વડાપ્રધાનશ્રીએ કરેલા આહ્વાનને જો ઊંડાણપૂર્વક અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તપાસીએ તો જણાશે કે, આ માત્ર આર્થિક કરકસરના આદેશો નથી, પરંતુ ૧૯૦૫ના ઐતિહાસિક સ્વદેશી આંદોલનની એ જ મહાન રાષ્ટ્રીય ચેતનાનું ૨૧મી સદીની જરૂરિયાતો મુજબનું નવું સંસ્કરણ છે. ૧૯૦૫માં જ્યારે બંગભંગના વિરોધમાં લોકમાન્ય તિલક અને મહાત્મા ગાંધીએ વિદેશી કાપડનો બહિષ્કાર અને સ્વદેશી અપનાવવાનો મંત્ર આપ્યો હતો, ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિટિશ હૂંડિયામણની કમર તોડી ભારતીય મૂડીને દેશમાં જ રોકી રાખવાનો હતો. આજે ૨૦૨૬ના હાઈ-ટેક વૈશ્વિકીકરણના યુગમાં સ્વદેશીની એ જ વ્યાખ્યા વધુ વ્યાપક અને ગહન બની છે. આજના સંદર્ભમાં સ્વદેશી એટલે કેવળ વિદેશી વસ્તુઓનો ભૌતિક બહિષ્કાર નહીં, પણ રાષ્ટ્રના અર્થતંત્રને નબળું પાડતી વૈશ્વિક આયાતો પર સ્વૈચ્છિક અંકુશ મેળવીને આર્થિક સાર્વભૌમત્વની રક્ષા કરવી, એ આપણું ‘સ્વ’કર્તવ્ય છે.
આ નવ ‘સ્વદેશી વિમર્શ’ના પ્રથમ ચરણ તરીકે, દેશહિતમાં આગામી એક વર્ષ સુધી સોનાના નવા દાગીના ન ખરીદવાની અપીલ પાછળનું ગણિત અને તેનું મૂલ્યાંકન અત્યંત રસપ્રદ છે. ભારતે તાજેતરમાં જ આશરે ૭૧.૯૮ અબજ ડોલરના મૂલ્યનું સોનું વિદેશમાંથી આયાત કર્યું છે, જે દેશની વેપાર ખાધમાં ૨૦ ટકા જેટલું નકારાત્મક યોગદાન આપે છે. ૧૯૦૫ના આંદોલન વખતે જેવી રીતે માન્ચેસ્ટરના મિલ-કાપડનો બહિષ્કાર કરીને દેશના વણકરોની રોજી અને ખાદીને પુનર્જીવિત કરવામાં આવેલા, બરાબર એ જ રીતે આજના યુગમાં સ્વદેશીનો અર્થ એ થાય કે, નાગરિક બિનજરૂરી નવી આયાત કરવાનું ટાળે. જો સામાન્ય લોકો નવી ખરીદી પર સંયમ રાખીને ઘરોમાં જ રહેલા સોનાના સંગ્રહમાંથી જૂના દાગીનાને રિસાયકલ કરશે, તો સોનાના શુદ્ધીકરણની સ્થાનિક પ્રક્રિયાથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે.
વિદેશ ફરવા ન જઈએે... સ્વભ્રમણ કરીએ..
વડાપ્રધાનની એક વર્ષ સુધી વિદેશ ફરવા ન જવાની અને સ્થાનિક પર્યટનને અપનાવવાની વાત એ પણ આપણા દાયકાઓ પહેલાં થયેલા સ્વદેશી આંદોલન જેવી જ છે. અર્થાત્ પહેલા ‘સ્વદેશ’ તો પૂરેપૂરું જોઈ લો! જેથી આપણું વિદેશી હૂંડિયામણ પણ બચે, આપણાં ભારતનાં સ્થાનોનો પણ વિકાસ - વિસ્તાર થાય અને આપણા દેશભરમાં સ્થાનિક સ્તરે નાના-મોટા સ્વદેશી ધંધા-રોજગાર અને ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે. માટે આપણે નાગરિકોએ ફરવા જવું હોય તો આ સ્વભ્રમણની વાત યાદ રાખીએ અને પ્રવાસનાં નાણાં લંડન, પેરિસ કે બેંગકોક પાછળ ખર્ચવાને બદલે કાશ્મીર, પૂર્વોત્તર (NE)નાં રમણીય પ્રાકૃતિક સ્થાનો, હંપી, કન્યાકુમારી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવાં રાષ્ટ્રીય ગૌરવનાં એક એકથી ચડિયાતાં સેંકડો સ્થાનોની મુલાકાત પાછળ ખર્ચીએ.
પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીએ..
