જ્યારે ભારતની તાકાત જોઈને દુનિયા થથરી ગઈ: પોખરણ-૨ ના એ ધડાકા પાછળની અજાણી અને રોમાંચક સત્યકથા!

જ્યારે અમેરિકાના સેટેલાઇટ્સ ભારત પર નજર રાખી રહ્યા હતા, ત્યારે "મેજર જનરલ પૃથ્વીરાજ" અને "કાકા" જેવા ગુપ્ત નામો સાથે આપણા વૈજ્ઞાનિકો ઈતિહાસ રચી રહ્યા હતા!

    ૧૧-મે-૨૦૨૬   
કુલ દૃશ્યો |

pokhran-2

બુદ્ધપૂર્ણિમા (૧૧ મે, ૧૯૯૮) દ્વિતીય પરમાણુ પરીક્ષણ દિન નિમિત્તે
પોખરણ-૨: સફળ ઑપરેશન શક્તિ ભારત બન્યું પરમાણુ-શક્તિસંપન્ન રાષ્ટ્ર

 
તારીખ હતી ૧૧ મે, ૧૯૯૮. સમયઃ બપોરના ૩.૪૫ કલાક. સ્થળઃ પોખરણ, જેસલમેર, રાજસ્થાન.
 
વીસ..... અઢાર.... પંદર... દસ..... પાંચ.... ત્રણ..... અને ઝીરો... લગભગ ૨૦૦ મીટર નીચેથી જોરદાર ધડાકા સાથે જમીન ફાટી અને આસપાસની ધરતીને ધણધણાવી દીધી. ધૂળની વિશાળ ડમરી ચડી. જાણે રેતીનો જ્વાળામુખી ફાટ્યો. થોડીવાર માટે ટાઇમ ફ્રીઝ થઈ ગયો.
 
ઓબ્ઝર્વેશન ટાવર પર રિવર્સ કાઉન્ટ કરી રહેલા વૈજ્ઞાનિકોએ પોતાની આંખ સામે સલામત અંતરેથી વીસ સેકન્ડ પછી જે દૃશ્ય જોયું, એ ભારતના યશસ્વી ગૌરવનું એક પ્રચંડ સીમાચિહ્નરૂપ દૃશ્ય હતું.
 
***
 
બીજી તરફ એ જ સમયે પોખરણથી સાડા છસ્સો કિલોમીટર દૂર દિલ્હીમાં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયી અને તેમના સાથી મંત્રીઓ, ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી, રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ, યોજના આયોગના ઉપાધ્યક્ષ જસવંતસિંહ અને સલાહકાર બ્રિજેશ મિશ્રા, ૭ રેસકોર્સ રોડ સ્થિત આવાસમાં બેઠા હતા. બેઠકરૂમમાં એક પ્રકારની ગંભીરતા હતી. પોખરણમાં ચાલતી ઘટના સંદર્ભે એ લોકો ચિંતામાં હતા કે, શું થશે? સફળ થશે? ન કરે નારાયણ ને કંઈક આડુંઅવળું તો નહીં થાય ને! આવા કેટલાયે વિચારોનો વંટોળ બેઠક રૂમના દરેક જણની અંદર ફૂંકાઈ રહ્યો હતો.
 
ટ્રિન.. ટ્રિન.. ટ્રિન.. અચાનક રણકેલા હોટલાઇનના ફોને એ અકળ શાંતિમાં ભંગ પાડ્યો. બ્રિજેશ મિશ્રાએ ફોન ઉપાડ્યો અને સામેથી ખુશીના રણકતા સમાચાર મળ્યા, `અભિનંદન..... આપણું પરમાણુ પરીક્ષણ સફળ નીવડ્યું છે.'
 
આ હતું ભારતનું બીજું પરમાણુ પરીક્ષણ અને એનું નામ હતું `અૉપરેશન શક્તિ'.
 
આ વર્ષે - ૧૧મી મે, ૨૦૨૫ના દિવસે એ પોખરણ પરમાણુ પરીક્ષણનાં ૨૭ વર્ષ પૂર્ણ થાય છે.
 
એ નિમિત્તે આજે એ અભૂતપૂર્વ પરમાણુ પરીક્ષણની વાત કરવી છે, કારણ કે એ કોઈ સામાન્ય પરીક્ષણ નહોતું. એ દિવસે વિજ્ઞાનક્ષેત્રે ભારતનો એક નવો સૂર્યોદય થયો હતો અને ભારતે ખરા અર્થમાં વૈશ્વિક આકાશને ધણધણાવી મૂકે એવો ધડાકો કર્યો હતો. આખા વિશ્વમાં એના બહુ મોટા પડઘા પડ્યા હતા. ભારત એ ક્ષેત્રે કશું જ ના કરી શકે તેવી ગફલતમાં રહીને બેઠેલા જગત જમાદાર અમેરિકા સહિત ઘણા દેશોની એ ધડાકાથી ઊંઘ ઊડી ગઈ હતી અને આંખ ખૂલી ગઈ હતી. અને ભારતને વૈશ્વિક ફલક પર એક ઊંચી પાયરીએ મૂકી દેનારા એ ધડાકાનો યશ ભારતના ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સહિતના માનવંતા વૈજ્ઞાનિકો અને તે સૌની પાછળની પ્રચંડ ઇચ્છાશક્તિના આઈકોન એવા તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપાઈને ફાળે જતો હતો.
 
