ગૌરવ તથા ખેલજગત જેવા વિષયો પર 'સાધના'માં ૨૦૦થી વધુ મુખપૃષ્ઠ વાર્તાઓનું લેખન કર્યું. 'સાધના'ને સોશિયલ મીડિયા પર દેશ-વિદેશના ૧૦ લાખ ફોલોઅર્સ સાથે, દરેક મંચ પર કાર્યાન્વિત કર્યું.