હિમાલયથી આર્કટિક સુધી ભારતની ગર્જના: શું છે રશિયા સાથેનો ‘રેલોસ’ કરાર, જેનાથી ચીન-અમેરિકાના હોશ ઊડી ગયા?

હિમાલયથી આર્કટિક સુધી હવે ભારતની વ્યૂહાત્મક પહોંચ! રશિયા સાથેના ‘RELOS’ કરારે ચીન, પાકિસ્તાન અને અમેરિકાની ચિંતા કેમ વધારી? હિમાલયથી આર્કટિક સુધીની નવી રણનીતિ ભારત-રશિયા ‘રેલોસ’ કરાર અને વૈશ્વિક સત્તાનું સંતુલન...

    ૨૫-મે-૨૦૨૬   
કુલ દૃશ્યો |

india-russia-relos-agreement
 
 
વિશ્વ અત્યારે પરિવર્તનના એવા ઉંબરે ઊભું છે જ્યાં જૂનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે અને નવાં સૈન્ય ગઠબંધનો આકાર લઈ રહ્યાં છે. રશિયા-યુક્રેન સંઘર્ષ અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત અને રશિયાએ એક એવો ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેણે પશ્ચિમી દેશોથી લઈને આપણા પાડોશી દેશોના પણ હોશ ઉડાવી દીધા છે. આ નિર્ણય છે ‘રેલોસ’ (RELOS - Reciprocal Exchange of Logistics Support) એગ્રીમેન્ટ. ફેબ્રુઆરી ૨૦૨૫માં હસ્તાક્ષર થયેલા અને જાન્યુઆરી ૨૦૨૬થી પૂર્ણપણે અમલમાં આવેલા આ કરાર અંતર્ગત ભારત અને રશિયા હવે એકબીજાની ભૂમિ પર ૩૦૦૦ સૈનિકો, ૧૦ લશ્કરી વિમાનો અને ૫ યુદ્ધજહાજો તૈનાત કરી શકશે. આ કોઈ સામાન્ય વ્યાપારી સમજૂતી નથી, પણ બે પરમ મિત્રો વચ્ચેનો અતૂટ વિશ્વાસ છે. આ સમજૂતી એ વાતની સાક્ષી પૂરે છે કે ૨૧મી સદીના ભૂ-રાજકીય નકશા પર ભારત હવે કોઈના દબાણમાં આવ્યા વગર પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવા સક્ષમ છે.
 
રેલોસ એગ્રીમેન્ટ શું છે?
 
આ રેલોસ એગ્રીમેન્ટ શું છે, તે સમજવું ખૂબ જ જરૂરી છે. આ એક ‘પરસ્પર લોજિસ્ટિક્સ સહાય’ કરાર છે, જે બંને દેશોની સેનાઓને એકબીજાના લશ્કરી મથકો, બંદરો અને એરફિલ્ડ્સનો ઉપયોગ કરવાની કાયદેસરની પરવાનગી આપે છે. ભારત અત્યાર સુધી અમેરિકા, જાપાન, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે આવા લોજિસ્ટિક કરારો કરી ચૂક્યું છે, પરંતુ રશિયા સાથેનો આ કરાર તે બધા કરતાં અલગ અને વધુ વજનદાર છે. અન્ય દેશો સાથેના કરારમાં માત્ર ઈંધણ અને સ્પેરપાર્ટ્સની આપ-લેની વાત હોય છે, જ્યારે રશિયા સાથેના ‘રેલોસ’ કરારમાં ૩૦૦૦ સૈનિકોની તૈનાતીની જોગવાઈ છે. આનો અર્થ એ થયો કે, જરૂર પડે ત્યારે ભારતીય સેના રશિયાના અત્યંત વ્યૂહાત્મક ગણાતા મથકો જેવા કે મુરમાન્સ્ક અને સેવેરોમોર્સ્ક બંદરનો ઉપયોગ કરી શકશે. તેવી જ રીતે, રશિયન નૌસેના હિંદ મહાસાગરમાં ભારતીય બંદરો અને અંદામાન-નિકોબારના ટાપુઓ પર પોતાના જહાજો લાંગરી શકશે અને ઈંધણ કે સમારકામ જેવી સુવિધાઓ મેળવી શકશે. આ સમજૂતી શાંતિના સમયમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ માટે અને યુદ્ધ કે આપત્તિના સમયમાં ઝડપી લોજિસ્ટિક સપોર્ટ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
 
ભારતને શું ફાયદા થશે?
 