આ પરમાણુ પરીક્ષણ કેવી રીતે થયું હતું? એમાં કેટલું જોખમ હતું? વિશ્વમાં એની અસરો શું થઈ હતી? અને એના કારણે ભારતની શાખ અને ધાક કેટલી વધી હતી એની હવે વિગતે વાત કરીએ..
 
જગતજમાદાર અમેરિકાની ખૌફગીનો ઓછાયો
 
આજથી ૨૭ વર્ષ પહેલાંની એ ઐતિહાસિક ઘટનાએ ભારતની અસલી તાકાતનો વિશ્વને પરિચય કરાવી દીધો હતો. જગતજમાદારીનો ઠેકો લઈને ફરતા અમેરિકાની નાકની દાંડી નીચેથી, અનેક વિપરીત પરિબળો વચ્ચે ભારતે પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વપ્રવાહમાં કાયદેસરના ડંકા વગાડી દીધા હતા. હા, આ પહેલાં ૧૯૭૪માં પ્રથમ પરમાણુ પરીક્ષણ થયું હતું. પણ એ પરીક્ષણ ઇન્દિરા ગાંધીના રાજકીય ગણિતનું પણ એક ગણતરીબાજ પગલું હતું. એ સમયે ઇન્દિરાજી સામે જે રીતે પડકારો ઊભા થયા હતા એ જોતાં ઇન્દિરાજીએ કોઈ એવું મોટું પગલું લેવું જરૂરી હતું. ભ્રષ્ટાચાર, મોંઘવારીથી ત્રસ્ત નારાજ પ્રજામાં ઇન્દિરાની ઓસરતી લોકપ્રિયતાને પરમાણુ પરીક્ષણ જ રક્ષણ આપી શકે એમ હતું. આથી તેમણે ૧૯૭૪માં પરમાણુ પરીક્ષણ કરાવ્યું હતું. એ પરીક્ષણથી અમેરિકા, બ્રિટન, ચીન સહિતના દેશો નારાજ થયા હતા અને અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા હતા. પછી તો સમય પસાર થતો રહ્યો. સરકારો બદલાતી રહી. પણ જગતજમાદાર અમેરિકાની ખૌફગીનો ઓછાયો ઓછો નહોતો થયો. આ ૧૯૭૪ના પરમાણુ પરીક્ષણની વાત અહીં એટલે જ મૂકી છે કે એ ધડાકા પછી અમેરિકા જેવા દેશોની સખત અને સતત નજર ભારતનાં પરીક્ષણો અને કાર્યવાહી પર રહેતી હતી. વળી, પી.વી. નરસિંહરાવની સરકારે થોડા પ્રયત્નો કરેલા પણ અમેરિકાને એની ગંધ આવી જતાં બધું અટકી પડ્યું હતું. અમેરિકાએ ચોકી કરવા માટે મૂકેલા જીઓ સ્ટેટિક અને જીઓ સીન્ક્રોનાઇઝ્ડ એવાં ચાર-ચાર સેટેલાઇટ સતત માથા પર મંડરાઈ રહ્યા હતા. તે સમયે આવી ચોકી હેઠળ ભારત માટે પરમાણુ પરીક્ષણ કરવું લગભગ અશક્ય હતું. એ પછી આવી અટલબિહારી વાજપાઈજીની સરકાર. સીટો ઓછી હતી પણ ઇરાદાઓ મજબૂત હતા. વાજપેયીજીએ સત્તા પર આવતાં જ પરમાણુ પરીક્ષણની દિશામાં કદમ માંડ્યાં. પણ એમની સરકાર માત્ર ૧૩ જ દિવસમાં પડી ભાંગતાં મિશન ફરી વાર અટકી પડ્યું.
 
પરીક્ષણ માટે અટલજીએ કમર કસી
 
પણ ૧૯૯૮માં ફરી વાજપેયીજીની સરકાર આવી. એ પછી તારીખ ૧૯ માર્ચ, ૧૯૯૮ના રોજ વાજપેયીજીએ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE)ના ચીફ તરીકે આર. ચિદંબરમ અને ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ર્ગેનાઇઝેશન (DRDO)ના પ્રમુખ તરીકે ડૉ. અબ્દુલ કલામની નિમણૂક કરી. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)ના અનિલ કાકોડકર ત્યારે ડાયરેક્ટર હતા. અને વાજપેયીજીએ ભારતને બીજા પરમાણુ પરીક્ષણ માટે લીલી ઝંડી આપી દીધી હતી.
 

