હલદીઘાટીનું અસલી સત્ય: મહારાણા પ્રતાપના વિજયનો ગૌરવશાળી ઈતિહાસ અને વામપંથી જૂઠાણાંનો પર્દાફાશ

શું તમને વર્ષોથી એવું શીખવવામાં આવ્યું કે હલદીઘાટીમાં મહારાણા પ્રતાપ હારી ગયા હતા? અકબરના દરબારીઓના પોતાના લખાણો અને તે સમયના શિલાલેખો કંઈક અલગ જ સત્ય કહી રહ્યા છે! જાણો, કેવી રીતે પશ્ચિમી અને વામપંથી ઈતિહાસકારોએ આપણા મહાન નાયકોના શૌર્યને વિકૃત કર્યું અને વાંચો સત્ય શું છે.

    ૧૮-જૂન-૨૦૨૬   
કુલ દૃશ્યો |

haldighati

૧૮ જૂન, ૧૫૭૬ હલદી ઘાટી યુદ્ધદિન| હલદી ઘાટીના યુદ્ધનું વામપંથી જૂઠ | સત્ય શું છે? અજેય પ્રતાપની અડગ પ્રતિજ્ઞા

 
વીર શિરોમણી મહારાણા પ્રતાપ ભારતીય ઇતિહાસના સર્વકાલિક મહાનાયક છે. તેઓ એક આદર્શ પ્રજાપાલક, રાજા, કુશળ યોદ્ધા, વિલક્ષણ રણનીતિકાર, અદ્‌ભુત કૂટનીતિજ્ઞ અને કુશળ પ્રશાસક હતા. પોતાના જીવનકાળમાં મહારાણા પ્રતાપની કીર્તિ પતાકા સમગ્ર આર્યાવર્તમાં ફરકવા લાગી હતી. તેમના શૌર્ય, ત્યાગ, સંઘર્ષ અને સ્વાતંત્ર્ય પ્રેમનો યશસ્વી શંખનાદ સમગ્ર વિશ્વમાં ગુંજવા લાગ્યો હતો.
 
પરંતુ પોતાની સત્તાને સાકાર સ્વરૂપ આપવા માટે અંગ્રેજોએ માત્ર દિલ્લીને કેન્દ્રમાં રાખીને જ સમગ્ર ભારતનો ઇતિહાસ લખ્યો અને સમગ્ર ભારતને દિલ્લીથી મુગલ શાસિત ગણાવ્યું. તેના માટે બ્રિટિશકાળમાં બે ઇતિહાસ અનુસંધાન કેન્દ્ર ખોલવામાં આવ્યાં. પહેલું હતું અલીગઢ મુસ્લિમ વિદ્યાલય અને બીજું ઇલાહાબાદ વિશ્વવિદ્યાલય. અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં મુસ્લિમ અધ્યયન માટે શોધપીઠની સ્થાપના કરી મોહમ્મદ હબીબને અધ્યક્ષ બનાવાયા તથા ઇલાહાબાદ વિશ્વવિદ્યાલયમાં મુસ્લિમ અધ્યયન પીઠના અધ્યક્ષ બ્રિટિશ અધિકારી એલ. એફ. ફ્રેડરિક રશબ્રુક વિલિયમ્સને બનાવવામાં આવ્યા.
 
ભારતીય ઇતિહાસના વિકૃતીકરણની પ્રક્રિયા અહીંથી જ શરૂ થઈ, જેને સ્વતંત્રતા બાદ વામપંથી ઇતિહાસકારો – સાહિત્યકારોએ પણ આગળ વધારી. ક્યારેક સાહિત્યરચનાઓ દ્વારા, ક્યારેક કિવંદંતીઓ તો ક્યારેક જૂઠાણાંનો સહારો લઈ વીર મહારાણા પ્રતાપના જીવનના સકારાત્મક પક્ષને મલિન કરી તેમને પરાજિત, ભાગેડું, અનુભવહીન ચિત્રિત કરવાનું પાપ કર્યું.
 