ભારત માટે આ કરારના ફાયદા બહુપરિમાણીય છે. પ્રથમ તો, ભારતની સૈન્ય પહોંચ હવે સીધી આર્કટિક ક્ષેત્ર અને રશિયાના ફાર-ઈસ્ટ (પશ્ચિમમાં સાઈબેરિયાથી પૂર્વ પ્રશાંત મહાસાગર સુધી ફેલાયેલો વિસ્તાર) સુધી થઈ જશે. ગ્લોબલ વોર્મિંગના કારણે આર્કટિકમાં બરફ પીગળી રહ્યો છે અને નવા જળમાર્ગો ખૂલી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં ભારતની સૈન્ય હાજરી ભવિષ્યની ઊર્જા સુરક્ષા માટે અનિવાર્ય છે. રશિયાના અત્યંત ઠંડા પ્રદેશોમાં ભારતીય સૈનિકોને ટ્રેનિંગ મળશે, જે આપણને લદ્દાખ અને સિયાચીન જેવા ઉંચાઈવાળા અને ઠંડા વિસ્તારોમાં દુશ્મનો સામે લડવામાં વધુ સક્ષમ બનાવશે. વધુમાં, ભારત પાસે રહેલા ૬૦થી ૭૦ ટકા હથિયારો રશિયન મૂળનાં છે. એસ-400 મિસાઈલ સિસ્ટમ હોય કે સુખોઈ-30 એમ.કે.આઈ વિમાનો હોય - આ કરારથી આ હથિયારોની જાળવણી અને સ્પેરપાર્ટ્સ મેળવવાની પ્રક્રિયામાં જે વિલંબ થતો હતો તે દૂર થશે. બીજી તરફ, રશિયાને આ કરારથી હિંદ મહાસાગરમાં એક મજબૂત મિત્રનો આશરો મળશે. પશ્ચિમી દેશો દ્વારા જે રીતે રશિયાને અલગ-થલગ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે તેની સામે ભારત જેવી ઊભરતી મહાસત્તા સાથેનો આ કરાર રશિયાને વૈશ્વિક રાજનીતિમાં નવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. રશિયા માટે દક્ષિણ-પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં પહોંચવા માટે ભારત એક પ્રવેશદ્વાર જેવું કામ કરશે.
 
ભારત-રશિયા દોસ્તીની ઐતિહાસિક મિશાલ
 
આ કરારથી ઘણાને એમ લાગી શકે કે, ભારત અને રશિયાની દોસ્તી હમણાં થઈ હશે. પણ ના, ભારત અને રશિયાની દોસ્તી કોઈ રાતોરાત બનેલી ઘટના નથી, પણ તે સાત દાયકા જૂના લોહી અને પરસેવાથી સીંચાયેલા સંબંધો છે. ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ આ દોસ્તીનું સૌથી મોટું ઉદાહરણ છે. જ્યારે અમેરિકાનો સાતમો નૌકાકાફલો ભારતને ડરાવવા બંગાળની ખાડી તરફ આવી રહ્યો હતો, ત્યારે તત્કાલીન સોવિયેત યુનિયને પોતાની પરમાણુ સબમરીન મોકલીને અમેરિકાને પીછેહઠ કરવા મજબૂર કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં જ્યારે જ્યારે કાશ્મીર મુદ્દે ભારતને ઘેરવાની કોશિશ થઈ છે ત્યારે-ત્યારે રશિયાએ હંમેશા પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને ભારતની રક્ષા કરી છે. આજે આપણી સેના પાસે જે બ્રહ્મોસ મિસાઈલ છે એ ભારતની ટેકનોલોજી અને રશિયાના સહયોગની અદ્‌ભુત મિશાલ છે. આ ‘રેલોસ’ કરાર એ જ જૂની અને અતૂટ દોસ્તીનું આધુનિક સ્વરૂપ છે, જે દુનિયાને બતાવે છે કે ગમે તેટલાં વૈશ્વિક દબાણો છતાં પણ ભારત પોતાના જૂના મિત્રનો સાથ છોડતું નથી.
 
