સંઘ શતાબ્દીએ | વિશ્વફલક પર હિન્દુત્વ |રા.સ્વ.સંઘના મા. સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલેજીનો વિદેશ પ્રવાસ

હિન્દુદર્શનમાં વિશ્વબંધુત્વ છે. ભારત માટે વિશ્વ માત્ર બજાર નથી, તે વિશ્વશાંતિ અને તમામ રાષ્ટ્રના ઉત્કર્ષનો માર્ગ છે.

    ૨૫-મે-૨૦૨૬
કુલ દૃશ્યો |

dattatre hosabale rss
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલેજી થોડા સમય પહેલાં વિદેશપ્રવાસે હતાં. આ પ્રવાસ વિવિધ વિષયો પર સંઘના વિચારોને વિશ્વપટલ પર રેખાંકિત કરનાર મહત્ત્વપૂર્ણ બિન્દુ છે. પ્રતિષ્ઠિત લેખક, સ્તંભકાર અને વિચારક ડૉ. શ્રી રતન શારદાજીએ આ પ્રવાસ અંગે પાંચજન્યમાં વિશેષ છણાવટ કરેલ છે. તેના મહત્ત્વના મુદ્દા અત્રે પ્રસ્તુત છે.
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ મા. દત્તાત્રેય હોસબાલેજીનો અમેરિકા પ્રવાસ માત્ર એક વિદેશ યાત્રા નથી. પરંતુ સંઘ માટે વૈશ્વિક બૌદ્ધિક સંવાદના એક નવા ચરણનો સંકેત છે. આ પ્રવાસ એટલા માટે પણ મહત્ત્વનો છે કે, તે સંઘની શતાબ્દી વર્ષની પૃષ્ઠભૂમિમાં થયો છે. જ્યારે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ વિશ્વના વિચારકવર્ગ, નીતિ સંસ્થાનો અને પ્રવાસી સમાજ દ્વારા સંઘને સમજવાના ગંભીરતાપૂર્વક પ્રયાસો થઈ રહ્યા છે.
 
એવું નથી કે, અગાઉ સંઘના વરિષ્ઠ અધિકારીઓએ વિદેશપ્રવાસો નથી કર્યા. મા. રજ્જુભૈયા ઉચ્ચ અધિકારીરૂપે જાપાન, આફ્રિકા અને ઇંગ્લેન્ડના ત્રણ મહત્ત્વપૂર્ણ વિદેશપ્રવાસ કર્યા હતા. એ પ્રવાસો દરમિયાન તેઓએ અનેક સાર્વજનિક અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને ત્યાંનાં માધ્યમોને સાક્ષાત્કાર પણ આપ્યા, જેમાં બીબીસી પણ સામેલ હતું. જાપાનમાં મા. રજ્જુભૈયાએ બૌદ્ધ સમાજના ભિક્ષુઓ અને વિદ્વાનો સાથે પણ અનેક કાર્યક્રમો કર્યા હતા, પરંતુ એ કાર્યક્રમોનું સ્વરૂપ આજના અર્થમાં વ્યાપક સામુદાયિક જોડાણ ન કહી શકાય. તે મુખ્યત્વે હિન્દુ સમાજ અને સંબંધિત સાંસ્કૃતિક સમાજો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ હતો.
 
આ વખતે માન. સરકાર્યવાહ દત્તાજીનો પ્રવાસ પોતાના ઉદ્દેશ્ય અને સ્વરૂપ બંનેમાં વિશેષ હતો. આ પ્રવાસમાં હિન્દુ સ્વયંસેવક સંઘ અને ભારતીય સમાજ સાથે જોડાયેલ લોકોની સાથે સાથે અમેરિકન બૌદ્ધિક વર્ગ, થિન્ક ટેન્ક્સ, સામાજિક નેતૃત્વ અને અન્ય સમુદાયોને પણ સંઘનું દર્શન, હિન્દુત્વ તેમજ ભારતીય સભ્યતાની દૃષ્ટિને સમજાવવાનો સજગ પ્રયત્ન જણાઈ રહ્યો હતો. આ માત્ર આપણા (ભારતીય) લોકો સાથેનો સંવાદ ન હતો, પરંતુ એ લોકો સાથે પણ સંવાદ હતો જે લાંબા ગાળાથી ભારત, હિન્દુ સમાજ અને સંઘને પ્રાયઃ અન્ય સ્રોતોના માધ્યમથી સમજતાં રહ્યાં છે.
 
