શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર એક આઇડિયા તમારા બેંક એકાઉન્ટની સાથે સાથે દેશના જીડીપીને પણ બદલી શકે છે? આજે દુનિયા ઈમેજિનેશન' (કલ્પનાશક્તિ) અને 'ક્રિએટિવિટી' (સર્જનાત્મકતા)ના જોરે ચાલી રહી છે. આ જ પરિપ્રેક્ષ્યમાં એક અત્યંત શક્તિશાળી અને નવો ખ્યાલ ઊભરી આવ્યો છે, એનું નામ છે - 'ઓરેન્જ ઈકોનોમી (Orange Economy). પ્રસ્તુત લેખમાં આપણે ઓરેન્જ ઇકોનોમીના ગણિતને સમજીશું. સાથે સાથે તે કેવી રીતે આપણા યુવાનો માટે રાષ્ટ્રસેવાનું માધ્યમ બની શકે છે અને ભગવા વિચાર ધરાવતી પ્રતિભાઓ આ ક્ષેત્રમાં સક્રિય થઈને કેવી રીતે ભારતને આર્થિક રીતે ટોચે પહોંચાડી શકે છે તેની વિસ્તૃત છણાવટ કરીશું.
આજના આધુનિક યુગમાં જ્યારે આપણે અર્થતંત્રની વાત કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે ખેતી, ઉદ્યોગો કે સેવા ક્ષેત્ર મગજમાં આવે છે, પરંતુ આ બધાથી પર એક નવું અને અત્યંત શક્તિશાળી ક્ષેત્ર ઊભરી રહ્યું છે, જેને આપણે ઓરેન્જ ઇકોનોમી તરીકે ઓળખીએ છીએ. સરળ શબ્દોમાં કહીએ તો, આ એક એવી આર્થિક પ્રવૃત્તિઓનો સમૂહ છે જેનો પાયો ભૌતિક વસ્તુઓ પર નહીં, પરંતુ માનવીના મૌલિક વિચારો, જ્ઞાન, કલા, સાંસ્કૃતિક મૂડી અને બૌદ્ધિક સંપદા પર ટકેલો છે. આ અર્થતંત્રને ‘ઓરેન્જ’ નામ આપવા પાછળ પણ એક મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક કારણ છે. નારંગી (ઓરેન્જ) રંગ પ્રાચીન સમયથી જ સર્જનાત્મકતા, સંસ્કૃતિ, જ્ઞાન અને પરિવર્તનનું પ્રતીક રહ્યો છે. વર્ષ ૨૦૧૩માં કોલંબિયાના પૂર્વ રાષ્ટ્રપતિ ઈવાન ડ્યુક માર્કેઝ અને ફેલિપે બુઈત્રાગોએ તેમના પુસ્તક ‘The Orange Economy : An Infinite Opportunity’માં આ ખ્યાલને વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે પ્રતિપાદિત કર્યું કે કલા અને સંસ્કૃતિ માત્ર મનોરંજનનાં સાધનો નથી, પણ તે દેશના જીડીપીમાં પણ સિંહફાળો આપી શકે તેવા આર્થિક સ્તંભો છે. એટલે કે સર્જનાત્મકતામાંથી પણ આર્થિક સમૃદ્ધિનો સૂર્યોદય પ્રગટી શકે છે.
આ ઓરેન્જ ઇકોનોમીમાં ઘણી કલાઓ છે પણ મુખ્ય ગણી શકાય તેવી પાંચ કલાઓ નીચે મુજબ છે.
- પરંપરાગત મનોરંજન અને કલા : આમાં ફિલ્મો, સંગીત, થિયેટર, રેડિયો અને ટેલિવિઝન જેવાં સ્થાપિત ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ભારત માટે આ ક્ષેત્ર કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે.
- ટેક-ક્રિએટિવિટી (AVGE ક્ષેત્ર) : આ ઓરેન્જ ઈકોનોમીનું સૌથી આધુનિક અને ટેકનોલોજીકલ પાસું છે. જેમાં એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX), ઓનલાઈન ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટીનો સમાવેશ થાય છે. આજે હોલીવૂડની ફિલ્મોનું VFX ભારતમાં તૈયાર થાય છે, જે આપણી આર્થિક શક્તિ બતાવે છે.
