૧૪મી એપ્રિલે પરમ શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી છે. ભારતીય બંધારણના ઘડવૈયા
ડૉ. બાબાસાહેબ આંબેડકરે અનુસૂચિત જાતિને બંધારણ થકી માન, સન્માન અને વિકાસ માટેનો નવો પથ ચીંધ્યો હતો, પરંતુ ઘણા લાંબા સમયથી ધર્મ પરિવર્તન કરનારા અનુસૂચિત જાતિ સમાજના લોકોને પણ SCના લાભો અપાવવા માટે કેટલાંક તત્ત્વો પ્રયત્નો કરી રહ્યા હતા. તેમની એ ચાલ ઊંધી પડી. આપણા દેશના ન્યાયતંત્રએ એવું નથી થવા દીધું. ગત ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે ‘ચિંથાડા આનંદ વિરુદ્ધ આંધ્રપ્રદેશ’ કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો કે, ધર્મ પરિવર્તન કરનારા અનુસૂચિત જાતિના લોકો અનુસૂચિત જાતિને મળતા કોઈ લાભ પ્રાપ્ત કરી શકશે નહીં. હકીકતે વિવિધ ન્યાયાલયોએ વારંવાર અનેક કેસોમાં આ ટિપ્પણી કરી છે અને હવે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે પણ આ મહત્વના નિર્ણય પર પોતાની મહોર મારી છે. આ સીમાચિહ્નરૂપ ચુકાદો વાસ્તવમાં ડૉ. બાબાસાહેબના મૂળ કાનૂની તર્કને મજબૂતી આપે છે. ડૉ. બાબાસાહેબની જન્મજયંતી નિમિતે આ અંકમાં - અનુસૂચિત જાતિના અધિકારો પરની તરાપ રોકતાં સર્વોચ્ચ ન્યાયાલયનાં ઐતિહાસિક ચૂકાદા અને તેની સાથે જોડાયેલા વિવિધ વૈચારિક વિષયો પર વિવિધ લેખો પ્રસ્તુત છે.
શું કહે છે ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય?
ભારતીય લોકશાહીની સૌથી મોટી વિશેષતા તેનું સંવિધાન - બંધારણ છે. બંધારણ એક એવો જીવંત દસ્તાવેજ છે જે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા સહિત અનેક સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર ટકેલો છે. આના ઉપાય તરીકે જ ‘અનામત’નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. અને તેથી આપણા સંવિધાનમાં ધર્મ પરિવર્તન કરનારા અનુસૂચિત જાતિ (SC)ના લોકોને મતાંતરણ બાદ પણ SCના લાભો નહીં આપવાનો ખૂબ જ અગત્યનો નિર્ણય સંવિધાનનિર્માતા પરમ શ્રદ્ધેય આંબેડકરજીએ અને તે વખતના સૌએ સાથે મળીને કરેલો. છતાં પણ આ મુદ્દે વચ્ચે વચ્ચે, 'જો પોલું મળે તો પેસી જવું' તેવી માનસિકતા હેઠળ જુદા-જુદા પ્રકારની વાતો લઈને ન્યાયોલયોમાં આ મુદ્દો ઉછાળવામાં આવે છે, ત્યારે આ વિષય માત્ર કાનૂની રહેતો નથી, પરંતુ ઇતિહાસ, ઓળખ અને સામાજિક સંરચના પર ગહન ચર્ચાનો વિષય બની જાય છે.
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતાં સ્પષ્ટ કર્યું કે, જે વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ મત સિવાયના અન્ય કોઈ મત-પંથને અપનાવે છે, તે અનુસૂચિત જાતિ (SC)નો સભ્ય રહેતો નથી અને SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ રક્ષણનો દાવો કરી શકતો નથી. આ નિર્ણય ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાની ખંડપીઠ દ્વારા આપવામાં આવ્યો છે, અને તેમાં આંધ્રપ્રદેશ વડી અદાલતના ચુકાદાને પણ ટાંકવામાંં આવ્યો છે.
