તાજેતરમાં સંપન્ન પાંચ રાજ્યો - પ. બંગાળ, આસામ, તમિળનાડુ, કેરળમ્ અને પુડુચેરીની ચૂંટણીમાં સનાતનવિરોધી જેટલા પક્ષો હતા તેમનો પરાજય થયો. પ. બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને વસાવી મતદારો બનાવી સરકારી યોજનાઓના લાભ અપાવીને યાવત્ ચંદ્રદિવાકરૌ રાજ્ય કરવાનું મમતાનું સપનું મતદાર સૂચિ પુનર્નિરીક્ષણમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનાં નામ કપાઈ જવાથી અને હિન્દુવિરોધી અત્યાચારી રાજનીતિ સામે પ્રચંડ આક્રોશથી રોળાઈ ગયું. પરંતુ લોકતંત્રના પ્રહરી તરીકે સેક્યુલરોનાં ગૉડેસ મનાતાં મમતા બેનર્જી ચૂંટણી પછી ત્યાગપત્ર આપવા ન ગયાં. ના, હું તો મારા મનના રાજ્યની મુખ્ય પ્રધાન! હું હારી નથી, મને હરાવવામાં આવી છે.
અહીં એક આડ વાત પણ કરવી અનિવાર્ય છે કે, આપણે ઘણી વાર બંગાળ-બંગાળ લખીએ છીએ પરંતુ સ્વતંત્રતા પછી તેનું નામ પ. બંગાળ રાખવામાં આવ્યું છે જે અખંડ ભારતના પુરસ્કર્તાઓને સદા સ્મરણ અપાવે છે કે પૂર્વ બંગાળ - આજનું બાંગ્લાદેશ આપણી પાસે નથી. થોડાં વર્ષ પહેલાં મમતા બેનર્જીએ એવા બહાના હેઠળ પ. બંગાળનું નામ ખાલી બંગાળ કરવા માગણી કરી હતી કે પ. બંગાળના સ્પેલિંગ મુજબ West Bengal એટલે મુખ્ય પ્રધાનોની પરિષદમાં તેમનો બોલવાનો વારો છેલ્લે આવે છે. જો Bengal કરી નાખે તો શરૂઆતમાં જ વારો આવે, પરંતુ આનાથી કોઈ મોટું અંતર પડે નહીં. આની પાછળનો હેતુ આપણને ઇતિહાસબોધથી વંચિત રાખવાનો કે હવે જે છે તે આ જ બંગાળ છે.
તમિળનાડુમાં એમ. કે. સ્ટાલિને અને કેરળમ્માં પણ ડાબેરી પિનરાઈ વિજયને વિના વિલંબે ત્યાગપત્ર આપી દીધા. કારણ કે કોઈ પણ સાચા રાજનેતાને જ્ઞાત જ હોય કે તેઓ કે તેમનો પક્ષ ચૂંટણી હારવાનો છે. મમતા અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી જે પ. બંગાળમાં સવાયા મુખ્ય પ્રધાન તરીકે વર્તતા હતા, તેમણે ચૂંટણી પરિણામ પહેલાં જ સ્ટ્રૉંગરૂમની બહાર પહેરો કરીને, પોતાને માર મારવામાં આવ્યો તેવી રોકકળ મચાવીને વાતાવરણ બનાવવાનું ચાલુ કરી દીધું હતું, જેથી એવું લાગે કે, કેન્દ્ર સરકારે તેમને ખોટી રીતે હરાવ્યા છે.
