કેવી રીતે? યોગ અપાવશે મોબાઈલની લતમાંથી મુક્તિ

શું તમારો મોટાભાગનો સમય મોબાઈલની સ્ક્રીન જોવામાં જ વીતી જાય છે? પરિવાર સાથે હોવા છતાં શું તમે માનસિક રીતે મોબાઈલમાં ખોવાયેલા રહો છો? જાણી લો કેવી રીતે માત્ર ૨૦ મિનિટનો યોગાભ્યાસ તમને મોબાઈલના વ્યસનમાંથી મુક્ત કરી જીવનમાં ફરીથી "લાઈવ" કરી શકે છે!

    ૨૦-જૂન-૨૦૨૬
કુલ દૃશ્યો |

yog mobile gujarati
 
 

મોબાઈલના વ્યસનને યોગ દ્વારા દૂર કરવું છે? તો આ લેખ તમારા માટે છે!

રવિવારની સવાર હતી. રાકેશભાઈએ નક્કી કર્યું કે આજે તેઓ પરિવાર સાથે નાસ્તો કરશે અને પછી થોડો સમય બાળકો સાથે વિતાવશે, પરંતુ સવારે ઊઠતાંની સાથે જ તેમણે મોબાઇલ હાથમાં લીધો. થોડા મેસેજ ચેક કરવા બેઠેલા રાકેશભાઈ ક્યારે સમાચાર વાંચવા લાગ્યા, ક્યારે સોશિયલ મીડિયા પર પહોંચી ગયા અને ક્યારે એક પછી એક વીડિયો જોવા લાગ્યા તેની તેમને ખબર જ પડી નહીં.
 
થોડા સમય પછી તેમની પત્નીએ યાદ અપાવ્યું, ‘નાસ્તો તૈયાર છે.’
 
તેઓ ડાઇનિંગ ટેબલ પર આવ્યા, પરંતુ મોબાઇલ હજુ પણ હાથમાં હતો. નાસ્તા દરમિયાન પણ નજર સ્ક્રીન પર જ હતી. દીકરી કંઈક કહેવા માંગતી હતી, પરંતુ પિતાનું ધ્યાન મોબાઇલમાં હતું. દીકરો પોતાનું નવું બનાવેલું ડ્રોઇંગ બતાવવા આવ્યો, પરંતુ તેને જવાબમાં માત્ર ‘હા… સારું છે…’ એટલું જ સાંભળવા મળ્યું.
 
સાંજે જ્યારે રાકેશભાઈએ દિવસ વિશે વિચાર્યું, ત્યારે તેમને સમજાયું કે, આખો દિવસ પરિવાર સાથે હોવા છતાં તેઓ સાચા અર્થમાં પરિવાર સાથે રહ્યા જ નહોતા. આ માત્ર રાકેશભાઈની વાત નથી. આજના સમયમાં લાખો લોકોનું જીવન આવું જ બની ગયું છે. આપણે મોબાઇલનો ઉપયોગ કરવા માટે તેને હાથમાં લઈએ છીએ, પરંતુ ઘણી વખત થોડા જ સમયમાં મોબાઇલ આપણું ધ્યાન, સમય અને મન પોતાના કબજામાં લઈ લે છે. મોબાઇલ આધુનિક જીવનની જરૂરિયાત બની ગયો છે. તે જ્ઞાન, સંવાદ, વ્યવસાય અને મનોરંજનનું શક્તિશાળી સાધન છે, પરંતુ જ્યારે તેનો ઉપયોગ જરૂરિયાતમાંથી આદતમાં અને આદતમાંથી વ્યસનમાં બદલાઈ જાય, ત્યારે સમસ્યા શરૂ થાય છે. ઘણા લોકો દિવસમાં દસથી પંદર વખત નહીં, પરંતુ સો કરતાં પણ વધુ વખત મોબાઇલ ચેક કરે છે. કોઈ સૂચના આવી કે નહીં, કોઈ મેસેજ આવ્યો કે નહીં, સોશિયલ મીડિયા પર શું નવું છે, આ બધું જાણવાની સતત ઉત્સુકતા મનને અશાંત બનાવી દે છે. આ પરિસ્થિતિમાં સૌથી મોટું નુકસાન સમયનું જ નથી થતું. નુકસાન થાય છે એકાગ્રતાનું, માનસિક શાંતિનું, સંબંધોનું અને પોતાની જાત સાથેના જોડાણનું. આજનો માણસ કદાચ પહેલાં કરતાં વધુ માહિતગાર છે, પરંતુ તે પહેલાં કરતાં વધુ વ્યસ્ત અને વિખરાયેલો પણ છે. અહીં યોગનું મહત્વ શરૂ થાય છે.
 