મેવાડ ૧૩થી ૧૫મી સદીમાં ઉત્તર ભારતનું પ્રમુખ હિન્દુ રાજ્ય હતું, છતાં દિલ્લીને કેન્દ્રમાં રાખી મેવાડની સત્તા જ નકારી દેવાઈ. મહારાણા પ્રતાપને મુગલોથી પરાજિત ગણાવવામાં આવ્યાં. જ્યારે કે, અકબરના દરબારી અને હલદી ઘાટીના યુદ્ધના એકમાત્ર પ્રત્યક્ષદર્શી ઇતિહાસકાર અબ્દુલ કાદિર બદાયુની પોતાના પુસ્તક ‘મુતખબ-ઉત-તવારીખ’માં લખ્યું છે કે, યુદ્ધના મેદાનમાં રાજપૂત સૈનિકોનાં બાણો અને તલવારોના હુમલાથી મુગલસેનાના પગ ઢીલા થઈ ગયા હતા અને પાછળ હટવા મજબૂર બની ગઈ હતી. રાજપૂતોની આમને સામનેના યુદ્ધમાં એ નક્કી કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું કે, કયા તીરથી કયા મુસ્લિમ સૈનિકનું મૃત્યુ થતું હતું. મેવાડની સેનાએ મોગલ સેનાને એટલી તો ડરાવી દીધી હતી કે તે માનસિક રીતે યુદ્ધ કરવાની સ્થિતિમાં પણ રહી ન હતી. યુદ્ધ બાદ અકબર આસફખાન અને માનસિંહ પર એટલો નારાજ થઈ ગયો હતો કે તેણે તે બંનેને કેટલાક સમય સુધી દરબારમાં આવવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
 
વીર મહારાણા પ્રતાપને લઈને બીજું એક સાહિત્ય જૂઠાણું વર્ષોથી વામપંથીઓ દ્વારા ચલાવવામાં આવ્યું છે કે, મુગલ સેનાએ મહારાણા પ્રતાપને જંગલમાં છુપાઈને અનાજના કણ-કણ માટે તડપવા મજબૂર કરી દીધા હતા. તેમને ઘાસની રોટલી પણ ખાવી પડી હતી. વાસ્તવમાં આવી સ્થિતિ તો મુગલોની હતી, નહિ કે પ્રતાપની. અકબરની સેના મહારાણાની સેના સામે લડી ન શકી અને હલદી ઘાટીમાંથી ભાગી ગોગુંદાના કિલ્લામાં કેદીની જેમ રહી હતી. રાજપૂતોએ કિલ્લાને ચારેય તરફ ઘેરી લઈ સપ્લાય ચેન કાપી નાખી હતી. અનાજ-ભોજન સામગ્રીના અભાવે મુગલ સેના ઉંદર અને પોતાના જ ઘોડાને મારીને ખાવા માટે મજબૂર બની હતી. અને જ્યારે એ પણ ખતમ થઈ ગયા ત્યારે તેઓ જંગલી કેરીઓ પર તૂટી પડી હતા. જેનાથી અનેક મુગલ સૈનિકોને ઝાડા-ઊલટી થઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા.
 
વામપંથી ઇતિહાસકારોએ અન્ય એક જૂઠાણું એવું ફેલાવ્યું છે કે, મહારાણા પ્રતાપ પાસે તો રાજખર્ચ ચલાવવા કે યુદ્ધ કરવા માટે સંપત્તિ જ ન હતી. પરંતુ મેવાડ તે સમયનું અતિ સમૃદ્ધ રાજ્ય હતું. અહીં સીસા, જસત અને ચાંદીની ખાણોથી પ્રાગ ઐતિહાસિક કાળથી જ ધાતુ શુદ્ધિકરણનું કામ સ્થાનિક લોકો કરતા હતા. આમાં વિશેષ કરીને ભીલ સમાજના લોકો ધાતુ વિજ્ઞાનમાં દક્ષ હતા.
 
