એક સમય હતો જ્યારે ભારત હથિયારો અને ચીપ માટે વિદેશો પર નિર્ભર હતું, પણ આજે ચિત્ર બદલાયું છે. રક્ષાક્ષેત્રે ભારતનું ઘરેલું ઉત્પાદન રૂ. ૧.૭૫ લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે અને આપણી બ્રહ્મોસ તેમજ તેજસ જેવાં શસ્ત્રો દુનિયાના ૧૦૦ દેશોમાં નિકાસ થઈ રહ્યાં છે!
૩૦-મે-૨૦૨૬
કુલ દૃશ્યો |
રક્ષાક્ષેત્ર :
એક સમય હતો જ્યારે ભારત રક્ષાસાધનો માટે લગભગ-લગભગ વિદેશી દેશો પર નિર્ભર હતું. પરંતુ આજે ભારતની સ્વદેશી રક્ષાપ્રણાલીઓ દેશને સ્વદેશી સુરક્ષાકવચ પૂરું પાડવાની સાથે સાથે અનેક દેશોમાં પણ ભારતની ધાક જમાવી રહી છે. હાલ રક્ષાક્ષેત્રે દેશનું ઘરેલું ઉત્પાદન રૂ. ૧.૭૫ લાખ કરોડના વિક્રમજનક સ્તરને આંબી ગયું છે. (PIB) એક સમયે રક્ષાક્ષેત્રે આયાતી સાધનો પર નિર્ભર રહેતું ભારત હવે ૧૦૦ દેશોમાં ૩૮૦૦૦ કરોડથી વધુનાં હથિયારોની નિકાસ કરી રહ્યું છે. ભારતે સંપૂર્ણ વિદેશી ટેક્નોલોજીથી નિર્મિત તેજસ યુદ્ધ વિમાન, INS અરિઘાત પરમાણુ પનડુબ્બી, પ્રચંડ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર, પિનાકા રોકેટ સિસ્ટમ, વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલોમાંની એક બ્રહ્મોસ મિસાઈલ (જેણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થથરાવી દીધું હતું.) અગ્નિ-V જેવી સ્વદેશી મિસાઈલ છે. અર્જુન MBT ટેક જેવી રક્ષાપ્રણાલીઓ વિકસિત કરી છે. ૧૦,૦૦૦ કિ.મી.ની રેન્જવાળી અગ્નિ-૬ મિસાઈલ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. DRDOએ સ્વદેશી NAMSR (નૌકાદળ વિરોધી જહાજ મિસાઈલ)નું પણ સફળ પરીક્ષણ કર્યું છે. ભારતે નવી હાઈપર સોનિક મિસાઈલ બનાવવા જઈ રહ્યું છે જેની ઝડપ પ્રતિકલાક ૪થી ૧૨ હજાર કિ.મી. છે. મિસાઈલનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ તેનું સિકર (મિસાઈલની અણી) હોય છે. DRDOએ સ્વદેશી સિકર વિકસિત કરી મિસાઈલ પરિયોજનાઓના ખર્ચમાં લગભગ ૩૦થી ૪૦ ટકા સુધીની બચત કરી છે. હવે, ભારતની અસ્ત્ર, નાગ, આકાશ, રુદ્રમ જેવી પ્રમુખ મિસાઈલ્સ ૪૦ ટકાથી પણ વધુ સ્વદેશી ટેકનોલોજી અને ભાગોનો ઉપયોગ કરી બનાવાય છે.
