વડાપ્રધાને થોડા સમય પહેલાં જ સ્વદેશી સંદર્ભે કરેલા આહ્વાનથી સમજાય છે કે, દેશમાં સર્જાયેલાં સાંસ્કૃતિક ધામો, રાષ્ટ્રીય સ્મારકો, વહીવટી પ્રતીકો અને પરંપરાગત હસ્તકલાઓ વૈશ્વિક મંચ પર ભારતનું ‘સ્વદેશી સ્વાભિમાન’ પ્રગટ કરે છે. સ્વદેશી એ કેવળ કોઈ આર્થિક સિદ્ધાંત નથી, પણ રાષ્ટ્રના આત્મગૌરવની અભિવ્યક્તિ છે. તેથી જ, આપણી અસ્મિતાના આ અડીખમ સ્તંભોને માત્ર ઇતિહાસના ચશ્માથી નહીં, પણ રાષ્ટ્રીય સ્વાભિમાનના નવા વિમર્શ સાથે સમજવા અનિવાર્ય છે.
પવિત્ર સાંસ્કૃતિક ધામો અને આધ્યાત્મિક સ્વાભિમાનનું પુનરાવર્તન
ભારતના સાંસ્કૃતિક અને આત્મિક પુનરુત્થાનમાં આપણાં પવિત્ર મંદિરો હંમેશાથી રાષ્ટ્રીય ચેતનાનાં અખંડ કેન્દ્રો રહ્યાં છે, જે વિદેશી આક્રમણકારોની ક્રૂરતા સામે સનાતન સંસ્કૃતિનાં અજેય પ્રતીક છે. આ મજબૂત વૈચારિક પૃષ્ઠભૂમિ પર પ્રભાસની પુણ્યભૂમિ પર બિરાજમાન શ્રી સોમનાથ મંદિર એ ભારતના સ્વાભિમાન, સાંસ્કૃતિક અસ્મિતા અને આત્મગૌરવનું પ્રથમ અને સૌથી મોટું પ્રતીક બનીને ઊભું છે. અસંખ્ય વખત ધ્વસ્ત થવા છતાં સ્વતંત્રતા પછી તરત જ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રબળ સંકલ્પથી આ મંદિરનું નવનિર્માણ થયું, જે બ્રિટિશ અને મુઘલ હકૂમત બંને સામે ‘સ્વ’ના વિજયનો મજબૂત દસ્તાવેજ છે. બરાબર એ જ રીતે, સદીઓના રણ ભૂમિ ઉપરના તથા લાંબા કાનૂની, સામાજિક અને સાંસ્કૃતિક સંઘર્ષના ફળસ્વરૂપે અયોધ્યામાં નિર્માણ પામેલું શ્રી રામમંદિર આધુનિક ભારતના સાંસ્કૃતિક સ્વદેશી સ્વાભિમાનનો સૌથી મોટો વૈશ્વિક વિજયધ્વજ છે, ૫૦૦ વર્ષના સંઘર્ષ પરના ‘સ્વ’ના વિજયનું પ્રતિક છે.
આધ્યાત્મિક ચેતનાના આ જ દિવ્ય પ્રવાહને આગળ ધપાવતા, વારાણસીના પવિત્ર તટે આકાર પામેલો કાશી વિશ્વનાથ કોરિડોર એ પ્રાચીન પવિત્રતા અને આધુનિક સ્થાપત્યનો એવો અદ્ભુત સમન્વય છે, જે દર્શાવે છે કે, ભારત પોતાના વૈભવને ‘સ્વ’મૂલ્યો સાથે પુનઃપ્રાપ્ત કરી રહ્યું છે. હિમાલયની દિવ્ય પહાડીઓમાં પ્રકૃતિની આપત્તિ બાદ ભારતીય એન્જિનિયરિંગ અને દૃઢ આત્મબળથી ઊભું કરાયેલું શ્રી કેદારેશ્વર ધામનું નવનિર્માણ પણ ‘સ્વદેશી’ નાદ છે.
