ઈતિહાસ આજના સમયને ‘પર્યાવરણની પડતીનો - ગ્લાનીનો સમય’ તરીકે આલેખે તો આશ્ચર્ય નહીં. આજની પર્યાવરણીય સ્થિતિ વાસ્તવમાં વિચલિત કરનારી છે. આજે શ્રીકૃષ્ણ અર્જુનને ગીતા સંભળાવે તો ‘સ્થિતપ્રજ્ઞ’નું વર્ણન કદાચ કરે કે ન કરે, પણ ‘પ્રકૃતિપ્રજ્ઞ’નું વર્ણન અવશ્ય કરે! ‘પ્રકૃતિપ્રજ્ઞ’ કેવો હોય, તેનાં લક્ષણોનું વર્ણન કરતાં શ્રીકૃષ્ણ અવશ્ય કહે કે, હે અર્જુન, પ્રકૃતિપ્રજ્ઞ ‘સ્વદેશી’માં એકનિષ્ઠ શ્રદ્ધા ધરાવનારો હોય.. તેના ‘સ્વદેશી’ના સંકલ્પને તેની જીવનશૈલીમાં સાકાર થતો જોઈ શકાતો હોય, સૌ માટે પ્રેરણારૂપ હોય.. અછતનો ભય રાખ્યા વિના ચીજવસ્તુઓ અને ઉપકરણોના વપરાશમાં સદૈવ સંયમ રાખનારો હોય.. સંગ્રહખોર ન હોય, અપરિગ્રહી હોય.. જડ-ચેતન પ્રકૃતિ પ્રત્યે અપનત્વ ધરાવતો હોય.. સ્થાનિક સ્ત્રોતોમાં અને સ્થાનિક ઉત્પાદનોમાં શિવત્વનાં દર્શન કરનારો હોય.. એવો સમગ્ર સૃષ્ટિનું ભલું ઈચ્છનાર, તે મારું નામસ્મરણ ન કરતો હોય, છતાં તે પરમ ‘પ્રકૃતિપ્રજ્ઞ’ હોઈ, મારાં કાર્યોનો વાહક એટલે કે ઈશ્વરીય કાર્યોનો પરમ વાહક; તું તેને જાણ.. વર્તમાનનો યુગધર્મ છે- ‘સ્વદેશી’. ટૂંકમાં કહીએ તો ‘સ્વદેશી’ એટલે પ્રકૃતિજતન (ભૂમિને ભારરૂપ ન બનવાની વિશુદ્ધ નેમ).
આ ‘સ્વદેશી’ એક જીવનમૂલ્ય તરીકે; સ્વાતંત્ર્ય પછી આપણાથી કેમ છૂટી ગયું? ભારતની પેઢીઓને છેટું ક્યાં પડી ગયું? જ્યારે પ્રખર તેજસ્વી નખશિખ ભારતીય ઇતિહાસકાર આર.સી. મજુમદારને બાજુમાં કરી દઈને પં. નેહરુ દ્વારા તહેરાનના ઈસ્લામી-વામપંથી રાજદૂત તારાચંદને નિયુક્ત કરી દેવામાં આવ્યા, જેમણે ઇતિહાસમાંથી તમામ ગૌરવશાળી પૃષ્ઠો ઓઝલ કરી દીધાં અને નરી વિકૃતિઓ ઉમેરી દીધી. શિક્ષણના નામે ગળથૂથીમાં જ આપણાં બાળકોને ભ્રમણાઓ-નિમ્નતાઓ-સંકુચિતતાઓ ભણાવવામાં આવી. આપણા આત્મગૌરવ પર જ ચોકડી વાગી ગઈ. આપણા ‘સ્વ’ પર એટલે કે સ્વધર્મ-સ્વરાજ-સ્વદેશી પર પડદો પાડી દેવામાં આવ્યો. આપણે એક પ્રજા તરીકે આત્મવિસ્મૃત બની ગયા.
..પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. હમણાં આપણા વડાપ્રધાનશ્રીએ વિદેશમાં પણ સ્વદેશીને ગતિ આપી. ઈટલીનાં પ્રમુખ મેલોનીને ભારત વતી ભેટ કરાયેલ (ભારતીય ઉદ્યોગગૃહ પારલેની) ચોકલેટ મેલોડી પ્રતિક બની છે આપણી ‘સ્વદેશી’ મીઠાસની! ‘સ્વદેશી’ના સત્ત્વની એ શક્તિ છે કે, સરદાર પટેલે વિદેશી સમાજવાદમાં અંધ બનેલા પં. નેહરુને કઠેડામાં ઉભા કરીને કહી દીધેલું કે, સમાજવાદની ચર્ચા કરતાં પહેલાં આપ સ્વયંને પૂછો કે, આપે આપના શ્રમથી કેટલી સંપત્તિ અર્જિત કરી છે? સંપત્તિનું શું કરવું; તેના પહેલાં એ વિચારવું જોઈએ કે, તેને કેવી રીતે અર્જિત કરવાની હોય છે. (પુસ્તક: ધ ગોડ હૂ ફેઈલ્ડ) પં. નેહરુની છેક સામે છેડે રહીને, ‘સ્વદેશી’થી છલોછલ સરદારે સોમનાથ મંદિરના પુનર્નિર્માણના સંકલ્પને સિદ્ધ-સાકાર કર્યો.
‘રામે ભરતને કહ્યું.’ -આ માત્ર ત્રણ શબ્દોનું નાનકડું વાક્ય છે. તે ત્રણેય શબ્દોને મરજી પડે તે રીતે આઘા-પાછા કરીને (ક્રમ બદલીને) બોલી જુઓ, અર્થમાં કોઈ જ ફેર નહીં પડે, પણ અંગ્રેજીમાં ‘Ram told Bharat.’, આ વાક્યના ત્રણ શબ્દોને આઘા-પાછા કરીને બોલો તો? માત્ર ત્રણ જ શબ્દોના વાક્યમાં અંગ્રેજી લડખડી જશે. તમામ ભારતીય ભાષાઓનું લચિલાપણું અને તેની વૈજ્ઞાનિકતા સૌને સત્વરે સમજાય તો સારું.
‘સ્વ’ભાષા-ભૂષા, ‘સ્વ’ભજન-ભોજન, ‘સ્વ’ભવન-ભ્રમણ, આ બધું શરૂ કરવા મન ચાહે છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? ‘પોતાના હસ્તાક્ષર તો પોતાની ભાષામાં જ’, આવા દૃઢ સંકલ્પ સાથે સંગીન શરૂઆત કરી શકીએ.. આપણે હોંશે હોંશે લગ્ન પહેલાં મુહૂર્તની હિન્દુ તિથિ નક્કી કરીએ છીએ, પરંતુ તે પછી દર વર્ષે લગ્ન‘તિથિ’ નથી ઉજવતા, લગ્ન‘તારીખ’ના રવાડે ચઢી જઈએ છીએ! આવી બધી કેટલીયે ગ્રંથિઓ ઘર કરી ગઈ છે, જે આપણને આપણી ઓળખથી, આપણા ‘સ્વ’થી દૂર હડસેલીને અંતે તેનાથી વંચિત કરી દે છે.
ભારત સ્વનિર્ભર - આત્મનિર્ભર હશે તો વિશ્વના ગરીબ દેશોને પણ મદદ મળી શકશે. ઉદા. કોરોના વખતે મફત વેક્સિન. હાલની યુદ્ધની સ્થિતિમાં વિશ્વના દેશોમાંથી મળતી વસ્તુઓ કે ઇંધણ સાવ બંધ થાય, તો પણ આ આવી પડેલા સંકટને રાષ્ટ્રીય આત્મસંયમ અને સંસાધનોના સૂક્ષ્મ પ્રબંધન થકી આપણે સુલટાવી જ શકીએ છીએ. સરકાર ‘સ્વદેશી’ ચીજ-વસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને એમએસએમઈને અગ્રતા આપતી ચુસ્ત ખરીદનીતિ બનાવે અને પ્રત્યેક ભારતવાસી પોતાની ક્ષુલ્લક ઓળખો બાજુ પર રાખીને માત્ર પોતાની ‘ભારતીય’ ઓળખને જ સર્વોપરી રાખી સાચા અર્થમાં ‘ભારત’ને અપનાવે તો વિશ્વને નવું નેતૃત્વ આપતું અડિખમ ભારત આપણે આપણી નવી પેઢીને આપી શકીશું.