- ડિઝાઇનિંગ ક્ષેત્ર : ફેશન ડિઝાઇનથી લઈને આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન જેવી કલાઓ આ ઇકોનોમીને લક્ઝરી અને વેલ્યુ એડિશન પૂરું પાડે છે.
- સાંસ્કૃતિક વારસો અને પર્યટન : આપણા ઐતિહાસિક સ્મારકો, સંગ્રહાલયો, લાઈવ પર્ફોર્મન્સ, પરંપરાગત હસ્તકલા અને સાંસ્કૃતિક તહેવારો. જ્યારે કોઈ વિદેશી પ્રવાસી આપણો વારસો જોવા આવે છે, ત્યારે તે ઓરેન્જ ઈકોનોમીનો હિસ્સો બને છે.
- નવું મીડિયા અને ડિજિટલ કન્ટેન્ટ : આજના સમયમાં યુ-ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, પોડકાસ્ટિંગ, બ્લોગિંગ અને ડિજિટલ પબ્લિશિંગ દ્વારા લાખો ક્રિએટર્સ જે કન્ટેન્ટ બનાવી રહ્યા છે, તે આ અર્થતંત્રનું સૌથી ઝડપથી વિકસતું અંગ છે.
આમ, ઓરેન્જ ઇકોનોમી એ માત્ર મનોરંજન નથી, પરંતુ એ માનવીની સર્જનાત્મકતાને રૂપિયા અને રોજગારીમાં ફેરવવાની એક જબરદસ્ત સહજ છતાં સક્ષમ વ્યવસ્થા છે.
યુવાનો સર્જનાત્મકતા સાથે રાષ્ટ્રસેવાની તક
ઓરેન્જ ઇકોનોમીનું બીજું પણ એક મહત્વનું પાસું છે રાષ્ટ્રીયતા. આજે જ્યારે વિશ્વ માહિતીના યુદ્ધમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે આ ક્ષેત્ર યુવાનોને એવો મંચ પૂરો પાડે છે જ્યાં તેઓ પોતાના ક્રિએટિવ આઈડિયા દ્વારા માત્ર આજીવિકા જ નહીં, પણ રાષ્ટ્રને એક નવી વૈચારિક દિશા આપી શકે છે. ભારતની યુવાશક્તિ આજે આ ઓરેન્જ ઇકોનોમીમાં પોતાની રાષ્ટ્રીયતા અને સંસ્કારોનું સિંચન કરીને ‘ક્રિએટિવ વોરિયર્સ’ (સર્જનાત્મક યોદ્ધાઓ) તરીકે ઊભરી રહ્યા છે.
આજના યુવાનો ઓરેન્જ ઇકોનોમીમાં મુખ્યત્વે ત્રણ દિશામાં ક્રાંતિકારી કામ કરી શકે છે.
- સાંસ્કૃતિક ગૌરવ અને વિરાસતનું આધુનિકરણ : આપણા વેદો, પુરાણો, મહાભારત, રામાયણ અને ઇતિહાસનાં વિસરાયેલાં પ્રકરણોમાં જ્ઞાનનો અખૂટ ભંડાર છે. યુવાનો એનિમેશન, ગ્રાફિક નોવેલ્સ કે વીડિયો ગેમિંગ દ્વારા આ ગાથાઓને નવી પેઢી સુધી અત્યંત આકર્ષક અને રસપ્રદ રીતે પહોંચાડી શકે છે. જ્યારે કોઈ બાળક વિદેશી પાત્રોને બદલે છત્રપતિ શિવાજી મહારાજ કે મહારાણા પ્રતાપનાં પરાક્રમો પર આધારિત ગેમ રમશે, ત્યારે તેની રાષ્ટ્રીયતા આપોઆપ મજબૂત થશે.
- સમાજકલ્યાણ અને જનજાગૃતિનો ડિજિટલ મંચ : ઓરેન્જ ઈકોનોમી એ સામાજિક પરિવર્તનનું સૌથી મોટું વાહક બની શકે છે. આજના યુવા ક્રિએટર્સ શિક્ષણ, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાળવણી અને સમાજમાં વ્યાપેલી કુરીતિઓ સામે લઘુચિત્રો (Short Films), પ્રભાવશાળી રીલ્સ કે ડિજિટલ કન્ટેન્ટ બનાવી શકે છે. જ્યારે કન્ટેન્ટમાં સામાજિક કલ્યાણનો ઉદ્દેશ્ય હોય, ત્યારે તે માત્ર વાયરલ નથી થતું, પણ સમાજની માનસિકતા બદલવામાં નિમિત્ત બને છે.
