
શરીર પર ૮૦ ઘા છતાં મોગલ સલ્તનતને ધ્રુજાવનાર ‘હિન્દુ પથ’ના રક્ષક: અજેય યોદ્ધા મહારાણા સાંગા
ભારતના મહાન શાસકોમાં રાજસ્થાનના મેવાડના મહારાણા સંગ્રામસિંહનો સમાવેશ થાય છે. તેમની વીરતા, બહાદુરી અને સાહસનો જોટો જડે એમ નથી. રાણા સાંગા તરીકે ઓળખાતા આ રાજાએ ૧૦૦ જેટલાં યુદ્ધો લડ્યાં, જેમાં તેમને ઝળહળતો વિજય પ્રાપ્ત થયો હતો. સિસોદિયા વંશના આ મહારાણાની રાજધાની તો ચિત્તોડ હતી, પરંતુ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, સિંધ અને ઉત્તરપ્રદેશના ઘણા ભાગો પર તેમનું સામ્રાજ્ય હતું. તે સમયે દિલ્હીમાં મોગલવંશનું શાસન હતું. છતાં મોગલ બાદશાહો તેમના નામથી ધ્રૂજતા હતા. રણમેદાનમાં લડતાં લડતાં શરીર પર ૮૦ જેટલા ઘા અને એક હાથ અને પગ ગુમાવ્યા છતાં તેઓ સતત લડતા રહ્યા અને વિજય મેળવતા રહ્યા.
માલવા વિજય પછી રાણા સાંગાએ દિલ્હીના ઇબ્રાહીમ લોદી દ્વારા શાસિત ઉત્તર પૂર્વ રાજસ્થાનના પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. લોદીએ પોતાના વિસ્તારમાં રાણા સાંગાનું આધિપત્ય જોઈ મેવાડ પર આક્રમણ કર્યું. ખારોલી વિસ્તારમાં બંને સેના સામસામી ટકરાઈ. આ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીને ભારે હારનો સામનો કરવો પડ્યો. લોદીની સેના ભાગી ગઈ જ્યારે લોદીના પુત્રને સાંગાએ બંદી બનાવી લીધો. આ યુદ્ધમાં રાણા સાંગાનો એક હાથ કપાઈ ગયો અને પગમાં તીર વાગતાં જીવનભર અપંગ બની ગયા. બે વર્ષ પછી લોદીએ ફરીથી આક્રમણ કર્યું. ધૌલપુરના આ યુદ્ધમાં ફરીથી લોદીની કારમી હાર થઈ. વારંવાર લોદીની હાર થતાં તેણે રાજસ્થાનમાં પોતાનું આધિપત્ય ખોયું. છેક આગ્રા સુધી રાણા સાંગાની આણ વર્તાતી હતી.
ગુજરાતમાં વધતા જતા સલ્તનતના પ્રભાવને દૂર કરવા રાણા સાંગાએ ઈડરમાં ત્રણ યુદ્ધ કર્યાં. જેમાં મુજફ્ફર શાહને પરાજિત કર્યો અને રાયમલે ઇડરના શાસન પર પુનઃ કબજો મેળવ્યો. ૧૫૨૦માં ઈડર રાજ્યના ઉત્તરાધિકારીને કારણે સાંગાએ પોતાના ત્રણ સામંતોના સમર્થનમાં તેમણે ગુજરાત પર આક્રમણ કર્યુ. તેમની સાથે રાવ ગંગા રાઠોર અને વાગડના રાવલ ઉદયસિંહ અને મેડતાના રાવ વિરામસિંહ પણ જોડાયા. તેમણે નિઝામખાનની સેનાને પરાસ્ત કરી અને તેનો પીછો કરતાં છેક અમદાવાદ સુધી આવ્યા. તેમણે અમદાવાદના ૨૦ કિ.મી. દૂર પોતાનું આક્રમણ રોકી દીધું. અને નિઝામખાનના શાહી ખજાનાને લૂંટ્યો અને મંદિરો તોડીને જ્યાં મસ્જિદો બનાવાયેલી તેના પર પુનઃમંદિર બનાવ્યા. તેમણે ઉત્તર ગુજરાત પર કબજો કરી પોતાનો સામંત નીમ્યો.
પાણીપતના યુદ્ધ પછી બાબર સામે લડવા તેમણે રાજપૂતોની એક લાખ યોદ્ધાઓની સેના બનાવી અને આગ્રા તરફ પ્રયાણ કર્યુ. ઈ.સ. ૧૫૨૭માં બયાનાના યુદ્ધમાં બાબરની મોગલ સેનાને પરાસ્ત કરી દીધી. બાબરે ત્યારથી રાજસ્થાન પર આક્રમણ કરવાનું બંધ કર્યું.
રાણા સાંગાએ ફરીથી બાબર સામે ડૌસા પાસે યુદ્ધ શરૂ કર્યુ. આ યુદ્ધમાં તેઓ ઘાયલ થયા. તેઓ ભાનમાં આવતાં તેમણે પ્રતિજ્ઞા લીધી કે, જ્યાં સુધી બાબરને હરાવી દિલ્હી પર વિજય નહીં મેળવે ત્યાં સુધી ક્યારેય ચિત્તોડ પાછા નહીં ફરે. અને માથા પર પાઘડી નહીં પહેરે.
તેમણે યુદ્ધની શરૂઆત કરી. કાલપી ખાતેના સંગ્રામમાં સને ૧૫૨૮માં તેઓ માતૃભૂમિ માટે લડતાં વીરગતિને પામ્યા. તેમના પછી તેમના પુત્ર રતનસિંહ ઉત્તરાધિકારી બન્યા અને તેમની પરંપરા આગળ વધારી.
ભારતના ઇતિહાસમાં મહારાણા સાંગા અમર થઈ ગયા. જેમણે મોગલ સલ્તનતને હરાવી પોતાનું સામ્રાજ્ય વધાર્યું.