પાંચ કલાકમાં જ અકબરની સેનાને ધૂળ ચટાવી
 
હલદી ઘાટીનું યુદ્ધ ત્રણ ચરણમાં લડવામાં આવ્યું, જે લગભગ પાંચ કલાક ચાલ્યું હતું. પ્રથમ ચરણ સવારે ૮ વાગે શરૂ થયું, જેમાં મહારાણા પ્રતાપની સેનાએ આક્રમણ કર્યું અને આક્રમણ એટલું તીવ્ર હતું કે, મુગલ સેનામાં પ્રથમ વારમાં જ અફરાતફરી મચી અને લગભગ ૫-૭ કોસ દૂર બનાસ નદીની પાર ભાગી ગઈ.
 
બીજું ચરણ હલદી ઘાટીના મુખથી લગભગ સવા કોસ દૂર થયું. જ્યાં અકબરની સેના મેવાડના સૈન્યના દબાણને કારણે બનાસ નદીના દક્ષિણ કિનારે ભાગી ગઈ. મુગલ સેના એટલી તો ડરી ગઈ હતી કે, તે મેવાડની સેના સાથે યુદ્ધ કરવા પણ તૈયાર ન હતી ત્યારે મુગલ સેનાના મેહતરખાં નામના મહત્ત્વપૂર્ણ સરદારને અફવા ફેલાવવી પડી કે, બાદશાહ અકબર ખુદ શાહી સેના સાથે યુદ્ધમાં આપણી મદદે આવી રહ્યા છે, પરિણામે અહીં ભીષણ યુદ્ધ થયું જેમાં મેવાડ સેનાના માનસિંહ અને હકીમ ખાં વીરગતિ પામ્યા. યુદ્ધ દરમિયાન જ ભારે વરસાદ થયો. અને યુદ્ધ સમાપ્ત થયું. યુદ્ધમાં એટલું તો લોહી વહ્યું હતું કે, મેદાનમાં વરસાદને લીધે જે બનાસ નદીનું પાણી ભરાઈ ગયું હતું તે લાલ થઈ ગયું હતું. પરિણામે તેનું નામ ‘રક્ત લતાઈ’ પડ્યું હતું.
 
વિજયના શિલાલેખ
 
જગન્નાથ મંદિર, ઉદયપુરની પ્રશસ્તિ (વૈશાખ પૂર્ણિમા, વિ. સં. ૧૭૦૮ – ૧૩ મે, ૧૬૫૨)
 
कृत्वा करे खङ्गलतां स्ववल्लभां, प्रतापसिंहे समुपागते प्रगे ।
सा खण्डिता मानवती द्विषच्चम्ः, संकोचयन्ती चरणं पराङ्मुखी ।
 
અર્થાત્‌ પોતાની પ્રિયતમા ખડગલતા (તલવારરૂપી વલ્લરી)ને હાથમાં લઈ પ્રતાપસિંહના રણભૂમિમાં જવા પર ખંડિતા નાયિકાની જેમ માનિની (રિસાયેલી) માનસિંહથી મુક્ત શત્રુ સેના પોતાના પગ સંકોચી પરાગમુખી (મોં છુપાવી ભાગનારી) બની ગઈ.
 