આ વૈભવની રક્ષા કાજે દક્ષિણના કિનારે શ્રી રામેશ્વરમ ધામનો જીર્ણોદ્ધાર અને પૂર્વમાં પુરીના શ્રી જગન્નાથ હેરિટેજ કોરિડોરનું નિર્માણ એ સ્પષ્ટ કરે છે કે ભારત હવે પોતાના પૂર્વજોના સ્થાપત્ય વારસાને પશ્ચિમી પ્રભાવથી મુક્ત કરીને પોતાની માટીની સ્વદેશી સુગંધ સાથે દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યું છે. પશ્ચિમ ભારતમાં દ્વારકાધીશ મંદિર પરિસરનો વિકાસ અને અબુધાબી જેવા સાત સમુદ્ર પારના દેશમાં ઊભું થયેલું ભવ્ય બીએપીએસ હિન્દુ મંદિર એ વૈશ્વિક પટલ પર ભારતીય શિલ્પશાસ્ત્ર અને સ્વદેશી મૂલ્યોના સ્વાભિમાનનો ડંકો વગાડતાં સીમાચિહ્નો છે.
ઐતિહાસિક સ્મારકો, આધુનિક મોન્યુમેન્ટ્સ અને રાષ્ટ્રીય અખંડિતતા
સ્થાપત્ય કળા જ્યારે રાષ્ટ્રના ઇતિહાસ અને વીરોની સર્વોચ્ચ ત્યાગગાથાને ભૌતિક સ્વરૂપ આપે છે, ત્યારે તે આવનારી પેઢીઓ માટે રાષ્ટ્રભક્તિનો કાયમી દીપક બની જાય છે. નર્મદાના પવિત્ર તટે સાધુ બેટ પર સ્થાપિત સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ૧૮૨ મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવાની સાથે એક ભારત, શ્રેષ્ઠ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતું સ્વદેશી સ્વાભિમાનનું લોખંડી પ્રતીક છે. ગુલામીની માનસિકતાના પ્રતીક સમાન પશ્ચિમી લ્યુટિયન્સ આર્કિટેક્ચરથી મુક્ત થઈને શુદ્ધ ભારતીય શૈલી અને શ્રમિકોના પરસેવાથી બનેલું સ્વદેશી નૂતન સંસદ ભવન એ આધુનિક ભારતની લોકશાહીનું નવું પવિત્ર મંદિર છે. આ ભવનની અંદર સર્વોચ્ચ સ્થાને પ્રસ્થાપિત કરાયેલો પવિત્ર રાજદંડ ‘સેંગોલ’ એ સત્તાના હસ્તાંતરણ અને ન્યાયપૂર્ણ શાસનની પ્રાચીન તમિલ ચોલ પરંપરાનું પ્રતીક છે, જે આપણને નૈતિક મૂલ્યોની યાદ અપાવે છે. સ્વતંત્રતાના લડવૈયાઓનું ગૌરવ જાળવવા માટે નવી દિલ્હીમાં બનેલું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશના બલિદાનીઓની અમર જ્વાળાને હૃદયમાં જીવંત રાખે છે, જ્યારે ઇન્ડિયા ગેટ ખાતે સ્થાપિત નેતાજી સુભાષચંદ્ર બોઝ હોલોગ્રામ સ્ટેચ્યુ અને મ્યુઝિયમ એ બ્રિટિશ હૂકુમત સામે આઝાદ હિંદ ફોજના સાર્વભૌમત્વનો જયઘોષ કરે છે. અમૃતસરમાં આવેલું જલિયાંવાલા બાગ સ્મારક અને રિનોવેટેડ મ્યુઝિયમ બ્રિટિશ શાસકોના ક્રૂર દમન સામે ભારતીય વીરોએ ‘સ્વ’દેશ માટે આપેલાં અતુલ્ય બલિદાનની ગાથા કહે છે તો રાંચીમાં બનેલું ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન અને ફ્રીડમ ફાઇટર્સ મ્યુઝિયમ એ વાતની સાક્ષી પૂરે છે કે, ભારતના આદિવાસી ભાઈઓએ પણ પોતાના જળ, જંગલ અને જમીનની રક્ષા માટે સ્વદેશી સ્વાભિમાનની લડાઈમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર અને પંચતીર્થ અને વૈચારિક સ્વદેશીનું સ્વાભિમાન