ડિજિટલ :
ભારતની સ્વદેશી ડિજિટલ ટેક્નોલોજીમાં સૌથી મોટું ઉદાહરણ છે UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ). આ વ્યવસ્થા ભારતીય સંસ્થા NPCI દ્વારા વિકસાવવામાં આવી છે. ચા વેચનારથી લઈને મોટા વેપારીઓ સુધી દરેક વ્યક્તિ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. BHIM, PhonePe અને Paytm જેવી એપ્લિકેશનો આ વ્યવસ્થાને વધુ લોકપ્રિય બનાવે છે. ભારતે પોતાની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી 32-બીટ માઈક્રો પ્રોસેસર ચીપ વિક્રમ (Vikram 3201) પણ લોન્ચ કરી દીધી છે, એટલું જ નહિ, હમણા સુધી ચીપ માટે આયાત પર નિર્ભર રહેતા ભારતે તેને ભારતમાં જ નિર્માણ કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. હાલ ભારતમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ૨.૩ લાખથી પણ વધુ સ્વદેશી સ્ટાર્ટઅપ છે. આ સ્વદેશી સ્ટાર્ટ દ્વારા દેશમાં ૨૩.૩૬ લાખથી પણ વધારે પ્રત્યક્ષ રોજગારી ઊભી થઈ છે, એટલું જ નહિ, ભારતમાં હાલ ૧૨૮ યુનિકોર્ન સ્ટાર્ટઅપ એટલે કે ૧ બિલિયન ડોલર કે તેથી વધારે વેલ્યુએશનવાળા સ્વદેશી યુનિકોર્ન છે. AIને અપનાવવામાં ભારત વર્લ્ડ એઆઈ એડવાન્ટેઝ સ્કોર (૫૩) સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
કૃષિ :
ભારતના કૃષિક્ષેત્રમાં હાલ ૭,૦૦૦થી વધારે કૃષિ સ્ટાર્ટઅપ કામ કરી રહ્યાં છે. Fasal અને Agnext જેવાં સ્ટાર્ટપ મોસમની જાણકારી, રોગોના પૂર્વાનુમાનને લગતી માહિતી આપે છે. તો Ninjacart અને Dehaat જેવાં સ્ટાર્ટઅપ્સ વચેટિયાઓને હટાવી ખેડૂતોની ઉપજ સીધી જ બજાર સુધી પહોંચાડી રહ્યાં છે. જેથી ખેડૂતોની આવકમાં ૧૫-૨૦ ટકા સુધી વધારો થયો છે.
આજે ભારતીય કંપનીઓ દ્વારા બનાવાયેલા ટ્રેક્ટરો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ નિકાસ થાય છે. Mahindra & Mahindra અને TAFE જેવી કંપનીઓ વિશ્વસ્તરે ભારતીય ટેક્નોલોજીનું પ્રતિનિધિત્વ કરી રહી છે. કૃષિક્ષેત્રે ડ્રોન ટેક્નોલોજી પણ ક્રાંતિકારી સાબિત થઈ રહી છે.
અંતરિક્ષ :
ભારતે અવકાશ ક્ષેત્રમાં સ્વદેશી ટેક્નોલોજી દ્વારા વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. Indian Space Research Organisation એટલે કે ઈસરોની મહેનત અને ભારતીય વૈજ્ઞાનિકોની પ્રતિભાના કારણે ભારત આજે અવકાશ વિજ્ઞાનમાં આત્મનિર્ભર બન્યું છે. PIB મુજબ ISRO દ્વારા ૩૪થી વધુ દેશોના ૩૯૩થી સેટેલાઈટ લોન્ચ કર્યા. જેમાં માત્ર, અમેરિકાના જ ૨૦૦થી વધુ છે. આ લોન્ચથી ઇસરોએ લગભગ ૧૪૩ મિલિયન અમેરિકી ડોલર અને ૨૭૨ મિલિયન યુરોની વિદેશી મુદ્રાની કમાણી કરી છે.
તાજેતરમાં બેંગલુરુ સ્થિત સ્પેસ ટેક સ્ટાર્ટઅપ દ્વારા મિશન દૃષ્ટિ ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ કોઈપણ ભારતીય સ્વદેશી કંપની દ્વારા બનાવાયેલ સૌથી મોટો અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ ભારતનું સ્વદેશી સ્પેસટેક યુનિકોર્ન છે. ૨૦૧૪માં ભારતે ‘મંગળયાન’ મિશન સફળ બનાવી પ્રથમ પ્રયાસમાં જ મંગળ ગ્રહ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બનવાનું ગૌરવ મેળવ્યું. ત્યારબાદ Chandrayaan-3ની સફળતાથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.
