અર્થતારણ । સોનાનો ત્યાગ અને આર્થિક દેશભક્તિ: વૈશ્વિક સંકટ વચ્ચે ભારતને સદ્ધર બનાવવાનો માસ્ટર પ્લાન
આપણે વર્ષે ૭૦૦થી ૯૦૦ ટન સોનું વાપરીએ છીએ, જેમાંથી ૯૦ ટકા વિદેશથી મંગાવવું પડે છે. આ ગણિતને જો રોજિંદા સ્તરે સમજીએ તો ભારતમાં દરરોજ ૧૯૨૦ કિલો સોનું વેચાય છે, જેનો અર્થ એ થયો કે દર કલાકે આપણે ૮૦ કિલો સોનું ખરીદીને વિદેશી હૂંડિયામણ બહાર મોકલીએ છીએ.
ભારતની અર્થવ્યવસ્થા આજે એક એવા વળાંક પર ઊભી છે જ્યાં વૈશ્વિક અનિશ્ચિતતાઓના વાવાઝોડા વચ્ચે આપણે આપણી આર્થિક નૌકાને સ્થિર રાખવાની છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વડોદરા અને તેલંગાણામાં દેશવાસીઓને ગંભીર અપીલ કરી કે, આગામી એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળો, પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડો અને બિનજરૂરી વિદેશયાત્રાઓ અટકાવો. આ કોઈ આદેશ નથી, પણ એક એવી વિનંતી છે. વિરોધ પક્ષો ભલે આને મુદ્દો બનાવવાની કોશિશ કરે, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે, જ્યારે જ્યારે દેશના માથે આર્થિક સ્થિરતા કે સુરક્ષા પર સંકટો આવ્યાં છે, ત્યારે નેતૃત્વએ પ્રજા પાસે ત્યાગની અપેક્ષા રાખી છે. અગાઉ ઇન્દિરા ગાંધીએ પણ દેશહિતમાં સોનું ન ખરીદવા આહ્વાન કર્યું હતું. આ નાગરિકોને રાષ્ટ્ર સાથે જોડવાની પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિગત સંયમ સામૂહિક શક્તિ બનીને ઊભરે છે.
ભારતની આર્થિક સુરક્ષા
દેશવાસીઓને પ્રશ્ન થઈ રહ્યો છે કે વડાપ્રધાનશ્રીએ આ સૂચન અત્યારે જ કેમ કર્યું? તેનો ઉત્તર પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલ ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં છુપાયેલો છે. આ યુદ્ધ માત્ર સરહદો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરી સમાન સપ્લાય ચેઈન પરનો હુમલો છે. પશ્ચિમ એશિયામાં અસ્થિરતા એટલે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો. આજે કાચા તેલની કિંમત ૧૦૦ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. ભારત તેની જરૂરિયાતનું ૮૫% તેલ આયાત કરે છે. જ્યારે તેલ મોંઘું થાય છે ત્યારે ભારતનું વિદેશી હૂંડિયામણ (Forex Reserve) તેજીથી ખાલી થાય છે. આ સંજોગોમાં સોનાની આયાત એ અર્થતંત્ર પર બેવડા માર સમાન સાબિત થાય છે. ભારત દુનિયામાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે અને આપણે આપણી ૯૦% જરૂરિયાત આયાત દ્વારા જ પૂરી કરીએ છીએ. વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનું સોનાનું આયાત બિલ ૭૧.૯૮ અબજ ડોલર (અંદાજે ૬.૭૭ લાખ કરોડ રૂપિયા)ના વિક્રમી સ્તરે પહોંચ્યું છે. જ્યારે આપણે ઘરેણાં ખરીદવા માટે ડોલર બહાર મોકલીએ છીએ ત્યારે રૂપિયો નબળો પડે છે અને મોંઘવારી વધે છે. વડાપ્રધાનશ્રીનો વિમર્શ સ્પષ્ટ છે કે, જો આપણે એક વર્ષ સોનું ન ખરીદીએ તો આ કરોડો ડોલર દેશની તિજોરીમાં બચશે, જેનો ઉપયોગ યુદ્ધના કારણે વધતા તેલના ભાવોને સરભર કરવામાં કરી શકાશે અથવા દેશહિત અને નાગરિક સુવિધાનાં બીજાં કાર્યોમાં પણ કરી શકાશે.
આ બાબત હોર્મુઝની ખાડીના ભૌગોલિક સ્થાન સાથે જોડાયેલી છે.
