સમાજોદય । ‘ગ્રે ડિવોર્સ’ના પડકારને કુટુંબ પ્રબોધન પડકાર ફેંકે છે

આ કોઈ કાલ્પનિક દૃશ્ય નથી, પરંતુ વર્તમાન ભારતીય સમાજની એક અત્યંત સંવેદનશીલ, આઘાતજનક અને કડવી વાસ્તવિકતા છે.

    ૧૩-જૂન-૨૦૨૬   
કુલ દૃશ્યો |

grey-divorce
 
 

એક એવી સાંજની કલ્પના કરો કે, જ્યાં એક આલીશાન ઘરની અંદર પચાસ કે પંચાવન વર્ષના પતિ-પત્ની સામસામે બેઠાં છે. ઘર બિલકુલ શાંત છે, કારણ કે તેમના સંતાનો સાત સમંદર પાર વિદેશમાં સ્થાયી થઈ ચૂક્યાં છે. આ શાંત ઘરમાં હવે કોઈ બાળપણનો કિલકિલાટ નથી, કોઈ મોટી જવાબદારી નથી, કેવળ એક ભયાનક અવાજ કરતો ખાલીપો છે. આ ખાલીપો જ્યારે બંને પાત્રો વચ્ચે સંવાદના અભાવમાં બદલાય છે, ત્યારે પચ્ચીસ વર્ષ જૂના લગ્નજીવનની કડીઓ અચાનક નબળી પડવા લાગે છે. અત્યાર સુધી જે પ્રશ્નો બાળકોના ભવિષ્ય આડા છુપાયેલા હતા, તે હવે સપાટી પર આવે છે અને વાત કોર્ટનાં પગથિયાં સુધી પહોંચી જાય છે. આ કોઈ કાલ્પનિક દૃશ્ય નથી, પરંતુ વર્તમાન ભારતીય સમાજની એક અત્યંત સંવેદનશીલ, આઘાતજનક અને કડવી વાસ્તવિકતા છે. સમાજશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં આ ઘટના આપણને વિચારતા કરી મૂકે છે કે જે સંસ્કૃતિમાં લગ્નને સાત જન્મોનો પવિત્ર અને અતૂટ બંધન માનવામાં આવતો હતો, ત્યાં જીવનના ઉત્તરાર્ધમાં આવો વિખરાવ કેમ આવી રહ્યો છે? આવો જાણીએ..
 
 
ગ્રે ડિવોર્સ-વાળની સફેદી સાથે તૂટતા સંબંધો
 
આધુનિક સામાજિક વિજ્ઞાન અને વૈશ્વિક સંદર્ભમાં મોટી ઉંમરે, સામાન્ય રીતે ૪૫થી ૬૦ વર્ષ કે તેથી વધુ વયે લેવાતા છૂટાછેડાને અંગ્રેજીમાં ‘ગ્રે ડિવોર્સ’ (Grey Divorce) કહેવામાં આવે છે. આ શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ અમેરિકામાં વર્ષ ૨૦૦૪ની સાલમાં થયો હતો. ગ્રે એટલે કે વાળમાં આવતી સફેદી, જે પ્રૌઢાવસ્થા કે સિનિયર સિટિઝન થવાની પ્રક્રિયા સૂચવે છે. આ લગ્નજીવનનો એવો પડાવ છે જ્યાં પતિ-પત્નીએ પોતાના જીવનનો મોટો હિસ્સો એકબીજા સાથે વિતાવી લીધો હોય છે, સુખ-દુઃખના અનેક ચડાવ-ઉતાર સાથે જોયા હોય છે, અને સંતાનોને મોટા કરીને આત્મનિર્ભર બનાવી દીધાં હોય છે. પશ્ચિમી દેશોમાં આવા ગ્રે ડિવોર્સની સમસ્યા ખૂબ જૂની છે, પરંતુ હવે તે ધીમે-ધીમે ભારતીય સામાજિક માળખામાં પણ પગપેસારો કરી રહી છે. ગ્રે ડિવોર્સની ‘સિલ્વર સ્પ્લિટર્સ’ કે ‘ડાયમંડ ડિવોર્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
છેલ્લાં પંદર વર્ષમાં બદલાયેલું સામાજિક ચિત્ર
 