વૈદ્યનાથ મંદિર પ્રશસ્તિ સીસારમાં (વિ.સં. ૧૭૭૨, માઘ સુદ-૧૨)
 
प्रतापसिंह होऽथ व भूव तस्माद्धनुर्धरो धैर्यधरो धरिण्याम् ।
म्लेच्छाधिपात् क्षत्रिकुलेन मुक्तोधर्मोप्यथैनं शरणं जगाम् ।। ३४।।
प्रतापसिंहेन सुरक्षितोऽसौ पुष्ठः परं तुदिलतामगछत् ।
अकब्बर म्लेच्छगणधिपस्य परं मनः शल्यमिवाभवद्यः ।। ३५।।
 
અર્થાત્‌ ઉદયસિંહથી પ્રતાપસિંહ થયા. આ પૃથ્વી પર ધનુર્ધારી તથા ધૈર્યવાન રૂપે પ્રસિદ્ધ થયા. ક્ષત્રિય કુળ દ્વારા અકબર નામના મલેચ્છ શાસકથી ધર્મને મુક્ત કરાવ્યો. આ ધર્મએ તેની (પ્રતાપ)ની શરણ લીધી. ॥૩૪॥
 
પ્રતાપસિંહ દ્વારા ધર્મને સુરક્ષિત કરાયો, પુષ્ટ કરાયો, જેનાથી તે વિકસ્યો. મલેચ્છાધિપતિ અકબર માટે પ્રતાપ; મનમાં ઘૂસેલા કાંટા સમાન થઈ ગયા ॥૩૫॥
 
રણછોડ ભટ્ટ પ્રણત અમર કાવ્યમ્‌ (સર્ગ-૧૬, શ્લોક સં. ૩૫)માં...
 
रणभुवि समुपेतं धन्य सेना समेतं,
वरागत यवनेशं भूपतिर्मानसिंहम् ।
पवन बल निदानं म्लेच्छनाथैकतानं,
दलित समरमानं शौर्यशाणं ततान ।।३५।।
 
અર્થાત્‌ પ્રતાપસિંહે યુદ્ધ ભૂમિમાં સેના સહિત આવેલા પવનપતિને વસમા કરનાર, યવન સેનાની ઓળખ યવન પતિના એક માત્ર તાન (મુખી) માનસિંહનું યુદ્ધમાં અભિમાન ચૂર-ચૂર કરી વીરતા રૂપી શાનનો વિસ્તાર કર્યો.
 
રાજ રત્નાકર મહાકવિ સદાશિવ (વિ.સં. ૧૭૩૫) સપ્તમ સર્ગ, શ્લોક ૪૨ જોઈએ તો...
 
अरिपट भवनाद् गृहीतवितः पुनखलोकित सम्पराय भूमिः ।
स समर विजयी र्यो महीश, उदयपुरणभिमुखः प्रतापसिंहः ।।४२।।
 
એટલે કે, શત્રુઓના તંબુઓમાંથી ધન લઈ અને યુદ્ધભૂમિનું પુનઃ અવલોકન કરી પૃથ્વીપતિ પ્રતાપસિંહ યુદ્ધમાં વિજય થઈ ઉદયપુર ચાલી નીકળ્યા.
 
આમ વીર મહારાણા પ્રતાપ અને હલદી ઘાટીના યુદ્ધને લઈ જે તે સમયે લખાયેલી પ્રશસ્તિઓ પણ સાબિત કરે છે કે, અત્યાર સુધી વીર મહારાણા પ્રતાપ અને હલદી ઘાટીના યુદ્ધ અંગે આપણી પેઢીઓના મસ્તિષ્કમાં કેટલી હદે ખોટી માહિતી ઠસાવવામાં આવી છે. હવે સમય છે અંગ્રેજ વામપંથી અને કથિત સેક્યુલરવાદી ટુકડી દ્વારા ભારતીય વીરપુરુષોના વિકૃત કરાયેલા ઇતિહાસને ઇતિહાસ બનાવી દઈ ભારતના ‘સ્વ’ગૌરવના સાક્ષાત્કાર કરાવતા પ્રમાણભૂત ઇતિહાસને પ્રસ્થાપિત કરવાનો, જેથી આપણે આપણી આવનારી પેઢીમાં સ્વમાન અને સ્વગૌરવની ભાવનાનો સંચાર કરી શકીએ.
 
 
આ પણ વાંચો... 
 
 
હલદી ઘાટીમાં વીર મહારાણા પ્રતાપની જ તલવાર ઊંચી રહી હતી...
 
