વૈવિધ્ય । યોગ અને વિજ્ઞાન મન અને શરીરનું પ્રાચીન અને આધુનિક જોડાણ
શું તમે જાણો છો કે હજારો વર્ષ જૂની યોગવિદ્યા અને આધુનિક ન્યુરોસાયન્સ વચ્ચે અદ્ભુત જોડાણ છે? યોગ માત્ર શરીરને લવચીક નથી બનાવતું, પણ તે તમારા મગજની રચનામાં પણ હકારાત્મક બદલાવ લાવે છે! જાણો, કેવી રીતે શ્વાસનું વિજ્ઞાન અને પ્રાણાયામ તમારા જીવનને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બદલી શકે છે.
૨૦-જૂન-૨૦૨૬
કુલ દૃશ્યો |
યોગની ચર્ચા માત્ર આજના આરોગ્યવિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં કરીએ તો તેની વિશાળતા સાથે અન્યાય થાય. યોગ કોઈ એક વ્યક્તિની શોધ નથી, કોઈ એક ગ્રંથની રચના નથી અને કોઈ એક સંપ્રદાયની મિલકત પણ નથી. તે હજારો વર્ષોની ભારતીય ચિંતનપરંપરાનો પરિપાક છે.
સિંધુ-સરસ્વતી સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થયેલી પ્રસિદ્ધ ‘પશુપતિ મુદ્રા’ને કેટલાક વિદ્વાનો યોગસાધનાના પ્રારંભિક સંકેત તરીકે જુએ છે. ભલે આ અંગે વિદ્વાનોમાં મતભેદ હોય, પરંતુ એ નિર્વિવાદ છે કે ભારતીય સંસ્કૃતિમાં શરીર, શ્વાસ અને ચેતના અંગેનું ગહન ચિંતન અત્યંત પ્રાચીન છે.
વેદોમાં યોગનો વ્યવસ્થિત ઉલ્લેખ ન મળે, પરંતુ પ્રાણ, ધ્યાન, તપ, બ્રહ્મચર્ય અને આત્મસંયમના વિચારો સતત જોવા મળે છે. ઋગ્વેદનો પ્રસિદ્ધ મંત્ર – आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः અર્થાત્, ‘વિશ્વની તમામ દિશાઓમાંથી કલ્યાણકારી વિચારો અમારી પાસે આવે.’
શું યોગ પ્રાચીન ભારતનું ન્યુરોસાયન્સ હતું?
આધુનિક ન્યુરોસાયન્સની ભાષામાં કહીએ તો આ સૂત્ર માનવમગજમાં સતત ચાલતા વિચારો, સ્મૃતિઓ, કલ્પનાઓ અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓના નિયંત્રણ તરફ સંકેત કરે છે.
નોંધનીય વાત એ છે કે, આજના સમયમાં યોગનો અર્થ લગભગ આસન સુધી મર્યાદિત થઈ ગયો છે, જ્યારે પતંજલિના અષ્ટાંગ યોગમાં આસન માત્ર એક જ અંગ છે. મૂળ પરંપરામાં યોગનો હેતુ શરીર કરતાં વધુ મન અને ચેતનાના વિકાસ સાથે સંકળાયેલો હતો.
શું યોગ પ્રાચીન ભારતનું ન્યુરોસાયન્સ હતું? આ પ્રશ્ન પ્રથમ દૃષ્ટિએ અતિશયોક્તિ જેવો લાગે. પરંતુ થોડું ઊંડાણથી વિચારીએ તો રસપ્રદ સમાનતાઓ દેખાય છે. આધુનિક ન્યુરોસાયન્સ મગજને સમજવા માટે EEG, MRI, બ્રેઈન સ્કેન અને ન્યુરોકેમિકલ વિશ્લેષણનો ઉપયોગ કરે છે. પરંતુ પ્રાચીન યોગીઓએ તો પોતાના મનને જ મગજનું વિશ્લેષણ કરવાનું અભ્યાસનું સાધન બનાવ્યું હતું. એક વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં વારંવાર પ્રયોગ કરે છે. યોગી પણ ધ્યાન, પ્રાણાયામ અને આત્મનિરીક્ષણ દ્વારા પોતાના ચિત્તનું સતત અવલોકન કરે છે. વિજ્ઞાન બાહ્ય વિશ્વનું અન્વેષણ કરે છે, જ્યારે યોગ આંતરિક વિશ્વનું. પરંતુ બંનેનો હેતુ એક જ છે – સત્યની શોધ. આથી જ ઘણા આધુનિક સંશોધકો યોગને ‘Science of Consciousness’ તરીકે વર્ણવે છે.
શ્વાસ : યોગ અને વિજ્ઞાન વચ્ચેનું જીવંત સેતુ
ભારતીય યોગપરંપરામાં શ્વાસને માત્ર વાયુની આપલે નહીં, પરંતુ જીવનશક્તિના વાહક તરીકે જોવામાં આવ્યો છે.
