મુખપૃષ્ઠ વાર્તા । ૩ । આ હિન્દુ ઓળખને ભૂંસવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે..

SC અનામત પર તરાપ: સેક્યુલર, ડાબેરી અને મિશનરીઓના ‘આંતરરાષ્ટ્રીય નેક્સસ’નો સનસનીખેજ ખુલાસો

    ૧૧-એપ્રિલ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Defending Dalit Rights
 
 
છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં મતાંતરિત થઈ ગયેલા અનુસૂચિત જાતિના લોકોને અનામતના સહિતના અન્ય લાભો અપાવવા માટે એક મોટી ગેંગ કામ કરી રહી છે. ડૉ. બાબાસાહેબના નામે સંવિધાનના આત્માને હણવાનું અને સાચા દલિતોના હકોની ચોરી કરવાનું આ એક ભયાનક ‘આંતરરાષ્ટ્રીય ષડયંત્ર’ છે. આ કોઈ સામાન્ય મતાંતરણ નથી, પણ વિદેશી ફંડિંગ દ્વારા ચાલતું એક સુનિયોજિત નેટવર્ક છે. જોકે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાથી એ ગેંગનાં જૂઠાં સપનાંઓ પર પાણી ફરી વળ્યું છે. પણ છતાં આપણે એ ટોળકીને અને એમનાં એ કાવતરાંને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. આવા જૂઠા વિમર્શો દ્વારા આ લોકો ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અને સંવિધાનનું ઘોર અપમાન કરી રહ્યા છે એ તો આપણે જાણ્યું, પણ હવે જાણીએ કે, આ લોકો છે કોણ? કઈ લોબી આમાં કાર્યરત છે અને કઈ રીતે આ આખો ખેલ ચાલે છે?
 
 
ભારતીય લોકતંત્ર અને સામાજિક ન્યાયના માળખાને તોડવા માટે અત્યારે એક અત્યંત ગંભીર અને ઊંડું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ ષડયંત્ર છે- અનુસૂચિત જાતિ (SC)ના લોકોનું મતાંતરણ કરાવવું એવો ભરોસો આપીને કરાવવું કે, તમારા SCના લાભોને કોઈ જ નુકસાન નહીં, ઉલટાનું વધારામાં લઘુમતી તરીકેના લાભો પણ મળતા થશે. અને મતાંતરણ પછી પણ તેમને તે જ જાતિના લાભો અપાવવા માટે કાનૂની અને સામાજિક લડાઈ લડવી. આ ષડયંત્રની પાછળ રહેલા લોકોની મંશા ક્યારેય આધ્યાત્મિક કે ધાર્મિક પરિવર્તનની રહી નથી, પણ શુદ્ધ રૂપે આર્થિક અને રાજકીય લાલચની રહી છે. મતાંતરણના આ કાળા ખેલમાં ગરીબ અને ભોળાં અનુસૂચિત જાતિનાં પરિવારોને લક્ષ્ય બનાવવામાં આવે છે. તેમને એવું સમજાવવામાં આવે છે કે, હિન્દુ ધર્મમાં તેમનું શોષણ થાય છે, પણ જેવું મતાંતરણ થઈ જાય કે તરત આ જ ષડયંત્રકારીઓ તેમને શીખવે છે કે, ‘તમારે કાગળ પર તો હિન્દુ જ રહેવાનું છે, જેથી સરકારી અનામત, સ્કોલરશીપ અને નોકરીના લાભો તમને મળતા રહે.’ આ એક અત્યંત ખતરનાક બેવડી રમત છે. જેનો અર્થ એ થયો કે આસ્થા ખ્રિસ્તી રાખવી પણ લાલચ માટે જૂની હિન્દુ ઓળખનો ઉપયોગ કરવો. સમજવા માટે આજકાલ તેને ક્રિપ્ટો-ક્રિશ્ચયન કહેવામાં આવે છે.
 
આંતરરાષ્ટ્રીય ષડયંત્ર અને ‘ક્રિપ્ટો-ક્રિશ્ચિયન’ નેટવર્ક
 
આ કાવતરું કોઈ ગલી-કૂંચીમાં ચાલતું છૂટક કામ નથી, પરંતુ તે અબજો ડોલરના વિદેશી ફંડિંગથી ચાલતું એક સુનિયોજિત આંતરરાષ્ટ્રીય ષડયંત્ર અને ક્રિપ્ટો ક્રિશ્ચિયન નેટવર્ક છે. આ નેટવર્કની કાર્યપદ્ધતિ શતરંજની રમત જેવી છે. આ રમત એટલી ગૂઢ છે કે સામાન્ય નાગરિક તેને સમજી પણ ના શકે. આમાં એવા લોકો સામેલ છે, જેઓ પોતાને ‘માનવ અધિકારના રક્ષક’ કે ‘સામાજિક કાર્યકર’ તરીકે ઓળખાવે છે, પરંતુ તેમનો અસલી એજન્ડા ભારતને અંદરથી ખોખલું કરી નાંખવાનો છે.
 