ઘણા લોકો માને છે કે, યોગ માત્ર શરીરની કસરત છે. પરંતુ વાસ્તવમાં યોગનું મુખ્ય કાર્ય મનને સંભાળવાનું છે. યોગ વ્યક્તિને પોતાની અંદર ચાલતી પ્રક્રિયાઓ વિશે જાગૃત બનાવે છે. તે આપણને શીખવે છે કે, દરેક ઈચ્છા પાછળ તરત જ દોડવું જરૂરી નથી. જ્યારે મોબાઇલમાં સૂચના આવે છે, ત્યારે આપણે લગભગ આપોઆપ તેને જોવા માટે હાથ લંબાવીએ છીએ. ઘણી વખત આપણે વિચારતા પણ નથી કે ખરેખર આ ક્ષણે મોબાઇલ જોવાની જરૂર છે કે નહીં. આ એક પ્રકારની સ્વચાલિત આદત બની જાય છે. યોગ આ સ્વચાલિતતાને તોડે છે. યોગનો પ્રથમ પાઠ જાગૃતિ છે. જ્યારે વ્યક્તિ યોગ કરે છે, ત્યારે તે પોતાના શરીર, શ્વાસ અને વિચારો તરફ ધ્યાન આપવાનું શીખે છે. ધીમે ધીમે તે પોતાની આદતોને પણ ઓળખવા લાગે છે. તેને સમજાય છે કે, તે કેટલી વાર માત્ર ટેવના કારણે મોબાઇલ તરફ હાથ લંબાવે છે. આ સમજણ જ પરિવર્તનની શરૂઆત છે.
પ્રાણાયામ મોબાઇલની વધતી આદત ઘટાડવામાં ખૂબ મદદરૂપ બની શકે છે. જ્યારે મન ચિંતિત, બેચેન અથવા ખાલીપો અનુભવતું હોય છે, ત્યારે ઘણી વખત માણસ મોબાઇલ તરફ આકર્ષાય છે. પ્રાણાયામ મનને શાંત બનાવે છે. તે વ્યક્તિને અંદરથી સ્થિરતા આપે છે. પરિણામે સતત મોબાઇલ ચેક કરવાની જરૂરિયાત ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ધ્યાન પણ આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
 
મોબાઇલનું વ્યસન માત્ર હાથની સમસ્યા નથી; તે ધ્યાન બાબતેની (એટલે કે બેધ્યાનપણાની) સમસ્યા છે. આપણું મન સતત નવી ઉત્તેજના શોધતું રહે છે. એક વીડિયો પૂરો થાય તો બીજો. એક પોસ્ટ જોયા પછી બીજી. ધ્યાનની આ ભટકતી સ્થિતિ માણસને થકવી નાખે છે. ધ્યાન મનને એક જગ્યાએ સ્થિર રહેવાનું શીખવે છે. તે વર્તમાન ક્ષણમાં જીવવાની કળા શીખવે છે. જે વ્યક્તિ નિયમિત ધ્યાન કરે છે, તે ધીમે ધીમે પોતાના ધ્યાન પર વધુ નિયંત્રણ મેળવવા લાગે છે.
 