મમતાના પરાજય પછી તૃણમૂલ કૉંગ્રેસમાં જે ઘટનાક્રમ જોવા મળ્યો તે જોવા જેવો છે. ૨૦૧૮, ૨૦૨૧, ૨૦૨૪, ૨૦૨૫ એમ પ. બંગાળમાં યોજાયેલી દરેક ચૂંટણી પછી તે સ્થાનિક સ્વરાજ્યની (૨૦૧૮ અને ૨૦૨૫) હોય કે ૨૦૨૧ (વિધાનસભાની) અથવા ૨૦૨૪ (લોકસભાની), દર વખતે તેમાં રાજકીય હિંસા થઈ છે. ૨૦૧૮માં તો ભાજપના કાર્યકર્તાઓ, સમર્થકોને મારીને ઝાડ પર લાશ ટીંગાડી દેવાઈ હતી. ઉમેદવારોને કલેક્ટર કાર્યાલયે ફૉર્મ આપવા જવા દેવાતા નહોતા, જેથી કોલકાતા ઉચ્ચ ન્યાયાલયે આદેશ આપવો પડ્યો હતો કે, તેમનાં ફૉર્મ વૉટ્સઍપ પર સ્વીકારવામાં આવે. ૨૦૨૧માં તો તૃણમૂલની જીત થઈ તોય પરિણામના દિવસે ભાજપને મુખ્ય વિપક્ષ બનવા મળે તેટલી ૭૭ બેઠક કેમ મળી, તેવા કારણોસર હિન્દુઓને મારી નાખીને, મારી-મારીને, સ્ત્રીઓ પર બળાત્કાર કરીને, તેમનાં ઘરને આગ લગાડીને ત્યાંથી બિહાર કે આસામ ભાગવા વિવશ કરાયા હતા. આ કેસ આજેય સર્વોચ્ચમાં ઠંડકથી ચાલે છે. તેનાં ન્યાયાધીશ ઈન્દિરા બેનર્જીએ તો આ કેસની સુનાવણી પોતે નહીં કરે (નૉટ બીફૉર મી) એમ કહીને પોતે કેસમાંથી ખસી ગયાં હતાં. કેમ ખસી ગયાં હશે તે સમજી શકાય છે.
પરંતુ આ ચૂંટણીમાં કેન્દ્રીય જવાનોની ચુસ્તી અને તેના કારણે પોલીસની પણ ચુસ્તીના કારણે એક પણ મૃત્યુ ન થયું. જવાનોની કડકાઈના કારણે મતદારો નિર્ભય રીતે મતદાન કરી શક્યા. ૨૦૨૧માં તૃણમૂલ જીતી તો પણ તેના કાર્યકર્તાઓએ હિંસા કરી હતી, એટલે સેક્યુલરો ટાંપીને બેઠા હતા કે, ૨૦૨૬માં ભાજપના લોકો હિંસા કરે અને અમે નેરેટિવ બનાવવાનું ચાલુ કરી દઈએ અને તૃણમૂલના અવૈધ કાર્યાલય પર લોકોએ સ્વયંભૂ બુલડૉઝર ફેરવ્યું ત્યારે ગુજરાત સહિત દેશભરમાં આવો નેરેટિવ બનાવવાનો ચાલુ પણ કરી દેવાયો હતો. જો કે તેમાં કોઈ સફળતા ન મળી, કારણ કે વડા પ્રધાન મોદીએ પરિણામોની સાંજે જ કહ્યું હતું કે, ‘અમે બદલાની નહીં, બદલાવની રાજનીતિ કરીશું.’
આ વખતે તૃણમૂલના કાર્યકર્તાઓ મતગણતરી મથકની બહાર નીકળી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકર્તા એમ કહેતા વિડિયોમાં જોવા મળ્યા કે, તેમને જવા દો. તૃણમૂલના પ્રવક્તા રિજુ દત્તાએ કહ્યું કે, ‘મત ગણતરી પૂરી થઈ ત્યારે સ્વાભાવિક જ વિજયનો ઉન્માદ હોય, પંદર વર્ષમાં થયેલા અત્યાચારનો પણ રોષ હોય, એવામાં મારી કાર ભાજપ કાર્યકર્તાઓ સમક્ષ આવી અને મારો ડ્રાઇવર મુસ્લિમ હતો.’ રિજુ દત્તા આગળ જતા કહે છે, ‘હું જે કહેવા માગું છું તે નહીં કહું તો તે પાપ હશે. તે સમયે જો તેઓ ઇચ્છત, તો તેઓ મને મારી શકતા હતા, કારનો ભાંગીને ભુક્કો બોલાવી શકતા હતા, મારા મુસ્લિમ ડ્રાઇવરને મારી શકતા હતા, પણ તેમણે શું કર્યું? તેઓ બે હાથ જોડી આગળ આવ્યા, તેમણે કહ્યું, ‘રિજુદાને જવા દો. માર્ગ ખાલી કરો.’