ઇરાન અને ઓમાન વચ્ચે આવેલી આ પટ્ટી વિશ્વની સૌથી મહત્વની તેલ નળી છે. દુનિયાનો ૨૦%થી ૨૫% ક્રૂડ ઓઈલનો વેપાર આ ખાડીમાંથી પસાર થતાં જહાજો દ્વારા થાય છે. જો ઇરાન-અમેરિકા યુદ્ધ વધુ વકરે અને આ ખાડી સાવ જ બંધ જ થઈ જાય તો વિશ્વભરમાં તેલનો હાહાકાર મચી જાય. જહાજો અટકી જાય તો ભારત સુધી પહોંચતા તેલ અને ગેસનાં ટેન્કરો મોંઘાં થાય અથવા મોડાં પડે. આ જોખમને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને વર્ક ફ્રોમ હોમ અને પેટ્રોલના વપરાશમાં સંયમ રાખવાની પણ વાત કરી છે. જો આપણે આપણો ઈંધણ વપરાશ ૧૦% પણ ઘટાડીએ, તો અબજો ડોલરની બચત થશે અને તે દેશને કોઈ પણ વૈશ્વિક આર્થિક આંચકા સામે બફર પૂરું પાડશે. આ માત્ર આર્થિક આંકડા નથી, પણ યુદ્ધના સમયમાં દેશની આર્થિક સાર્વભૌમત્વની રક્ષા કરવાની યુદ્ધનીતિ છે.
જીડીપી પર તેની અસરો
ભારતીય પરિવારોમાં સોનું માત્ર દાગીના નથી, પણ મુશ્કેલ સમયની પૂંજી છે. એક આંકડા મુજબ ભારતીય ઘરોમાં ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ ટન સોનું હોવાનો અંદાજ છે, જે દુનિયાની ઘણી કેન્દ્રીય બેંકોની અનામત કરતાં પણ વધુ છે. ભારતીય ઘરોમાં સોનું માત્ર રોકાણના હેતુથી નથી ખરીદવામાં આવતું, પરંતુ તેને દીકરીઓના લગ્ન-પ્રસંગોનો અનિવાર્ય હિસ્સો અને કટોકટીના સમયે કામ આવતી ‘ઇમરજન્સી એસેટ’ તરીકે જોવામાં આવે છે. જોકે, આટલો મોટો જથ્થો તિજોરીઓમાં પડ્યો રહેતો હોવાથી તે દેશના અર્થતંત્રમાં ગતિશીલતા લાવી શકતો નથી, જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ‘સોવરિન ગોલ્ડ બોન્ડ’ અને ‘ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ’ જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. જેના થકી આ સોનાને આર્થિક ઉત્પાદકતા સાથે જોડી શકાય. સરકારની આ બંને યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય સોનાના આર્થિક મૂલ્યને રાષ્ટ્રહિતમાં વાપરવાનો છે. જેમાં ‘સોવરિન ગોલ્ડ બોન્ડ’ દ્વારા નાગરિકોને ભૌતિક સોનું ખરીદ્યા વગર જ સોનાના વધતા ભાવનો લાભ અને વાર્ષિક ૨.૫% નિશ્ચિત વ્યાજ આપીને નવી આયાત ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે ‘ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ’ દ્વારા ઘરમાં પડેલા બિનઉપયોગી સોનાને બેંકમાં જમા કરાવી તેના પર વ્યાજ મેળવવાની અને એ જ સોનાને ફરીથી અર્થતંત્રમાં ફરતું કરવાની તક આપવામાં આવે છે, જેથી દેશનું કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવી શકાય.
વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો તણાવ અને હોર્મુઝની ખાડીનાં સંભવિત અવરોધોને કારણે કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેણે વૈશ્વિકસ્તરે મોંઘવારીનું જોખમ વધારી દીધું છે. સામાન્ય રીતે અનિશ્ચિતતાના માહોલમાં રોકાણકારો સોના તરફ વળતા હોય છે, પરંતુ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઊંચા રાખવામાં આવતાં સોનાના ભાવો પર દબાણ જોવા મળી રહ્યું છે, કારણ કે સોનું પોતે કોઈ વ્યાજ કે વળતર આપતું નથી.
પરંતુ જ્યારે આપણે નવું સોનું ખરીદીએ છીએ ત્યારે તે દેશ માટે ‘ડેડ ઇન્વેસ્ટમેન્ટ’ (મૃત રોકાણ) બની જાય છે. કારણ કે તે તિજોરીમાં પડ્યું રહેતું હોવાથી અર્થતંત્રમાં ફરતું નથી. જો આ નાણાં બેંકોમાં કે અન્ય નાણાકીય સાધનોમાં રોકાય, તો દેશના ઉદ્યોગોને મૂડી મળે, રોજગારી વધે અને જીડીપીમાં ઉછાળો આવે. અર્થશાસ્ત્રીઓના મતે સોનાની આયાતમાં ઘટાડો થવાથી ચાલુ ખાતાની ખાધ (Currect Account Deficit) નિયંત્રિત થાય છે. જો સોનાની ખરીદીમાં ૫૦%નો પણ ઘટાડો થાય તો ભારત ૩૫ અબજ ડોલર (૩.૪૨ લાખ કરોડ રૂપિયા) બચાવી શકશે. આ બચત જીડીપીના વૃદ્ધિ દરમાં સીધો ૧થી ૧.૫ ટકાનો વધારો કરી શકે છે. જ્યારે રૂપિયો મજબૂત થાય છે ત્યારે આયાતી વસ્તુઓ સસ્તી થાય છે અને અંતે તેનો લાભ સામાન્ય જનતાને જ મળે છે.