ભારતની વિદેશ નીતિની પરિપક્વતા
 
વિશ્વ મંચ પર આ કરારથી ભારતની છબી એક અત્યંત પ્રભાવશાળી અને સ્વતંત્ર સત્તા તરીકે ઊભરી છે. આ કરાર સાબિત કરે છે કે, ભારત કોઈ પણ એક છાવણી (કેમ્પ)માં જોડાવાને બદલે ‘બહુ-ધ્રુવીય વિશ્વ’ (Multi-polar World)માં વિશ્વાસ રાખે છે. ભારત અમેરિકા સાથે ‘લેમોઆ’ સમજૂતી કરે છે તે જ રીતે રશિયા સાથે ‘રેલોસ’ સમજૂતી પણ કરી શકે છે. આ ભારતની વિદેશ નીતિની પરિપક્વતા દર્શાવે છે. પશ્ચિમી દેશો ભલે રશિયા પર પ્રતિબંધો લાદતા હોય, પણ ભારત પોતાનાં રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને રશિયા સાથે સૈન્ય સહયોગ વધારે છે. આનાથી અમેરિકા અને યુરોપના દેશોને પણ સ્પષ્ટ સંદેશ ગયો છે કે, ભારતને કોઈ પણ પક્ષે જઈને નિર્ણય લેવા મજબૂર કરી શકાય તેમ નથી. રશિયા માટે પણ ભારત એક એવું બજાર અને વ્યૂહાત્મક સાથી છે જે તેને ચીન પરની અતિશય નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
 
પાકિસ્તાન, ચીન અને અમેરિકાને ટેન્શન
 
આ સમજૂતીથી સૌથી વધુ ફાળ પાકિસ્તાન અને ચીનના પેટમાં પડી છે. રશિયા સાથેના ભારતના આટલા ગાઢ સંબંધો પાકિસ્તાનની વિદેશ નીતિની નિષ્ફળતા સમાન છે. પાકિસ્તાન વર્ષોથી રશિયાને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો કરતું હતું, પરંતુ ‘રેલોસ’ કરારે સાબિત કરી દીધું કે, રશિયા માટે ભારત જ એકમાત્ર ભરોસાપાત્ર સાથી છે. પાકિસ્તાની નિષ્ણાતો કહેવા લાગ્યા છે કે, રશિયા ભારત પર દાવ લગાવીને ભૂલ કરી રહ્યું છે, પણ આ તેમની ખીજ સિવાય બીજું કંઈ નથી.
 
ચીન માટે પણ રશિયન બંદરો પર ભારતીય સૈનિકોની હાજરી એ માથાભારે સ્થિતિ છે. ચીન પોતે રશિયાના ‘ફાર ઈસ્ટ’ વિસ્તારમાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે, ત્યાં ભારતની સૈન્ય હાજરી ચીનના એકહથ્થુ શાસનને પડકાર ફેંકશે. હિંદ મહાસાગરમાં રશિયન જહાજોને મળતી ભારતીય સુવિધા ચીનની ‘સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ (હિન્દ મહાસાગરમાં ભારતને ઘેરવાની ચીનની એક ભૂ-રાજકીય અને સૈન્યની રણનીતિ) નીતિને કાઉન્ટર કરવામાં ભારતને મોટી મદદ કરશે.
 
અમેરિકા માટે પણ આ કરાર એક મોટી મૂંઝવણ છે. અમેરિકાએ તાજેતરના સમયમાં પાકિસ્તાન પ્રત્યે થોડું નરમ વલણ બતાવ્યું હતું, જેનો જવાબ ભારતે રશિયા સાથે સૈન્ય કરાર કરીને આપ્યો છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત રશિયાથી દૂરી બનાવે, પરંતુ ભારત તો ‘રેલોસ’ દ્વારા રશિયાની વધુ નજીક ગયું છે. આનાથી અમેરિકાને એ વાતનું ટેન્શન છે કે જો ભવિષ્યમાં ચીન સાથે કોઈ મોટો સંઘર્ષ થાય, તો રશિયા ભારતને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડશે, જેનાથી ભારતની ક્ષમતા બમણી થઈ જશે. રશિયા અને ભારત જેવી બે પ્રચંડ સૈન્યશક્તિઓ જ્યારે એકબીજાનાં ઠેકાણાંઓનો ઉપયોગ કરવાની શરૂઆત કરે, ત્યારે એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં શક્તિનું સંતુલન સંપૂર્ણપણે બદલાઈ જાય છે.
 
