કેટલાક જ સત્યાગ્રહો સાચા અર્થમાં ઐતિહાસિક હોય છે. એક એવી પ્રજાકીય લાગણી સાથે જોડાયેલી ઘટનાનો દિવસ હતો.. ૯ એપ્રિલ, ૧૯૬૮. સ્થાન કચ્છનું ખાવડા અને ભારત-પાકિસ્તાનની સરહદ. કોઈ યુદ્ધ લડવાનું નહોતું, પણ યુદ્ધ પછીની જે રાજરમત થઈ અને કચ્છનો લીલોછમ છાડબેટ પાકિસ્તાનને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો, યુદ્ધમાં જીત, પણ મંત્રણામાં પરાજય!
આ પરાજયની સામે જે સત્યાગ્રહ થયો, તેનો સાક્ષી બનવાની ‘સાધના’ના તંત્રી તરીકે મને તક મળી હતી, અને પછી તેનો કચ્છ સત્યાગ્રહ વિશેષાંક પ્રકાશિત થયો હતો.
શા માટે આટલું મહત્વ હતું તે સત્યાગ્રહનું? કચ્છની આ સરહદ પર પાકિસ્તાનની મેલી નજર કાયમ રહી છે. એક સૈનિકી હુમલો ફેબ્રુઆરી, ૧૯૬૫માં થયો, ત્યારે ગુજરાત સરકારે સુરક્ષા વિષેની નાકામયાબીની પ્રેસ નોંધ જાહેર કરી હતી. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૬૫ની આ જાહેરાત મુજબ ‘ગુજરાતને લાગેવાળગે છે ત્યાં સુધી કચ્છના રણની છેક ઉત્તરે ૩૦૦ માઈલની સરહદ આવેલી છે, ત્યાં કોઈ વસ્તી નથી, અને વેરાન રણપ્રદેશ છે, તેની સરહદ પર કોઈ થાંભલા ખોદાય નથી, કે વાડ પણ બાંધવામાં આવી નથી.’
તે સમયે પહેલી વારની ભીષણ લડાઈ પૂરી થઈ, છાડબેટ-કંજરકોટ-વીગાકોટ- સરદાર ચોકી સુધી વિસ્તરેલી લડાઈનો બ્રિટિશ વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સનની મધ્યસ્થી પછી યુદ્ધવિરામ થયો. ૩૦ જૂન, ૧૯૬૫ યુદ્ધવિરામ થયો અને બહુ જલદીથી તેનું અસ્તિત્વ રહ્યું નહિ. સપ્ટેમ્બરમાં ભડકો થયો. ઓગસ્ટના સ્વાતંત્ર્ય સમારોહને દસેક દિવસની વાર હતી ત્યાં કાશ્મીરમાં હુમલા શરૂ થયા. કચ્છમાં શરૂઆત થઈ, બાંભણકયા બંધ પર અડપલું થયું, ને પછી સરકાર ચોંકી, વીગાકોટ, કરીમ શાહી, બિયારબેટ, બેડીયા બેટ, મોરી બેટ અને ખાવડાનો હવાલો બીએસએફની બટાલિયનને સોંપવામાં આવ્યો. ૧૯ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન સુથરી પાકિસ્તાને તોડી પાડ્યું. વિમાનમાં બળવંતરાય, ગુજરાત સમાચારના પત્રકાર કે. પી. શાહ, સરોજબહેન મહેતા, અંગત સચિવ પરેશ કુમાર હતા. ડાકોટા વિમાન જામનગર દ્વારિકા તરફ જવાનું હતું, પણ હવાઈ નિરીક્ષણની સૂચનાથી નલિયા તરફ વિમાન પસાર થઈ રહ્યું હતું ત્યારે પાકિસ્તાને સેબરજેટથી હુમલો કર્યો અને ચાર અને પાંચ મિનિટે ડાકોટાને તોડી પાડવામાં આવ્યું. સિંધ, પાકિસ્તાનના બદીન રાડાર મથકેથી પાકિસ્તાને આ હવાઈ હુમલો કર્યો હતો.