બીજી તરફ, ઈંધણ સુરક્ષાના મોરચે પરિવહન પ્રણાલીમાં જે ક્રાંતિકારી ફેરફારો સૂચવ્યા છે તે દેશી સંસાધનોના મહત્તમ ઉપયોગની રાષ્ટ્રીય નીતિ દર્શાવે છે. ખાનગી વાહનોનો વપરાશ ઘટાડીને મેટ્રો રેલ અને સાર્વજનિક ઇલેક્ટ્રિક બસો જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો, કાર પુલિંગને પ્રોત્સાહિત કરવું અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવું એ સીધું જ કાચા તેલના વિદેશી આયાત બિલને ઘટાડવાનું પ્રભાવી પગલું છે. વળી, કોર્પોરેટ સ્તરે ‘વર્ક ફ્રોમ હોમ’ પદ્ધતિને પુનર્જીવિત કરવાથી ઈંધણનો દૈનિક વપરાશ ખૂબ ઘટી શકે છે, જે ભારતીય આઈટી (IT) ક્ષેત્રની બૌદ્ધિક ક્ષમતાનો દેશહિતમાં ઉપયોગ કરવાનું આધુનિક ડિજિટલ સ્વદેશી મોડેલ છે. કૃષિ ક્ષેત્રમાં પણ ભૂ-રાજકીય તણાવને કારણે નેચરલ ગેસનો સપ્લાય ખોરવાઈ જતાં આયાતી યુરિયા અને કેમિકલ ખાતરોના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં બમણા થયા છે, જેનાથી સરકારનું ‘ખાતર સબસિડી બિલ’ ૨.૪૧ લાખ કરોડ પર પહોંચી જવાનો ભય છે. આ સંજોગોમાં ખેડૂતો દ્વારા કેમિકલ ખાતરોનો ઉપયોગ ઘટાડીને ગોબર ગેસ, જીવામૃત અને કુદરતી ખેતી અપનાવવી એ માત્ર જમીનની ગુણવત્તા માટે જ નહીં, પરંતુ દેશની તિજોરી પરના વિદેશી સબસિડી બોજને તોડવા માટે અનિવાર્ય છે.
વિદેશી હૂંડિયામણનો પ્રશ્ન આજે માત્ર એક આર્થિક આંકડો નથી રહ્યો, પણ તે આપણા મુક્ત રાષ્ટ્રીય અસ્તિત્વનો આધાર બન્યો છે. જો વડાપ્રધાનના આ વ્યાવહારિક આહ્વાનને આપણે સૌ સ્વદેશી વ્રત સમજીને અપનાવી લઈએ તો તો ભારત માત્ર કાચા તેલ, વિદેશી પ્રવાસ, સોનું અને ખાતરોની આયાતમાં કરકસર કરીને આશરે ૩૭.૮ અબજ ડોલર (અંદાજે ૩.૫૯ લાખ કરોડ રૂપિયા)નું મોટું વિદેશી મુદ્રા રક્ષણાત્મક કવચ આપણે ઊભું કરી શકીએ તેમ છે. આ રકમ આપણા રૂપિયાને સ્થિરતા આપવા અને અર્થતંત્રને વિદેશી દેવાના જોખમોથી બચાવવા માટે અતિ મહત્વપૂર્ણ બફર સાબિત થશે.
‘નેશન ફર્સ્ટ’ એ જ સ્વદેશી ધર્મ
જ્યારે રાષ્ટ્ર પર આર્થિક કે ભૌગોલિક પડકારો આવે છે, ત્યારે ઇતિહાસ આપણને સાચો માર્ગ બતાવે છે અને આપણી અંદરની સુષુપ્ત સ્વદેશી ચેતનાને ઢંઢોળે છે. આપણો રાષ્ટ્રીય ઇતિહાસ સાક્ષી છે કે, પાયાની જરૂરિયાતોમાં આત્મનિર્ભર બનવું અને વિદેશી નિર્ભરતા તોડવી એ જ આપણી સૌથી મોટી તાકાત રહી છે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અને દેશમાં અન્નની તીવ્ર અછત સમયે તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ દેશવાસીઓને અન્ન બચાવવા માટે અઠવાડિયામાં ‘એક ટંક ભોજન’ ત્યજવાની હૃદયસ્પર્શી અપીલ કરી હતી. શાસ્ત્રીજીનું એ આહ્વાન વાસ્તવમાં અન્નના ક્ષેત્રે ‘સ્વદેશી આંદોલન’ જ હતું, જેનો ઉદ્દેશ્ય વિદેશી શરતો સામે ઝૂકવાને બદલે દેશી સંસાધનો અને જન-સંયમથી યુદ્ધ જીતવાનો હતો અને શાસ્ત્રીજીની એ અપીલને સમગ્ર ભારતવાસીઓએ પોતાનું કર્તવ્ય સમજી સ્વીકારી લીધી. સ્વેચ્છાએ પોતાના એક ટંકના ભોજનનો ત્યાગ કરીને વિદેશી અન્નની ગુલામી ફગાવી દીધી અને રાષ્ટ્ર પ્રત્યેની એકતા તથા પ્રબળ સ્વદેશી ભાવના સાબિત કરી બતાવી હતી. આજે ૨૦૨૬માં પણ પરિસ્થિતિ બદલાઈ છે, પરંતુ મુદ્દો તો આર્થિક લડાઈનો જ છે.