નવી વૈશ્વિક ઓળખ અને મજબૂત ભવિષ્ય
 
ભારત અને રશિયા વચ્ચેનો રેલોસ એગ્રીમેન્ટ એ માત્ર સૈનિકોની અવરજવર માટેની સમજૂતી નથી, પણ તે ૨૧મી સદીના નવા ભારતની ગર્જના છે. આ દોસ્તીના પાયામાં વર્ષોનો વિશ્વાસ અને પરસ્પર સન્માન છે. જ્યારે દુનિયા યુદ્ધો અને પ્રતિબંધોમાં વહેંચાયેલી છે, ત્યારે ભારત અને રશિયાએ સાથે મળીને એક એવો માર્ગ પસંદ કર્યો છે જે બંને દેશોની સુરક્ષા અને સમૃદ્ધિની ગેરંટી આપે છે. આ કરારથી ભારતની વૈશ્વિક ઓળખ એક એવી મહાસત્તા તરીકે પ્રસ્થાપિત થઈ છે જે પોતાની શરતો પર મિત્રતા નિભાવે છે.
 
રશિયા સાથેનો આ સૈન્ય સહયોગ ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે અને સરહદો પર દુશ્મનો સામે લડવા માટે નવી ટેકનોલોજી પૂરી પાડશે. બીજી તરફ, ભારત જેવો વિશાળ લોકશાહી દેશ રશિયા માટે એશિયામાં સૌથી મોટું અને સ્થિર બજાર સાબિત થશે. હિંદ મહાસાગરથી લઈને આર્કટિક સુધી લહેરાતો તિરંગો અને તેની સાથે રહેલો રશિયન સહયોગ ભવિષ્યમાં કોઈ પણ મોટી દુર્ઘટનાને રોકવા માટે સક્ષમ હશે. આ સમજૂતી સાચા અર્થમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં સંરક્ષણ અને વ્યૂહાત્મક મોરચે એક મજબૂત પાયો નાખશે. ભારત અને રશિયાની આ જુગલબંદી આવનારા દાયકાઓમાં વિશ્વ રાજનીતિની દિશા અને દશા નક્કી કરશે.
 
રેલોસ : સંરક્ષણ ક્ષેત્રે ભારત-રશિયાની નવી ‘ટેકનિકલ’ ક્ષિતિજો
 
સૂચનાઓનું આદાન-પ્રદાન અને રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સ : આ સમજૂતી માત્ર સામાન પૂરતી મર્યાદિત નથી, પણ તે બંને દેશો વચ્ચે ‘મેરિટાઈમ ડોમેન અવેરનેસ’ (MDA)ને વેગ આપશે. હિંદ મહાસાગરમાં ચીની સબમરીનોની હિલચાલ હોય કે આર્કટિકમાં વધતી જતી વૈશ્વિક ગતિવિધિઓ, બંને દેશો એકબીજાના સેટેલાઈટ અને રડાર ડેટાનો ઉપયોગ કરીને ‘રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સ’ શેર કરી શકશે.
 
સાયબર અને સ્પેસ ડિફેન્સમાં નવી ભાગીદારી : રશિયા સાયબર વોરફેર અને સ્પેસ ટેકનોલોજીમાં વિશ્વની સર્વોચ્ચ શક્તિઓમાંનું એક છે. ૩૦૦૦ સૈનિકોની તૈનાતીમાં ટેકનિકલ નિષ્ણાતોનો પણ સમાવેશ હશે, જે ભારતીય સેનાને અંતરિક્ષ આધારિત હથિયારો અને દુશ્મનના ડિજિટલ નેટવર્કને જામ કરવાની કળા (Cyber Offense/Defense) શીખવવામાં મદદરૂપ થશે.
 
‘મેક ઇન ઇન્ડિયા’ અને સંયુક્ત પ્રોડક્શન હબ : આ લોજિસ્ટિક સપોર્ટથી રશિયન સંરક્ષણ કંપનીઓ માટે ભારતમાં પ્લાન્ટ સ્થાપવા સરળ બનશે. રશિયન એન્જિનિયરો અને ટેકનિશિયનો ભારતીય સૈન્ય મથકો પર હાજર રહીને રશિયન હથિયારોનું રિપેરિંગ અને મેન્ટેનન્સ ભારતમાં જ કરી શકશે, જેનાથી ભારત રશિયન હથિયારો માટેનું ‘વૈશ્વિક મેન્ટેનન્સ હબ’ બની શકે છે.
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.