તંત્રીસ્થાનેથી । લોકતંત્રની મજાક જ્યારે મર્યાદા ઓળંગે છે.. ત્યારે તેનો ઉપાય પણ લોકતંત્ર પાસે જ છે..

પાકિસ્તાની સરહદ પરના પંજાબની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે. બંગાળની TMCની જેમ AAP પુનઃ ચૂંટાઈને નહીં આવે તેવો વર્તારો છે.

    ૧૨-જૂન-૨૦૨૬   
કુલ દૃશ્યો |

neet CJP
 
 
પ્રશ્નો નવા પ્રાણ ફૂંકે છે! CJ v/s CJ.. (ચીફ જસ્ટિસ વિ. કોક્રોચ જનતા..)? કોઈ વ્યક્તિ વંદો બનીને કેમ વ્યક્ત થાય? વામપંથી પણ શું એવી ગંદગીમાં જીવવાનું પસંદ કરે જ્યાં વંદા (Cockroach / तिलचट्टे) ઉભરાતા હોય? ગંદગીનો ઉપાય છે ચોખ્ખાઈ! વંદાવનનો ઉપાય છે વૃંદાવન!
 
કોંગ્રેસ પાર્ટી એક વિદેશીએ શરૂ કરેલી. જેમ અંગ્રેજી INCનો હિન્દી/ગુજરાતી અનુવાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરાય છે, તેમ વિદેશમાં નામાભિધાન પામેલી કોક્રોચ જનતા પાર્ટી (CJP)નો હિન્દી અનુવાદ ‘तिलचट्टे जनता पार्टी’ થાય? ગુજરાતી અનુવાદ ‘વંદા જનતા પાર્ટી’ થાય? મરાઠીમાં, તેલુગુ, કન્નડ, બંગાળી, ઉડિયા ઈત્યાદિમાં શું અનુવાદ થતો હશે? બાકી, રાજકારણમાં તો રાવણ પણ ચાલે ને પપ્પુ પણ ચાલે, કારણ કે યેનકેન પ્રકારેણ સત્તા મેળવવાનું, નેહરુ-મૉડેલ સ્વાતંત્ર્ય પ્રાપ્તિના સમયથી દેશ પર હાવી છે. શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને કેવા કેવા પેંતરા રચીને ચૂંટણીમાં હરાવેલા, તેની કિંમત વર્તમાન નેહરુ પરિવાર (ગાંધી પરિવાર) પાસેથી વસૂલ કરવાનું કાર્ય ભારતની જનતા કરી રહી છે.
 
પાકિસ્તાની સરહદ પરના પંજાબની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે. બંગાળની TMCની જેમ AAP પુનઃ ચૂંટાઈને નહીં આવે તેવો વર્તારો છે. સત્તા-શતરંજમાં CJPના વિરોધ-દેખાવો; ઑપરેશન બ્લ્યુ સ્ટાર વખતે ઠાર કરવામાં આવેલા જર્નેલસિંઘ ભીંડરાનવાલેની વરસી - ૬ઠ્ઠી જૂનના દિવસે ગોઠવરાવીને (પડદા પાછળ?) AAP પાર્ટી પંજાબમાં પુનઃ આતંકવાદીઓનું મહિમામંડન કરાવીને સત્તા કબજાવવા માંગે છે, આવો ભય સોશિયલ મીડિયામાં વ્યક્ત થઈ રહ્યો છે. આવા બધા સંશયો આકાર લઈ રહ્યા છે, કારણ કે CJPના પ્રવક્તાએ પણ અગાઉ નકસલી હિંસાનું સમર્થન કરેલું છે.
 
૨૨ મિલિયન ફોલોઅર્સવાળી CJPએ દિલ્હીના જંતર મંતર ખાતે સરકારના વિરોધમાં આયોજેલ ધરણા-પ્રદર્શનમાં પોતાના પ્રદર્શનકારીઓ કરતાં વિવિધ કર્મીઓ (મીડિયા+પોલીસ)ની સંખ્યા ખાસ્સી વધારે હતી. સરકાર વિરોધી પ્રદર્શન એટલે આંદોલનજીવીઓનો તહેવાર. આ પ્રદર્શનમાં પણ મોટા ભાગનાં લોકો આંદોલનજીવીઓ જ હતાં. ઉદા. સુદેશ ગોયત, જે કિસાન આંદોલન, પહેલવાન પ્રદર્શન, OROPના વિરોધ, અગ્નિવીર વિરોધ, આ તમામ પ્રદર્શનોમાં ઉપસ્થિત હતાં. એક હજારનો આંકડો પણ નહીં ઓળંગનાર CJPને પ્રજાએ (ખાસ કરીને દેશની જેન-ઝીએ) કરારો જાકારો આપ્યો, તેને તેનું સ્થાન બતાવી દીધું.
 