સ્વદેશી સ્વાભિમાનની આ વૈચારિક મશાલને પ્રજ્વલિત રાખવામાં બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પ્રદાન અને તેમનું ચિંતન માતબર છે. અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવના એ ભયંકર જમાનામાં તમામ પ્રતિકૂળતાઓ સામે લડીને ડૉ. બાબાસાહેબ આંબેડકર પોતે સન્માન અને સ્વાભિમાનપૂર્વક જીવવાનું આખા દેશ માટે સૌથી મોટું ઉદાહરણ બન્યા છે. વર્તમાન સમયમાં દેશમાં વિકસાવવામાં આવેલા બાબાસાહેબના ‘પંચતીર્થ’ એટલે કે મધ્યપ્રદેશના મહુમાં તેમની જન્મભૂમિ, લંડનનું શિક્ષાભૂમિ સ્મારક, નાગપુરની દીક્ષાભૂમિ, મુંબઈની ચૈત્યભૂમિ અને દિલ્હીનું મહાપરિનિર્વાણ સ્થળ- એ માત્ર દર્શન કરવાનાં સ્થળો નથી, પરંતુ ભારતના વંચિત, શોષિત અને પીડિત સમાજને મુખ્ય પ્રવાહમાં લાવીને રાષ્ટ્રીય શક્તિમાં બદલવાનાં સર્વોચ્ચ સ્વદેશી પ્રતીકો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આ પંચતીર્થોનું નિર્માણ થયું છે. આ પંચતીર્થ એ વાતની સાક્ષી પૂરે છે કે, સાચું સ્વદેશી સ્વાભિમાન ત્યારે જ જાગશે જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક સામાજિક ભેદભાવોથી મુક્ત થઈને ‘રાષ્ટ્ર પ્રથમ’ના સૂત્ર સાથે એક તાંતણે બંધાશે. બાબાસાહેબે ભારતના બંધારણના આત્મા તરીકે ભગવાન બુદ્ધ અને અશોક ચક્રના સ્વદેશી આદર્શો અને નૈતિક પરંપરાઓને જ પ્રાધાન્ય આપ્યું હતું, જે આપણી ઉચ્ચ સ્વદેશી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે હંમેશાં ભારપૂર્વક કહ્યું હતું કે ભારતનો આર્થિક અને સામાજિક વિકાસ વિદેશી સહાય કે મોડેલ પર નહીં, પણ દેશના પોતાના ઉદ્યોગો, શ્રમિકોના અધિકારો અને આંતરિક સંસાધનોના સક્ષમ ઉપયોગ દ્વારા જ શક્ય બનશે
વૈચારિક ગુલામીમાંથી મુક્તિ અને સાચુ આત્મિક સ્વદેશીકરણ...
સ્વદેશી સ્વાભિમાન માત્ર ભૌતિક વસ્તુઓ કે ઇમારતો પૂરતું સીમિત નથી, પણ તે સદીઓ જૂની વૈચારિક અને માનસિક ગુલામીની સાંકળો તોડીને શુદ્ધ ભારતીય ચિંતન તરફ વળવાની એક ગહન પ્રક્રિયા છે. બ્રિટિશ શાસનકાળના જૂના કાયદાઓ, જે પ્રજાને માત્ર દંડિત કરવા માટે બનાવવામાં આવ્યા હતા, તેના સ્થાને હવે ‘ઇન્ડિયન પીનલ કોડ’નું ‘ભારતીય ન્યાય સંહિતા’માં રૂપાંતર થવું એ સજા આપવાની પશ્ચિમી માનસિકતામાંથી મુક્ત થઈને ન્યાય આપવાના મૂળભૂત સ્વદેશી દર્શન તરફનું ખૂબ મોટું પગલું છે. આ જ રીતે, વસાહતી કાળની પરંપરા મુજબ આપણું કેન્દ્રીય બજેટ જે અંગ્રેજોના સમયને અનુકૂળ રાખવા માટે સાંજે પાંચ વાગ્યે રજૂ થતું હતું, તે સમય બદલીને ભારતીય કાર્યકાળ મુજબ સવારે અગિયાર વાગ્યે પ્રસ્તુત કરવાનો ઐતિહાસિક વૈચારિક સુધારો કરાયો છે. એટલું જ નહીં, પશ્ચિમી લેધર સૂટકેસની એ જૂની પદ્ધતિને ફગાવીને હવે પરંપરાગત લાલ કાપડની ‘વહી-ખાતા’પોથી અને ડિજિટલ ટેબ્લેટના સમન્વય દ્વારા બજેટ રજૂ કરવું એ આપણી આર્થિક સ્વાયત્તતા સાથે સ્વદેશી સંસ્કારોનું જીવંત પ્રતીક છે.
