મુખપૃષ્ઠ વાર્તા - ૧ । સંકલ્પના - ભારતીયોના લોહીમાં વહેતી રાષ્ટ્રભાવના - ‘સ્વદેશી’

ભારતમાં સ્વદેશીની સંકલ્પના માત્ર એક આર્થિક વિચાર નથી, પરંતુ તે ભારતીયોના લોહીના ધબકારમાં ગૂંજતો રાષ્ટ્રભાવનાનો મંત્ર છે.

    ૩૦-મે-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Swadeshi
 
 

ભારતમાં સ્વદેશીની સંકલ્પના માત્ર એક આર્થિક વિચાર નથી, પરંતુ તે ભારતીયોના લોહીના ધબકારમાં ગૂંજતો રાષ્ટ્રભાવનાનો મંત્ર છે. આ દેશમાં સ્વદેશી માટે તો આંદોલનો થયા છે. સ્વદેશી માટે લોકોએ પોતાના જીવની આહૂતિ આપી છે. આપણા દેશમાં ભાષા, ભૂષા, ભોજન, ભ્રમણ વગેરે દરેક બાબતે સ્વદેશીનો વિચાર થયો છે. આવો, આપણે આપણી આ સ્વદેશી પરંપરાની સંકલ્પનાને ઊંડાણપૂર્વક જાણીએ.
આપણે કોણ છીએ? તે પ્રશ્નોનો ઉત્તર ભારત પાસે અચૂક છે. આપણે એટલે આપણું ‘સ્વ’. આપણું આ ‘સ્વ’ ત્રણ સ્વરૂપમાં પ્રગટ થાય છે. ૧, સ્વધર્મ, ૨, સ્વરાજ અને ૩, સ્વદેશી.
 
મહાત્મા ગાંધીએ આપેલા ૧૧ મહાવ્રત, તેઓએ આપેલો અનાસક્તિયોગ સ્વધર્મ માટે હતાં. એની બેસન્ટે કરેલ ભગવદ્‌ગીતાનો અનુવાદ સ્વધર્મ માટે હતો. મહર્ષિ અરવિંદે ભગવદ્‌ ગીતા પર લખેલ વિસ્તૃત નિબંધ સ્વધર્મ માટે હતો. માંડલેની જેલમાં તિલક મહારાજે લખેલ ‘ગીતારહસ્ય’ સ્વધર્મ માટે હતું. DAV અને સ્વામી શ્રદ્ધાનંદે ઊભાં કરેલાં ગુરુકુળો સ્વધર્મ માટે હતાં.
 
આ જ રીતે ‘સ્વ’રાજ માટેના પૂર્ણ સ્વરાજનો ૧૯૩૦નો ઠરાવ, જેનું મહત્ત્વ સૌ જાણીએ જ છીએ. તે જ રીતે ‘સ્વ’દેશીમાં ‘સ્વ’ધર્મ અને ‘સ્વ’રાજ સિવાયની બધી જ બાબતો એટલે કે ‘સ્વ’ભાષા, ‘સ્વ’ભૂષા, ‘સ્વ’ભજન, ‘સ્વ’ભોજન, ‘સ્વ’ભ્રમણ સહિત બધું જ આવી જાય છે.
 