આ પ્રોટેસ્ટના મંચ પર મૂળ NEET પરીક્ષાનું પેપર ફૂટી જવાનો મુદ્દો જાણે નામ માત્રનો હતો. દરેકે પોત-પોતાના રાજકીય રોટલા શેક્યા હતા, અંટ-શંટ વાતો કરી. ત્યાંનો મંચ મુદ્દા માટેનો નહીં, મધ્યમાં દેખાતા રહીને મોટાઈ બતાવવાનો મંચ બની ગયો. CJPએ પોતાનું પોત પ્રકાશી દીધું... ઉમર ખાલીદ, JNUવાળી ડફલી ગેંગની (SFIવાળી) આઝાદી, એન્ટિ-બ્રાહ્મિન, LGBTQ, ગોદી-મીડિયા જેવા ‘ઘીસેપીટે’ મુદ્દે માહોલ ઊભો કરવાની નૌટંકીવાળો આ પ્રોટેસ્ટ લોકતંત્રની મજાક ઉડાડી રહ્યો હતો. ચાલુ પ્રદર્શને વિદેશથી આવેલા વંદાનેતાએ A/C ગાડીમાં સ્થાન લઈ લીધું, બીજાએ; પોતે પીણું પીવે ત્યારે પાછળ એક પ્રૌઢ સતત પવન નાંખતો જાય તેવી વ્યવસ્થા કરેલી. સૌને પુસ્તક લઈને આવવા કહેલું, પણ ત્યાં પુસ્તકના બદલે ઓળખ છૂપાવતા માસ્ક ચહેરાઓ પર જોવા મળ્યા. ત્યાં ધોરણ ૯નાં વિદ્યાર્થીઓ હતાં, વૃદ્ધો હતાં, જેન-ઝી જેવા દેખાય તેવા માંડ ૫૦ યુવાનો પણ ત્યાં ન હતા, બાકી બધાં નર-નારી એજન્ડાધારી એક્ટિવિસ્ટ હતાં. સૌથી મોટી નામોશી એ હતી કે, આ પ્રદર્શનમાં NEET, CBSEનો એક પણ પરિક્ષાર્થી ત્યાં ઉપસ્થિત નહોતો. પોતાની ડાયરીમાં જે લખ્યું છે તે જ દેશનું સંવિધાન છે, આવા વોકેઈઝમવાળાઓ સંવિધાનની પણ મજાક કરી રહ્યા હતા. આવી ફાલતું વાતોમાં ‘જેન-ઝી’ ન આવી ગઈ, તે જોતાં દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ હોવાની ખાત્રી પ્રાપ્ત થઈ.
 
કોઈ પણ યુગમાં દૈવી શક્તિ વિરુદ્ધ આસુરી શક્તિ સામે પડેલી જ હોય છે. જ્યારે NEETના પેપર-સેટર્સ જ કોચિંગ માફિયાઓથી ખરીદાઈ ગયાં ત્યારે સરકાર તો તેને છેલ્લામાં છેલ્લી કક્ષાની સજા કરશે જ. આવા પ્રજાદ્રોહીઓને, આપણા સૈન્યએ પકડી પાડેલા આતંકવાદીઓને, ગદ્દારોને અડધી રાત્રે કોર્ટમાં જઈને છોડાવવાની અનૈતિક પેરવી કરનારા વકિલોની પણ એક જમાત, જે લોકતંત્રની આડમાં ફૂલીફાલી છે. અહીં નૈતિકતાને પોષક હોય તેવા વાતાવરણનું નિર્માણ થાય તે માટે જનમતનું નિર્માણ કરવાનો સમય પાકી ગયો છે.
 
 
 
સાંભળો આ લેખને.... 
 
 
 

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કૉલેજમાંથી બી.ઈ. (સિવિલ)નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રિજિયોનલ પ્લાનિંગમાં એમ.ટેક. કર્યું છે. અગાઉ તેમણે કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ પણ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. ‘સાધના’માં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ લખાયેલ વિવિધ વિચારપ્રેરક લેખોમાં તથા તંત્રીલેખોમાં તેઓનો વૈચારિક પરિચય પ્રાપ્ત થાય છે...