અન્ય એક વિડિયોમાં તૃણમૂલ મહિલા કાર્યકર્તા માથા પર પટ્ટી બાંધીને આવી છે. આના પરથી એમ જ લાગે કે, ભાજપના કાર્યકર્તાઓએ ખૂબ મારીને આવી ગંભીર ઈજા પહોંચાડી હશે, પણ કોઈ સ્થાનિક વ્યક્તિએ તેની પટ્ટી ઉતારી લીધી તો નીચે કોઈ ઈજા જ નહોતી. નાટકમાં તો, મમતા બેનર્જીને તેનાં કાર્યકર્તાઓ પણ બરાબર સ્પર્ધા આપે તેમ છે.
એક વિડિયો મમતા બેનર્જીનો પોતાનો વાઇરલ થયો. તેમાં તેઓ કારમાં બેઠાં-બેઠાં કાર્યકર્તાઓને પોતાના મોબાઇલમાં ભાજપ કાર્યકર (સંભવતઃ સુરતના દીપુ પ્રજાપતિ)નો વિડિયો બતાવી કહે છે, ‘આ બહુ કરી રહ્યો છે.’ (તેને જોઈ લેજો.)
એટલે ભાજપના કાર્યકર્તાઓએ તો ખૂબ સંયમ રાખ્યો. પરંતુ સામા પક્ષે એવું નહોતું. મુખ્યપ્રધાન બન્યા તે પહેલાં શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની ત્રણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ. જ્યારે ભવાનીપુર મતગણતરી મથક બહાર મમતા બેનર્જી નાટક કરવા આવી પહોંચ્યાં હતાં ત્યારે આ ચંદ્રનાથ રથ એકલા જ હતા. તેમણે તેમનો સામનો કર્યો હતો.
પરંતુ આનાથી વધુ ગંભીર સમાચાર, ચૂંટણી પરિણામો પછી, બાંગ્લાદેશથી આવી રહ્યા હતા. બાંગ્લાદેશમાં જેના પર હિન્દુવિરોધી હિંસાના આક્ષેપો થયા હતા તેવા પક્ષ, જમાત-એ-ઇસ્લામીના નેતા મોહમ્મદ નુરુલ હુડા એક વિડિયોમાં મોમોતાબાનોને કહે છે કે, ‘તમે મુખ્યપ્રધાન પદેથી ત્યાગપત્ર ન આપતાં. તમે પ. બંગાળને અલગ દેશ જાહેર કરી, દિલ્લી સામે યુદ્ધ જાહેર કરી દો. બાંગ્લાદેશના ૧૭ કરોડ મુસ્લિમો તમને સાથ આપશે!’
એનાથીય ચોંકાવનારી વાત દીપક વોહરાએ કરી. દીપક વોહરાની ઓળખ એ છે કે, ’૮૦-‘૯૦ના દાયકામાં તેઓ દૂરદર્શન પર ‘જી સાહબ’ અને ગુડ મૉર્નિંગ કે એવા કોઈ નામનો શૉ સવારમાં કરતા હતા. તેનાથી તેઓ પ્રસિદ્ધ થયેલા. તેમણે તત્કાલીન વડાપ્રધાન નરસિંહરાવના ઓ.એસ.ડી. (વિશેષ કર્તવ્ય અધિકારી)ની સેવા પણ આપી હતી. ફ્રાન્સ, ટ્યૂનિશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, ચાડ, કેમેરોન, પપુઆ ન્યૂ ગિની, સ્પેન, આર્મેનિયા અને પૉલેન્ડમાં રાજદૂત તરીકે પણ સેવા આપી હતી. તેઓ કુઆલાલુમ્પુરમાં ઉપ ઉચ્ચ આયુક્ત (ડેપ્યુટી હાઇ કમિશનર) હતા.