આ વૈચારિક પુનરાવર્તનના ભાગરૂપે જ આપણા દેશનાં અનેક સ્થાનોમાં નામો બદલવામાં આવ્યાં છે. દિલ્હીના રાજપથનું ‘કર્તવ્યપથ’ તરીકે નામાભિધાન શાસકોની રાજાશાહી માનસિક્તાને બદલી નાગરિકોના મનમાં સેવાનો ભાવ પ્રગટ કરે છે. તો બીજી તરફ, નૌકાદળના ધ્વજ પરથી બ્રિટિશ શાસનની ધૂળ સમાન સેન્ટ જ્યોર્જ ક્રોસ હટાવીને છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રા પ્રેરિત નવો નૌસેના ધ્વજ અપનાવવો એ આપણા પોતાના દરિયાઈ સંગ્રામના ઇતિહાસનું સર્વોચ્ચ સ્વદેશી ગૌરવ છે. શિક્ષણક્ષેત્રે પણ મેકોલેની કારકુની પદ્ધતિને વિદાય આપી માતૃભાષા અને ભારતીય મૂલ્યો પર આધારિત નવી ‘રાષ્ટ્રીય શિક્ષણનીતિ’ લાગુ કરાઈ છે. છેવટે, વૈશ્વિક રાજદ્વારી પ્રોટોકોલમાં વિદેશી મહાનુભાવોને પશ્ચિમી પ્રભાવવાળી ભેટ આપવાના સ્થાને પવિત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા, ખાદીના રૂમાલ, ઓર્ગેનિક મધ અને કોણાર્કના સૂર્યચક્રની સ્મૃતિભેટ આપવી સાચું આત્મિક સ્વદેશીકરણ છે.
સાંસ્કૃતિક સ્વાભિમાનની જ્યોત અને આધુનિક સ્વદેશીનો સંકલ્પ
ઉપર વર્ણવેલાં સાંસ્કૃતિક ધામો, ઇતિહાસના અડીખમ સ્મારકો અને વૈચારિક વિરાસત એ માત્ર નિર્જીવ વસ્તુઓ નથી. આ યાદી તો આપણી એ ભવ્ય ચેતનાની એક નાનકડી ઝાંખી છે, જે સદીઓની ગુલામી અને વિદેશી આક્રમણો સામે પણ ભારતની માટીના સ્વાભિમાનને અકબંધ રાખી શકી છે. આપણા દેશનું પ્રત્યેક સ્વદેશી પ્રતીક આપણને કહી રહ્યું છે કે, આપણો ખરો વૈભવ હંમેશા આપણી પોતાની સંસ્કૃતિ અને સ્વદેશી સંસાધનોમાં જ છુપાયેલો રહ્યો છે. આપણા પૂર્વજોએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાના આત્મગૌરવને, આપણા સ્વાભિમાનને અને આપણા ‘સ્વ’ને ક્યારેય વિદેશી તાકાતો સામે ઝૂકવા દીધું નથી, આજે પણ ફરી એ પ્રકારનો સમય આવ્યો છે, સંકટ આવ્યું છે ત્યારે આપણે સૌ એક થઈ પુનઃ આપણા ‘સ્વ’ અને સ્વાભિમાનને જાગ્રત કરીએ.