એવું માનવામાં જરાય સંકોચ ન થવો જોઈએ કે, આજે પણ અમેરિકા વિશ્વની સૌથી પ્રભાવશાળી શક્તિઓમાં છે. તેનાં વિશ્વવિદ્યાલયો, થિન્ક ટેન્ક્સ, મીડિયા સંસ્થાનો અને નીતિ કેન્દ્રોનો પ્રભાવ માત્ર અમેરિકન સમાજ સુધી જ સીમિત નથી રહેતો, પરંતુ વૈશ્વિક ધારણા નિર્માણ પર પણ પડે છે. પશ્ચિમી સભ્યતાની શ્રેષ્ઠતાનો વિમર્શ હોય, સામ્યવાદી દેશોની ટીકા હોય, ઇસ્લામી કટ્ટરવાદ પર ચર્ચા હોય કે ભારત જેવા સભ્યતાગત રાષ્ટ્રની છબી ઘડવાનો પ્રશ્ન હોય, અમેરિકાનું એકેડેમિક અને પ્રચારતંત્ર નિર્ણાયક ભૂમિકા નિભાવતુ રહ્યું છે.
 
રાજનીતિક ઇસ્લામ અને ૨૬/૧૧ જેવા આતંકી હુમલાઓએ વિશ્વ રાજનીતિને એક અલગ વળાંક આપ્યો. પહેલાં અમેરિકા અને પશ્ચિમના અનેક દેશોને લાગતું હતું કે, આતંકવાદ એ ત્રીજા વિશ્વની સમસ્યા છે, પરંતુ ઇસ્લામી જેહાદી આતંકવાદે જ્યારે પશ્ચિમી વિશ્વના દ્વારે ટકોરા માર્યા, ત્યારે ભારત, આફ્રિકા અને રશિયાએ ઝેલેલા આતંકી અનુભવો અચાનક પશ્ચિમ માટે દૂરની ઘટનાઓ ના રહી. પરંતુ આ વિચારધારા પોતાના વિધ્વંસક રૂપમાં સામે આવી. છતાં પણ અમેરિકન એકેડેમિક વિશ્વમાં આધુનિક નવ સામ્યવાદ અને ઓળખ આધારિત રાજનીતિનો ઉપયોગ કરી અનેક કટ્ટરપંથી કે તેમના સમર્થક વૈચારિક નેટવર્ક પોતાને પીડિત સમાજની ભાષામાં પ્રસ્તુત કરવા લાગ્યા. ઇસ્લામોફોબિયા જેવી શબ્દજાળે ક્યારેક તો કટ્ટરવાદની ટીકાને પણ સંદિગ્ધ બનાવવાનું કાર્ય કર્યું. જો આ વિમર્શ અમેરિકાનાં વિશ્વવિદ્યાલયો, મીડિયા અને એકેડેમિક તંત્રથી સંચાલિત ન થાત તો કદાચ આટલી સરળતાથી વૈશ્વિક પ્રભાવ ન બની શકત. આ જ પ્રકારે ભારતને પણ લાંબા સમય સુધી જાતિવાદ, અંધવિશ્વાસ અને પછાતપણાગ્રસ્ત સમાજ રૂપે પ્રસ્તુત કરાતો રહ્યો. આ વિમર્શ ભારતની સભ્યતાગત જટિલતાને સમજ્યા વગર તેને એક રૂઢ છબિમાં બંધ કરી દીધી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદય અગાઉ પણ અમેરિકામાં આવા વિચારકો, પ્રસાર માધ્યમો અને રાજનૈતિક લોકોની કમી ન હતી. તેઓ ભારતને પાકિસ્તાન કે આફ્રિકાના સંકટગ્રસ્ત દેશોના સ્તરે જોઈને સમજતા હતા.
 