આ બધી પાત્રતા લખવાનું કારણ એ કે તેમના દાવાઓની ગંભીરતા સમજાય. દીપક વોહરાએ કહ્યું કે, ‘મમતા બેનર્જી બાંગ્લાદેશના તત્કાલીન અસ્થાયી વડા મોહમ્મદ યુનૂસ સાથે ગ્રેટર બાંગ્લાદેશ બનાવવા માગતાં હતાં. તેમણે યુનૂસને પ્રસ્તાવ કરેલો કે, આપણે મળીને બૃહદ બાંગ્લાદેશ બનાવીએ. આપણી ભાષા અને સંસ્કૃતિ એક છે. રવીન્દ્રનાથ ટાગોરને તમે પણ માનો છો. કવિ કાઝી નઝરુલ ઇસ્લામને અમે પણ માનીએ છીએ. તમે ઇસ્લામિક રિપબ્લિક છો, અને રહેજો. કોઈ વાંધો નથી, પરંતુ દુનિયાને દેખાડવા માટે નવા દેશને સેક્યુલર બનાવીશું, તમારી કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનશે, હું વડા પ્રધાન બનીશ. નદીનું પાણી તમને જેટલું જોઈએ તેટલું મળશે.’ દીપક વોહરા કહે છે કે, મને બાંગ્લાદેશમાં રહેલા મારાં સૂત્રોએ આ વાત કરી છે.
દીપક વોહરા કહે છે કે, ‘મોહમ્મદ યુનૂસે તેમના સલાહકારોને પૂછ્યું કે આવું કરવાથી અમેરિકા સહિત દુનિયાના દેશોમાં શું પડઘા પડશે. તેમને સલાહ મળી કે આવું કરવાનું રહેવા દો. એવો માર તમને પડશે કે તમે પૂરા થઈ જશો. આપણો દેશ નકશા પર નહીં રહે.’ એટલે યુનૂસે તે સમયે આ વિચારને પડતો મૂક્યો.
મમતા બેનર્જી ખરેખર આવું વિચારતાં હોય તો કેટલું ભયાવહ કહેવાય! આના જો પુરાવા મળે તો મમતા બેનર્જીનું સ્થાન જેલમાં હોવું જોઈએ. બાય ધ વે, અત્યાર સુધી બાંગ્લાદેશની સરકારને કોઈ ચિંતા નહોતી. પણ ભાજપના આ પ્રકારના સ્પષ્ટ બહુમતી સાથેના વિજયથી વર્તમાન સરકારને ફડક પેસી છે. તેના ગૃહ પ્રધાન સલાહુદ્દીન અહમદે કહ્યું છે કે, તેમને આશા છે કે, ભાજપના વિજય પછી ગેરકાયદે ઘૂસણખોરોને પાછા નહીં મોકલવામાં આવે.
આ કેવી વાત થઈ? પડોશીના પ્લૉટમાં પરિવારના વ્યક્તિને ઘૂસાડી તેનો કબજો કરી લઈએ અને પછી પડોશી ત્યાં રહેવા આવે ત્યારે નમ્ર સ્વરે ધમકી આપીએ કે અમને આશા છે કે, તમે ત્યાંથી નહીં ખદેડો. જોકે બાંગ્લાદેશે તેના સીમા રક્ષકોને સતર્ક રહેવા તો કહી જ દીધું છે.
આ ઘટનાક્રમો પરથી શું તારણ નીકળી શકે?
૧, મમતા બેનર્જી જેવાં જિહાદીપ્રેમી રાજકારણી સત્તા માટે ગમે તે હદે જઈ શકે છે.
૨, બંગાળ અને બાંગ્લાદેશને એક કરવાની વિચારણા કટ્ટરવાદીઓમાં તો ચાલી જ રહી છે અને દીપક વોહરાની વાત સાચી હોય તો મમતા પણ આવું જ વિચારે છે અને
૩, પ. બંગાળમાં ભાજપના વિજયથી બાંગ્લાદેશને ફડક પેઠી છે કે, હવે ભાજપ સરકાર બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાઢશે.
આ દિશામાં પગલાંની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ સરકાર બન્યા પછી પહેલો નિર્ણય એ કરવામાં આવ્યો કે, ભારત-બાંગ્લાદેશ સીમાએ વાડ બનાવવા માટે અત્યાર સુધી સીમા સુરક્ષા દળ (બીએસએફ)ને ભૂમિ નહોતી મળતી તે ૬૦૦ એકર સીમા પરની ભૂમિ બીએસએફને આપવામાં આવશે.