સાંપ્રત । ‘ઝેરીલા સાપ’ કહીને ઉશ્કેરણી: શું કૉંગ્રેસ દેશને ગૃહયુદ્ધ અને અરાજકતા તરફ ધકેલી રહી છે?

‘સંઘ-ભાજપના લોકો સાપ સમાન, તેમને કચડી નાખો’ : મુસ્લિમોને ખડગેની ઉશ્કેરણી

    ૧૮-એપ્રિલ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

mallikarjun-kharge 
 
તાજેતરમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમ્ અને આસામ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં આપેલાં નિવેદનોએ ખૂબ ચર્ચા જગાવી છે. કેરળમ્‌માં તેમણે કહ્યું કે, ‘મોદીજી અને વિજય (કેરળમ્‌ના મુખ્ય પ્રધાન ભલે વિરોધી વિચારના હોય પણ તેમને વિજય તો ન જ કહેવાય. વિજયજી અથવા મિ. વિજય કહેવું જોઈએ), તમે બંને ગુજરાત અને અન્ય સ્થાનોના અભણ લોકોને મૂર્ખ બનાવી શકો, પરંતુ કેરળમ્‌ના લોકોને નહીં.’
 
આ નિવેદન સામે ભાજપે તો વિરોધ કર્યો જ, ગુજરાતીઓ પણ ઉકળી ઊઠ્યા. અનેક ગુજરાતી મહાનુભાવોએ આ નિવેદનની ટીકા કરી. આઠ એપ્રિલે દિલ્લીમાં કૉંગ્રેસ કાર્યાલય બહાર ગુજરાતી લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. તે પછી ખડગેજીએ ક્ષમા માગી લીધી.
 
આસામના ચૂંટણી પ્રચારમાં મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવા કઈ કક્ષાએ તેઓ ગયા તે જુઓ. તેમણે કહ્યું, ‘કુરાનમાં લખાયેલું છે કે નમાજ કરતી વખતે જો કોઈ ઝેરીલો સાપ દેખાઈ જાય તો તેને તરતમારી દેવો જોઈએ. ભાજપ-સંઘ જ એ ઝેરીલા સાપ છે. જો તમે તેને ન માર્યા તો તમારો જીવ બચાવવો અઘરો થઈ જશે.’
 
આના પર ભાજપની પ્રતિક્રિયા આવી. ભાજપ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ લખ્યું, ‘કૉંગ્રેસ હવે ઇણ્ડિયન જિહાદી કૉંગ્રેસ બની ગઈ છે. ખડગે મુસલમાનોને ભાજપ અને સંઘ વિરુદ્ધ ભડકાવી રહ્યા છે. આ કૉંગ્રેસનું સૌથી નીચું સ્તર છે. આ સૌથી અલોકતાંત્રિક અને કટોકટીવાળી વિચારધારા છે. લજ્જાજનક! ચુનાવ આયોગે તરત જ કાર્યવાહી કરવી જોઈએ.’
 
કૉંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા
 
ગત ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી કૉંગ્રેસ; વિશેષત: રાહુલ ગાંધી અતિ ઉત્સાહમાં હતા. ભલે કૉંગ્રેસને ૯૯ બેઠક જ આવી, પરંતુ ભાજપને બહુમતી ન મળી અને અયોધ્યા (જિલ્લા)ની લોકસભા બેઠક પર ભાજપ હાર્યો તેને તેઓ હિન્દુત્વની હાર માનવા લાગ્યા હતા. ‘હમને અયોધ્યા મેં ભાજપ કો હરાયા’ આવું તેઓ લોકસભામાં પણ બોલ્યા અને ગુજરાત આવીને પણ બોલ્યા.
 
હા, આ ચૂંટણી પરિણામોપછી તેઓ થોડા જ સમયમાં ગુજરાત આવ્યા અને પાલડી ખાતે રાજીવ ગાંધી કાર્યાલયમાં તેમણે કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું હતું, “હવે આપણે ગુજરાતમાં ભાજપને હરાવીશું. મારી સાથે કેટલા લોકો સંમત છે?” ત્યાં ઉપસ્થિત ૫૦ ટકાએ જ હાથ ઊંચો કર્યો. રાહુલ ગાંધી છેલ્લા થોડા વખતથી ગુજરાતમાં આવે છે ત્યારે રેસના ઘોડા અને લગ્નના ઘોડાની પણ વાત કરે છે. કૉંગ્રેસ તરફી પત્રકારો કહે છે કે, કૉંગ્રેસમાં રહીને ઘણા લોકો ભાજપનું કામ કરે છે. રાહુલ ગાંધીએ આ વાત પકડી લીધી છે. તેઓ વારંવાર કહેતા રહ્યા છે કે, આપણે લગ્નના ઘોડાનું કંઈ કામ નથી.
 
