ભારતગાથા । સનાતન ધર્મ: ખોટા પૂર્વગ્રહો, ઐતિહાસિક આક્રમણો અને સત્યની સમજ

સ્ટેલિન (જુઓને, તેણે નામ પણ ક્રુર તાનાશાહ સ્ટેલિનનું નામ રાખ્યું છે.!)નો સનાતન વિરોધ માત્ર પૂર્વગ્રહો, વોટ બેન્કની રાજનીતિ અને સનાતન વિષેની તદ્દન ગેરસમજનું પરિણામ છે.

    ૨૫-મે-૨૦૨૬   
કુલ દૃશ્યો |

sanatan
 
 
સનાતન : સમજ, ગેરસમજ અને નાસમજ
 
હમણાં દક્ષિણના એક નેતાએ કહ્યું કે, ‘સનાતનને સંપૂર્ણ રીતે નષ્ટ કરવો છે.’ અગાઉના તેના વિધાન પ્રમાણે તે ખતરનાક બીમારી છે, કોરોના છે. ઉત્તર ભારતના એક નેતાને લાગે છે કે આ સનાતન વિચાર બ્રાહ્મણોનું ષડયંત્ર છે. બ્રાહ્મણ કરતાં કેટલીકવાર વેશ્યાઓ સારી હોય છે. મનુસ્મૃતિના વિચારમંથનને બાજુ પર રાખીને કથિત દલિતપંથીઓને બીજું કંઈ હાથમાં ના આવે તો મનુસ્મૃતિનું દહન કરે છે.
 
આ બધાની પાછળ પશ્ચિમી અને ઇસ્લામિક કટ્ટરવાદી માનસિકતા પડી છે. બાબર કે ખિલજી આવ્યો ત્યારથી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જહાંગીરની પાસેથી વેપાર કરવાનો પરવાનો લીધો ત્યારથી ભારતની મૂળ વ્યાપક અસરને ભૂંસી નાખવી, તેના ઉત્તમ ગ્રંથોને બાળી મૂકવા, ધર્મસ્થાનોને નષ્ટ કરવાં અને વટાળ પ્રવૃત્તિ ચલાવીને હિન્દુઓને સંપ્રદાયમાં ભેળવી દેવા: આ કામ સળંગ રીતે થતું આવ્યું, પરિણામે સંસ્કૃત અને માતૃભાષાઓમાં પડેલી વિદ્યા બાજુ પર રાખવામાં આવી અને પશ્ચિમી રૂપાંતર થયું. જ્યારે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા શરૂઆતનાં વર્ષોમાં ઇંગ્લેન્ડ જઈને મોનીયેર વિલિયમ્સ સાથે સંસ્કૃત શબ્દકોશનો વિચાર કર્યો ત્યારે થિયોસૉફીના આલ્કોટ અને એની બિસન્ટે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી કે, તમારા જેવા ભારતીય વિદ્વાનને મોનીયેર શું શીખવાડવાનો હતો? શ્યામજી માટે તો સીડી ચડવાનું અને બ્રિટિશ વિદ્વાનોને વિચારતા કરી મૂકવાનું પ્રાથમિક પગલું હતું.
 
 
તે પછી બ્રિટિશ વિચારકો તેમને માન અને આદર આપતા થયા. પ્રાચ્યવિદ્યાની આંતરરાષ્ટ્રીય પરિષદમાં શ્યામજીએ સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાના વૈભવ વિષે શોધપત્ર વાંચ્યો ત્યારે સર્વત્ર પ્રશંસાનો પ્રતિભાવ મળ્યો. આવું જ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદનું પ્રવચન થયું ત્યારે ઈસાઈ પાદરીઓ નાસીપાસ થયા, કેમ કે તેમને માટે તો ‘ઇન્ડિયા એ અજ્ઞાન મૂલક છે, ત્યાં મદારીઓ, ભૂવાઓની સંખ્યા છે, સભ્ય સંસ્કૃતિનો અભાવ છે.’ ભારતના ઇતિહાસ વિષે પણ એવા દૂષિત પૂર્વગ્રહો પ્રચલિત રહ્યા કે, ૧૮૫૭ના વિપ્લવ પછી બ્રિટિશ નવલકથાકારોએ ઝાંસી રાણી વિષે એવાં વર્ણનો લખ્યાં કે તે દુરાચારી બાઈ હતી, તેણે પોતાના પતિને મારી નખાવ્યો હતો, તે એક અંગ્રેજ પ્રત્યે આસક્ત હતી! જુલે વર્ન જેવા લેખકે નાનાસાહેબ પેશવા વિષે ‘ડેમોન ઓફ કાનપુર’ કહીને અત્યંત ખરાબ આલેખન કર્યું હતું.
 