જ્યારે ભારત અને હિન્દુ સમાજ અંગે આવી ધારણાઓ દાયકાઓ સુધી બની રહી, ત્યારે હિન્દુત્વના વાહક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે ત્યાં કેવો વિમર્શ ચાલ્યો હશે, તે સમજી શકાય છે. ગત વર્ષોમાં હિન્દુ સમાજે પોતાના શિક્ષણ, મહેનત અને ટેક્‌નોલોજીની કુશળતા અને બૌદ્ધિક શક્તિને આધારે અમેરિકામાં અત્યંત સફળ પ્રવાસી સમાજના રૂપમાં સ્થાન બનાવ્યું છે. તેનું વિરાટ સ્વરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના અમેરિકાના પ્રવાસમાં ત્યાંના સમાજ અને નેતાઓએ જોયું. પરંતુ તેનું એક નકારાત્મક પાસું પણ સામે આવ્યું. વિશેષ કરીને ટ્રમ્પ 2.0ના સમયે, જ્યારે ભારતીય મૂળના ઉચ્ચ કૌશલ્યવાળા વ્યવસાયિકો અને હિન્દુ સમાજને લઈ ઈર્ષ્યા, શંકા અને રાજનીતિક પ્રતિક્રિયાના સંકેતો પણ જોવા મળ્યા. આપણી મોટી સમસ્યા વિચારોને સમય પર સ્પષ્ટતા સાથે અને યોગ્ય ભાષામાં સમાજ સુધી પહોંચાડવાની એટલે કે સંવાદની રહી છે. કેટલાક વર્ષો પહેલાં (મારા અમેરિકા પ્રવાસમાં (આ લેખનાં લેખકના) અનેક તરૂણો અને ભારતીય પ્રવાસીઓ દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ)ને લઈ નારાજગી હતી. તેમનું માનવું હતું કે, ભારત સરકાર તેને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય રીતે સમજાવી શકી ન હતી. બની શકે કે, ભારતીય રાજનયિકોએ તેને સમજાવવું જરૂરી ના સમજ્યું. પરિણામ શું આવ્યું? એક નીતિ જેનો ઉદ્દેશ્ય વિશિષ્ટ ઐતિહાસિક અને માનવીય સંદર્ભ સાથે જોડાયેલ હતો, તેને મુસ્લિમવિરોધી ગણાવી વ્યાપક ટીકાનો વિષય બનાવી દેવાઈ. તે જ સમયે ભારતીય મૂળના કેટલાક મુસ્લિમ સંગઠનોના નેતાઓ સાથે પણ મારી લગભગ ૨ કલાક સુધી આ જ મુદ્દે ખૂલીને ચર્ચા થઈ, તે ચર્ચામાં એ સ્પષ્ટ થયું કે, યોગ્ય સંવાદ ન થવા પર એક સારી પહેલ પણ નિંદાનો વિષય બની શકે છે. અને ભારત મુસ્લિમવિરોધી છે, આ પ્રકારના વિમર્શને ખાતર-પાણી મળી શકે છે.
 
ગત વર્ષે સંયોગથી મારો ફરી અમેરિકા પ્રવાસ થયો ત્યારે કેટલાક આફ્રિકન મૂળના સામાજિક નેતાઓ, યહૂદી સંસ્થાઓ અને વિચારકો સાથે ચર્ચા થઈ તે તમામ ભારતીય હિન્દુ સમાજને સૌથી વધારે સફળ અને સમૃદ્ધ સમાજોમાંનો એક સમાજ ગણાવ્યો હતો. પરંતુ અનેક સ્થાનો પર તેમાં પ્રશંસાથી વધારે ઈર્ષ્યાનો ભાવ હતો. આપણે માનવું પડશે કે, ભારતની સાપ અને હાથી પાળનારા (મદારીઓના દેશ)ની છબી છે.
 