સેક્યુલર, ડાબેરીઓ અને પાદરીઓનું ભારતવિરોધી ‘નેક્સસ’
 
ભારતને અંદરથી ખોખલું કરવાની ત્રણ મુખ્ય ધરીઓ છે. આ ષડયંત્રનો પ્રથમ અને સૌથી મોટો આધારસ્તંભ છે વિદેશી મિશનરીઓ પાદરીઓ: આ લોકો ‘ચર્ચ પ્લાન્ટિંગ’ અને ‘સોલ હાર્વેસ્ટિંગ’ (આત્માઓની લણણી) વગેરેના નામે વિદેશી ધરતી પરથી હજારો કરોડનું ફંડ મેળવે છે. આ નાણાંનો ઉપયોગ કરીને તેઓ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ અનુસૂચિત જાતિનાં-જનજાતિનાં પરિવારોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને વિદેશ પ્રવાસની જાળમાં ફસાવી મતાંતરિત કરે છે. તેમનો ઉદ્દેશ્ય માત્ર ધર્મ બદલવાનો નથી, પણ ભારતની હિન્દુ વસ્તી ઘટાડીને પોતાની ધાર્મિક સત્તા સ્થાપવાનો છે.
 
આ ષડયંત્રની બીજી ધરી છે ડાબેરી (Leftists) વિચારધારા ધરાવતા લોકો : ડાબેરીઓ હંમેશા ભારતની એકતા તોડવા માટે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવે છે. તેઓ દલિત ભાઈ-બહેનોમાં ‘મૂળનિવાસી’નો અત્યંત ભ્રામક અને ઝેરી રાગ આલાપે છે. તેઓ એવું જૂઠાણું ફેલાવે છે કે, હિન્દુ ધર્મ અને ભારતની સંસ્કૃતિ તેમના પર (એટલે કે અનુસૂચિત જાતિના- જનજાતિ લોકો પર) બહારથી થોપવામાં આવી છે. આ રીતે તેઓ દલિતોના મનમાં પોતાની જ મૂળ સંસ્કૃતિ પ્રત્યે નફરત પેદા કરીને તેમને હિન્દુ ધર્મથી વિખૂટા પાડે છે, જેથી મતાંતરણનો રસ્તો સાવ સરળ બની જાય.
 
ત્રીજી અને સૌથી ઘાતક ધરી છે કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓ અને વકીલોની ટોળકી : આ લોકો એસી ઓફિસોમાં બેસીને કાનૂની કાવતરાં કરે છે. અદાલતોમાં મતાંતરિતોને અનામત અપાવવા માટે કાનૂની લડાઈઓ લડે છે. તેઓ ૨૦૦૭ના રંગનાથ મિશ્રા કમિશનના અર્ધસત્ય અહેવાલનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. તેઓ એવી કુતર્કપૂર્ણ દલીલ કરે છે કે, ‘જો વ્યક્તિ ખ્રિસ્તી બની જાય તો પણ તેનું સામાજિક પછાતપણું જતું નથી.’ વાસ્તવમાં આ દલીલ પાછળનો બદઇરાદો એ છે કે, જો એકવાર મતાંતરિત ખ્રિસ્તી કે મુસ્લિમોને SC અનામતનો લાભ મળી જાય, તો દેશમાં ધર્મ પરિવર્તનની ગતિ રાતોરાત અનેક ગણી વધી જાય.
 
આમ આ ત્રણેય ધરીઓ ભયાનક રીતે કામ કરી રહી છે. આ ત્રણેયનું જોડાણ ભારતની હિન્દુ ઓળખને ભૂંસી નાખવા માટે એક તાંતણે બંધાયેલું છે. તેઓ જાણે છે કે જો હિન્દુ સમાજ વિખેરાઈ જશે તો ભારતને તોડવું સરળ બની જશે. (પણ ભારતની ઓળખ ભૂંસવી કોઈનાથી શક્ય નથી.) વાસ્તવમાં આ ગેંગ ભારતના સાચા અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોના અધિકારોની ચોરી કરી રહી છે.
 