ભારતમાં સ્વદેશીની સંકલ્પના માત્ર એક આર્થિક વિચાર નથી, પરંતુ તે ભારતીયોના લોહીના ધબકારમાં ગૂંજતો રાષ્ટ્રભાવનાનો મંત્ર છે. ભારતની આ સ્વદેશી-સમૃદ્ધિને કારણે તે ‘સોને કી ચીડિયા’ ગણાતું. ભારતની આ સમૃદ્ધિથી આકર્ષાઈ અંગ્રેજો ભારતમાં આવ્યા. ભારતમાં આવવાની સાથે જ તેઓએ ભારતની સમૃદ્ધિ લૂંટવા પોતાનો માલ ભારતમાં ડમ્પ કરવાનું શરૂ કર્યું અને આ ‘સ્વ’દેશી ભારત બ્રિટનને નિર્ભર બનવા લાગ્યું. જેના જવાબમાં આપણા નેતૃત્વએ ભારતના ‘સ્વ’ને બચાવવા સ્વદેશીનું હથિયાર ઉગામ્યું અને ભારતની સ્વાધીનતાની લડાઈમાં સ્વદેશી આંદોલને મહત્ત્વની ભૂમિકા નિભાવી. કહેવાય છે કે, ભારતમાં સ્વદેશી આંદોલનની શરૂઆત વર્ષ ૧૯૦૫થી જ થઈ ગઈ હતી, પણ એમ કહી શકાય કે સ્વદેશીનો વિચાર છેક ઋષિ મુનિઓના સમયથીપ્રસ્થાપિત થયેલો. ‘સ્વ’ના ગૌરવનો વિચાર છે.
 
ઐતિહાસિક સંદર્ભ જોવામાં આવે તો ભારતમાં સ્વાતંત્ર્ય આંદોલનની એક પ્રવૃત્તિ રૂપે સ્વદેશીનો ઉલ્લેખ ૧૮૪૯માં પૂણેથી પ્રકાશિત થતી પ્રભાકર પત્રિકામાં મળે છે, જેમાં ગોપાલરાવ દેશમુખે દેશવાસીઓ સમક્ષ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાની વાત કરી હતી. ૧૮૫૦માં કૂકા આંદોલનમાં પણ બ્રિટિશ વ્યવસ્થાનો બહિષ્કાર કરી ‘સ્વ’દેશી વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત થઈ હતી. ૧૮૬૧માં નવીપાલ મિત્ર અને ઋષિ રાજનારાયણના પ્રયત્નોથી દેશમાં હિન્દુ મેળાઓનું આયોજન થયું. આ મેળાઓમાં ભારતીય વસ્તુઓ જેવી કે શિલ્પ, વસ્ત્ર, આભૂષણનું પ્રદર્શન થતું. મેળામાં સંચાલનની ભાષા અને વેશભૂષા પણ ભારતીય જ રાખવામાં આવતી. ૧૮૭૦માં વિશ્વનાથ નારાયણે નેટિવ ઓપિનિયન પત્ર થકી લોકોને મોંઘી હોવા છતાં સ્વદેશી વસ્તુ ખરીદવાની વાત મૂકી હતી. ૧૮૭૨માં મહાદેવ ગોવિંદ રાનડેએ પૂણેમાં આર્થિક સ્વતંત્રતા પર એક જાહેર વક્તવ્ય આપ્યું અને દેશને વાસુદેવ બળવંત ફડકે અને ગણેશ વાસુદેવ જોશી જેવા બે ક્રાંતિકારી મળ્યા, જેમણે સ્વયં સ્વદેશી વિચાર અપનાવી લોકો સુધી સ્વદેશી ક્રાંતિનો વિચાર પહોંચાડ્યો. આઝાદી પહેલાં સ્વતંત્રતાની લડાઈ લડતી વખતે અનેક પત્ર-પત્રિકાઓમાં અનેક ક્રાંતિવીર લેખકોએ સ્વદેશી અપનાવવાનું આહ્વાન લોકો સમક્ષ મૂક્યું હતું. રવીન્દ્રનાથ ટાગોરે સામાન્ય માણસ સુધી સ્વદેશી ઉત્પાદન સરળતાથી પહોંચાડવા સ્વદેશી ભંડાર પણ ખોલ્યો હતો.
 