નાગરિકની જવાબદારી
વડાપ્રધાનના આહ્વાન પાછળનો મૂળ હેતુ નાગરિકોને ‘આર્થિક દેશભક્તિ’ના મંત્ર સાથે જોડવાનો છે. આ સૂચન પ્રજા પર લાદવામાં આવેલું ફરજિયાતપણું નથી. આ તો એક લોકશાહી દેશના નેતાની પોતાની પ્રજા પાસેની અપેક્ષા છે. વડાપ્રધાન જાણે છે કે, ભારતીય નાગરિકોમાં રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના છે. કોરોનાકાળમાં જ્યારે તેમણે થાળી વગાડવાનું કે દીવા પ્રગટાવવાનું કહ્યું હતું, ત્યારે સમગ્ર દેશ એક તાંતણે બંધાયો હતો. આ વખતે પણ ઉદ્દેશ્ય એ જ છે કે નાગરિક સમજે કે તેના એક વર્ષના સંયમથી દેશની તિજોરી કેટલી મજબૂત થઈ શકે છે. આ રાષ્ટ્ર સાથે એટેચ થવાની વાત છે. જ્યારે એક મધ્યમ વર્ગનો માણસ પેટ્રોલ બચાવે છે કે લગ્નમાં સોનાની ખરીદી ટાળે છે ત્યારે તે અજાણતાં જ દેશના વિદેશી હૂંડિયામણના ભંડારને સુરક્ષિત કરી રહ્યો હોય છે. તેની દેશભક્તિ-રાષ્ટ્રનિષ્ટા પુષ્ટ બને છે.
આપણે એ સમજવું પણ અનિવાર્ય છે કે ભારતની કેન્દ્ર સરકારે છેલ્લા બે-ત્રણ વર્ષોમાં અત્યંત સુંદર આર્થિક સંચાલન કર્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે અત્યારનું પશ્ચિમ એશિયાનું સંકટ, દુનિયાના એશિયા સહિતના અન્ય દેશોમાં પણ મોંઘવારી આસમાને પહોંચી છે. (એશિયાના દેશોની સ્થિતિ અંગે જુઓ બોક્સ)
અને ઈંધણના ભાવ બમણા થયા છે, પરંતુ ભારતમાં સામાન્ય પ્રજાના માથે ત્રણ માસ સુધી તેનો બોજ લાદવામાં આવ્યો નહોતો અને મે-૨૦૨૬માં ખૂબ સામાન્ય ભાવવધારો થયો છે. સરકારે પોતાની કુશળ રાજનીતિથી રશિયા પાસેથી સસ્તું તેલ મેળવ્યું અને દેશના અર્થતંત્રને આંચકાઓથી બચાવ્યું. પરંતુ હવે જ્યારે યુદ્ધ લાંબુ ખેંચાઈ રહ્યું છે અને વૈશ્વિક મંદીની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે નાગરિક તરીકે આપણી પણ કેટલીક ફરજ બને છે. માટે આપણે સૌએ વડાપ્રધાનશ્રીની વાતને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે તેઓ આવનારા સંકટને વહેલા પારખી ગયા છે. નાગરિકે એ સમજવું પડશે કે, ‘આ દેશ મારો છે, આ રાષ્ટ્ર મારું છે.’ જો સરકાર આપણા પર ટેક્સ વધાર્યા વગર કે ભાવવધારો લાદ્યા વગર પરિસ્થિતિ સંભાળી રહી હોય, તો આપણા દ્વારા કરવામાં આવતો થોડો સંયમ દેશને આપણા દેશને આર્થિક કટોકટીથી બચાવશે. સોનાની ખરીદી થોડા સમય માટે મુલતવી રાખવી કે પેટ્રોલનો બચાવ કરવો એ કોઈ મોટો ત્યાગ નથી, પણ તે રાષ્ટ્રનિર્માણમાં એક બહુમૂલ્ય આહુતિ છે. આ આર્થિક સહભાગીદારી જ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવશે. જ્યારે ૧૪૦ કરોડ લોકોનો સંકલ્પ અને સંયમ એક થાય છે, ત્યારે દુનિયાની કોઈ તાકાત તે દેશની પ્રગતિને રોકી શકતી નથી. વડાપ્રધાનનું આ સૂચન એ વાસ્તવમાં ભારતના આર્થિક સ્વાતંત્ર્યને વધુ સુદૃઢ બનાવવાનું એક આહ્વાન છે. આવો આપણે સૌ એમાં સહભાગી બનીએ અને આપણી નાનકડી પરંતુ અતિ મહત્ત્વની આહૂતિ આપીએ.
રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.