હિન્દુ રાજાઓ સાથે મુસ્લિમ બાદશાહોના યુદ્ધનું મુસ્લિમ ઇતિહાસકારો દ્વારા કરાયેલ વર્ણન એકપક્ષીય જ હોય એ સ્વાભાવિક છે. છતાં પણ તેમનાં કથનોથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે, તે યુદ્ધમાં શાહીસેનાની ભારે દુર્દશા થઈ હતી. હલદી ઘાટીના યુદ્ધમાં જો મહારાણા પ્રતાપે પીછેહટ કરી હોત તો મુગલસેનાએ તેમનો પીછો કેમ ન કર્યો. જ્યારે કે મહારાણા પ્રતાપને જીવતાં કે મૃત પકડી લાવવા અકબરનો કડક આદેશ હતો. એ આદેશનું પાલન કેમ ન થયું? સત્ય તો એ છે કે, વીર મહારાણા પ્રતાપનો ભય મુગલ સેના પર એટલો હતો કે, તેમને ધોળા દિવસે સ્વપ્ન આવતાં હતાં કે રાણા પ્રતાપ પહાડ પર અમને મારવા ઘાત લગાવી બેઠા છે. માટે જ શાહી સેના ગોગુંદામાં છુપાઈ ગઈ અને ભૂખે મરવા છતાં કિલ્લામાંથી બહાર નીકળવાનું સાહસ ન દાખવી શકી. આ બધી વાતોથી સ્પષ્ટ થઈ જાય છે કે હલદી ઘાટીમાં વીર મહારાણા પ્રતાપની જ તલવાર ઊંચી રહી હતી. - ડૉ. ગૌરીશંકર હીરાચંદ ઓઝા (ઉદયપુર રાજ્યનો ઇતિહાસ – ૧, પૃ. ૪૪૨)
 
 
મુગલોના અજેય હોવાના ભ્રમને ભાંગી નાખ્યો.... 
 
હલદી ઘાટી યુદ્ધમાં મુગલોને અપ્રત્યાશિત હારનો સામનો કરવો પડ્યો હતો. યુદ્ધમાં મહારાણા પ્રતાપના વિજયે ભારતીય ક્ષિતિજમાં મુગલોના અજેય હોવાના ભ્રમને ભાંગી નાખ્યો હતો. યુદ્ધમાં પ્રાપ્ત સફળતાએ મહારાણા પ્રતાપને નેતૃત્વમાં પ્રતિ જનમાનસની આસ્થાને વધુ પ્રગાઢ બનાવી દીધી હતી. - ડૉ. કે. એસ. ગુપ્તા અને સજ્જનસિંહ રાણાવત - ઉદયપુર બહુઆયામી રાષ્ટ્રનાયક પ્રતાપ
 
 
 મોટી લાલ આંખો, વિશાળ ભુજાઓ,...
 
વીર રાણા પ્રતાપને પોતાના પૂર્વજોની વીરતા પર ગર્વ હતો. તેમનો આદર્શ હતો કે બપ્પારાવલનો વંશજ કોઈની સામે માથું નહીં ઝુકાવે. સ્વદેશપ્રેમ, સ્વતંત્રતા અને સ્વદેશાભિમાન તેમના મૂળ મંત્ર હતા. રાણાનું કદ મધ્યમ હતું. યુદ્ધના તાપમાં તપીને તેમનો રંગ તાંબા જેવો થઈ ગયો હતો. મોટી લાલ આંખો, વિશાળ ભુજાઓ, તીણું નાક, ઘોડા પર બેઠેલા રાણા યુદ્ધભૂમિમાં સાક્ષાત્‌ મૃત્યુ સમાન જણાતાં હતાં. - અબુલ ફઝલ અલ્લમી (અકબરનામા, અંગ્રેજી અનુવાદ – પૃ. ૨૪૪)
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…