આંતરરાષ્ટ્રીય યોગ દિન - ૨૦૨૬ | Yoga For Healthy Ageing
ઉંમર વધવી એટલે વડીલ બનવું! આ જીવનની એક અત્યંત સ્વાભાવિક અને કુદરતી પ્રક્રિયા છે. આપણે ઉંમરના આંકડાઓને તો નથી રોકી શકતા, પરંતુ ઉંમર વધવાની સાથે આપણે કેવું અનુભવીએ છીએ તે ચોક્કસ આપણા હાથમાં છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી થીમ ‘Yoga for Healthy Aging’ (સ્વસ્થ વૃદ્ધિગતતા માટે યોગ) આપણને એક સાચો રસ્તો બતાવે છે.
યોગ માત્ર યુવાનો માટેની કસરત નથી; તે એક એવી ઔષધિ છે જે આગળ વધતાં જીવનના પાછલાં વર્ષોને વધુ સક્રિય, આનંદમય અને સ્વતંત્ર બનાવે છે.
પ્રૌઢાવસ્થા પછી યોગના અમૂલ્ય ફાયદાઓ
જીવનના આ તબક્કે યોગ કેવી રીતે જાદુઈ અસર કરે છે તે સમજીએ:
શરીરની લવચીકતા અને સંતુલન : ઉંમર વધવાની સાથે સ્નાયુઓ જકડાઈ જવા અને સાંધામાં દુખાવો થવો સામાન્ય છે. હળવાં યોગાસનો શરીરની લવચીકતા જાળવી રાખે છે. આનાથી શરીરનું સંતુલન સુધરે છે, પરિણામે વધતી અવસ્થાએ ક્યાંક પડી જવાના કે હાડકાં તૂટવાના જોખમોમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
માનસિક શાંતિ અને સ્મરણશક્તિ : શારીરિક નબળાઈ કરતાં પણ વધુ પીડાદાયક ક્યારેક માનસિક એકલતા કે ચિંતા હોય છે. પ્રાણાયામ (જેમ કે અનુલોમ-વિલોમ અને ભ્રામરી) મનને અદ્ભુત શાંતિ પ્રદાન કરે છે. ધ્યાન (Meditation) કરવાથી યાદશક્તિ તેજ રહે છે અને ડિપ્રેશન દૂર થાય છે.
રોગો સામે રક્ષણ : નિયમિત યોગાભ્યાસ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે.
શરૂઆત ક્યારેય મોડી નથી હોતી, તે શુભ હોય છે...
ઘણા વડીલોને એવો પ્રશ્ન થાય છે કે, ‘હવે આ ઉંમરે અમારાથી યોગ કેવી રીતે થાય?’
યોગની સૌથી મોટી સુંદરતા જ એ છે કે, તે તેને દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા મુજબ ઢાળી શકે છે. જો તમે જમીન પર બેસી શકતા નથી, તો તમે ખુરશી પર બેસીને પણ ‘ચેર યોગ’ (Chair Yoga) કરી શકો છો. પથારીમાં સૂતાં-સૂતાં પણ ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા (પ્રાણાયામ) કરી શકાય છે. યોગમાં કોઈ હરીફાઈ નથી; તમારા શરીરને જેટલું અનુકૂળ આવે તેટલું જ કરવાનું છે.
જીવનનો મંત્ર : ‘ઉંમર વધવી એ પ્રકૃતિનો નિયમ છે, પરંતુ ઉંમરની સાથે સ્વસ્થ અને સ્ફૂર્તિલા રહેવું એ યોગનું પરિણામ છે.’
એક નવો સંકલ્પ
‘Yoga for Healthy Aging’ એ માત્ર એક થીમ નથી, પણ આપણા વડીલોને એક નવી દિશા આપવાનો પ્રયાસ છે. આવો, આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે, આપણે આપણા ઘરના વડીલોને યોગ તરફ પ્રેરિત કરીશું અને આપણે પોતે પણ યોગને દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવીશું, જેથી આવતીકાલનું આપણું વૃદ્ધત્વ પણ સ્વસ્થ અને સુંદર બને.
