ઇસ્ટ ઈન્ડિયા કંપની લાટસાહબના લિબાસમાં લૂંટારાઓ
જૂની હિન્દી ફિલ્મોમાં આવતું કે, સુંદર ચહેરો ધરી ડાકણ આવતી. સમય આવ્યે એ પોતાનું પોત પ્રકાશે. ઇસ્ટ ઈન્ડિયા કંપનીનું ‘કામકાજ’ આવું જ હતું. વ્યાપારના ચહેરા પાછળ વ્યવહાર જુદો જ હતો. સામ, દામ, દંડ, ભેદનો પ્રયોગ કરી દેશને દબોચી લેવાનો પ્રયત્ન કરવો. એ સમયે મુઘલો તલવારની ધાર પર દરેક દેશમાં ઘૂસણખોરી કરતા હતા જ્યારે અંગ્રેજો બુદ્ધિ ભ્રમ ઊભા કરીને, ભ્રમણાઓનાં દર ખોદીને બીજાના ઘરમાં પ્રવેશતા હતા. સિકંદર ગલત હતો તો હિટલર પણ રોંગ હતો. પોતાનું સામ્રાજ્ય વધારવામાં બીજાની લાગણી કચડાતી રહી એનો ખ્યાલ અંગ્રજોને શું કામ આવે? એક સમયે એવું કહેવાતું કે, અંગેજોનો સૂર્ય કદી અસ્ત થતો ન હતો. પણ અસત્યના પાયા પર ઈમારત કેટલી ઊભી રહે...!
૧૫૦ વર્ષ પહેલાં ઇસ્ટ ઈન્ડિયા કંપનીનું વિસર્જન થયું હતું. પણ આ કંપની હજુ ચાલુ છે અને એ પણ એક ગુજરાતી ચલાવે છે. આ સંદર્ભે જાણીતા પત્રકાર અને લેખક લલિત ખંભાયતાએ પાલનપુરના ગુજરાતી ઉદ્યોગપતિ સંજીવ મહેતા સાથે વાત કરી વિગતો મેળવી હતી. જેના સંજીવભાઈ મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન છે. કંપની ૧૮૭૪માં બંધ થઈ પણ તેનું નામ, સિમ્બોલ, કોટ ઓફ આર્મ વગેરે બ્રિટિશ સરકારના તાબામાં હતું. જે સંજીવ મહેતાએ કાયદાકીય વિધિ પતાવીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ, સિમ્બોલ વગેરે મેળવ્યાં છે. આજની ઇસ્ટ ઈન્ડિયા કંપની અને ભારત પર શાસન કરતી હતી એ કંપની વચ્ચે નામ સિવાય કોઈ સામ્ય નથી.
મૂળ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપવાની મંજૂરી આપનારા એલિઝાબેથ (પ્રથમ) સમુદ્રમાં ચાંચિયાઓ સાથે ભાગીદારી ધરાવતાં હતાં. રાણી સમક્ષ ઈંગ્લેન્ડના કેટલાક શાતીર વેપારીઓએ પ્રસ્તાવ મૂક્યો કે ‘સોને કી ચીડિયા’ હિન્દુસ્તાનમાં વેપાર કરવો છે. રાણીએ પોતાનો ફાયદો જોઈ કાયદો એકબાજુ મૂકી મંજૂરી આપી. ૧૬૦૦ની ૩૧મી ડિસેમ્બરે ઇસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
વેપારનો અધિકાર ઈંગ્લેન્ડમાંથી બીજા કોઈને ન હતો એટલે આ મોનોપોલીનો મિસયુઝ કંપનીએ કર્યો. મરી-મસાલા, ચા, કોફી, ઇત્યાદિ ચીજો હિન્દુસ્તાનમાંથી ખરીદવાની હતી અને ઈંગ્લેન્ડ તથા યુરોપના માર્કેટમાં વેચવાની હતી. કંપનીને સૈન્ય રાખવાનીય છૂટ હતી. પાછલે બારણે કંપનીને યુદ્ધ કરવાની છૂટ આપી હતી. ‘હેક્ટર’ નામનું જહાજ ૧૬૦૮માં સુરત સુંવાળી પાસેના કાંઠે પહોંચ્યું. પોર્ટુગિઝો ત્યારે ભારતમાં હતા. ૧૬૧૨માં સુંવાળીના કાંઠે અંગ્રેજો-પોર્ટુગિઝોનું યુદ્ધ થયું. પણ અંગ્રેજ જેનું નામ, પૂરી તૈયારી સાથે આવ્યા હતા એટલે જીતી ગયા. માણસોને ફોડી જહાંગીરના દરબારમાંથી વેપારનો પરવાનો મેળવી લીધો. પહેલું ગોડાઉન સુરતના કાંઠે બનાવ્યું અને પછી ધીરે ધીરે એનો વિસ્તાર કરી દેશવ્યાપી વિસ્તાર કર્યો.