pokhran-2 
 
પણ માત્ર લીલી ઝંડી આપી દેવાથી થઈ જાય એવું આ કામ નહોતું. ભારત સામે પરમાણુ પરીક્ષણ કરવા માટે પડકારો અને જોખમો ઘણાં હતાં. એ પરીક્ષણ વખતે આવેલા પડકારો અંગે એ ટીમના એક મહત્ત્વના વૈજ્ઞાનિક રહેલા ડૉ. અનિલ કાકોડકરે એક મુલાકાતમાં કહ્યું હતું કે, `પાવર અને ડિપ્લોમસીની દુનિયામાં એને જ ફાયદો થાય, જે તાકાતવર હોય. ભારતે પહેલું પરમાણુ પરીક્ષણ તો કરી નાખ્યું હતું, પણ દુનિયાના શક્તિશાળી દેશો ભારત પર CTBT - The Comprehensive Nuclear Test-Ban Treaty પર સાઇન કરવા માટે દબાણ કરી રહ્યા હતા. ભારત સામે પડકારજનક પરિસ્થિતિ હતી. પાકિસ્તાન પણ ન્યૂક્લિયર હથિયાર હાંસલ કરી ચૂક્યું હતું. જો ભારત CTBT પર હસ્તાક્ષર કરી દે તો કાંડાં કપાઈ જાય અને હંમેશ માટે પરમાણુ હથિયાર બનાવવાથી વંચિત રહી જાય, ને જો સંધિ પર હસ્તાક્ષર ન કરે તો ભારતને સ્પષ્ટ્ર રૂપમાં કારણ આપવું પડે. પશ્ચિમી દેશો ભારત પર (ન્યૂક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રિટી) પર પણ હસ્તાક્ષર કરવા માટે પણ દબાણ કરી રહ્યા હતા. વળી ભારત ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપનું સદસ્ય પણ નહોતું, એટલે ભારતને દુનિયાનો કોઈ દેશ પરીક્ષણ માટેનું અનિવાર્ય તત્વ યુરેનિયમ પણ નહોતો આપતો.' આવા અનેક પડકારોને વીંધીને, જોખમો લઈને ભારતે આત્મનિર્ભર બનવા માટે પરમાણુ પરીક્ષણ કરવું જરૂરી હતું અને એ માટે અટલજીએ કમર કસી હતી.
 
...અને વૈજ્ઞાનિકોએ એક જ સૂરે પડકાર ઉપાડી લીધો
 
સરકારની ઇચ્છાશક્તિ પણ હતી અને વૈજ્ઞાનિકોની જ્ઞાનશક્તિ પણ હતી. પડકારોનો સામનો કરીનેય આ કામ પાર પાડવા માટે કમર કસી લીધી હતી. આથી સૌથી પહેલાં ઓપરેશનમાં જબરદસ્ત કામ કરી શકે અને તેની ગુપ્તતા જાળવી શકે તેવા વૈજ્ઞાનિકોની યાદી તૈયાર થઈ. પછી તેમને એક બેઠક માટે એક મહિના પહેલાં જોધપુર લઈ જવામાં આવ્યા. વૈજ્ઞાનિકો જોધપુર પહોંચ્યા ત્યાં સુધી તેમનાથી પણ આ અભિયાનની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવી હતી. આખરે બધા જે તે સ્થાને પહોંચ્યા પછી ઓપરેશનની ખબર પડી. ૧૧મી એપ્રિલે એ બધા બેઠા હતા, અને ડૉ. ચિદમ્બરમ બોલવા માટે ઊભા થયા. તેમણે કહ્યું, `મિત્રો, એક સારા સમાચાર છે. આપણને અણુપરીક્ષણ કરવાની અનુમતિ મળી ગઈ છે.' આ સાંભળતાં જ બધા આનંદથી નાચી ઊઠ્યા. પરંતુ માત્ર એક મહિનામાં એક સાથે ત્રણ પરીક્ષણો કરવાનાં હતાં. એ જાણીને બધાનો જુસ્સો ઠરી ગયો.
 
ડૉ. ચિદમ્બરમની જાહેરાતથી વ્યાપ્ત મૌન અને થંભી ગયેલી હવા જોઈને ડૉ. કલામ સાહેબ ઊભા થયા. બધાની મનઃસ્થિતિ તેમના ધ્યાનમાં આવી ગઈ. તેમણે ડૉ. ચિદમ્બરમના ભાષણમાંથી `પડકાર' શબ્દ ઉપાડી લઈને પોતાનું વક્તવ્ય શરૂ કર્યું, `મિત્રો, આ એક તક છે, સાથે સાથે એક પડકાર પણ છે. આપણને મળેલા પ્રત્યેક પડકારને જો આપણે તકમાં પરિવર્તિત કરી શકીએ તો જ આપણે આપણી જાતને વૈજ્ઞાનિક તરીકે ઓળખાવવાના અધિકારી છીએ.' આ એક મોટું આહ્વાન હતું. હનુમાનને પોતાની શક્તિની યાદ અપાવવા જેવું હતું. અને પછી ત્યાં ઉપસ્થિત વૈજ્ઞાનિકોએ એક જ સૂરે એ પડકાર ઉપાડી લીધો. તિથિ નક્કી થઈ, બરાબર એક મહિના પછીની બુદ્ધપૂર્ણિમા - એટલે કે ૧૧ મે, ૧૯૯૮.
 