પરંતુ વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? એમ કૉંગ્રેસમાં કોણ રાહુલ ગાંધીને કહે કે, પહેલાં તમારું અને ખડગેનું જુઓ. ગમે તેવાં નિવેદનો ન કરો. મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહી પોતાના પગ પર કુહાડી નહીં, કુહાડી પર પગ માર્યો છે. આની વેદના તેમને બે-એક વર્ષ થતી રહેવાની છે.
 
ગુજરાત-ગુજરાતી વિરોધી ટીપ્પણી કૉંગ્રેસને ચૂંટણીમાં ભારે પડે છે, તેવું જાણતા હોવા છતાં તેમનો ગુજરાત દ્વેષ એટલો બધો છે કે, તેઓ પોતાની જાતને ટીપ્પણી કરતા રોકી શકતા નથી.
 
૨૦૦૨ પછી ગુજરાતીઓ હિંસક છે અને મુસ્લિમોનો નરસંહાર કરે છે તેવી કૉંગ્રેસની અને તેને સહાયક થતી એનજીઓની ટીપ્પણીને ભૂલ્યા નહોતા. ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉત્તર તેમણે મતથી આપી દીધો હતો. આ જ રીતે ૨૦૦૭માં ‘મૌત કા સૌદાગર’વાળી સોનિયા ગાંધીની ટીપ્પણી ભૂલ્યા નહીં અને ફરીથી મત દ્વારા ઉત્તર આપી દીધો.
 
શા માટે કૉંગ્રેસને અને વિશેષત: ગાંધી પરિવારને ગુજરાતીઓ પ્રત્યે આટલી ઘૃણા છે?
 
ગાંધી પરિવારને ગુજરાતીઓ આંખે દીઠા ગમતા નથી. આનું કારણ એ છે કે, ગુજરાતીઓ દેશમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે. સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ શ્યામજી કૃષ્ણ વર્મા, છગન ખેરાજ વર્મા, સરદારસિંહ રાણા, ભીખાજી કામા, દાદાભાઈ નવરોજી, ઉષાબેન મહેતા, ગાંધીજી, કસ્તૂરબા, સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, મહાદેવ દેસાઈ, ઈન્દુલાલ યાજ્ઞિક, મોરારજી દેસાઈ સહિતના ગુજરાતીઓએ કર્યું હતું. ગાંધીજીની ઇચ્છા વગર કૉંગ્રેસનું પાંદડું પણ હલતું નહોતું, એ સત્ય હકીકત છે. નહેરુ વડા પ્રધાન બન્યા હતા તે એક માત્ર ગાંધીજીની કૃપાથી બન્યા હતા. નહેરુને આંખમાં કણાની જેમ ખટકતા હોય તો તે સરદાર પટેલ હતા.
 
અને એટલે જ સરદાર પટેલને પ્રિય એવી સરદાર સરોવર બંધ (Dam)ની યોજના કૉંગ્રેસે વર્ષોવર્ષ લટકતી રાખેલી. સરદાર પછી ગાંધી પરિવારને કોઈનો પડકાર મળ્યો હોય તો તે મોરારજી દેસાઈનો. ઈન્દિરા ગાંધીને સત્તા પરથી ઉથલાવી દેવામાં ગુજરાત કારણભૂત હતું. કેવી રીતે? કૉંગ્રેસને માથે જે કલંક ક્યારેય નથી ભૂંસાવાનું તે કટોકટી લાદવાની ફરજ પડી હોય તો તેનું કારણ ગુજરાત જ હતું. નવનિર્માણ આંદોલન ગુજરાતના વિદ્યાર્થીઓએ શરૂ કર્યું અને તેમાં ગુજરાતની ચીમનભાઈ પટેલની કૉંગ્રેસ સરકાર ગઈ. નવનિર્માણ આંદોલનની આગ સમગ્ર દેશમાં લાગી અને ઈન્દિરાજીને કટોકટી લાદવી પડી.
 