પછી તો ૭ સપ્ટેમ્બર, ૧૨ સપ્ટેમ્બર, ૧૮ સપ્ટેમ્બર વિસ્ફોટ થતા રહ્યા. ભારતીય સેનાએ છેક બદીન સુધી વળતો જવાબ આપ્યો. ૨૨ સપ્ટેમ્બરે ભારત-પાક યુદ્ધવિરામ થયો. ૧૯૬૮ની ૧૯ જાન્યુઆરીએ વળી આઘાત થયો. આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલના ચુકાદા મુજબ પાકિસ્તાનને કચ્છની સરહદે ૩૫૦૦ ચોરસ માઈલમાંથી ૩૫૦ ચોરસ માઈલ સોંપી દેવાની ભલામણ હતી. આ પંચના અધ્યક્ષ સ્વીડિશ કોર્ટના અધ્યક્ષ ગુનાર હતા. બીજા બે સભ્યો યુગોસ્લાવિયાના એલેકસ બેબ્લર અને ઇરાનના નસરૂલ્લા ઇન્તેઝામ હતા. એ સ્પષ્ટ હતું કે, કચ્છની ભૂગોળ કે ઇતિહાસ જાણ્યા વિનાનો આ ચુકાદો હતો. પાકિસ્તાનને છાડબેટ સોંપવાનું કહેવાયું તે તો સ્વતંત્રતા પૂર્વેથી જ કચ્છ રિયાસતનો ભાગ હતો, બન્ની અને બીજેથી પશુપાલકો પશુઓને ઘાસના ચારા માટે ત્યાં લઈ જતા. પાકિસ્તાની આક્રમણ વખતે પણ છાડબેટ કચ્છનો જ ભાગ હતું.
માત્ર કચ્છ નહિ, દેશ આખો ખળભળી ઊઠ્યો. ભારતીય જનસંઘે દિલ્હીમાં પ્રચંડ દેખાવો કર્યા પછી, તમામ વિરોધ પક્ષોએ નક્કી કર્યું કે, કચ્છની સરહદે સત્યાગ્રહ કરવો. તે પહેલાં ૨૦ ફેબ્રુઆરીએ સમગ્ર કચ્છમાં ચુકાદાની વિરુદ્ધમાં હડતાળ પડી.
સત્યાગ્રહનો નકશો એવો કે દેશના તમામ પ્રદેશોમાંથી સત્યાગ્રહીઓની ટુકડીઓ આવે, પણ અહીં સગવડની સમસ્યા હતી. જનસંઘના મહામંત્રી વસંતભાઈ ગજેન્દ્રગડકરને સૂચના આવી કે એકવાર કચ્છ જઈને પરિસ્થિતિ જોઈ આવો. ટ્રેન તો એક જ પાલનપુર થઈને ભુજ જતી હતી, બીજો રસ્તો હતો જ નહિ. આ લાંબા પ્રવાસમાં હું તેમની સાથે હતો, એક જીપ લીધી, ડ્રાઇવર પણ કાર્યકર્તા. ભુજમાં બધી પૂછપરછ કરી. મ. કુ. હિંમતસિંહજીને મળ્યા. બીજા સ્થાનિક નેતાઓ પણ મળ્યા. રોષ તો હતો પણ વેરવિખેર. આયોજન કોણ કરે? ત્યાંથી ખાવડા જવા નીકળ્યા તો ધૂળિયો કાચો રસ્તો, રસ્તા પર મોટા ખાડા, દરેક મિનિટે કમર તોડી નાખે તેમ જીપ ઉછળે. ભુજ પછી સુમરાસર. મધ્યાહ્નનો સૂરજ. રણનો તાપ. સાંજ પહેલાં પહોંચવાની નેમ હતી. ચાલકે થોડી ગતિ વધારી. વાતચીતમાં એક મિનિટ તેનાથી નજર ચુકાઈ ગઇ. પાછલું વ્હીલ મોટાં ખાંડામાં ફસાઈ ગયું અને આખી જીપ ઊંધી વળી ગઈ. બારીઓમાંથી વસંતભાઇ અને હું બહાર ફેંકાઈ ગયા. ખુલ્લા રેત-મેદાનમાં ભોંયભેગા. ખલાસ! જગત આખું શીર્ષ-આસન કરતું લાગ્યું. ચાલક પણ એવી જ હાલતમાં હતો. કાંકરીઓ શરીરમાં ખૂંચી ગઈ હતી, એટલું સારું કે જીપ ઝાડીઝાંખરાંમાં ફસાઈ ગઈ હતી. અહી અવાજ સાંભળે કોણ? ચારે તરફ વિરાની. હાથપગને ચોટ આવી હતી પણ જીપની અંદર સલવાઈ ગયા હોત તો? એકબીજાના હાથ ઝાલીને બેઠા તો થયા, પણ અહીં બીજું વાહન ક્યાંથી મળે? ચાલી શકાય તેવી ક્ષમતા બચી હતી. રસ્તાની પેલી પાર કોઈ આકાર દૂરથી દેખાયો, બન્નીનો ગોપાલક હતો, અવાજ પહોંચ્યો એટલે દોડતો આવ્યો. તેની આંખોમાં સ્તબ્ધતા હતી. કચ્છી બોલીમાં એક જ વાક્ય બોલ્યો: ‘બચી ગયા!’ વસંતભાઈનો મૂળ રમૂજી સ્વભાવ વ્યક્ત થયા વિના ન રહ્યો. કહે, ‘હજુ સત્યાગ્રહ પૂરો ચલાવવાનો બાકી હે!’ ગોપાલકની સાથે વાત થઈ. છાડબેટ નામ આવતાં આંખોમાં ચમક આવી. રસ્તાની પેલી પાર તેનો ભૂંગો (નિવાસી ઝૂંપડું) હતો. બીજા કેટલાકને અને પાણી લઈને આવ્યો. દવાખાનું તો ખાવડામાં છે, થોડીવાર રાહ જોઈ, એક દૂધનો ટાંકો લઈ જતું વાહન આવતું હતું તે થોભાવ્યું અને છેવટે સાંજે ખાવડા પહોંચ્યા. નાનું ખોબા જેવડું ગામ. અહીંથી જ જાણે સરહદ શરૂ થઈ જતી હોય તેવી સ્થિતિ. આ ગામ મેસુબ નામે મીઠાઈ બનાવવા માટે જાણીતું છે. થોડા લોકોને મળ્યા, ડૉક્ટર સામાન્ય રીતે રોજ રોકાતા નહિ, આજે હતા અને તે આર. એસ. એસ.નો સ્વયંસેવક નીકળ્યો!
બીજા દિવસે પરત થયા. દિલ્હી કાર્યાલયમાંથી નામોની યાદી તૈયાર થઈને આવી હતા. સત્યાગ્રહના કુશળ વ્યૂહરચનાકાર પંડિત દીનદયાળ તો રહ્યા નહોતા. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી મુઘલસરાઈ રેલ સ્ટેશને તેમની હત્યા થઈ હતી. ઝૂંઝારુ ડૉ. રામમનોહર લોહિયાનીયે ખોટ હતી, પણ સમગ્ર નેતૃત્વ સંકલ્પિત હતું. અટલબિહારી વાજપેયી, રાજમાતા વિજયરાજે સિંધિયા, મહારાણી ગાયત્રી દેવી, બલરાજ મધોક, આરીફ બેગ, બેરિસ્ટર નાથપાઈ, મધુ લીમયે, મહારાજ કુમાર હિંમતસિંહજી, મધુ દંડવતે, સનત મહેતા, હેમ બરૂઆ, બિહારી પ્રસાદ અંતાણી , તુલસી બોડા, જ્યોર્જ ફર્નાન્ડીઝ, કેશુભાઈ પટેલ, ભગવતી પ્રસાદ વાજપેયી, પી. પરમેશ્વરન, રમણિકા ગુપ્તા, મદનલાલ ખુરાના, પ્રાણલાલ શાહ, ગુલાબ શંકર ધોળકિયા, અમૃતપ્રસાદ અંતાણી, જ્યોત્સ્ના બહેન પટ્ટણી, સૂર્યકાંત આચાર્ય, નારસિંહભાઈ પઢિયાર, ચીમનભાઈ શુક્લ, ડૉ. વસંત પરીખ.. આ બધા કચ્છના આંગણે સત્યાગ્રહી બનવાના હતા, સભાઓ સંબોધવાના હતા. એકવીસમી એપ્રિલ દિવસ નક્કી થયો હતો. કચ્છથી કાશ્મીર સુધીની ટુકડીઓ માટે દિવસો ફાળવવામાં આવ્યા, કેમ કે આ બધાંની રહેવા, જમવાની અને વાહનવ્યવહારની વ્યવસ્થા કરવી આસાન નહોતી.
કેવો રહ્યો આ યાદગાર સત્યાગ્રહ? જ્યોર્જની ટુકડી રણમાં ફસાઈ ગઈ તે કેવી રીતે સૈનિકોએ બચાવી? ભુજ સ્ટેશન પાસેની ધર્મશાળામાં તમામ રાષ્ટ્રીય નેતાઓની ભોજન વ્યવસ્થામાં દાઝી ગયેલી દમયંતીનું મૃત્યુ થયું, તોતિંગ જેલમાં જગન્નાથ રાવ જોશીનું જેલ અને ગીતા પરનું કેવું પ્રભાવી વ્યાખ્યાન હતું? ભુજના ચોકમાં અંતિમ વક્તા તરીકે અટલજીએ કેવું યાદગાર ભારત માતા દર્શન પોતાના ભાષણમાં કરાવ્યું? અને આ સત્યાગ્રહની ભારતીય રાજનીતિ પર કેવી અસર થઈ? તે વિષે આવતા અંકે જાણીશું.