આ મામલો ચિંથાડા આનંદ સાથે સંબંધિત હતો. તેઓ મૂળભૂત રીતે અનુસૂચિત જાતિ સમુદાયના હતા, જેમણે ખ્રિસ્તી મત અપનાવ્યો હતો અને તેઓ એક પાદરી ((Paster) તરીકે કાર્ય કરી રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, તેમની સાથે જાતિ-આધારિત દુર્વ્યવહાર અને હુમલો થયો અને તે અંગે તેમણે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફ.આઈ.આર નોંધાવી હતી, પરંતુ આરોપી આંધ્રપ્રદેશની રાજ્ય સરકારે તર્ક આપ્યો હતો કે, સંવિધાનની સ્પષ્ટ જોગવાઈઓ અનુસાર તેઓ હવે ખ્રિસ્તી બની ગયા છે, તેથી તેઓ SC રહેતા નથી, માટે આ કાયદાનો ગેરલાભ ઉઠાવવાની દાનત હોઈ ગ્રાહ્ય રાખવાપાત્ર નથી.
આંધ્રપ્રદેશ સરકારે સંવિધાનની જોગવાઈ હેઠળ જ નિર્ણય લીધો હોઈ આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ઉક્ત એફ.આઈ.આર. રદ કરી દીધી હતી, એમ કહીને કે ખ્રિસ્તી મતમાં જાતિ-વ્યવસ્થાને સ્થાન જ નથી, તેથી ધર્મ પરિવર્તન પછી અનુસૂચિત જાતિનો દાવો કરી શકાય નહીં. એ પછી ચિંથાડા આનંદ આ કેસ સર્વોચ્ચ ન્યાયાલય સુધી લઈ આવ્યા અને સર્વોચ્ચ ન્યાયાલયે પણ હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતાં કહ્યુંં કે, ધર્મ પરિવર્તનથી SCનો દરજ્જો તાત્કાલિક અસરથી સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે. ન્યાયાલયે સ્પષ્ટ કર્યું કે, વ્યક્તિ કોઈ અન્ય ધર્મ-મતને માનતા હોય તો SC સભ્ય હોવાનો દાવો કરી શકે નહીં.
આ નિર્ણય મુખ્યત્વે બંધારણના અનુચ્છેદ ૩૪૧ પર આધારિત છે. અનુચ્છેદ ૩૪૧ રાષ્ટ્રપતિને એ અધિકાર આપે છે કે, તેઓ અનુસૂચિત જાતિઓની યાદી નિર્ધારિત કરે. બંધારણના (અનુસૂચિત જાતિ) આદેશ, ૧૯૫૦ના ખંડ ૩માં કહેવાયું છે કે, હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય કોઈ મત-પંથને માનનાર વ્યક્તિ SCની સભ્ય ગણાશે નહીં.
ન્યાયાલયે કહ્યુંં કે, આ પ્રતિબંધ પૂર્ણ (Absolute) છે અને તેમાં કોઈ અપવાદ નથી. ધર્મ પરિવર્તનની સાથે જ SCનો દરજ્જો સમાપ્ત થઈ જાય છે અને તમામ વૈધાનિક લાભો પણ સમાપ્ત થઈ જાય છે. ન્યાયાલયે સ્પષ્ટ કર્યું કે, આવી વ્યક્તિ અનામત, સંરક્ષણ અથવા SC/ST Act હેઠળના અધિકારો પૈકી કોઈનો પણ દાવો કરી શકે નહીં. ન્યાયાલયે જણાવ્યું કે, એમાં કોઈ શંકા નથી કે ઘટના સમયે તેઓ ખ્રિસ્તી જ હતા, માત્ર જાતિનું પ્રમાણપત્ર રદ ન થયું હોય એટલી બાબત પૂરતી નથી. બંધારણીય જોગવાઈ (Clause 3) તેનાથી ઉપર છે, એટલે કે પ્રમાણપત્ર હોવા માત્રથી અધિકારો આપોઆપ મળી જતા નથી.
બંધારણના અનુચ્છેદ ૧૪, ૧૫ અને ૧૭ પણ જણાવે છે કે, ભારત સમાનતા અને સામાજિક ન્યાય તરફ અગ્રેસર છે. આ દિશામાં SCનો દરજ્જો આ સામાન્ય અધિકારોથી અલગ એક વિશેષ સામાજિક ઉપચાર છે, જે માત્ર એ ઐતિહાસિક અન્યાયને સુધારવા માટે આપવામાં આવ્યો છે, જે હિન્દુ સમાજની જાતિ વ્યવસ્થામાંથી ઉત્પન્ન થયો હતો.