કટોકટી સામે લડતમાં પણ ગુજરાતનો સિંહફાળો હતો. તે પછી તેમને લોકસભા ચૂંટણી આપવી પડી તેમાં ગુજરાતનો જનતા મોરચાનો પ્રયોગ દોહરાવાયો હતો. અને ૧૯૭૭ની એ ચૂંટણીમાં ઈન્દિરાજીને ઘર ભેગાં થવું પડ્યું. ગુજરાતના પનોતા પુત્ર મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા.
 
ઈન્દિરાજી સામે બીજો પડકાર ચીમનભાઈ પટેલ હતા. જેમણે ઈન્દિરાજીની પસંદગીના ઘનશ્યામ ઓઝા સામે બળવો કર્યો અને ઈન્દિરાજીને નાછુટકે તેમને મુખ્ય પ્રધાન બનાવવા પડ્યા. આ જ રીતે ૧૯૯૦ના દાયકામાં આ જ ચીમનભાઈ પટેલ નરસિંહરાવની કૉંગ્રેસ સરકારમાં પણ ચાવીરૂપ ભૂમિકામાં હતા. તેઓ છોટે સરદાર તરીકે જાણીતા હતા અને તેમણે સરદાર સરોવર મુદ્દે બુલંદ રીતે અવાજ ઉઠાવ્યો હતો.
 
એ પછી ૨૦૧૪માં ગુજરાતના લાડકા પુત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ કૉંગ્રેસને એવો ફટકો માર્યો કે આજ દિન સુધી તેને કળ નથી વળી. આ બંનેએ અનેક રાજ્યોમાં કૉંગ્રેસનું ફીડલું વાળી દીધું છે. અને કેન્દ્રમાં આ વખતે સતત ત્રીજી વાર ચૂંટાઈને બહુમતી હોય તે રીતે પોતાનાં વચનો પર મક્કમ રીતે પૂર્ણ કરી રહ્યા છે.
 
સ્વતંત્રતા સમયે કૉંગ્રેસની નજીક ઘનશ્યામદાસ બિરલા હતા. ટાટાની નિકટતા પણ છાની નહોતી, પરંતુ કૉંગ્રેસના વર્તમાન નેતૃત્વને એ વાતથી પેટમાં દુઃખે છે કે, ગુજરાતના અંબાણી અને અદાણી કેવી રીતે દેશના જ નહીં, સમગ્ર વિશ્વના સર્વોચ્ચ પાંચ ઉદ્યોગપતિઓમાં સ્થાન પામી ગયા?
 
૧૯૯૫થી ગુજરાતે અને ગુજરાતીઓએ કૉંગ્રેસને સત્તા બહાર રાખી છે. (આમ જુઓ તો ૧૯૮૯થી, પણ ભાજપે ટેકો પાછો ખેંચ્યો તે પછી ચીમનભાઈ પટેલે કૉંગ્રેસનો સાથ લીધો અને તે પછી તેઓ કૉંગ્રેસમાં જોડાઈ ગયા. એટલે ચૂંટણીમાં જનાદેશની રીતે તો કૉંગ્રેસ ૧૯૮૯થી સત્તા બહાર છે.)
 
એટલે જ ગાંધી પરિવારને ગુજરાતીઓ ખૂંચે છે અને તેના માટે કૉંગ્રેસ અધ્યક્ષ ‘અભણ’ જેવો અપમાનજનક શબ્દ વાપરે છે. પરંતુ ખડગેજીને કોઈ કહો કે ૧૦૦ ટકા સાક્ષરતાવાળા કેરળમ્‌માં લવજિહાદ ઉદ્ભવી, ત્યાંથી ૧૦૦ જેટલા મુસ્લિમો સીરિયામાં આઈએસઆઈએસમાં જોડાયા, કેરળમ્‌માં મહિલાઓ, તેમાંય વૃદ્ધ મહિલાઓને સૂર્યાસ્ત પછી અસુરક્ષા લાગે છે અને તેમના પર બળાત્કાર થાય છે. આજીવિકાહીનતાનો દર રાષ્ટ્રીય દર કરતાં ત્રણ ગણો વધુ છે. ગુજરાતમાં સીએમ ડેશબૉર્ડ જેવી આધુનિક ટૅક્નોલૉજી મુખ્ય પ્રધાન પાસે છે, જેના દ્વારા તેઓ દરેક સરકારી કાર્યાલય પર નજર રાખી શકે છે અને વિડિયો કૉન્ફરન્સિંગથી વાત કરી શકે છે. આ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કોરોના કાળ દરમિયાન ઘણો થયો હતો. કેરળમ્ મહિલાઓ સામેના અપરાધમાં દેશમાં બીજા ક્રમે છે. કેરળમ્ પણ દેશનો અતૂટ અને ગર્વને પાત્ર હિસ્સો છે, પરંતુ સામ્યવાદી અને કૉંગ્રેસ સરકારોએ રાજ્યની દુર્દશા કરી દીધી છે.
 