હઠયોગ પ્રદીપિકામાં કહેવામાં આવ્યું છે:
‘चले वाते चलं चित्तं निश्चले निश्चलं भवेत्’
અર્થાત્ શ્વાસ ચંચળ હોય તો મન પણ ચંચળ રહે છે, અને શ્વાસ સ્થિર થાય તો મન પણ સ્થિર બને છે.
આજે આ નિવેદનને મજબૂત વૈજ્ઞાનિક આધાર મળ્યો છે. જ્યારે માણસ ભય, ક્રોધ અથવા ચિંતા અનુભવે છે ત્યારે Sympathetic Nervous System સક્રિય બને છે. હૃદયધબકારા વધે છે, બ્લડપ્રેશર વધી જાય છે અને કોર્ટેસોલનું સ્તર ઊંચું જાય છે. પરંતુ ધીમો, ઊંડો અને લયબદ્ધ શ્વાસ Parasympathetic Nervous Systemને સક્રિય કરે છે. પરિણામે શરીર ‘Fight or Flight’ સ્થિતિમાંથી ‘Rest and Digest’ સ્થિતિમાં પ્રવેશ કરે છે. આ પ્રક્રિયામાં Vagus Nerve અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. આજકાલ Heart Rate Variability (HRV)ને માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનો મહત્વપૂર્ણ સૂચક માનવામાં આવે છે. પ્રાણાયામ HRV સુધારવામાં મદદરૂપ થાય છે. આ રીતે પ્રાણાયામ માત્ર આધ્યાત્મિક સાધના નથી, પરંતુ નર્વસ સિસ્ટમને સંતુલિત કરતી વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
ગુજરાતની સંતવાણીમાં ગંગાસતી ગાય છે:
‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઈ,
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી...’
પ્રથમ દૃષ્ટિએ આ પંક્તિ જીવનની ક્ષણભંગુરતાનો ઉપદેશ લાગે છે, પરંતુ યોગશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો તેમાં શ્વાસવિજ્ઞાનનું અત્યંત રસપ્રદ અવલોકન સમાયેલું છે. સામાન્ય રીતે સ્વસ્થ મનુષ્ય એક મિનિટમાં સરેરાશ ૧૫ શ્વાસ લે છે. આ સંખ્યાનો હિસાબ કરીએ તો એક કલાકમાં ૧૫ × ૬૦ = ૯૦૦ શ્વાસ થાય છે અને ચોવીસ કલાકમાં ૯૦૦ × ૨૪ = ૨૧,૬૦૦ શ્વાસ થાય છે. ગંગાસતીની પંક્તિમાં ઉલ્લેખિત ‘એકવીસ હજાર છસો’ આ જ દૈનિક શ્વાસસંખ્યાને સૂચવે છે એવું યોગપરંપરાના વિદ્વાનો માને છે.
ભારતીય યોગપરંપરાએ જીવનને વર્ષો, મહિનાઓ કે દિવસોની નહીં, પરંતુ શ્વાસોની મૂડી તરીકે જોવાનો અનોખો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. યોગગ્રંથોમાં માન્યતા છે કે, દરેક મનુષ્યને પ્રાણશક્તિની એક નિશ્ચિત મૂડી પ્રાપ્ત થાય છે; જે જેટલો અસ્થિર, ઝડપી અને અસંયમિત શ્વાસ લે છે તે પોતાની આ મૂડીને તેટલી ઝડપથી ખર્ચે છે, જ્યારે ધીમા, ઊંડા અને લયબદ્ધ શ્વાસ દ્વારા જીવનની ગુણવત્તા અને સ્થિરતા વધારી શકાય છે. કદાચ આથી જ પ્રાણાયામને યોગનું હૃદય કહેવામાં આવ્યું છે. ગંગાસતીનું આ લોકજ્ઞાન અને આધુનિક શ્વસનવિજ્ઞાન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ દર્શાવે છે કે, ભારતીય સંતપરંપરા માત્ર આધ્યાત્મિક જ નહીં, પરંતુ માનવજીવનના પ્રાકૃતિક લય અને શરીરવિજ્ઞાનની પણ સૂક્ષ્મ નિરીક્ષક હતી. આજે જ્યારે વૈજ્ઞાનિકો સંશોધનો શ્વાસની ગતિ, નર્વસ સિસ્ટમ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેના ગાઢ સંબંધને પ્રમાણિત કરી રહ્યા છે, ત્યારે ગંગાસતીની આ પંક્તિ એક નવી વૈજ્ઞાનિક પ્રાસંગિકતા સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે.
યોગ અને મગજની પુનઃરચના
એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે પુખ્ત વય પછી મગજમાં ખાસ ફેરફાર થતો નથી. પરંતુ Neuroplasticity ના સિદ્ધાંતે આ માન્યતા બદલી નાખી. આજે MRI અને Functional MRIના અભ્યાસો દર્શાવે છે કે, નિયમિત ધ્યાન કરનારાઓમાં મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ અને હિપ્પોકેમ્પસ જેવા વિસ્તારો વધુ વિકસિત જોવા મળે છે. આ વિસ્તારો સ્મરણશક્તિ, એકાગ્રતા, નિર્ણયશક્તિ અને ભાવનાત્મક નિયંત્રણ સાથે જોડાયેલા છે. બીજી તરફ Amygdala, જે ભય અને ચિંતા સાથે સંકળાયેલું કેન્દ્ર છે, તેની અતિસક્રિયતામાં ઘટાડો જોવા મળે છે. આથી યોગ માત્ર માનસિક શાંતિ આપતો નથી; તે મગજની રચના અને કાર્યપદ્ધતિમાં પણ હકારાત્મક ફેરફારો લાવી શકે છે.