અમેરિકાની આંખોમાં ધૂળ નાંખી
 
તારીખ નક્કી થતાં જ વૈજ્ઞાનિકોએ ગુપ્ત રીતે પોખરણમાં કામ શરૂ કરી દીધું હતું. બધા પાસે કામ પૂરું કરવા માટે માત્ર એક મહિનો હતો. એમાં બે પડકારો સૌથી મોટા હતા. મિશનને બધાથી ગુપ્ત રાખવાનું હતું અને અમેરિકાના સેટેલાઈટથી છુપાવવાનું હતું. આથી મિશનની ગુપ્તતા જળવાય એ હેતુસર ભારતીય વૈજ્ઞાનિકો અંડરકવર થઈ ગયા. બધા વૈજ્ઞાનિકો સૈન્યના પોશાકમાં સજ્જ થઈ ગયા. દરેકને કોડનેમ પણ આપવામાં આવ્યું. ડૉ. કલામને મેજર જનરલ પૃથ્વીરાજ, આર. ચિદમ્બરમને મેજર જનરલ નટરાજ, ટેસ્ટ સાઇટના ડાયરેક્ટર કે. સંથાનમને કેપ્ટન આદિ નામ આપવામાં આવ્યું. અને ડૉ. અનિલ કાકોડકરને બહુ સિમ્પલ `કાકા'નું ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે, અમેરિકાના સેટેલાઈટો ના જોઈ શકે તે માટે પણ ખૂબ તૈયારી કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકો સૈન્યના પોશાકમાં તો સજ્જ હતા જ, પરંતુ ત્યાં એવા ડમી કામો પણ ઊભાં કરાયાં હતાં જેથી સેટેલાઈટના કેમેરામાં કંઈ ભળતું જ કામ થઈ રહ્યું હોવાનાં દૃશ્યો જ આવે. હવે પરીક્ષણ માટે એક કૂવાની જરૂર હતી. પણ સામાન્ય કૂવો નહીં ! બસો મીટર ઊંડા કૂવા જોઈએ. બસો મીટર એટલે કેવડું? બાંધકામની ભાષામાં વાત કરીએ તો સાઠ માળની ઇમારત જેવડું. અને કેવળ કૂવો ખોદાઈ જાય એટલે કામ પૂરું થાય કે? અંદર ઉપકરણો ગોઠવવાં, અલગ અલગ ઉંચાઈ પર અલગ અલગ પ્રકારનાં સેન્સર્સ લગાવવાં, માણસો અને ઉપકરણોની અવરજવર માટે લિફ્ટ જોઈએ, સાઠ માળના મકાનમાં લિફટ લગાવવામાં કેટલી જફા છે તે આપણે જાણીએ છીએ. બધાને આ કાર્ય લગભગ અસંભવ લાગતું હતું. પરંતુ ભારતીય સેનાનું મનોબળ અને કર્તૃત્વ ગજબ હતાં. આવાં વૈજ્ઞાનિક પરીક્ષણોના સમયે સૈન્યની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે. બંગાલ એંજિનિયરીંગ ગ્રુપના અધિકારીઓએ આ જવાબદારી ઉપાડી લીધી. નિર્ણય એવો થયો કે પાંચ પરીક્ષણો કરવા માટે ત્રણ કૂવા પૂરતા છે. તેમાંથી એક તૈયાર હતો (૧૯૭૪નો), હવે બે જ કરવાના છે. હવે જરા આ કાર્યની કલ્પના કરો. સાઠ માળની જમીન ઉપર ઊભેલી ઇમારતમાં લિફટ લગાવવી પણ અઘરી હોય છે, તો અહીં તો સાઠ માળ નીચે જવાનું છે. જમીનનો પહેલો થર રેતાળ હતો, અને તે પછી કાળો પથ્થર. અને આ બધું કરતી વખતે ઉપરથી ચોકી કરી રહેલા ઉપગ્રહની આંખમાં પણ ધૂળ પણ નાખવાની હતી. પણ આ કામ આપણા જાંબાજોએ સુપેરે પાર પાડ્યું.
 
સૌથી અગત્યની વાત એ કે, સૌથી અગ્રગણ્ય હરોળનાં, VVIP અને સંપૂર્ણ સુખ-સુવિધામાં કામ કરનારા વૈજ્ઞાનિકો ૫૦ થી ૫૨ (બાવન) ડિગ્રી તાપમાં સાવ સાદું ભોજન કરીને મજૂરની જેમ કામ કરી રહ્યા હતા. પંખો, એ.સી. ની વાત તો દૂર, અહીં તો કામ કરતી વખતે માથા ઉપર છાંયડો પણ ઉપલબ્ધ નહોતો. વૈજ્ઞાનિકો સાથે ૬૭ વર્ષના ડૉકટર કલામ પણ ખભેખભા મિલાવી કામ કરતા હતા. એક સ્થાનથી બીજા સ્થાન પર જવા માટે જો ગાડી ઉપલબ્ધ ન હોય તો તેઓ રેતી ખૂંદતા પગે ચાલીને જતા. રેતી એવી ગરમ કે અંગારા પર ચાલતા હોઈએ એવું લાગે. આટલી ગરમીમાં ખમીસનું બટન પણ ઉઘાડું ન રખાય. રેતીનો કણ અડે તો ફોલ્લો ઊપડી આવે. અસહ્ય બળતરા થાય. શરીર ઢાંકી રાખો એટલે અંદર પરસેવાના રેલા ચાલે. એના મારણ તરીકે ત્રિચક્રી વાહનમાં ગોળના ગાંગડા અને પખાલનું પાણી વહેંચાતું. આ સિવાયની કોઈ વધારાની સુવિધા મળવાની કોઈ શક્યતા નહોતી. કોઈને કોઈ અપેક્ષા પણ નહોતી. રાત-દિવસ કામ કરતાં કરતાં ઘણા લોકોને ઊલટીઓ થઈ, ચક્કર આવ્યા, પરંતુ કોઈએ પણ બીમારીની ફરિયાદ ન કરી. કારણ બીમાર પડે તો પાછા જવું પડે. અને પાછા જાય તો જીવનમાં ફરી આવી તક ના મળે, એટલે કાર્યપૂર્તિ પછી જ પાછા જવા માટે બધા કૃતનિશ્ચય હતા. એવામાં મુખ્ય અગ્રણી એવા વૈજ્ઞાનિક ડો. કાકોડકરજીના પિતાજીનું અવસાન થઈ ગયું. ડૉ. કલામજીની ભારે સમજાવટ બાદ તેઓ ઘરે પહોંચ્યા. અને બધાંના આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે પાછા પણ આવી ગયા. આ જુસ્સા અને રાષ્ટ્રભાવનાથી સૌએ સતત અવિરત કામ કર્યું.
 