- દેશભક્તિ અને ભારતની સિદ્ધિઓનું વૈશ્વિક બ્રાન્ડિંગ : ભારતના સૈનિકોની અપ્રતિમ શૌર્યગાથાઓ, ઈસરો જેવી સંસ્થાઓની રાષ્ટ્રીય સિદ્ધિઓ વગેરે ડોક્યુમેન્ટ્રી, પોડકાસ્ટ કે સિનેમાના માધ્યમથી જ્યારે ભારતની પ્રગતિની વાત વૈશ્વિક સ્તરે પહોંચે છે ત્યારે ભારતનો ‘સોફ્ટ પાવર’ મજબૂત બને છે.
આમ આ રીતે આ ક્ષેત્ર કમાવા સાથે સાથે આપણી ભવ્ય વિરાસતને જીવંત રાખી રાષ્ટ્રસેવા કરવાની પણ તક પૂરી પાડે છે. ઓરેન્જ ઇકોનોમી એ યુવાનો માટે માત્ર ‘કેરિયર’ નથી, પણ રાષ્ટ્ર પ્રત્યેના પોતાના ઋણને અદા કરવાનો એક આધુનિક માર્ગ છે, રાષ્ટ્રસેવા કરવાની એક અણમોલ તક છે.
રૂટિન કામ સાથે રાષ્ટ્રકલ્યાણ
ઓરેન્જ ઇકોનોમીની સૌથી મોટી અને ક્રાંતિકારી વિશેષતા એ છે કે, આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે તમારે તમારો મુખ્ય વ્યવસાય, નોકરી કે પરંપરાગત ધંધો છોડવાની બિલકુલ જરૂર નથી. આ એક એવી વ્યવસ્થા છે જે ‘સહ અર્થતંત્ર’ તરીકે કામ કરી શકે છે. આજે ભારતના ખૂણેખૂણે એવાં લાખો ઉદાહરણો જોવા મળે છે જ્યાં એક સામાન્ય ખેડૂત ખેતીના અનુભવો વહેંચીને, એક ગૃહિણી રસોઈકલા દ્વારા, એક એન્જિનિયર ટેકનિકલ જ્ઞાન દ્વારા કે એક નાનો વેપારી પોતાની વ્યવસાયિક કોઠાસૂઝ દ્વારા રોજિંદા કામકાજની સાથે પોતાની સર્જનાત્મકતાને વિવિધ ડિજિટલ મંચ (Platform) પર મૂકીને આર્થિક રીતે સદ્ધર બની રહ્યો છે. આનાથી તેને વધારાની આવક પ્રાપ્ત થાય છે અને તે આર્થિક રીતે આત્મનિર્ભર બને છે. આમ રાષ્ટ્રનિર્માણમાં આર્થિક ફાળો આપવાની આ એક અનોખી રીત છે. જ્યારે હજારો લોકો પોતાના રૂટિન કામ સાથે ઓરેન્જ ઇકોનોમીમાં સક્રિય થાય છે, ત્યારે દેશના ઉત્પાદક કલાકોમાં ધરખમ વધારો થાય છે. લોકો પોતાના નવરાશના સમયનો દુરુપયોગ કરવાને બદલે સર્જનાત્મક ઉત્પાદન માટે કરે છે, જે સીધી રીતે દેશની જીડીપીમાં અને સેવાની ગુણવત્તામાં વૃદ્ધિ કરે છે.