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) અને દેશની વિવિધ સેશન્સ કોર્ટના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો ગ્રે ડિવોર્સનું પ્રમાણ આઘાતજનક રીતે વધી રહ્યું છે. આજથી માત્ર ૧૦-૧૫ વર્ષ પહેલાં ભારતીય ન્યાયતંત્રમાં મોટી ઉંમરના છૂટાછેડાના કિસ્સાઓ માત્ર ત્રણથી પાંચ ટકા જેટલા જ સીમિત હતા. પરંતુ વર્તમાન સમયમાં મોટાં શહેરોની અદાલતોમાં આવતા કુલ ડિવોર્સના કેસોમાં ૨૦થી ૨૨ ટકા જેટલાં પતિ-પત્ની ૪૫થી ૬૦ વર્ષની વયજૂથનાં હોય છે. આશ્ચર્યજનક તથ્ય એ છે કે, મોટી ઉંમરના છૂટાછેડાની અરજીઓમાં ૧૦૦માંથી ૬૫ કરતાં વધુ કિસ્સાઓમાં પહેલ સ્ત્રી તરફથી કરવામાં આવે છે.
 
આ ઉંમરે છૂટાછેડા કેમ?
 
આવા લેટ-લાઈફ બ્રેકડાઉન પાછળ કોઈ રાતોરાત બનેલી ઘટના જવાબદાર નથી, પણ તે વર્ષોના મૌન સંઘર્ષ અને આંતરિક મનોમંથનનું પરિણામ હોય છે. આજના સમયમાં બાળકો ઉચ્ચ અભ્યાસ કે નોકરી અર્થે માતા-પિતાથી દૂર, અન્ય શહેરોમાં કે વિદેશમાં સેટલ થવાનું વધુ પસંદ કરે છે. જ્યારે આ બાળકો ઘર છોડીને ચાલ્યાં જાય છે, ત્યારે ઘરમાં સર્જાતી આ સ્થિતિને મનોવિજ્ઞાનમાં ‘એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ’ કહે છે. અત્યાર સુધી જે પતિ-પત્ની માત્ર બાળકોની જવાબદારીના નામે એક છત નીચે સાથે રહેતાં હતાં, તેમની વચ્ચેનો ઈમોશનલ શૂન્યાવકાશ અચાનક સ્પષ્ટ થઈ જાય છે. પત્નીઓ જ્યારે આર્થિક રીતે પગભર બને છે, ત્યારે ભૂતકાળમાં સહન કરેલો અન્યાય, ન મળેલું આદર-સન્માન અને માનસિક નિકટતાનો અભાવ વિદ્રોહનું સ્વરૂપ લે છે. આ કારણને પ્રચલિત બનાવવામાં આવ્યું છે, વાસ્તવમાં સમાજની અર્થપ્રધાન દેખાદેખી અને વૃદ્ધાવસ્થાને વધાવવાને બદલે તેનાથી ભાગવાનો એક કૃત્રિમ ઉન્માદ તેમાં ભળેલો હોય છે. નોકરીમાંથી નિવૃત્તિ બાદ જ્યારે પતિ ચોવીસ કલાક ઘરમાં રહે છે, ત્યારે પરસ્પર વિચારોનો મેળ મજબૂત થવો જોઈએ. તેના બદલે વિચારોના વમળો ચાલુ થાય છે. ધીરે ધીરે ૨૪ કલાક એક જ છત નીચે વિતાવવા આકરા બને છે. ઘણી વાર બહારથી અત્યંત સુખી અને શાંત દેખાતાં યુગલો વચ્ચે વર્ષો પહેલાં જ ‘ઈમોશનલ ડિવોર્સ’ થઈ ચૂક્યા હોય છે, જે સંતાનો સેટલ થતાં જ કાનૂની સ્વરૂપ ધારણ કરે છે.
 
સંયુક્ત કુટુંબનો છેદ ઉડ્યો અને...
 
‘ગ્રે ડિવોર્સ’ નામનાં આ ગંભીર પારિવારિક અને વૈચારિક સંકટનાં મૂળિયાં આપણી બદલાતી સામાજિક સંરચના અને જીવનશૈલીમાં ઊંડે સુધી ખૂંપેલાં છે. અતિ-ભૌતિકવાદી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ, શહેરીકરણની આંધળી દોડ અને અતિશય વ્યક્તિગત સ્વતંત્રતાની ઘેલછાના કારણે ભારતીય સમાજની કરોડરજ્જુ સમાન પરંપરાગત સંયુક્ત કુટુંબની પવિત્ર વ્યવસ્થા કાળક્રમે છિન્નભિન્ન થઈ ગઈ છે. તેનું સ્થાન આજે લાગણીશૂન્ય, એકલવાયા અને સંકુચિત વિભક્ત પરિવારોએ લઈ લીધું છે. આ ગ્રે ડિવોર્સ પાછળના કારણોમાં સૌથી મોટું અને મહત્વનું કારણ આ તૂટેલી સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા છે. ભૂતકાળમાં આપણી સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા એ માત્ર એક ઘર નહોતું, પણ એક આખી સામાજિક સુરક્ષા અને સંસ્કારની પાઠશાળા હતી. તે સમયમાં જ્યારે પણ પતિ-પત્ની વચ્ચે કોઈ વૈચારિક મતભેદ, અણસમજ કે ઉગ્ર અહમ્‌નો ટકરાવ થતો, ત્યારે જ્ઞાની અને અનુભવી વડીલો, દાદા-દાદી, માતા-પિતા કે કાકા-કાકી તુરંત જ મધ્યસ્થી બની જતાં. તેઓ પોતાના જીવનભરના અનુભવો, સ્નેહ અને વડીલ તરીકે મળતા સહજ આદરના બળે બંને પાત્રોને શાંત પાડી, સમજાવી-પટાવીને મામલો કોર્ટનાં પગથિયાંને બદલે ઘરના ચોતરે જ થાળે પાડી દેતાં હતાં.
 