ખાટલે મોટી ખોડ - આપણી પાસે યુરેનિયમ જ નહોતું
 
એક દેશના વચન પ્રમાણે આપણને યુરેનિયમ મળશે તેવી ગણત્રીએ આપણે પરીક્ષણ કરવાનું નક્કી કરી લીધું હતું, પણ છેલ્લા સમયે ત્યાંથી જણાવાયું કે યુરેનિયમ મળી શકશે નહિ. આ બધા પ્રયોગો માટે અનિવાર્ય એવું યુરેનિયમ આપણે ત્યાં ઉપલબ્ધ નહોતું. (વિધિની વિચિત્રતા પણ એવી કે મે મહિનામાં પરીક્ષણ પૂર્ણ થઈ ગયા પછી જૂન મહિનામાં વિશ્વભરમાં અદ્વિતીય એવી યુરેનિયમની ખાણો કર્ણાટકમાં મળી આવી હતી). પણ તો એ પહેલાં આપણે યુરેનિયમનો જુગાડ કેવી રીતે કર્યો? આપણને તો અન્ય બીજો કોઈ દેશ ભલમનસાઈથી એ આપે એવી કોઈ જ શક્યતા નહોતી. આથી આપણે યુરેનિયમનો પર્યાય શોધવા માંડ્યા. વિકલ્પની શોધ કરતાં કરતાં `પ્રયત્નાં તે પરમેશ્વર'ની જેમ એક વિકલ્પ પ્રાપ્ત થઈ જ ગયો. અલબત્ત તેની સમગ્ર પ્રક્રિયા ઘણી ખર્ચાળ અને કડાકૂટવાળી હતી. વાત જાણે એમ હતી કે કેરળના આ સમુદ્રકિનારે રેતીમાં થોરિયમ નામનું એક રેડિયોએક્ટિવ મટીરિયલ ભરપૂર પ્રમાણમાં મળે છે. રેતીમાંથી મળતું હોવાથી મફત અને પર્યાપ્ત પ્રમાણમાં મળે છે. થોરિયમ પર પ્રક્રિયા કરી યુરેનિયમ પ્રાપ્ત કરવાની પદ્ધતિ વધુ ખર્ચાળ અને અઘરી છે. આપણને ક્યાંયથી યુરેનિયમ મળવાનું નહોતું, એટલે ઉપલબ્ધ સામગ્રીમાં જ આવશ્યક સંશોધનો કરી આપણે એક એક પગથિયું ચડતા ગયા. પશ્ચિમ ઊંઘતું રહ્યું અને આપણે સફળતાના અંતિમ પડાવ પર પહોંચી ગયા. પરીક્ષણનો દિવસ- એટલે કે ૧૧મી મે, ૧૯૯૮નો દિવસ ઊગી ચૂક્યો હતો.
 
ધમાકા પહેલાંની તેજ હવા...
 
૧૧મી, ૧૯૯૮નો દિવસ, બપોરે ઐતિહાસિક પરમાણુ પરીક્ષણ કરવાનું હતું. હવે માત્ર ટેસ્ટિંગની રાહ હતી. થોડા કલાકો પહેલાં તેજ હવા ફૂંકાવા લાગી. જો આવા વાતાવરણમાં ટેસ્ટિંગ કરવામાં આવે તો રેડિયેશન ફેલાવાની શક્યતા વધી જાય. આખરે ત્રણેક કલાક બાદ તેજીલી હવા શાંત પડી અને ૩.૪૫ વાગે ત્રણ ધડાકા કરવામાં આવ્યા. (ઉલ્લેખનીય છે કે, બીજા જ દિવસે અમેરિકાએ ભારત પર સખત પ્રતિબંધ લાદી દીધા હતા. તેમ છતાં જરાય ડર્યા કે ડગ્યા વગર અટલજી હિંમતપૂર્વક ૧૩મી મેના રોજ પોખરણમાં બીજા બે પરમાણુ પરીક્ષણ પણ કરી બતાવ્યા હતા.) `અૉપરેશન શક્તિ' સફળ નીવડ્યું હતું.
 