જો શોષણ એક વિશેષ સામાજિક સંરચનામાં થયું હોય, તો તેનો ઉપચાર પણ તે જ સંદર્ભમાં સીમિત હોવો જોઈએ. અનુસૂચિત જાતિનો આધાર માત્ર ગરીબી નથી, માત્ર પછાતપણું નથી, પરંતુ તે સામાજિક અપમાન, અસ્પૃશ્યતા અને બહિષ્કાર છે. એટલા માટે જ Constitution (Scheduled Castes) Order, ૧૯૫૦એ તેને ધર્મ-વિશેષ સાથે જોડ્યો છે.
સમાનતા માટે મતાંતરણ પણ સમાનતા મળી નહીં!!!
ભારતના ઇતિહાસમાં એક વિચાર વારંવાર ઊભરતો આવ્યો છે, જેમાં હિન્દુ સમાજને ઉત્પીડનનું પ્રતીક બતાવવામાં આવ્યો અને અન્ય ધર્મોને સમાનતા અને મુક્તિના માર્ગ કહેવામાં આવ્યા છે. જો આવું માની લેવામાં આવે, તો પ્રશ્ન એ ઊઠે છે કે, જ્યારે વ્યક્તિ તે ઉત્પીડનમાંથી નીકળીને સમાનતાવાળા ધર્મમાં જતી રહી હોય તો પછી તેને તે જ ઉત્પીડનના આધારે મળતી અનામતની સુવિધા શા માટે મળે? જો અનામતની જરૂરિયાત હજુ પણ છે, તો શું આ એ સ્વીકાર નથી કે ભેદભાવ વાસ્તવમાં સમાપ્ત થયો નથી? તો પછી ધર્મ પરિવર્તન - મતાંતરણ નિરર્થક છે. જે સમાનતા માટે તમે મતાંતરણ કર્યું ત્યાં પણ સમાનતા ન મળી. વાસ્તવમાં આ બેવડા લાભો લૂંટવાની ચાલ છે. કન્વર્ટ થવું છે, SCના લેબલથી મુક્ત થવું છે, SC પ્રત્યે નફરત કરવી છે, છતાં લાભની વાત આવે ત્યારે SCને મળતા લાભ મૂળ SC પાસેથી પડાવી લેવા છે, એટલું જ નહીં, ક્રિશ્ચયન બનીને લઘુમતીના લાભ પણ લૂંટવા. પેલી ગુજરાતી કહેવત છે ને કે, ‘મારું મારા બાપનું અને તારામાં મારો ભાગ’ એવી રીતે દૂધમાં અને દહીંમાં પગ રાખવાની માનસિકતાને સંવિધાનમાં પણ સ્થાન નથી.
ઐતિહાસિક સંદર્ભો અને ન્યાયિક સાતત્ય
સર્વોચ્ચ અદાલતે ૨૦૨૬ના ‘ચિંથાડા આનંદ’ કેસમાં ચુકાદો આપતી વખતે અગાઉના અનેક સીમાચિહ્નરૂપ કેસોના રેફરન્સ ટાંક્યા, જે દર્શાવે છે કે ન્યાયતંત્ર આ વિષયમાં દાયકાઓથી સ્પષ્ટ અને મક્કમ રહ્યું છે.
સૌ પ્રથમ કેસ એટલે પંજાબરાવનો કેસ : ૧૯૬૪ના ‘પંજાબરાવ વિરુદ્ધ ડી.પી. મેશ્રામ’ કેસમાં અદાલતે ‘પ્રોફેસ’
(Profess) શબ્દની અત્યંત ગહન વ્યાખ્યા કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ‘કોઈ ધર્મ પાળવો એટલે માત્ર અંગત શ્રદ્ધા નહીં, પરંતુ સમાજમાં તે ધર્મની વિધિઓ અને આચરણનું સાર્વજનિક પ્રદર્શન કરવું. જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી પાદરી તરીકે કાર્ય કરે છે કે અન્ય ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે, તો તેનો જન્મજાત SC દરજ્જો તુરંત જ સમાપ્ત થઈ જાય છે.’
આવો જ બીજો કેસ એટલે સી. એમ. અમુગમ કેસ : ૧૯૭૬નાં સી. એમ. અમુગમ વિરુદ્ધ વી. એસ. રાજગોપાલ' કેસમાં ચુકાદો આપતાં કોર્ટે કહ્યુંં હતું કે, ‘જો કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મ છોડીને અન્ય કોઈ ધર્મ અપનાવે છે, તો તેની જાતિગત ઓળખ (SC) સમાપ્ત ગણાશે.’ એટલે કે, ધર્મ બદલ્યા પછી તે SCના અધિકારોનો દાવો કરી શકે નહીં.