વર્ષ ૧૯૦૩માં બંગાળ વિભાજન વખતે જે બંગ- ભંગ વિરોધી જનજાગરણ થયું તેનાથી ભારતમાં સ્વદેશી આંદોલનને બળ પ્રદાન થયું. ગાંધીજીનું આ દેશમાં આગમન થયું તે પહેલાં જ અરવિંદ ઘોષ, રવીન્દ્રનાથ ટાગોર, વીર સાવરકર, લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ જેવા મહાન વ્યક્તિઓ સ્વદેશી આંદોલનના ઉદ્ઘોષક બન્યા. સ્વદેશી આંદોલનના નેતા તે સમયે બાળ ગંગાધર તિલક હતા, જે પૂનાના હતા. તેમણે જ સૌ પ્રથમ પૂનાથી આ આંદોલનની શરૂઆત કરી હતી અને પછી આખા દેશમાં આ આંદોલનને વધાવી લેવાયું. આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય અંગ્રેજો દ્વારા બનાવેલી વસ્તુનો બહિષ્કાર કરી અંગ્રેજોને આર્થિક રીતે તોડી પાડવાનો હતો. આખા દેશમાં ઢગલો વિદેશી કપડાંની હોળી સળગાવવામાં આવી. લાલા લજપતરાય, તિલક જેવા નેતાઓ તો વિદેશી વસ્તુઓને શોધી-શોધી સળગાવતા અને લોકોને પોતાના ખર્ચે સ્વદેશી વસ્તુ લઈ આપતા. એવું કહેવાય છે કે, તે સમયે ૫૦ કરતાં વધુ વિદેશી વસ્તુઓ ભારતમાં વેચાવા આવતી, જેનો સ્વદેશી આંદોલનમાં જોડાયેલા ૧ કરોડ કરતાં વધારે કાર્યકર્તાઓએ બહિષ્કાર કર્યો હતો.
 
સ્વદેશી આંદોલનમાં મહાત્મા ગાંધી
 
વર્ષ ૧૯૨૦માં લોકમાન્ય તિલકનું અવસાન થયું અને સ્વદેશી આંદોલનનું નેતૃત્વ ગાંધીજીએ સંભાળ્યું. પછી ૯ ઑક્ટોબર, ૧૯૨૧ના રોજ મુંબઈમાં વિદેશી કપડાંની હોળી સળગાવી હતી. દેશના નામી લોકો, ઉદ્યોગપતિઓ આ આંદોલનમાં જોડાયા અને દેશમાં ચારે તરફ સ્વદેશીની લહેર ચાલી. સ્વદેશી વિશે મહાત્મા ગાંધીનો વિચાર શું હતો તે પણ જાણવું જરૂરી છે. પૂ. બાપુએ નવજીવનના ૧૯-૬-૧૯૨૭ના અંકમાં સ્વદેશી વિશે લખ્યું હતું કે, “સ્વદેશી તો શાશ્વત ધર્મ છે. તેનો વ્યવહાર પ્રત્યેક યુગમાં બદલાતો જ રહેશે અને બદલાવો પણ જોઈએ. સ્વદેશી આત્મા છે અને ભારતમાં આ યુગમાં ખાદી તેનું શરીર છે. યોગ્ય સમયે તેના આ દેહનો નાશ થાય તો ભલે થાય. તે બીજો નવીન દેહ ધારણ કરી લેશે, પરંતુ અંતરમાં સ્થિત આત્મા તો એ જ રહેશે. સ્વદેશી એક સેવાધર્મ છે. આ સેવાધર્મને આપણે પૂરેપૂરો સમજી લઈએ તો આપણું, આપણા પરિવારનું, દેશનું અને સમગ્ર સંસારનું કલ્યાણ થશે.”
 
મહાત્મા ગાંધીની આ સ્વદેશી વિચારોની દેશના યુવામાનસ પટલ પર એવી અસર થઈ કે, સ્વદેશી માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરવા તૈયાર થઈ ગયા હતા. ૧૨ ડિસેમ્બર, ૧૯૩૦ના રોજ બાબુ ગેનુ નામના મહારાષ્ટ્રીયન યુવાને વિદેશી કપડાં ભરેલી ટ્રકને રોકી સ્વદેશી માટે ટ્રક નીચે ચગદાઈ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. સ્વદેશી માટે આ પ્રથમ બલિદાન હતું. તેની યાદમાં આજે પણ દર ૧૨મી ડિસેમ્બરે ‘સ્વદેશી દિવસ’ મનાવવામાં આવે છે.
 