મારા પ્રવાસમાં ધ્યાનમાં આવ્યું કે, ત્યાંના સમાજને આપણા સંઘર્ષો, આપણી ઉપરનાં પરકીય આક્રમણો, સાંસ્કૃતિક વિધ્વંસ અને સદીઓના નરસંહાર અંગે ખૂબ જ ઓછી જાણકારી છે, માટે તેમની આપણા સમાજ પ્રત્યેની દૃષ્ટિ અધૂરી છે. વાસ્તવિકતા તો એ છે કે, ભારતીય હિન્દુ સમાજનો અનુભવ પણ ત્યાંના અનેક પ્રતાડિત સમાજો જેવો જ છે. પરંતુ વિમર્શ તેવો બની શક્યો નથી. પ્રવાસ દરમિયાન જ્યારે મેં કેટલાક આફ્રિકી મૂળનાં લોકો સાથે ભારતમાં થયેલા નરસંહાર, મંદિરવિધ્વંસ, આક્રમણ અને સાંસ્કૃતિક સંઘર્ષો અંગે વાત કરી તો તેમને ખરેખર આશ્ચર્ય થયું. ત્યારબાદ ભારતીય સમાજને જોવાની તેમની દૃષ્ટિ બદલાઈ ગઈ. હિન્દુ ધર્મ અને હિન્દુ સમાજ અંગે તેમના દૃષ્ટિકોણને બદલવાનો પ્રયત્ન પણ આ પ્રવાસ દરમિયાન થયો.
 
આવી જ રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છબી પણ તેના પ્રત્યક્ષ કાર્યોથી ખૂબ જ અલગ ઘડવામાં આવી છે. તે પણ વિશ્વને જણાવવું ખૂબ જરૂરી છે. મા. દત્તાજીને આ પ્રવાસ દરમિયાન પૂછાયેલા સંઘ વિશેના પ્રશ્નોમાં પણ આ અજ્ઞાન સ્પષ્ટરૂપે દેખાતું હતું. દલિતવિરોધી, મહિલાવિરોધી, મુસ્લિમ અને ઈસાઈ સમજવિરોધી નીતિઓ જેવા આરોપ વારંવાર સંઘ પર લગાવવામાં આવતા રહ્યા છે ત્યારે આ વિષયો પર સંઘના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા સ્પષ્ટ વિચાર રજૂ કરવા ખૂબ જરૂરી હતા. ત્યાંના મોટા વિચારકો તથા થિન્ક ટેન્ક્સ સાથે પણ ચર્ચા ખૂબ જ જરૂરી હતી.
 
ભારતીય રાજનીતિમાં સંઘપ્રેરિત વ્યક્તિત્વનોની ઉપસ્થિતિ અને પ્રભાવને જોતાં સંઘની સ્પષ્ટ ભૂમિકાનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ સ્વભાવિક રૂપે જ વધી જાય છે. ભારતના પ્રધાનમંત્રી પોતે સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવે છે, તે વાત વિશ્વ જાણે છે. એટલા માટે સંઘ અંગેના આધિકારિક અને સ્પષ્ટ વિચારોનો અમેરિકા-ભારત સંબંધો અને વિદેશોમાં હિન્દુત્વથી પ્રેરિત કાર્ય કરનારાં સંગઠનો પર પણ પ્રભાવ પડશે. વર્ષોથી સંઘ અને હિન્દુવિરોધી પ્રચારને આધારે વિદેશોમાં હિન્દુ સંસ્થાઓને શંકાની નજરે જોવાના તેના પર ગંદકી ઉછાળવાના અને ક્યારેક ક્યારેક ત્યાંની રાજ્યવ્યવસ્થાનો ઉપયોગ હિન્દુ સમાજને દબાવવા માટે કરવાના પ્રયાસો થયા છે. માટે પણ મા. દત્તાજીનો આ પ્રવાસ જરૂરી હતો.
 
સરકાર્યવાહજી સાથે થયેલી પ્રશ્નોત્તરીમાં સંઘના અનેક વિષયો પર ભૂમિકા આધિકારિકરૂપે સામે આવી હતી. તેનાથી સંઘ અને હિન્દુત્વને સમજવામાં સહાયતા મળી. એમાં કોઈ શંકા નથી. તેમના અનેક ઉત્તર સંઘની પારંપારિક વિચારને ઉજાગર કરે છે અને વિચારની નિરંતરતા પણ દર્શાવે છે. મા. દત્તાજીએ પ્રશ્નોના ઉત્તરો; સંક્ષિપ્ત, સ્પષ્ટ અને એવી ભાષામાં આપ્યા જેને ત્યાંનો બૌદ્ધિક વર્ગ અને સામાન્ય સમાજ સરળતાથી સમજી શકે. ભારત અને તેની સંસ્કૃતિ અંગે ત્યાં સીમિત જાણકારી છે. એટલા માટે પણ આ શૈલી વિશેષરૂપે ઉપયોગી રહી હતી.
 