ત્રીજો કેસ એટલે સુસાઈ કેસ : ૧૯૮૫ના ‘સુસાઈ વિરુદ્ધ ભારત સંઘ’ના કેસમાં જસ્ટિસ આર. એસ. પાઠકની ખંડપીઠે ઐતિહાસિક નિર્ણય આપતાં ઠરાવ્યું હતું કે, ‘ખ્રિસ્તી ધર્મ સમાનતાવાદી હોવાનો દાવો કરે છે, તેથી ત્યાં જ્ઞાતિ આધારિત ભેદભાવ કે અસ્પૃશ્યતાને કોઈ સ્થાન નથી. પરિણામે, ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ બંધારણીય રીતે SC અનામત કે અન્ય વિશેષ લાભો માટે પાત્ર રહેતી નથી.’
ચોથો કેસ સેલવારાણી કેસ : ૨૦૨૪ના ‘સી. સેલવારાણી’ કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે વધુ સખ્ત વલણ અપનાવતાં ચેતવણી આપી હતી કે, ‘માત્ર આર્થિક લાભો મેળવવા કે આરક્ષણ જાળવી રાખવા માટે ધર્માંતરણની વિગતો છુપાવવી એ ‘બંધારણ સાથેની ગંભીર છેતરપિંડી’ છે.’
અને પાંચમો કેસ હતો જિતેન્દ્ર સાહનીનો : અલાહાબાદ હાઈકોર્ટે ૨૦૨૫ના જિતેન્દ્ર સાહની કેસના ચુકાદામાં નોંધ્યું હતું કે, ‘મતાંતરિત થયા પછી પણ SC દરજ્જો જાળવી રાખવો એ ‘ક્રિપ્ટો-ક્રિશ્ચિયન’ (છૂપા ખ્રિસ્તી) પ્રથા છે, જે સાચા વંચિતોના હક છીનવી લે છે.’
આ કેસોનું ન્યાયિક સાતત્ય સાબિત કરે છે કે ભારતનું બંધારણ ધર્માંતરણને માત્ર વ્યક્તિગત પસંદગી ગણે છે, પણ તેની સાથે જોડાયેલા સંવૈધાનિક જોગવાઈઓ તેને વિશેષ જાતિગત અધિકારોના ગેરલાભો આપી શકતું નથી.
મતાંતરણ એ જ રાષ્ટ્રાંતરણ છે
કેટલાક લોકો મતાંતરણને બહુ હળવાશથી લે છે અને તેનાથી માત્ર પૂજાપદ્ધતિ કે ધર્મસ્થાન બદલાય તેવો ભ્રમ પાળે છે. પણ ખરેખર મતાંતરણ એક ગંભીર સમસ્યા છે. મતાંતરણ એ માત્ર પૂજાપદ્ધતિ બદલવાની બાબત નથી, એ આખા રાષ્ટ્રની સંસ્કૃતિ પર ગંભીર અસર પાડે છે. એટલે જ જગદ્ગુરુ શંકરાચાર્યથી લઈને અનેક મનીષીઓએ કહ્યુંં છે કે, ‘ભારતમાં મતાંતરણ એ જ રાષ્ટ્રાંતરણ’ છે.’ સ્વામી વિવેકાનંદજીએ પણ દાયકાઓ પહેલાં ચેતવણી આપી હતી કે, ‘જ્યારે એક હિન્દુ મતાંતરિત થાય છે, ત્યારે માત્ર એક હિન્દુ ઓછો નથી થતો, પણ દેશનો એક દુશ્મન વધે છે.’ આ વિધાન પાછળનો મર્મ એ હતો કે મતાંતરણ કરનાર વ્યક્તિ પોતાની મૂળ સંસ્કૃતિ, પૂર્વજો અને રાષ્ટ્રીય ઓળખથી વિખૂટો પડી જાય છે. જ્યારે કોઈ દલિત ખ્રિસ્તી કે મુસ્લિમ બને છે ત્યારે એ વ્યક્તિના મનમાં પોતાની મૂળ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ઓળખ પ્રત્યે એક પ્રકારનો અણગમો કે વિરોધ જન્મે છે, જે ઘણીવાર રાષ્ટ્રપ્રેમ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભૌતિક લાલચ કે દબાણવશ ધર્મ બદલે છે, ત્યારે તેની વફાદારીનાં કેન્દ્રો પણ બદલાય છે. એટલા માટે મતાંતરણ એ માત્ર પૂજાની બદલાતી પદ્ધતિ નથી, એ રાષ્ટ્રાંતરણ છે.