યોગનો એક બીજો મહત્વપૂર્ણ ફાયદો એ છે કે, તે માણસને પોતાની સાથે ફરીથી જોડે છે.
 
ઘણાં લોકો મોબાઇલમાં એટલાં વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના વિચારો, લાગણીઓ અને જરૂરિયાતોને સાંભળવાનું જ ભૂલી જાય છે. એકલતા લાગે તો મોબાઇલ. કંટાળો આવે તો મોબાઇલ. તણાવ હોય તો મોબાઇલ. થોડો સમય ખાલી મળે તો પણ મોબાઇલ!!!
 
ધીમે ધીમે વ્યક્તિ પોતાની અંદરની દુનિયાથી દૂર થવા લાગે છે. યોગ આ અંતરને ઘટાડે છે.
 
જ્યારે વ્યક્તિ શાંતિથી બેસે છે, શ્વાસ પર ધ્યાન આપે છે અને પોતાના મનનું નિરીક્ષણ કરે છે, ત્યારે તેને સમજાય છે કે, સાચી શાંતિ સ્ક્રીનમાં નથી, પરંતુ પોતાની અંદર છે.
 
યોગ સંબંધોને પણ સુધારે છે. જ્યારે મોબાઇલનો ઉપયોગ ઓછો થાય છે, ત્યારે પરિવાર માટે સમય વધે છે. વાતચીત વધે છે. લોકો એકબીજાને સાંભળવા લાગે છે. બાળકોને લાગે છે કે માતા-પિતા ખરેખર તેમની સાથે છે. જીવનમાં હાજરીનો અનુભવ વધે છે. યોગનો અર્થ મોબાઇલ છોડી દેવાનો નથી. આજના સમયમાં મોબાઇલ વિના જીવન જીવવું લગભગ અશક્ય છે. પ્રશ્ન મોબાઇલ રાખવા અંગેનો નથી; પ્રશ્ન એ છે કે મોબાઇલ પર નિયંત્રણ કોનું છે?
 
શું આપણે મોબાઇલનો ઉપયોગ કરીએ છીએ કે મોબાઇલ આપણો ઉપયોગ કરે છે? યોગ વ્યક્તિને આ પ્રશ્ન પૂછવાની અને તેનો ઉત્તર શોધવાની શક્તિ આપે છે.
 
જો દરરોજ માત્ર વીસ મિનિટ યોગ, પ્રાણાયામ અને ધ્યાન માટે ફાળવવામાં આવે, તો ધીમે ધીમે મન વધુ શાંત, વધુ જાગૃત અને વધુ સંતુલિત બનવા લાગે છે. ત્યાર પછી મોબાઇલ માત્ર એક સાધન બની રહે છે, જીવનનું કેન્દ્ર નહીં.
 
આજના યુગમાં સૌથી મોટી સમસ્યા માહિતીની અછત નથી, સૌથી મોટી સમસ્યા છે- ધ્યાનની અછત. આપણે બધું જોઈ રહ્યા છીએ, પરંતુ કંઈ પણ ઊંડાણથી અનુભવી રહ્યા નથી.
 
યોગ આપણને ફરીથી ધ્યાન આપવાનું શીખવે છે. તે આપણને પોતાના શ્વાસ સાથે, પોતાના મન સાથે, પોતાના પરિવાર સાથે અને પોતાના જીવન સાથે ફરીથી જોડે છે.
 
જ્યારે દુનિયા સતત આપણું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે યોગ આપણને પોતાના ધ્યાનના માલિક બનવાનું શીખવે છે.
 
અને કદાચ મોબાઇલની વધતી આદત સામે આ જ સૌથી અસરકારક ઉપાય છે.
 
***
 
- હિમા પરીખ 
(લેખિકાશ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં પૂર્વ ડાયરેક્ટર છે.)