૧૯૦૭ સુધી તો બ્રિટિશ લેખકો અને અખબારો ૧૮૫૭ને સૈનિકોનું ‘ફીતૂર’ જ ગણતા અને તેવા લેખો લખ્યા (જો કે માર્કસ અને એન્જલ્સની લેખમાળામાં સત્તાવનના વિદ્રોહને સામાન્ય વર્ગની લડાઈ કહી), આ અસરને ભૂંસવાનો પ્રસંગ લંડનના ઇન્ડિયાના ક્રાંતિકારોના કારણે રચાયો અને નિઝામુદ્દીન રેસ્ટોરન્ટમાં ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામની અર્ધ શતાબ્દીનો કાર્યક્રમ થયો. નાનાસાહેબ, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, અવધની બેગમો, બહાદુર શાહ ઝફર, મંગલ પાંડેની પ્રશસ્તિનાં વ્યાખ્યાનો થયાં, રોટી અને કમળનો પ્રસાદ વિતરિત કરાયો, સ્વાતંત્ર્યવીરોનું પૂજન થયું. ધનદેવી નામે સંપન્ન મહિલાએ સૌને સ્વાતંત્ર્ય સંગ્રામના ચંદ્રક આપ્યા, વિદ્યાર્થીઓ તેને છાતી પર લટકાવીને કોલેજોમાં વર્ગ ભરવા ગયા. થોડા દિવસો પછી વિનાયક રાવ દામોદર સાવરકરનું ૧૮૫૭ વિષેનું પુસ્તક લખાયું તો તેના પ્રકાશન પૂર્વે જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભારતમાં તે સરદાર ભગતસિંહે પ્રકાશિત કર્યું હતું.
 
સનાતનની જન્મભૂમિ ભારત હતી એટલે તો આ બધાં આક્રમણો થયાં, તે કંઈ ડાબેરી ઇતિહાસકારોએ લખ્યું છે તેમ માત્ર સંપત્તિની લૂંટફાટનું કારણ નહોતું. ‘કાફીરો’ને બોધપાઠ આપવાનું ઝનૂન હતું. એવું ના હોત તો નાલંદાના ગ્રંથાલયોને બાળી મૂકવાની શી જરૂરત હતી? ધર્મસ્થાનોને નષ્ટ કરીને ત્યાં મસ્જિદો ઊભી કરવાની પ્રવૃત્તિ સ્પષ્ટ કરે છે કે, પોતાની સંસ્કૃતિ (જો કે ઇસ્લામિક સંસ્કૃતિ હતી જ નહિ) જે માત્ર રાજકીય ખાનાખરાબીમાંથી એક માનસિકતા તરીકે ઊભી થઈ. શિયા અને સુન્ની સામસામા થયા. કરીમ મોહમ્મદ માસ્તરનું પુસ્તક ‘મહાગુજરાતના મુસલમાનો’માં ઇસ્લામના જુદા જુદા ભાગલાની વિગતો આપતાં લખ્યું છે : ‘સુન્નીઓના ૪ ફિરકા, શિયાઓના ૧૨ ફિરકા, ખવારીઝીના ૧૨, મઝહબે ઝિબરીયાના ૯, મઝહબે કાદરિયાના ૧૨, મઝહબે ઝહિમિયાના ૧૨, મઝહબે મુરજીયાના ૧૨, એમ કુલ ૭૩ ઉપરાંત બીજા વધારાના ૧૨ મળીને ૮૫ ફિરકા છે. ઇસ્માઈલી બારમા ઈમામે ઇ.સ. ૯૧૦માં મિસરમાં ફાતિમી ખિલાફત સ્થાપી, તેના આઠમાં ખલીફા દરમિયાન વારસાની તકરાર પડી, એટલે મુસ્તાલી ઇસ્માઈલી કહેવાય તે આપણા ખોજા બંધુઓ. કહેવાનો મતલબ એ છે કે, સનાતન હિન્દુ ધર્મમાં માનનારાઓની અનેક જાતિઓ સંપ્રદાયો છે, તેવું બીજામાં પણ છે. તફાવત એટલો છે કે આટલી મોટી સંખ્યામાં સનાતની ફાંટાઓ હોવા છતાં તેની મૂળ આસ્થા બ્રહ્મતત્ત્વની છે, ઉપાસના પદ્ધતિ બીજાની વિરોધી નથી, વસુધૈવ કુટુંબકમ્‌ની પરંપરા છે. સમય જતાં તેમાં કેટલાંક દૂષણો આવ્યાં તો તેની સામે જાગૃતિ લાવવા સંતો, સાધુઓ, સમજસુધારકો પણ એટલી મોટી સંખ્યામાં થયા, તેઓ માત્ર બ્રાહ્મણો નહોતા, સાવ સામાન્ય જાતિમાંથી આવ્યા હતા.
 