pokhran-2 
 
રાષ્ટ્રની સુરક્ષાની દિશામાં એક મહત્ત્વનું પગલું
 
ભારતે સફળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. સૌની ખુશીનો કોઈ પાર નહોતો. સફળતા બાદ તરત જ એ શુભ સંદેશ મા. પ્રધાનમંત્રીશ્રીને પહોંચાડવામાં આવ્યો. તેમણે સૌને અભિનંદન આપ્યાં. એ જ સાંજે પ્રધાનમંત્રીએ એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરીને દુનિયાને આ ઘટનાની જાણ કરી હતી. વડાપ્રધાન આ પત્રકાર પરિષદમાં હાથમાં ત્રિરંગો લઈને આવ્યા હતા. તેમણે સંતુલિત શબ્દોમાં ઘોષણા કરી કે, `હા, આજે અમે ઘોષણા કરીએ છીએ કે ભારત હવે પરમાણુ સંપન્ન દેશ બની ગયો છે.' આ ઘોષણાનો એક અર્થ હતો. એક રાષ્ટ્રએ વૈજ્ઞાનિક પ્રગતિને આધારે પોતાની સુરક્ષાની દિશામાં એક મહત્ત્વનું પગલું ભર્યું છે. આ જય જવાન -જય વિજ્ઞાનનો જયઘોષ હતો. પરમાણુ પરીક્ષણનો જયઘોષ સર્વત્ર ફેલાયો હતો, પરીક્ષણના ધડાકાએ આખું આકાશ ધણધણાવી દીધું હતું. અને હવે આ ધડાકા શેના હતા એ જાણીને આખું વિશ્વ ખળભળી ઊઠવાનું હતું.
 
પરીક્ષણ બાદની પ્રતિક્રિયાઓ...
 
થોડા જ સમયમાં આ સમાચાર આખા વિશ્વમાં પહોંચી ગયા અને બધાં ખળભળી ગયા. દેશ-વિદેશમાંથી અનેક પ્રતિક્રિયાઓ આવી. કોઈ સારી હતી તો કોઈ ખરાબ. દેશવાસીઓને તો સ્વાભાવિક આનંદ જ હતો. બધાએ અટલજીના આ નિર્ણયને વધાવી લીધો હતો. મીડિયાએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો. સામાન્ય માણસની પ્રતિક્રિયાનું એક નાનકડું ઉદાહરણ જોઈએ.
એ વખતે દૈનિક સકાળમાં દરરોજ એક નાનું વ્યંગ્યચિત્ર આવતું. તેમાં ૧૨મી તારીખનું ચિત્ર બહુ જ માર્મિક હતું. એક રસ્તાની ધારે શાકભાજી વેચવા બેઠેલા બે માણસો વાતો કરી રહ્યા છે. એક જણ બીજાને કહી રહ્યો છે, ગયા બે દિવસથી શરીરમાં વિશેષ શક્તિસંચાર થયો હોય એવું લાગે છે. આ હતું આપણા જનસામાન્યની મનોભાવનાઓનું પ્રતિબિંબ. કદાચ આપણી સરકારે કરેલા પરાક્રમનો આ સૌથી મોટો પુરસ્કાર હતો.
 
આ પ્રતિક્રિયા કેવળ ભારત પૂરતી મર્યાદિત ન રહી. વિશ્વપ્રસિદ્ધ સી.એન.એન. ચેનલે તારીખ ૧૨થી ૩૦ મે સુધી આ વિષય પર જનમતસંગ્રહની સિરિઝ ચલાવી હતી. અત્યંત સ્પષ્ટ્ર અને સીધા પ્રશ્નો હતા. `ભારતે કરેલા આ અણુપરીક્ષણોનું તમે સમર્થન કરો છો?' `જો હા, તો કારણો આપો, જો ના તો કારણો આપો.' ૩૦ મે સુધી ચાલનારા આ જનમતસંગ્રહને અચાનક ૨૨મીએ સમેટી લેવામાં આવ્યો. આદિલ સુપારીવાલા નામના સ્ટાર ટીવીના તત્કાલીન રાજકીય વિશ્લેષકે ત્યાં સુધી થયેલા જનમતસંગ્રહનો અત્યંત સુંદર વિશ્લેષણાત્મક અહેવાલ તે બપોરે જ પ્રસારિત કર્યો.
 
તેમનું પહેલું જ વાક્ય હતું કે `અમે આ જનમતસંગ્રહ ૩૦ તારીખ સુધી કરવાનું જાહેર કર્યું હતું, પરંતુ તેને આજે જ સમેટી લઈએ છીએ કારણ કે અત્યાર સુધીમાં જે ભવ્ય અને ઉત્સ્ફૂર્ત પ્રતિક્રિયાઓ પ્રાપ્ત થઈ છે તે એટલી બધી એકતરફી છે કે બાકીના દિવસોમાં તેનો છેદ ઉડાડનારી અને મત પરિવર્તન કરનારી પ્રતિક્રિયાઓ પૂરતા પ્રમાણમાં આવવાની કોઈ શક્યતા દેખાતી નથી.'
 