હિન્દુ શબ્દની વ્યાખ્યા કરતાં તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે, હિન્દુ એ કોઈ સંકીર્ણ ધાર્મિક ઓળખ નથી. અમે કોઈ એક પુસ્તક કે એક પયગંબર સુધી સીમિત નથી. તેમનું આ કથન હિન્દુ સંસ્કૃતિ અને અન્ય અનેક સભ્યતાઓના મૂળભૂત અંતરને સ્પષ્ટ કરે છે! મારું જ સત્ય અંતિમ સત્ય છે અને અન્ય તમામ મિથ્યા છે, આ પ્રકારનો અન્ય પર હાવિ થનાર વિચાર જ વિશ્વના સંઘર્ષોનું મૂળ કારણ રહ્યો છે. હિન્દુ માત્ર એક સંસ્થા નથી, પરંતુ એક વિશેષણ પણ છે. एकं सद्‌ विप्रा: बहुधा वदन्ति હિન્દુ સંસ્કૃતિની વિશેષતા છે. જે વિશ્વના વિવિધ સમાજને જોડે છે અને લોકોને પંથને આધારે અલગ નથી કરતી. અમે સત્ય સુધી પહોંચવાના વિવિધ માર્ગોનું સન્માન કરીએ છીએ, એટલા માટે અમે વિશ્વબંધુત્વની વાત કરી શકીએ છીએ. ‘वसुधैव कुटुम्बकम्‌’ની ભાવનામાં વિશ્વ બજાર નહિ, પરંતુ એક વિશાળ પરિવાર છે. ભારતીય સંસ્કૃતિ એક સભ્યતાગત ઓળખ છે, એક જીવનપદ્ધતિ છે. અમે પ્રકૃતિ, વિવિધતા અને સહઅસ્તિત્વમાં માનીએ છીએ. એટલા માટે હિન્દુ અને હિન્દુ સનાતન સંસ્કૃતિને પોષિત કરનાર સંગઠન કે સમાજ કોઈ પર હાવિ થઈ જ ન શકે. અમારી વાતને સ્પષ્ટતાપૂર્વક રજૂ કરવી એનો મતલબ એવો નથી કે અમે શ્રેષ્ઠ છીએ. હિન્દુ રાષ્ટ્રએ કોઈના પણ વિરોધની અવધારણા નથી. વેરવિખેર અને આત્મવિસ્મૃત સમાજને સંગઠિત કરવો તે સમાજની ઐતિહાસિક જરૂરિયાત છે. એક સંગઠિત અને આત્મવિશ્વાસથી ભરેલો સમાજ જ પોતાના રાષ્ટ્રની પ્રગતિ કરી શકે છે. હિન્દુ રાષ્ટ્રની અવધારણાને થિયોક્રેટિક રાજ્ય સ્વરૂપે નહીં બલ્કે સમાજની સાંસ્કૃતિક આત્મચેતના, રાષ્ટ્રીય એકાત્મતા અને સભ્યતાગત નિરંતરના રૂપમાં સમજવી જોઈએ.
 