સરકારની નીતિ અને ભવિષ્યનું આયોજન
ભારત સરકારે ઓરેન્જ ઇકોનોમીની આ અદ્ભુત ક્ષમતાને ઓળખીને ૨૦૨૬-૨૭ના બજેટમાં ખૂબ જ દૂરંદેશીભર્યા નિર્ણયો લીધા છે. સરકારનો ઉદ્દેશ્ય ભારતને વિશ્વનું સૌથી મોટું ક્રિએટિવ હબ બનાવવાનો છે. આ માટે મુંબઈમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીસ’ (IICT) જેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, જે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ પર કામ કરશે. આ ઉપરાંત, ૧૫,૦૦૦ માધ્યમિક શાળાઓ અને ૫,૦૦૦ કોલેજોમાં ખાસ ‘AVGC કન્ટેન્ટ ક્રિએટર્સ લેબ’ સ્થાપવાનું લક્ષ્ય છે, જેથી વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશને ૨૦ લાખ કુશળ પ્રોફેશનલ્સની ફોજ મળી રહે. ‘ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ’ અને ‘WAVES સમિટ’ જેવાં માધ્યમો દ્વારા સરકાર ક્રિએટર્સને સીધા રોકાણકારો સાથે જોડી રહી છે, જે ભારતના સોફ્ટ પાવરને વૈશ્વિક ફલક પર નવી ઊંચાઈએ લઈ જશે. ગુજરાત સરકાર પણ પોતાની નવી નીતિઓ દ્વારા સ્થાનિક કલાકારો અને ટેક-ક્રિએટર્સને પ્રોત્સાહન આપી રહી છે.
`ઓરેન્જ’ વિચાર અને રાષ્ટ્રનો વિજયધ્વજ
ઉગતું પ્રભાત નીરખીએ ત્યારે આપણી આંખો હળવા કસુંબલ-ગેરુવા-ભગવા (Orange) તેજથી સ્ફૂર્તિ અનુભવે. શ્રેષ્ઠ વિચારો, મૌલિક વિચારો, પ્રાણવાન વિચારો અને કલ્પક વિચારોનો મેળાવડો મનમાં જામે. જાણે પ્રકૃતિના આ રંગો કંઈક નવું ઉપક્રમશીલ, નક્કોર, કદી જ ન કલ્પ્યુ હોય તેવું ઇનોવેટિવ કરવા પ્રેરિત ન કરી રહ્યા હોય!
હવે આપણી મૂળ વાત પર પાછા આવીએ તો આ અર્થતંત્રનું નામ ‘ઓરેન્જ ઇકોનોમી’ શા માટે રાખવામાં આવ્યું એ તો આપણે જાણ્યું. પણ ભારતના સંદર્ભમાં જોઈએ તો ઓરેન્જ રંગ ભારતીય સંસ્કૃતિમાં ભગવા રંગનું પ્રતિનિધિત્વ કરે છે, જે જ્ઞાન, પવિત્રતા, ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે. આ ક્ષેત્રમાં જ્યારે ભગવાં વસ્ત્રો ધારણ કરનારા ચિંતકો, ભગવા ઝંડાને સર્વોપરી માનનારા રાષ્ટ્રભક્તો અને ભગવા વિચારો ધરાવતા સૌ દેશભક્ત નાગરિકો સક્રિય થશે, ત્યારે ભારતની સાચી અસ્મિતા વિશ્વના ડિજિટલ મંચ પર ખીલી ઊઠશે. જો આ ભગવા વિચારો ધરાવતી પ્રતિભાઓ ઓરેન્જ ઇકોનોમીમાં હજુ વધુ સારી રીતે પોતાનું કૌશલ્ય બતાવશે, તો ભારતનું આર્થિક અને સાંસ્કૃતિક ઉત્થાન કોઈ રોકી શકશે નહીં.
આંકડાની નજરે : ઓરેન્જ ઇકોનોમીનું વૈશ્વિક અને ભારતીય કદ
વૈશ્વિક ફાળો : યુનેસ્કો મુજબ, સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગો વૈશ્વિક જીડીપીમાં અંદાજે ૩%થી વધુ હિસ્સો ધરાવે છે
અને વિશ્વભરમાં ૩ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. ભારતનું કદ : ભારતનું મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટર ૨૦૨૪માં અંદાજે ૨.૫ ટ્રિલિયન રૂપિયા (૨.૫ લાખ કરોડ) હતું, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૩.૦૬ ટ્રિલિયન રૂપિયા થવાનો અંદાજ છે. નિકાસની શક્તિ : વર્ષ ૨૦૨૩માં ભારતની ક્રિએટિવ નિકાસ ૧૧ અબજ ડોલરથી (અંદાજે ૯૪,૦૦૦ કરોડ રૂપિયા) વધુ રહી હતી. રોજગારીનું હબ : આ ક્ષેત્ર ભારતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧ કરોડથી વધુ લોકોને આજીવિકા પૂરી પાડે છે.