સનાતન વિચારને સ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ થવું પડ્યું તે વાત સાચી છે પણ તેના મૂળ સિદ્ધાંતો અને વિચારો સુગ્રથિત છે. ૨૦૧૯માં રામસ્વરૂપે ૨૨ જેટલાં પુસ્તકો, તેમના વ્યાપક અધ્યયનને પરિણામે મળ્યા. એ પહેલાં હિન્દુ યુનિવર્સિટીમાં મદનમોહન માલવિયાજીની પ્રેરણાથી રસાયણશાસ્ત્રના અધ્યાપક ડૉ. રામદાસ ગોડે હિન્દુત્વ નામે એક મોટો ગ્રંથ હિન્દીમાં લખ્યો હતો, તે હિન્દુ સનાતનનો એન્સાઈકલોપીડિયા ગણાય છે. રામસ્વરૂપ મૂળભૂત ગાંધીવિચાર સાથે વિચારબદ્ધ, તેમણે જોયું કે ગાંધી, હિન્દુ, સામ્યવાદ, વર્ણાશ્રમ, સનાતન, રશિયાની નીતિ, એશિયન દેશોમાં ખેડૂતો અને સામ્યવાદ, માઓવાદ, હિન્દુ શિક્ષણ, ઇસ્લામની ઓળખ, બૌદ્ધિઝમ, ઇસ્લામમાં સ્ત્રીઓ, રામકૃષ્ણ મિશન, હિન્દુત્વની સમસ્યાઓ વગેરે વિષે સંશોધન થવું જોઈએ, તે તેમણે કર્યું. એવો એક ગ્રંથ હિન્દુત્વ; સમીક્ષા અને પ્રતિભાવો છે. તેમાં એક આખું પ્રકરણ સનાતન ધર્મ વિષે છે, તેમાં મૂળ વિચાર–આધ્યાત્મિક શિક્ષણ, આત્મા અને અનાત્મા, ઈશ્વર, ઈશભક્તિના પ્રકાર, વ્યાપક ઈશ્વરીય ભાવના, સાક્ષાત્કાર, ઈશનો અસ્વીકાર, નૈતિક માપદંડ, સર્વ જીવાત્માઓ, પ્રાકૃતિક આદર્શો, વ્યક્તિગત ક્ષમતા, અનેક જીવન, અનેક સ્તર અને મોક્ષ, જીવન, કર્મ, ન્યાય, સ્વર્ગ, નર્ક, આધુનિક પાશ્ચાત્ય વિચારધારા, સર્વવ્યાપી પ્રભાવ, ધાર્મિક પુનરુત્થાન, સમર્પણ, હિન્દુ ધર્મ, હિન્દુઓ અને ભારત. તર્ક અને ધર્મ, વર્ણાશ્રમ, સમાજવ્યવસ્થા, જાતિઓ અને સમુદાય, સ્ત્રીઓ પ્રત્યેની શ્રદ્ધા, આત્મવિચ્છેદ, સભ્યતાના નિયમો, સંપ્રદાયો અને તેમાંથી પ્રાપ્ત સત્યો.. આમ જુદાજુદા વિચારબિન્દુઓથી સમીક્ષા કરવામાં આવી છે.
 
હિન્દુ ધર્મના સૌથી પ્રખર વિશ્લેષક તરીકે રામસ્વરૂપનું સ્થાન રહ્યું છે. તેમને ભારતની ઋષિ પરંપરાના આધુનિક પ્રતિનિધિ પણ ગણવામાં આવ્યા છે. આ પુસ્તક ‘હિન્દુત્વ’માં ભારતીય પરંપરાના ચિંતક ડેવિડ ફ્રોલીની અભ્યાસી પ્રસ્તાવના છે, તેમણે લખ્યું છે કે જે કોઈપણ વ્યક્તિ હિન્દુ ધર્મનો આત્મા સમજવા માંગે છે, તે રામસ્વરૂપનાં લખાણોથી શરૂઆત કરી શકે. તેઓ તત્કાલીન ભાષામાં પ્રાચીન સમજણ અભિવ્યક્ત કરી છે. તેઓ ગેરસમજોથી પણ પૂરા માહિતગાર છે અને તે ગેરસમજો દૂર કરવા પોતાનાં લખાણોમાં પ્રયત્નશીલ રહે છે. તેઓ માત્ર ધર્મના મૂલતત્વ અને સમગ્ર પરંપરાને રજૂ કરે છે અને તમામ અવરોધોની વચ્ચે આ પરંપરાઓ આજે પણ અભય, સ્થિર મસ્તક ઊંચું કરીને ઊભી છે.
 
રામસ્વરૂપના પુસ્તક હિન્દુત્વનો ગુજરાતી અનુવાદ સુલભ છે, દેવાંગી ભટ્ટે કર્યો છે અને પ્રકાશન ભારત શોધ સંસ્થાન, ૪, મયૂર ચેમ્બર્સ, ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની સામે, એલિસબ્રિજ, અમદાવાદ -૯નું છે.
 
સ્ટેલિન (જુઓને, તેણે નામ પણ ક્રુર તાનાશાહ સ્ટેલિનનું નામ રાખ્યું છે.!)નો સનાતન વિરોધ માત્ર પૂર્વગ્રહો, વોટ બેન્કની રાજનીતિ અને સનાતન વિષેની તદ્દન ગેરસમજનું પરિણામ છે.
 

વિષ્ણુ પંડયા

લેખક રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. સાધના સાપ્તાહિકના પૂર્વ તંત્રીશ્રી છે. ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ચેરમેન છે. રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા ૪૦ વર્ષોથી સક્રિય છે. ૨૦૧૭માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો છે.