આ પરીક્ષણની દુનિયાને જાણ થયા બાદ બીજા દિવસે BBC પર એક પત્રકાર પરિષદ ચાલતી હતી. અૉપરેશન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ ટીવી પર એ મુલાકાત જોઈ હતી. આ ચર્ચામાં એક ફ્રેંચ, એક બ્રિટિશ અને એક ડચ વૈજ્ઞાનિક ભાગ લઈ રહ્યા હતા. પ્રારંભમાં તેમનો પરિચય અપાયો. ફ્રેંચ વૈજ્ઞાનિકના પરિચયમાં કહેવાયું કે ફ્રાંસે અત્યાર સુધી ભૂમિ અને સમુદ્રાંર્ગત કરેલાં ચારસો અણુપરીક્ષણોમાંથી બસોથી પણ વધુ પરીક્ષણોમાં તેમણે ભાગ લીધો છે.
 
તે વૈજ્ઞાનિકે કહ્યું કે, `મેં લગભગ બસો પરીક્ષણોમાં ભાગ લીધો છે. એટલે એક પરીક્ષણ કરવામાં કેટલી મુશ્કેલીઓ છે તે હું બરાબર જાણું છું. એક જ પ્રકારનાં બે પરીક્ષણો લગાતાર કરવા હોય તો તે પણ કેટલી અઘરી વાત છે તેની મને ખબર છે. પરંતુ અલગ અલગ પ્રકારનાં પરીક્ષણો એક સાથે કરવાં એ તો નર્યું ગાંડપણ છે એવું મને લાગે છે.
 
આવો અભિપ્રાય આપતી વખતે તેમણે આવા પ્રયોગો કરવાનાં ભયસ્થાનો પણ સમજાવ્યાં. તેમણે કહ્યું કે, `મિત્રો, તમને કલ્પના નથી. આવા Near Simultaneous કરેલાં અલગ અલગ પ્રકારનાં પરીક્ષણોમાં જો એક પરીક્ષણ નિષ્ફળ ગયું હોત તો બીજા બે વિસ્ફોટ પણ નિષ્ફળ ગયા હોત. અને તેનો પહેલો ભોગ પરીક્ષણ સ્થળથી થોડા દૂર બેઠેલા વૈજ્ઞાનિકો જ બન્યા હોત. અત્યંત જોખમ લઈને તેમણે આ ગાંડપણભર્યું સાહસ કર્યું છે... જીવના જોખમે આ લોકોએ આ પ્રયોગો કર્યા છે.' આ અભિપ્રાય આપવાની સાથે સાથે જ તેમણે ખુલ્લા દિલે એવી કબૂલાત પણ કરી કે, અમે કરેલાં બસો પરીક્ષણમાંથી છ પરીક્ષણો અમે થર્મો ન્યુક્લિયર ડિવાઈસનાં કર્યાં. અમારી સરકારે અમને તમામ પ્રકારનાં આવશ્યક સંસાધનો, તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી. પરંતુ દુર્ભાગ્યે અમારા આ બધા પ્રયોગો નિષ્ફળ ગયા.
 
આવી કબૂલાત કોણ કરી રહ્યું હતું તે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જે માણસની પાછળ બસો યશસ્વી અણુ પરીક્ષણોની પ્રતિભા ઊભી હતી તે માણસ આ વાત કરી રહ્યાં હતા કે, `બસો પરીક્ષણો પછી પણ અમે એક પણ સુપર હાઈટેક પરીક્ષણ સફળ કરી શક્યા નથી.' એટલે આપણે પણ ગર્વથી અનુભવવું રહ્યું કે, આપણા વૈજ્ઞાનિકોએ કેટલું મોટું પરાક્રમ કરી બતાડ્યું હતું.
 
તે ફ્રેંચ વિશેષજ્ઞને પૂછવામાં આવેલો આગલો પ્રશ્ન અત્યંત માર્મિક હતો. તેમને પૂછવામાં આવ્યું કે આ હાઈડ્રોજન બોમ્બ નહીં પણ થર્મો ન્યુક્લિયર ડિવાઈસ હતી તો આને આધારે તૈયાર થનારા બોમ્બની વિનાશક શક્તિ કેટલી હશે? અણુબોમ્બની વિનાશક શક્તિનું જ્ઞાત ઉદાહરણ એટલે હિરોશિમા અને નાગાસાકી. એક એક બોમ્બથી એક એક નગર નષ્ટ્ર થઈ ગયું હતું. જે વિનાશ મહાયુદ્ધના પરાજયનો નિર્ણય કરનારો સિદ્ધ થયો, અને દાયકાઓ સુધી ભયંકર રોગો ફેલાયા હતા. એટલું ભયંકર સ્વરૂપ આ બોમ્બનું હતું. અને એ બંને બોમ્બ કેવળ બાર કિલો ટન એટલે બહુ જ ઓછી ક્ષમતાવાળા હતા. આને ઓછી ક્ષમતા એટલા માટે કહું છું કે આપણે કરેલા વિસ્ફોટની ક્ષમતા પચીસ કિલો ટનની હતી. વિચાર કરો હિરોશીમા અને નાગાસાકીને ખતમ કરી દેનારા અને દાયકાઓ સુધી જેની અસર નહોતી મટી એવા બોમ્બ કરતાં આપણો બોમ્બ બેવડી ક્ષમતાવાળો હતો.
 