ખડગેજી ગૃહયુદ્ધ કરાવવા માગે છે?
 
આસામમાં ખડગેજીનું નિવેદન તો કેરળમ્ કરતાં પણ નીચેનું સ્તર વટાવી ગયું. ખિલાફત આંદોલન સમયથી મુસ્લિમોનું તુષ્ટિકરણ કરતી આવેલી કૉંગ્રેસ આસામની ચૂંટણી જીતવા આ કક્ષાએ જાય? કુરાનનો સંદર્ભ આપીને સાપને મારી નાખતા હોય તેમ સંઘ અને ભાજપના લોકોને મારી નાખવા ઉશ્કેરે?
 
આ નિવેદન પછી ભાજપે તો પોલીસ ફરિયાદ કરી જ, સંઘે પણ કરી છે. આ નિવેદનના કેવા પડઘા પડી શકે તે ખડગેજી જેવા ખૂબ જ પીઢ અને વર્તમાનમાં રાજ્યસભામાં વિપક્ષના નેતાને ન અનુમાન હોય તે બને?
 
આ નિવેદન પછી કટ્ટર મુસ્લિમો સંઘ અને ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવા લાગશે કે તેમને ઈજા પહોંચાડશે તો તેના માટે ખડગેજી જ ઉત્તરદાયી ગણાશે. અને આજકાલ સેક્યુલરો અને કટ્ટર મુસ્લિમો એ દરેકને સંઘી કહીને સંબોધે છે જે હિન્દુવાદી છે, ભલે તે સંઘ સ્વયંસેવક કે ભાજપનો કાર્યકર્તા ન હોય. તો એવા હિન્દુવાદીઓની હત્યા થશે કે તેને ઈજા પહોંચશે તેવી શક્યતા નથી?
 
પરંતુ કૉંગ્રેસે અત્યારે ચૂંટણી જીતવા માનસિક સંતુલન ગુમાવી દીધું છે. કેરળમ્‌ના કૉંગ્રેસી નેતા સી. પી. મેથ્યૂએ પક્ષના કાર્યકરોને મહિલાઓનો ઉપયોગ રાજકીય પ્રતિસ્પર્ધીઓને ફસાવવા કરવા કહ્યું. વઝથોપ ખાતે પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે દલિત અને આદિવાસી મહિલાઓનો ઉપયોગ કરી એટ્રૉસિટી કાયદાનો પણ (દુર)ઉપયોગ કરો. સંઘર્ષ દરમિયાન કૉંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ પોતાનું બ્લાઉઝ ફાડી નાખે. આવી કુયુક્તિથી રાજકીય પ્રતિસ્પર્ધીઓ સામેનો કેસ મજબૂત બનશે.
ત્રીજી તરફ, કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડા આસામના મુખ્ય પ્રધાન હેમંત બિશ્વ શર્માનાં પત્ની રિન્કી ભુયન શર્મા યુએઇ સહિત ત્રણ દેશોનો પાસપૉર્ટ ધરાવતા હોવાનો ખોટો દાવો કરી ફસાઈ ગયા છે. જાણકારો મુજબ, પત્રકાર પરિષદમાં તેમણે બતાવેલી છબિ પાસપૉર્ટ નહીં પણ યુએઇનો ઓળખ પત્ર હોય તેવું સ્પષ્ટ દેખાય છે. ઇજિપ્તના દૂતાવાસે પણ કહ્યું છે કે બતાવાયેલી છબિ ઇજિપ્તના પાસપૉર્ટની નથી. પવન ખેડાને આસામની પોલીસ શોધી રહી છે.
 
આનો સ્પષ્ટ અર્થ એ કે કૉંગ્રેસ આગામી સમયમાં : વર્ગવિગ્રહ/ગૃહ યુદ્ધ કરાવી શકે. મહિલાનો ઉપયોગ કરી રાજનેતા કે હિન્દુવાદી નેતાના ચરિત્ર પર છાંટા ઉડાવી શકે અને/અથવા બનાવટી દસ્તાવેજો બતાવી હિન્દુવાદી નેતાઓ વિશે શંકાનાં વાદળો સર્જી શકે.
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…