મા. સરકાર્યવાહજીએ હિન્દુ જીવનપદ્ધતિમાં પ્રકૃતિ સાથે એકાત્મ થઈ જીવવાના દર્શનની વાત કરી. આ જ વિષયમાં માન. સુદર્શનજી કહેતા હતા કે, ‘હિન્દુ વિચાર પ્રકૃતિના દોહનની વાત કરે છે, તેના શોષણની નહિ.’ તેઓ મહાત્મા ગાંધીજીને યાદ કરતાં કહેતા હતાં કે, ‘પૃથ્વી પાસે આપણી જરૂરિયાતો પૂર્ણ કરવાની ક્ષમતા છે, પરંતુ આપણી લાલચને પૂર્ણ કરવાની ક્ષમતા નથી. જો સમગ્ર વિશ્વને અમેરિકા જેવું જીવનસ્તર જોઈએ તો બીજી અનેક પૃથ્વીઓની જરૂર પડે.’ હાલ પશ્ચિમમાં પ્રકૃતિને બચાવવાની ચિંતા એટલા માટે વધી છે, કારણ કે પ્રકૃતિનું જે પ્રકારે શોષણ કરવામાં આવ્યું, તેનાથી માનવજીવન પર જ સંકટ તોળાઈ રહ્યું છે. પશ્ચિમી વિચારમાં એક ભાવ ઓછો રહ્યો છે કે, આપણે આ ઈશ્વરકૃત બ્રહ્માંડમાં પ્રકૃતિના અંગ છીએ અને તેનું માત્ર સંરક્ષણ જ નહિ, સન્માન પણ કરવાનું આપણું કર્તવ્ય છે. માટે હિન્દુ જીવનપદ્ધતિ આ પૃથ્વીના સંરક્ષણ માટે ખૂબ જ જરૂરી છે.
 
પશ્ચિમ સામે મા. સરકાર્યવાહજીએ એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સત્યને પણ રેખાંકિત કર્યું. તેઓએ કહ્યું કે, ‘ઇતિહાસમાં હિન્દુઓએ કોઈપણ અન્ય દેશ પર આક્રમણ કર્યું નથી. અમે કોઈને પણ ઉપનિવેશ નથી બનાવ્યું. માટે અમને કોઈપણ પ્રકારનો ઐતિહાસિક અપરાધબોધ અનુભવવાની જરૂર નથી.’ અમેરિકામાં યુરોપથી આવીને વસેલા લોકોએ જે પ્રકારે સ્થાનીય સમુદાયોનું શોષણ કર્યું અને સામ્રાજ્યવાદી દેશોએ આફ્રિકા તથા એશિયાના સમાજોનું જે પ્રકારે દોહન કર્યું તેના પ્રત્યક્ષ ઉલ્લેખ વગર જ સરકાર્યવાહજીએ હિન્દુ સભ્યતા અને પશ્ચિમી સભ્યતાના અંતરને સ્પષ્ટ કરી દીધું હતું. તેઓએ એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વિશ્વમાં સહયોગ અને વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. દેશોને એકબીજા સાથે સન્માન અને સંતુલન સાથે આગળ વધવું જોઈએ.
 
આપણે જોઈ શકીએ છીએ કે, હિન્દુદર્શનમાં વિશ્વબંધુત્વ છે. ભારત માટે વિશ્વ માત્ર બજાર નથી, તે વિશ્વશાંતિ અને તમામ રાષ્ટ્રના ઉત્કર્ષનો માર્ગ છે. ભારતે કોવિડ મહામારી સમયે સંકીર્ણ બન્યા વગર વિશ્વમિત્રના રૂપમાં લાભ-હાનિ વિચાર કરવાને બદલે અનેક દેશોની સહાયતા કરી તેમાં પણ સંઘના સંસ્કારોમાંથી નીકળેલા નેતૃત્વની હિન્દુદૃષ્ટિ જ ઝળકે છે.
 