ઉલ્લેખનીય છે કે, સામે પક્ષે ભારતની પ્રગતિથી બળતાં, મૂડીવાદી, સામ્રાજ્યવાદી ઘણા દેશોની ઊંધી પ્રતિક્રિયાઓ પણ આવી હતી. અત્યંત કડક, વિષાક્ત, અને સામાન્ય રીતે રાજનૈતિક ક્ષેત્રમાં ન વપરાતી ભાષામાં તેવા દેશોની પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. અનેક દેશી વિદેશી અખબારોમાં `આર ધે ક્રેઝી?' `આર ધે ફેનેટિક?' જેવા પ્રશ્નાર્થો ખડા કરાયા હતા. રાજનૈતિક ક્ષેત્રમાં સામાન્ય રીતે આવી અસંસદીય ભાષાનો ઉપયોગ થતો નથી. ભારતે કરેલા પરાક્રમની પ્રશંસા કરવાને બદલે, આ પરીક્ષણોને કારણે દક્ષિણ એશિયામાં ચાલી રહેલી શસ્ત્રદોડને, શસ્ત્રસ્પર્ધાને વેગ મળશે એવી ગાંડી અને દ્વેષપૂર્ણ આલોચનાનો જાણે વરસાદ શરૂ થઈ ગયો હતો.
 
બિલ ક્લિન્ટને આ પરીક્ષણ બાદ તાત્કાલિક ભારત પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા હતા. અમેરિકાની એવી ગણતરી હતી કે જેવા પ્રતિબંધો ઇરાક પર મુકાયા છે તેવા જ પ્રતિબંધો ભારત પર મૂકવાનો નિર્ણય G-8ની બેઠકમાં બધા દેશો દ્વારા કરાવી શકાશે. પણ તેમના દુર્ભાગ્યે ફ્રાંસ અને રશિયાએ બેઠકના પહેલા જ દિવસે ભારતને સમર્થનની પોતાની ભૂમિકા જાહેર કરી દીધી. આશ્ચર્યની વાત તો એ હતી કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા અમેરિકાનાં મિત્રરાષ્ટોએ પણ પોતાની તટસ્થ નીતિ ઘોષિત કરી હતી. અમેરિકાના પ્રસ્તાવિત ઠરાવની આવી રીતે કસુવાવડ થઈ ગઈ. ઠરાવ ચર્ચાના મેજ પર આવ્યો જ નહીં. અમેરિકાની પહેલી નાલેશી હતી અને ભારતનો વિજય.
  
રાષ્ટ્રનું `સ્વ' જાગ્રત કરનારી ગૌરવપ્રદ ક્ષણ
 
પરમાણુ પરીક્ષણ કરીને ભારતે અભૂતપૂર્વ વિજય મેળવી લીધો હતો. આ પરીક્ષણમાં અનેક અડચણો આવી હતી, પડકારો આવ્યા હતા. પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ તેને પાર કરીને આ વિજય પ્રાપ્ત કર્યો હતો. સૌથી અગત્યની વાત એ હતી કે, આ આખાય ઓપરેશન દરમિયાન અમેરિકા કે બીજા કોઈ દેશ સમક્ષ ફૂટી જનાર એક પણ વ્યક્તિ ન હતો. લગભગ ૨૫૦ લોકોને આ મહત્ત્વના ઓપરેશનની જાણકારી હતી, કેટલાક મહત્ત્વના લોકોને અગાઉથી અમેરિકા જેવાં રાષ્ટો પોતાને ત્યાં બોલાવી પણ રહ્યાં હતાં, પરંતુ નાનાથી માંડી મોટા દરેક વ્યક્તિએ પોતાના રાષ્ટ્રને જ મહત્ત્વ આપીને `સ્વ'નું ગૌરવ સ્થાપિત કર્યું હતું. અને બીજી મહત્ત્વની વાત એ હતી કે, વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીની સરકાર અન્ય પક્ષોના ટેકા પર ચાલતી હતી છતાં તેમણે બધાથી ગુપ્ત રાખીને આ નિર્ણય લીધો હતો. વિચાર કરો કેટલો અઘરો નિર્ણય હતો. જો અન્ય પક્ષના એક પણ સદસ્યએ વાંધો ઉઠાવ્યો હોત તો બહુ મોટી ગરબડ થઈ જાત.
 
આ દેશના નેતૃત્વએ એક પગલું ભર્યું અને સમગ્ર વિશ્વને તેના આંચકા લાગ્યા. ભગવાન વામને ત્રણ પગલાંમાં ત્રિલોક પાદાક્રાંત કર્યાં હતાં તેવી જ આ કથા છે. આખરે આપણું દ્વિતીય પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક પાર થયું હતું. આજે એના ૨૬ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે નીડરતાપૂર્વક રાષ્ટ્રનું `સ્વ' જાગ્રત કરીને ગૌરવ અપાવનારા આપણા તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલજી, અબ્દુલ કલામજી અને તમામ વૈજ્ઞાનિકોને વંદન છે. પહેલગામ ઘટના પછી આપણને પરમાણુ-શક્તિસંપન્ન રાષ્ટ્ર હોવાનું મહત્ત્વ સમજાયું છે. ભારતને ભારત બનેલું રાખવા આ અનિવાર્ય હતું.
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.