સંયુક્ત પરિવારમાં વડીલોની માત્ર હાજરી જ ઘરના યુવા યુગલો માટે એક અદૃશ્ય સંયમ, ધીરજ અને મર્યાદાનું અભેદ્ય કવચ બનીને રહેતી. પરંતુ આજે બદલાયેલા સામાજિક વાતાવરણમાં વડીલોની એ પવિત્ર આશીર્વાદરૂપી છત્રછાયા સાવ ગુમ થઈ ચૂકી છે. વિભક્ત પરિવારોની ચાર દીવાલો વચ્ચે જ્યારે અહમ્‌ ટકરાય છે, ત્યારે તેને શાંત પાડનાર કે સાચું માર્ગદર્શન આપનાર કોઈ નૈતિક સત્તા ઘરમાં હાજર હોતી નથી. પરિણામે, પતિ-પત્ની વચ્ચેના અત્યંત નાના અને ક્ષણિક ઝઘડાઓ પણ અહમ્‌ના અહંકારયુક્ત યુદ્ધમાં ફેરવાઈ જાય છે અને છેવટે પચ્ચીસ-ત્રીસ વર્ષ જૂના સંબંધો પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. જો આ ભયાનક સામાજિક પતનને અટકાવવું હોય, તો આપણા સમાજે પુનઃ એકવાર સંયુક્ત કુટુંબની એ સનાતન ભાવના તરફ પાછા વળવું જ પડશે. ઘરમાં વડીલોનું ખોવાયેલું સર્વોચ્ચ સન્માન પુનઃ સ્થાપિત કરવું પડશે, જ્યાં નવી પેઢી તેમના ચરણોમાં બેસીને જીવન જીવવાનો વિવેક શીખે. જ્યારે ઘરમાં પરસ્પર ત્યાગ, સમર્પણ અને સુખ-દુઃખ વહેંચવાની સામૂહિક ભારતીય પરંપરા ફરી જીવંત થશે, ત્યારે સંબંધોમાં ક્યારેય આવો ખાલીપો કે શૂન્યતા નહીં સર્જાય અને જીવનના ઉત્તરાર્ધમાં થતા આવા આઘાતજનક ‘ગ્રે ડિવોર્સ’ની કમનસીબ નોબત ક્યારેય પણ નહીં આવે.
 
તો જ લગ્નજીવન બચશે....
 
કહેવાનું તાપ્તર્ય એટલું જ છે કે ગ્રે ડિવોર્સ એ કેવળ બે વ્યક્તિઓનો અંગત મામલો નથી, પરંતુ તે એક તૂટતા અને એકલવાયા થતા જઈ રહેલા સમાજની ખતરનાક ચેતવણી છે. જો આ ટ્રેન્ડ આમ જ વધતો રહેશે, તો ભવિષ્યમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા ભયાનક રીતે વધી જશે અને આપણી મહાન પારિવારિક વિરાસત નષ્ટ થઈ જશે. પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ કરીને સિંગલ રહેવા માટેની ક્લબો બનાવવી એ આ સમસ્યાનો ઉકેલ નથી, પણ ભ્રમણા છે. સાચું સમાધાન તો ભારતીય સંસ્કૃતિ મુજબના એ આદર્શ દામ્પત્ય ધર્મમાં છે, અગ્નિની સાક્ષીએ લીધેલા સપ્તપદી સંકલ્પમાં છે, જ્યાં પ્રેમ, ત્યાગ, પરસ્પર આદર અને સમર્પણ સર્વોપરી હોય છે. ચાલો, કુટુંબ પ્રબોધન થકી તૂટતાં લગ્નજીવનને બચાવીએ. વાળ અકાળે ધોળા થાય તે ચાલશે પણ લગ્નજીવનમાં અકાળે ભંગાણ નહીં ચાલે, એ ના ભૂલીએ..
 