મા શ્રી દત્તોપંત ઠેંગડીજીએ પણ સ્વદેશી વિશે ખૂબ ચિંતન કરેલું. તેઓ કહેતાં કે, “વિદેશી સહાય દ્વારા આર્થિક વિકાસની વાત કરવી એ કાચી માટીના કૃત્રિમ પગ લગાડી પોતાની વિકલાંગતા દૂર થવાનો સંતોષ મેળવવાની અથવા સમૃદ્ધ થઈ જવાની આત્મવંચના કરવા જેવું છે. દેશને જે આર્થિક સામ્રાજ્યવાદની જાળમાં ફસાવવામાં આવી રહ્યો છે, અમેરિકા તથા અન્ય દેશો જે રીતે પોતાની આર્થિક સમૃદ્ધિ માટે ભારત અને બીજા વિકાસશીલ દેશોનું પ્રત્યક્ષ અને પરોક્ષ શોષણ કરવાની ચાલાકી કરી રહ્યા છે, તેને જો સમયસર સમજવામાં નહીં આવે તો એક દિવસ દેશની રાજકીય આઝાદી પણ ખતરામાં પડી શકે છે. આપણે ત્યારે પશુઓની જેમ માત્ર વપરાશકાર હોઈશું અને વિદેશીઓના ગુલામ તથા બંધનગ્રસ્ત મજૂર બનીને રહેવાનું જ આપણા ભાગ્યમાં હશે. વિદેશી આર્થિક સામ્રાજ્યવાદના આ આક્રમણથી દેશને બીજું કોઈ નહીં, માત્ર સ્વદેશીનું કવચ જ બચાવી શકે છે.” ઈ.સ. ૧૯૪૭માં ભારત વિદેશીઓના પંજામાંથી સ્વતંત્ર થયું. ગાંધીજીની કલ્પના હતી કે દેશમાં સ્વરાજ્ય આવતાં સ્વદેશીની નીતિ અમલમાં મુકાય, પણ ભારતને વિલાયત કે રુસ બનાવી દેવાની ધૂનવાળા આ દેશના શાસકો ગામડાના દેશી ઉદ્યોગોને સજીવન કરવાને બદલે ભારે ઉદ્યોગોની સ્થાપના કરવા તરફ વળ્યા, પરિણામે ફાયદો થયો થોડો ને નુકસાની થઈ ભારે.
 
ડંકેલ કરાર – આર્થિક પરાધીનતાનો દસ્તાવેજ
 
સ્વતંત્રતા મળ્યા પછી સ્વદેશી આંદોલન થોડું મંદ પડી ગયું હતું તે સત્ય છે. લોકો સ્વદેશી વિચાર પાછા ભૂલી ગયા, પણ ૧૯૯૦માં દેશમાં ઉદારીકરણની નીતિ અપનાવાઈ. ૧૯૯૪માં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરસિંહરાવે ડંકેલ કરાર પર સહી સિક્કા કર્યા અને આર્થિક ગુલામીના એક વધુ દસ્તાવેજનું લખાણ કર્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે આપણા દેશનાં દ્વાર ખોલી નાખ્યાં. એટલે કેટલાક લોકોને લાગ્યું કે, દેશની આર્થિક સ્થિતિ હવે વિદેશીઓના હાથમાં જતી રહેશે અને તેના કારણે સ્વદેશી આંદોલનનો ફરી એક વાર જન્મ થયો. અહીં મહત્ત્વની વાત એ છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તથા તેના વિચાર સાથે જોડાયેલી સ્વદેશી જાગરણ મંચ જેવી સંસ્થાઓએ હંમેશા સ્વદેશી વિચાર માટે લડત આપી છે. હાલ પણ તેમની આ લડત ચાલુ છે.
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…