માનનીય કોર્ટનો આભાર
ભારતના માનનીય ન્યાયાલયોના આ ચુકાદાઓ અત્યંત આવકારદાયક છે કારણ કે તેમણે ભારતની ‘હિન્દુ ઓળખ’ બરકરાર રાખી છે. જો મતાંતરિતોને પણ અનામત આપવાનું શરૂ થાય, તો તે આડકતરી રીતે ધર્માંતરણને પ્રોત્સાહન આપવા જેવું થશે. તાજેતરમાં આવેલો સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્ણય સામાજિક ન્યાયની દૃષ્ટિએ ૧૦૦ ટકા સાચો અને તાર્કિક છે, તેનાં મુખ્ય કારણો નીચે મુજબ છે...
નૈતિકતા અને તર્ક : જો કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મને ‘ઉત્પીડન’નું પ્રતીક ગણીને સમાનતા માટે ખ્રિસ્તી કે ઇસ્લામમાં જાય છે, તો પછી તેણે એ જ ‘ઉત્પીડિત’ ઓળખના આધારે મળતા લાભો શા માટે જોઈએ? આ બેવડા માપદંડ છે.
સાચા વંચિતોનું રક્ષણ : SC અનામતનો ક્વોટા મર્યાદિત છે. જો ખ્રિસ્તી અને મુસ્લિમ મતાંતરિતોને તેમાં સામેલ કરવામાં આવી જાય તો જે હિન્દુ દલિતો સદીઓથી પોતાના ધર્મનું, પોતાની પરંપરાઓનું સન્માનપૂર્વક પાલન કરી રહ્યા છે એ સાચા હકદારોના હકો છીનવાઈ જશે, જે સાચા અર્થમાં વંચિતો છે.
બંધારણીય પ્રામાણિકતા : ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૧૯૫૬માં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો ત્યારે પણ તેઓ સ્પષ્ટ હતા કે આ ગૌરવની લડાઈ છે. તેમણે ઇન્ડિક (Indic) ધર્મ પસંદ કર્યો હતો, કારણ કે તે ભારતની માટીનો હતો. પરંતુ અબ્રાહમિક ધર્મોમાં જઈને SC લાભો માંગવા એ બંધારણ સાથે છેતરપિંડી છે. કલમ ૩૪૧માં SC આરક્ષણનો લાભ ધર્માંતરિત (કન્વર્ટેડ) લોકોને ના મળી શકે તેવી સ્પષ્ટ જોગવાઈ છે. તે હેઠળ અપાયેલો આ ચુકાદો હિન્દુ ઓળખને બરકરાર રાખતો એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો છે.
ભારતીય બંધારણ વ્યવસ્થા રાષ્ટ્રની સંસ્કૃતિની રક્ષક છે
ન્યાયાલયનો આ ચુકાદો એ તમામ શક્તિઓ માટે લપડાક છે, જેઓ સેવાના નામે કે લોભ-લાલચ આપીને ભારતના મૂળ સામાજિક માળખાને તોડવા માંગે છે. આ ચુકાદો સાબિત કરે છે કે, ભારતની બંધારણીય વ્યવસ્થા માત્ર કાગળ પર નથી, પણ તે રાષ્ટ્રની સંસ્કૃતિ અને ઓળખની રક્ષક પણ છે.
ભારતીય બંધારણનો ઉદ્દેશ્ય માત્ર અધિકારો આપવાનો નથી, પરંતુ સમાજને સંતુલિત કરવાનો છે. ભારતીય બંધારણ માત્ર કાયદો નથી, પણ એક નૈતિક દર્શન છે. તે આપણને શીખવે છે કે ન્યાય ત્યારે જ સાર્થક થાય છે, જ્યારે તે સત્ય, તર્ક અને ઇતિહાસ ત્રણેય સાથે ઊભો હોય. અને વર્તમાનનો આ નિર્ણય માત્ર એક કાનૂની નિર્ણય નથી, પરંતુ ભારતના સામાજિક વિમર્શને વાચા આપનાર ન્યાય સંબંધિત એક ઐતિહાસિક સ્પષ્ટતા છે. ૧૪મી એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતી છે, એના પહેલાં આવેલો આ ચુકાદો તેમના ચરણોમાં અર્પણ કરાયેલા સમરસતાનાં પુષ્પો સમાન બની રહ્યો છે.