કુટુંબ પ્રબોધન : પરિવાર બચાવવાનો રાષ્ટ્રીય સંકલ્પ
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષે રજુ કરવામાં આવેલા આયામ - ‘પંચ પરિવર્તન’ અંતર્ગતનો ‘કુટુંબ પ્રબોધન’નો મુદ્દો આ સમસ્યાના સમાધાન માટે ખૂબ ઉપયોગી છે. કુટુંબ પ્રબોધનનો મૂળ આશય એ જ છે કે, અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર, ઘરના તમામ સભ્યો સાથે બેસીને ભોજન કરે, પોતાના ઇષ્ટદેવની આરતી કે પ્રાર્થના કરે અને ત્યારબાદ સામૂહિક ચર્ચા કરે. આ ચર્ચામાં મોબાઈલ, ટીવી કે ગેજેટ્સને સંપૂર્ણ દૂર રાખીને કેવળ પારિવારિક સંસ્કારો, વડીલોના અનુભવો અને એકબીજાની માનસિક જરૂરિયાતો વિશે સંવાદ થવો જોઈએ. જો એક જ શહેરમાં રહેતાં હોય તો રૂબરૂ એક જ ઘરે મળે. વિદેશ વસતા સંતાનો માટે ‘વર્ચ્યુઅલ કુટુંબ પ્રબોધન’ આશિર્વાદ સમાન છે. જે યુવાનો વિદેશમાં હોય તેઓએ તેમના માતા-પિતા સાથે દર સપ્તાહે ઓછામાં ઓછું એકવાર, વહુ અને પૌત્રો સાથે ‘ઓનલાઇન વીડિયો કોલ બેઠક’નું ફરજિયાત આયોજન કરવું જોઈએ. આ ડિજિટલ સભા માત્ર હલકા-ફુલકા ખબરઅંતર પૂરતી સીમિત ન રહેતાં, વિદેશમાં ઉછરતા બાળકોને ઓનલાઇન માધ્યમથી જ ભારતીય તહેવારોનું મહત્વ સમજાવવું, દાદા-દાદી દ્વારા વાર્તાઓ કહેવી અને માતૃભાષાનો આગ્રહ રાખવો. જ્યારે પરિવારમાં આ પ્રકારે નિયમિત સંવાદની પરંપરા શરૂ થાય છે, ત્યારે પતિ-પત્નીના મનમાં ઘર કરી ગયેલો ખાલીપો કે અસંતોષ આપોઆપ ઓગળી જાય છે. કુટુંબ પ્રબોધન નવી પેઢીના બાળકોમાં પણ એવા સંસ્કારોનું સિંચન કરે છે કે તેઓ ભલે ભવિષ્યમાં ગમે ત્યાં સેટલ થાય, પણ પોતાના વૃદ્ધ માતા-પિતા પ્રત્યેની ફરજ ક્યારેય ન ભૂલે. આ પારિવારિક જાગૃતિ જ ગ્રે-ડિવોર્સની આ ભયાનક સમસ્યાને જડમૂળથી દૂર કરી શકે છે. આવો, કુટુંબ પ્રબોધન થકી પરિવાર બચાવવાનો રાષ્ટ્રીય સંકલ્પ કરીએ.
 
ભારતીય સંસ્કૃતિ અને દામ્પત્ય
 
ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ કોઈ કાનૂની કોન્ટ્રેક્ટ નથી, પરંતુ તે એક પવિત્ર સંસ્કાર અને યજ્ઞ છે. આપણાં શાસ્ત્રોમાં પતિ-પત્નીને ‘અર્ધાંગિની’ અને ‘સહધર્મચારી’ કહીને પરસ્પર પૂરક માનવામાં આવ્યાં છે, વિરોધી નહીં. મોટી ઉંમરે માનસિક સાથ અને આત્મિક નિકટતા અનિવાર્ય બને છે. ૠગ્વેદના વિવાહ સૂક્તમાં પતિ-પત્નીને આજીવન સાથે ચાલવા અને એક સમાન હૃદય રાખવાનું આહ્વાન કરાયું છે. ઉંમરના આ પડાવે પતિ-પત્નીએ પરસ્પરના ત્યાગ અને સમર્પણની કદર કરીને તેને પરસ્પર પૂરું સન્માન આપવું જોઈએ, અને ભૂતકાળનાં કડવાં સ્મરણોને ભૂલીને ક્ષમાભાવ અપનાવવો જોઈએ.

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.