યોગ, હોર્મોન્સ અને તણાવનું વિજ્ઞાન
માનવશરીર એક જટિલ રાસાયણિક પ્રયોગશાળા છે. વિવિધ હોર્મોન્સ અને ન્યુરોટ્રાન્સમીટર્સ આપણાં વર્તન, લાગણીઓ અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. તણાવ દરમિયાન Cortisol અને Adrenaline જેવા હોર્મોન્સ વધે છે. લાંબા ગાળે આ સ્થિતિ હૃદયરોગ, ડાયાબિટીસ, અનિદ્રા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. સંશોધનો સૂચવે છે કે, નિયમિત યોગાભ્યાસ કોર્ટેસોલના સ્તરમાં ઘટાડો કરી શકે છે. સાથે સાથે Serotonin Dopamine અને Oxytocin જેવા સુખ અને સંતોષ સાથે સંકળાયેલા રસાયણોના સંતુલનમાં સુધારો થાય છે. કદાચ આ જ કારણ છે કે, યોગાભ્યાસ કરનારાઓમાં ચિંતા, હતાશા અને અનિદ્રાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
યોગ અને એપિજેનેટિક્સ
આધુનિક જીવવિજ્ઞાનનું એક રસપ્રદ ક્ષેત્ર છે– Epigenetics. એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે જનીનો જ આપણું ભવિષ્ય નક્કી કરે છે. આજે વિજ્ઞાન કહે છે કે જીવનશૈલી, આહાર, તણાવ અને પર્યાવરણ પણ જનીનોની અભિવ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. તાજેતરના કેટલાક અભ્યાસો સૂચવે છે કે ધ્યાન અને યોગ તણાવ સાથે સંકળાયેલા કેટલાક જનીનોની અભિવ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. આ ક્ષેત્ર હજુ વિકાસશીલ છે, પરંતુ તે દર્શાવે છે કે યોગની અસર માત્ર મન સુધી મર્યાદિત નથી; તે કોષીય સ્તર સુધી પહોંચી શકે છે.
યોગ અને રોગપ્રતિકારક શક્તિ
અથર્વવેદમાં પ્રાર્થના કરવામાં આવી છે :
‘पश्येम शरदः शतम्, जीवेम शरदः शतम्’
અર્થાત્ આપણે લાંબું અને સ્વસ્થ જીવન જીવીએ.
આધુનિક વિજ્ઞાન પણ હવે સ્વીકારે છે કે, લાંબા ગાળાનો માનસિક તણાવ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. Chronic inflammation અનેક દીર્ઘકાલીન રોગોના મૂળમાં જવાબદાર માનવામાં આવે છે. યોગ અને ધ્યાન તણાવ ઘટાડીને શરીરમાં સોજા સાથે સંકળાયેલા બાયોમાર્કર્સને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ રીતે યોગ પરોક્ષ રીતે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
૨૧ જૂન, ૨૦૧૫ના રોજ સમગ્ર વિશ્વે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો. ૧૯૦ દેશોએ આ પહેલને સમર્થન આપ્યું, જે સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસમાં એક નોંધપાત્ર ઘટના હતી. આ માત્ર સાંસ્કૃતિક ગૌરવની ઘટના નહોતી; તે ભારતીય જ્ઞાનપરંપરાની વૈશ્વિક સ્વીકૃતિ હતી. આજે અમેરિકા, યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકાની યુનિવર્સિટીઓ, હોસ્પિટલો અને સંશોધન સંસ્થાઓમાં યોગ પર ગંભીર અભ્યાસ થઈ રહ્યો છે.
વિજ્ઞાન અને યોગ વિરોધી શક્તિઓ નથી. બંને અલગ માર્ગે ચાલીને એક જ સત્ય તરફ આગળ વધે છે. વિજ્ઞાન પૂછે છે – ‘આ કેવી રીતે બને છે?’ યોગ પૂછે છે – ‘આનો અનુભવ કેવી રીતે કરવો?’ પરંતુ બંનેનો અંતિમ હેતુ માનવજીવનને વધુ સ્વસ્થ, વધુ જાગૃત અને વધુ અર્થપૂર્ણ બનાવવાનો છે. કદાચ આ જ કારણ છે કે, હજારો વર્ષ જૂની યોગવિદ્યા આજે પણ એટલી જ પ્રાસંગિક છે. કારણ કે તે માત્ર શરીરને નહીં, પરંતુ સમગ્ર મનુષ્યને સ૧મજવાનો પ્રયાસ કરે છે.