જીવનની સંધ્યાને બીમારીઓથી નહિ, પણ યોગના માધ્યમથી સ્ફૂર્તિ અને શાંતિથી શણગારીએ!
યોગનું વાસ્તવિક મહત્ત્વ માત્ર કસરત નહીં, ચેતનાનું રૂપાંતરણ
# યોગ મેટ પર શરૂ થાય છે, પરંતુ તેનો ખરો વટ-પ્રભાવ મેટની બહાર તમારા રોજિંદા જીવનમાં દેખાય છે.
# આધુનિક સમયમાં યોગને ફિટનેસના એક સાધન તરીકે જોવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં યોગ એ આપણી શારીરિક અને માનસિક સિસ્ટમનું ‘સેલ્યુલર રિસેટ’ (Cellular Reset) છે. જ્યારે તમે આસન કે પ્રાણાયામ કરો છો, ત્યારે માત્ર સ્નાયુઓ જ નથી ખેંચાતા, પરંતુ તમારા ડીએનએ (DNA) સ્તર પર હકારાત્મક ફેરફારો થાય છે.
# સ્વસ્થ વૃદ્ધત્વ અને કોષોનું પુનર્નિર્માણ : યોગ એ વધતી ઉંમરની નકારાત્મક અસરોને રોકવાનું અને સ્વસ્થ વૃદ્ધત્વ પ્રાપ્ત કરવાનું સૌથી પ્રબળ માધ્યમ છે. નિયમિત યોગથી આપણા ડીએનએના છેડે આવેલા ‘ટીલોમિયર્સ’ (Telomeres)ની લંબાઈ જળવાઈ રહે છે, જે કોષોના ઝડપી નાશને અટકાવે છે અને શરીરને લાંબા સમય સુધી યુવાન અને રોગમુક્ત રાખે છે.
l ઊર્જાનું ઑપ્ટિમાઇઝેશન : સામાન્ય રીતે આપણું શરીર નકામા વિચારો અને શારીરિક અસંતુલનમાં ઘણો પ્રાણવાયુ અને ઊર્જા વેડફે છે. યોગ આપણા નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર) ને એવી રીતે સંતુલિત કરે છે કે શરીર ઓછામાં ઓછી ઊર્જા વાપરીને વધુમાં વધુ કાર્યક્ષમ બને છે. થાકનો અનુભવ થતો બંધ થઈ જાય છે.
# બ્રેઇન વેવ્સમાં પરિવર્તન : નિયમિત યોગાભ્યાસથી મગજના તરંગો અત્યંત સક્રિય ‘બીટા’ (તણાવની સ્થિતિ) માંથી ‘આલ્ફા’ અને ‘થીટા’ (શાંત, ધ્યાનસ્થ અને સર્જનાત્મક સ્થિતિ)માં પહોંચે છે. આનાથી નિર્ણય લેવાની ક્ષમતા અને એકાગ્રતામાં અનેક ગણો વધારો થાય છે.
# ઇમોશનલ ડિટોક્સ (ભાવનાત્મક શુદ્ધિ) : શરીરવિજ્ઞાન કહે છે કે, આપણા શરીરમાં અમુક સ્નાયુઓ (જેમ કે હિપ મસલ્સ, પીઠ અને ખભા) વર્ષો જૂના તણાવ, ભય અને નકારાત્મક ભાવનાઓને સંગ્રહિત કરે છે. ડીપ સ્ટ્રેચિંગ અને હઠયોગના આસનો દ્વારા આ ‘ઇમોશનલ બ્લોકેજ’ દૂર થાય છે અને મન હળવું ફૂલ બની જાય છે.