‘દલિત મુસ્લિમ/ખ્રિસ્તી’નો નવો પ્રોપગેન્ડા
 
કોઈને લાગી શકે છે કે આ બધું હમણા હમણાં શરૂ થયું લાગે છે. પણ ના, આ ષડયંત્ર કોઈ રાતોરાત ઊભું થયેલું ગાંડપણ નથી, પરંતુ તેનાં મૂળિયાં બ્રિટિશ શાસનકાળ જેટલાં ઊંડાં અને ઝેરી છે. અંગ્રેજોએ મિશનરીઓને ખુલ્લો દોર આપ્યો હતો
જેથી કરીને તેઓ ભારતના સામાજિક તાણાવાણાને તોડી-મરોડી શકે. પણ આઝાદી પછી જ્યારે રાષ્ટ્રપતિનો આદેશ (The Constitution (Scheduled Castes) Order, 1950) જાહેર થયો અને તેમાં કહેવામાં આવ્યું કે અનુસૂચિત જાતિના લાભો માત્ર હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ પાળનારાઓને જ મળશે, ત્યારે મિશનરીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, આ આદેશથી તેમનો ‘મતાંતરણનો ધંધો’ ઠપ્પ થઈ રહ્યો હતો. ત્યારથી જ, વિદેશી તાકાતોના ઇશારે આ બંધારણીય કવચને તોડવાના વધારે ખતરનાક પેંતરા શરૂ થઈ ગયા હતા.
 
વર્તમાન સમયમાં આ ષડયંત્રકારીઓએ એક નવો અને અત્યંત ભ્રામક શબ્દપ્રયોગ વહેતો મૂક્યો છે, એ છે - ‘દલિત મુસ્લિમ’ અને ‘દલિત ખ્રિસ્તી’. કાનૂની અને ધાર્મિક રીતે આ શબ્દો પરસ્પર વિરોધી છે. ઇસ્લામ અને ખ્રિસ્તી પંંથ એવો દાવો કરે છે કે તેમનામાં કોઈ જ્ઞાતિવાદ નથી અને બધા સમાન છે. જો ત્યાં બધા સમાન જ હોય, તો પછી ‘દલિત’ શબ્દનો ઉપયોગ શા માટે કરો છો? આ માત્ર એક ગંદો પ્રોપગેન્ડા છે, જેનાથી ભોળા અનુસૂચિત જાતિના લોકોને એવી જાળમાં ફસાવી શકાય કે, ‘તમે ધર્મ બદલી નાખો, અમે તમને સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત અપાવી દઈશું.’ અને આગળ કહ્યુંં તેમ આ ષડયંત્ર પાછળ લાખો કરોડનું ભંડોળ ખર્ચવામાં આવી રહ્યું છે.
 
સૌથી વધુ દુ:ખની વાત એ છે કે, આ લોકો ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ વટાવીને આ બધું કરી રહ્યા છે.
ડૉ. બાબાસાહેબે ક્યારેય એવું નહોતું કહ્યુંં કે, મતાંતરિત થઈને પણ હિન્દુ અનામતના લાભો ચાલુ રાખવા જોઈએ. આ ષડયંત્રનો મૂળ હેતુ સાચા અનુસૂચિત જાતિના લોકોના હકોની ચોરી કરીને ભારતને અંદરથી નબળું પાડવાનો છે.
 
કોણ આપી રહ્યું છે મતાંતરણને ‘આંતરરાષ્ટ્રીય’ પીઠબળ?
 
# જોશુઆ પ્રોજેક્ટ (Joshua Project)
 
આ અમેરિકા સ્થિત એક અત્યંત શક્તિશાળી મિશનરી સંગઠન છે, જેનું કામ વિશ્વભરની જ્ઞાતિઓનો ડેટાબેઝ તૈયાર કરવાનું છે. તેઓ ભારતના દલિત સમુદાયોને લક્ષ્ય બનાવીને મતાંતરણ માટે વ્યૂહાત્મક ફંડિંગ પૂરું પાડે છે.
 
# વર્લ્ડ કાઉન્સિલ ઑફ ચર્ચિસ (WCC) 
 
 આ સંસ્થા આંતરરાષ્ટ્રીય મંચો પર ‘દલિત ખ્રિસ્તી’ મુદ્દાને માનવ અધિકારો સાથે જોડીને ભારત સરકાર પર દબાણ લાવવાનું કામ કરે છે, જેથી બંધારણીય સુધારો કરાવી શકાય.
 
# એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને હ્યુમન રાઈટ્સ વોચ
 
આ સંસ્થાઓ ઘણીવાર એવા અહેવાલો તૈયાર કરે છે જે દર્શાવે છે કે, મતાંતરિત ખ્રિસ્તીઓ સાથે ભેદભાવ થાય છે, જેનો ઉપયોગ કથિત સેક્યુલર વકીલો સુપ્રીમ કોર્ટમાં પુરાવા તરીકે કરે છે.
 
***
 
આ સંસ્થાઓનો અંતિમ હેતુ ધાર્મિક પરિવર્તન દ્વારા ભારતની સામાજિક એકતામાં ભંગાણ પાડીને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ નબળી પાડવાનો છે.

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.