સ્વદેશી સંકલ્પ એ જ આપણું પરમ ‘સ્વ’કર્તવ્ય
વર્તમાન વૈશ્વિક કટોકટી અને આર્થિક સંઘર્ષના સમયે, ભારત દેશના એક જાગૃત નાગરિક તરીકે આપણી દૈનિક આદતોમાં પરિવર્તન લાવીને સ્વદેશી ઉત્પાદનો અને સેવાઓને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપવી એ આપણું પરમ નૈતિક કર્તવ્ય છે. આપણું કિંમતી વિદેશી હૂંડિયામણ બહાર જતું અટકાવવા માટે આગામી એક વર્ષ માટે તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસો, વૈભવી ‘ડેસ્ટિનેશન વેડિંગ્સ’ અને વિદેશી ફંડ્સ કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ મુલતવી રાખી, ભારતીય બજાર અને દેશી સ્ટાર્ટઅપ્સને જ મજબૂત કરવાં પડશે. કોર્પોરેટ સ્તરે ફિઝિકલ મુસાફરી ટાળી ઓનલાઇન મીટિંગ્સ અને ડિજિટલ ઇન્ડિયા કે પેપરલેસ ગવર્નન્સનું મોડેલ અપનાવવું એ વ્યાપક રાષ્ટ્રીય હિતમાં રહેશે. વિદેશી પેકેજ્ડ ફૂડ-સોટ ડ્રિંક્સના બદલે દેશી પરંપરાગત પીણાં વાપરવાં એ મજબૂરીનું નહીં પણ રાષ્ટ્ર-ભક્તિની મસ્તીનું નિમિત્ત બનવું જોઈએ.
ખેતીમાં મોંઘાં રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા નિર્મિત નેનો યુરિયા અને પ્રાકૃતિક ખેતી અપનાવવી તથા ઉર્જા ક્ષેત્રે રૂફટોપ સોલાર અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવું એ સમયની માંગ છે. આપણી રોજિંદી ખરીદીમાં વિદેશી બ્રાન્ડ્સ કે ચાઈનીઝ ગેજેટ્સ-રમકડાંના આકર્ષણમાંથી બહાર આવી, સ્વદેશી ખાદી, સ્થાનિક નર્સરી અને આપણા જ ઘરઆંગણાના નાના કિરાણા સ્ટોર્સ કે ફેરિયાઓ પાસેથી માલ ખરીદવો જોઈએ, જેથી દેશના નાણાં દેશના ગરીબો સુધી પહોંચે.
આજના જમાનામાં સ્વદેશી અપનાવવું જરાય અઘરું નથી, બસ જરૂર છે આપણી રોજિંદી આદતોમાં રાષ્ટ્રપ્રેમનો થોડો રંગ ઉમેરવાની. ટૂંકમાં આપણે સૌ જો આ સંકટ સમયે વડાપ્રધાનશ્રીના આહ્વાનને ‘સ્વ’કર્તવ્ય સમજી અને સ્વદેશી આદર્શને નવા પરિપ્રેક્ષ્યમાં અપનાવીશું તો ચોક્કસ આ સંકટમાંથી બહાર આવી શકીશું.
હિતેશ સોંડાગર 'સાધના' સાપ્તાહિક-સોશિયલ મીડિયાના સહતંત્રી છે. ગૂજરાત વિદ્યાપીઠમાંથી પ્રથમ ક્રમાંક સાથે જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. ભારતીય સંસ્કૃતિ, વિશ્વ પ્રવાહો, સાંપ્રત સમસ્યાઓ, રાષ્ટ્રીય ગૌરવ તથા ખેલજગત જેવા વિષયો પર 'સાધના'માં ૨૦૦થી વધુ મુખપૃષ્ઠ વાર્તાઓનું લેખન કર્યું. 'સાધના'ને સોશિયલ મીડિયા પર દેશ-વિદેશના ૧૦ લાખ ફોલોઅર્સ સાથે, દરેક મંચ પર કાર્યાન્વિત કર્યું.