રોગ અનુસાર યોગ શરીરની અંદર જ છુપાયેલી ‘આંતરિક ફાર્મસી’
દરેક રોગનો ઈલાજ તમારી ભીતર જ છે, યોગ માત્ર એ બંધ દવાખાનાની ચાવી છે.
આપણે નાની-મોટી બીમારીઓ માટે તરત જ બહારથી દવાઓ લઈએ છીએ, પરંતુ આપણું શરીર પોતે જ એક અત્યંત આધુનિક અને વિશાળ ફાર્મસી છે. ચોક્કસ આસનો અને શ્વાસોચ્છ્વાસની ક્રિયાઓ દ્વારા આપણે અમુક ખાસ હોર્મોન્સ અને રસાયણોને ઉત્તેજિત કરી શકીએ છીએ:
હૃદયરોગ અને બ્લડ પ્રેશર
# યોગિક વિજ્ઞાન : ‘હૃદય મુદ્રા’ અને નિયમિત ‘અનુલોમ-વિલોમ’ માત્ર શ્વાસ લેવા-છોડવાની ક્રિયા નથી. તે હૃદયના ધબકારા અને મગજના તરંગો વચ્ચે એક પ્રકારનું સિંક્રોનાઇઝેશન (તાલમેલ) બેસાડે છે. આનાથી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થાય છે, સ્ટ્રેસ હોર્મોન ‘કોર્ટિસોલ’ ઘટે છે અને બ્લડ પ્રેશર કુદરતી રીતે જ સામાન્ય સ્તર પર આવી જાય છે.
ડાયાબિટીસ અને પાચનતંત્રના રોગો
# વિશિષ્ટ આસન : મંડુકાસન, વક્રાસન અને અર્ધ મત્સ્યેન્દ્રાસન. ડાયાબિટીસ એ માત્ર શુગરનો પ્રોબ્લેમ નથી, તે પાચન અને સ્વાદુપિંડ (Pancreas)ની નિષ્ક્રિયતા છે. આ આસનો શરીરના અંદરના અંગોને એક પ્રકારનો ‘ઇન્ટરનલ મસાજ’ આપે છે, જેનાથી રક્તસંચાર વધે છે અને ઇન્સ્યુલિનનું કુદરતી ઉત્પાદન ફરીથી સક્રિય થાય છે.
કરોડરજ્જુ અને સાંધાના દુખાવા
# વિશિષ્ટ આસન : ભુજંગાસન, મકરાસન અને તાડાસન. કરોડરજ્જુ (મેરુદંડ) એ શરીરનો મુખ્ય સ્તંભ છે. યોગ દ્વારા કરોડરજ્જુની વચ્ચે રહેલી ડિસ્કમાં પ્રવાહીનું સ્તર જળવાઈ રહે છે, જેનાથી સાયટિકા, સ્લિપ ડિસ્ક અને સાંધાના દુખાવા કાયમ માટે દૂર રહે છે.
માનસિક તણાવ, અનિદ્રા અને એન્ઝાયટી
# વિશિષ્ટ ક્રિયા : ભ્રામરી પ્રાણાયામ અને ઉદ્ગીથ (ૐકાર ધ્વનિ). ભ્રામરી દરમિયાન ઉત્પન્ન થતો ગુંજન અવાજ સીધો આપણી ‘વાગસ નર્વ’ (Vagus Nerve - જે મગજથી પેટ સુધી જોડાયેલી છે)ને વાઇબ્રેટ કરે છે. આ વાઇબ્રેશન તરત જ મગજને ‘Rest and Digest’ (આરામ અને પાચન) મોડમાં લાવી દે છે, જે અનિદ્રા દૂર કરવા માટે ઊંઘની ગોળી કરતાં પણ વધુ સુરક્ષિત અને ઝડપી કામ કરે છે.
***
- યોગસેવક શીશપાલજી
(લેખકશ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં સતત ત્રીજી વાર મા. ચેરમેન તરીકે નિમાયા છે.)