આરોગ્ય :
આરોગ્ય ક્ષેત્રે ભારતે છેલ્લા કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કોરોનાકાળ દરમિયાન ભારતે સ્વદેશી રસી બનાવી સમગ્ર વિશ્વને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો. હાલ, ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસ ૩૦ અરબ અમેરિકી ડોલર (લગભગ ૨,૫૦,૦૦૦ કરોડથી વધુની છે. ભારત દવાની નિકાસમાં ત્રીજા સ્થાને છે અને ૨૦૦થી વધારે દેશોમાં દવા નિકાસ કરે છે.)
સંસ્કૃતિ :
ભારતની સંસ્કૃતિ વિશ્વમાં અનોખી છે. આજે ભારતીય તહેવારો, યોગ, સંગીત, નૃત્ય અને વસ્ત્રો સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહ્યા છે. International Day of Yogaની ઉજવણી વિશ્વના અનેક દેશોમાં થાય છે, જે ભારતની સાંસ્કૃતિક શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.
‘ખાદી’ અને હસ્તકલા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળ્યું છે. પરિણામે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ખાદી ગ્રામોદ્યોગે ઐતિહાસિક સફળતા મેળવી ૧,૭૦,૫૫૧.૭૭ કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો. છેલ્લા ૧૧ વર્ષમાં ખાદીના ઉત્પાદનમાં ૩૪૭ અને વેચાણમાં ૪૪૭ ટકાનો વધારો નોંધાયો છે.
એક સમય હતો જ્યારે ભારતના ઉદ્યોગપતિઓ વૈશ્વિક બ્રાન્ડને ખરીદવામાં ગૌરવ અનુભવતા હતા. પરંતુ હવે તે પણ સ્વદેશી બ્રાંડને મહત્ત્વ આપી રહ્યા છે. થોડા સમય પહેલાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ સાઈરસ પૂનાવાલા દ્વારા રાજા રવિ વર્માનું માતા યશોદા અને કૃષ્ણની ૧૬૭.૨૦ કરોડમાં ખરીદાયેલું તૈલી ચિત્ર આનું ઉદાહરણ છે.
આમ, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં રક્ષાક્ષેત્ર હોય કે આરોગ્ય - શિક્ષણ - કૃષિ કે સંસ્કૃતિ પ્રત્યેક ક્ષેત્રમાં સ્વદેશી ક્રાંતિનો જે વાયરો વાઈ રહ્યો છે. તે ભારતને આત્મનિર્ભર અને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ભારતમાં મક્કમ ગતિએ આગળ વધેલી સ્વદેશી ક્રાંતિને પરિણામે જીડીપી મામલે ભારત હાલ વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને ૨૦૩૦ સુધી ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની જશે. પરિણામે વિદેશી મીડિયા જગત પણ ભારતનું પ્રશંસક બની રહ્યું છે. અમેરિકન ઇન્વેસ્ટિગેશન જર્નાલિસ્ટ લૉરા લૂમર જેવા માંધાંતાઓ પણ ભારતને આગામી વૈશ્વિક મહાસત્તા ગણાવી રહ્યા છે.
ભારતનાં પરંપરાગત સ્થાનિક રોજગાર - ધંધા - વેપાર, રીતિ - નીતિ - કૃતિ, વિચાર - વાણી - વર્તન, તીજ - તહેવાર - વ્યવહાર, જપ - તપ - તિર્થ, દાન-દક્ષિણા - ધરમ (અહીં ‘નોન-સેમેટિક’ પંથોના અર્થમાં), સંસ્કાર - સમજણ - સંયમ - આ બધાંમાં મુખરિત થતું ‘સ્વ’ત્વ એ જ ભારતનું ગુરુત્વ છે. તે નબળું પડે તો ભારત નબળું બને અને જો તે બળવાન બને તો ભારત બળવાન. પોતાના ‘સ્વદેશી સમાજ’ નિબંધમાં ગુરુવર રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે, ‘આપણે સૌથી પહેલાં આપણે જે છીએ તે બનવું પડશે.’
ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં જણાઈ રહેલી આ સ્વદેશી ક્રાંતિ સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે, સ્વદેશી વિચારધારા એ માત્ર દેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની વાત નથી, પરંતુ પોતાની જ્ઞાન-પરંપરા અને શક્તિ પર વિશ્વાસ રાખવાનો પણ સંદેશ આપે છે. તે આપણું ‘સ્વ’ગૌરવ છે.