૧૭૯૦માં તાંજોરના રાજા વિરૂદ્ધની કાર્યવાહી વખતે અધિકારીએ કંપનીને લખ્યું હતું, એના પરથી કંપનીની કુટિલ માનસિકતાનો ખ્યાલ આવે છે, ‘રાજાનો વિરોધ કરવા માટે લૂંટ-ફાટ કરવી પડશે, ગામોને સળગાવવાં પડશે અને ત્યાં રહેતા સૌ કોઈને મારી નાખવા પડશે.’ એક સમયે કંપનીએ ખિસ્તી પંથના વિસ્તાર માટે પણ ખૂબ રૂપિયા વેર્યા. પોતાના સ્વાર્થ માટે કંપની સુધારા કરતી રહી અને અઢળક કમાણી કરી. ૧૭૫૭ના પ્લાસી યુદ્ધ પછી ક્લાઈવે ૨૫ લાખ પાઉન્ડની રકમ ઈંગ્લેન્ડ રવાના કરી હતી.
મનાઈ હોવા છતાં અફીણની દાણચોરી પણ કંપનીએ ખૂબ કરી. પૈસા માટે નીતિ નિયમો નેવે મૂકી દીધા હતા. પણ અંગ્રેજપ્રજા એટલી શાણી હતી કે, લોકોને એવું લાગે કે એમના હિત માટે કામ કરે છે પણ વાસ્તવિકતા ઉલટી હતી. ગુલામોના વેપાર માટે કંપની જાણીતી હતી. ગુલામોને એક વસ્તુની જેમ ઉપયોગ કરતા હતા. ગુલામમાં બધો રસકસ નીકળી જાય એટલે એને એના હાલ પર છોડી દેવામાં આવતા હતા. બ્રિટિશ રાજને આ જાણકારી હતી, પણ ઢગલા મોઢે રૂપિયા મળતા હતા એટલે સૌ આંખ આડા કરતા હતા બાકી તો કંપનીની મોનોપોલી સામે બ્રિટનમાં પણ કેટલાક સારા માણસોએ વિરોધ નોંધાવ્યો હતો.
કંપનીની પોલિસી સામે ૧૮૫૭માં ક્રાંતિવીરોએ જોરદાર લડત આપી. હવે લાંબુ નહીં ચાલે એમ સમજી શાણા અંગ્રેજોએ ૧૮૭૪ની ૧લી જૂને બ્રિટિશ સંસદમાં ખરડો પસાર કરી કંપનીને બંધ કરી. પછી કંપનીના સ્થાને બ્રિટિશ રાણીએ ભારતનો હવાલો સંભાળી લીધો. આજે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વિસર્જનને ૧૫૧ વર્ષ થઈ ચૂક્યાં છે. અસત્ય અને શોષણના પાયા પર ચણાયેલી ઇમારત કદી ટકતી નથી, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની છે. વેપારના બહાને છળકપટથી ભારતને ગુલામ બનાવનારી આ ક્રૂર કંપનીનો અંત અત્યંત શરમજનક રહ્યો અને તે ઇતિહાસના પાનાઓમાં નામશેષ થઈ ગઈ. તેની સામે, આપણો ભારત દેશ આજે ‘સ્વદેશી’ અને ‘આત્મનિર્ભરતા’ના પવિત્ર પાયા પર અડીખમ ઊભો છે. ભારત કોઈનું શોષણ કરીને નહીં, પણ પોતાની સ્થાનિક પ્રતિભા, ઉદ્યોગો અને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાથી વૈશ્વિક મંચ પર ડંકો વગાડી રહ્યો છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિનાશ એ સાબિતી છે કે, અન્યાય ગમે તેટલો શક્તિશાળી હોય, જીત હંમેશાં સત્ય અને સ્વદેશીની જ થાય છે.