પ્રવાસી ભારતીયો માટે સંદેશ
સરકાર્યવાહજીએ પ્રવાસીઓને કહ્યું હતું કે, જે ભારતીય વિદેશોમાં રહે છે, તેઓએ તે દેશ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા રાખવી જોઈએ. તેઓએ ત્યાંના સમાજમાં સકારાત્મક યોગદાન આપવું જોઈએ. આ વિષય પર મને શ્રીગુરુજીનું એક માર્ગદર્શન યાદ આવે છે જ્યારે સંઘપ્રેરિત સ્વયંસેવક ભારતની બહાર ત્યાંના હિન્દુસમાજમાં કામ કરવા લાગ્યા ત્યારે તે શ્રી ગુરુજીનું માર્ગદર્શન લેવા ભારત આવ્યા. તેઓએ પૂછ્યું કે, ‘સ્વયંસેવક પોતાના દત્તક સમાજમાં કેવી રીતે કામ કરે?” શ્રીગુરુજીએ કહ્યું કે, ‘આપ આપના દેશમાં એવા ઉત્તમ કાર્યો કરો કે અમે ગર્વપૂર્વક તે અંગે ભારતમાં કહી શકીએ. અને અમે ભારતમાં એવું કાર્ય કરીએ કે, તમારું મસ્તક ભારતીય તરીકે ત્યાં ગર્વથી ઊંચું રહે.’ તેઓએ એમ પણ કહ્યું કે, ‘ભારત આપની જન્મભૂમિ અને પ્રેરણાભૂમિ છે. પરંતુ હવે આપે સ્વીકાર કરેલું રાષ્ટ્ર આપ જ્યાં રહો છો તે છે. માટે એ સમાજ માટે પણ આપની જવાબદારી બને છે. તેમના એ માર્ગદર્શનને સમજતા સ્વયંસવેકોએ પોતપોતાના દેશોમાં સેવાકાર્યો ઊભાં કર્યાં. સ્થાનીય નિવાસીઓની સેવા કરી, ભલે તે ૧૯૫૦માં કેન્યા હોય કે ૨૦૨૦માં અમેરિકા.’
 
સંઘનું લક્ષ્ય દરેક સ્તરે સમાજનિર્માણમાં યોગદાન આપવાનું છે
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલે જર્મનીના પ્રવાસ દરમિયાન તેઓએ બર્લિનમાં જર્મનીના પ્રમુખ નીતિ-નિર્માણ સંસ્થાનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને ભારતીય પ્રવાસી સમુદાય સાથે પણ સંવાદ કર્યો હતો. તેઓએ જર્મનીના પ્રમુખ સંસ્થાન સ્ટિફટુંગ વિસેનશાફ્ટ એન્ડ પોલિટિક્સ (જર્મન ઇન્સ્ટિટ્યુટ ફોર ઇન્ટરનેશનલ એન્ડ સિક્યોરીટી અફેર્સ), કોનરાડ-એડેનૉયર-સ્ટિફટુંગ (કોનરાડ એડેનોયર ફાઉન્ડેશન) અને બર્લિનના અભિગોર્ડનેટેન હાઉસ (હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ) સાથે જોડાયેલ સદસ્યો સાથે પણ ચર્ચાઓ કરી હતી. આ દરમિયાન જર્મનીમાં ભારતીય સમુદાયની મહત્ત્વની ભૂમિકા પર પણ વાત થઈ હતી. સરકાર્યવાહજીએ જર્મન પ્રતિનિધિઓને ભવિષ્યમાં ભારત આવી સંવાદને આગળ વધારવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું, ‘આગામી ૧૦૦ વર્ષો માટે રા.સ્વ.સંઘનું લક્ષ્ય પરિવારથી લઈ સમાજ અને પર્યાવરણ સુધી દરેક સ્તરે ટકાઉ સમાજનિર્માણમાં યોગદાન આપવું છે, જે સહિયારા સાર્વભૌમિક મૂલ્યો પર આધારિત હોય.’
તેઓએ કહ્યું હતું કે જર્મનીમાં રહેતા ભારતીયોની જવાબદારી છે કે, તે ત્યાંના સામાજિક અને આર્થિક જીવનમાં સકારાત્મક યોગદાન આપે. તેઓએ રા.સ્વ.સંઘને વિશ્વના સ્વયંસેવક આધારિત વિશાળ સંગઠનોમાં એક ગણાવી શિક્ષણ, સેવાકાર્યો અને સાંસ્કૃતિક ગતિવિધિઓમાં તેના યોગદાન અંગે જાણકારી આપી હતી. પ્રવાસ દરમિયાન તેઓએ બર્લિનમાં એક સાર્વજનિક કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો. તેમાં ૨૦૦થી વધારે ભારતીય મૂળના લોકો સામેલ થયાં હતાં. આ કાર્યક્રમ રા.સ્વ.સંઘના શતાબ્દી વર્ષ પર આયોજિત કરવામાં આવ્યો હતો.