વનોને વિસ્તારો... વર્ષાને વધારો... વિપદાને વિદારો...
દર વર્ષે ૨૨ જૂનના રોજ ‘વિશ્વ વર્ષાવન દિન’ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય આશય પૃથ્વી પરથી ઝડપથી નષ્ટ થઈ રહેલા વર્ષાવનો (રેઈનફોરેસ્ટ)ના અસાધારણ મહત્વને સમજવાનો અને તેના કાયમી સંરક્ષણ માટે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે. આ રેઈનફોરેસ્ટ કેવળ અડાબીડ જંગલો નથી, પણ પૃથ્વીનાં અસલી ફેફસાં છે, જે આપણને ૨૦% જેટલો શુદ્ધ પ્રાણવાયુ પૂરો પાડે છે અને આબોહવાને નિયંત્રિત રાખીને ગ્લોબલ વોર્મિંગ સામે પૃથ્વીનું રક્ષણ કરે છે. પર્યાવરણ બચાવવાના પાઠ જનજાતિય જીવનશૈલીમાંથી વણાયેલા છે. છેક સનાતન કાળથી, છેક વૈદિક સમયથી પ્રકૃતિ સાથે સાયુજ્ય સાધીને રહેતા આપણા આદિવાસી ભાઈ-બહેનો પાસેથી પ્રેરણા લેવાનો સમય પાકી ગયો છે. પરંપરાગત આદિવાસી જીવનશૈલી આજે વિલુપ્ત થતા જંગલો અને પર્યાવરણને બચાવી શકે છે. આવો જાણીએ..
૨૨મી જૂને વિશ્વ વર્ષાવનદિન ઊજવી રહ્યું છે ત્યારે પર્યાવરણ બચાવવા એસી રૂમમાંથી બહાર નીકળીને દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, તાપી અને વાંસદાનાં જંગલો તરફ નજર કરવી પડશે, જ્યાં સદીઓથી આદિવાસી સમાજ કોઈ પણ આધુનિક ડિગ્રી વગર પર્યાવરણના સાચા રક્ષક તરીકે જીવી રહ્યો છે.
આજે આપણા પંચમહાભૂતોમાં પ્રદૂષણ, જંગલોનો ક્રૂર વિનાશ અને સિમેન્ટનાં જંગલોમાં ઉદ્ભવેલી જીવનશૈલી વગેરેના કારણે ઋતુચક્ર ખોરવાયું છે. ઉનાળામાં અસહ્ય ગરમી અને ચોમાસામાં ક્યાંક પૂર તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે આપણી પાસે માત્ર એક જ વિકલ્પ બચ્યો છે : કાં તો પ્રકૃતિ સાથે સહ-અસ્તિત્વ સ્વીકારો, કાં તો વિનાશ વહોરો.
પર્યાવરણમાં પ્રદાન
વૈજ્ઞાનિકો જેને આજે ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ (ટકાઉ વિકાસ) કહે છે, તે આદિવાસીઓની ગર્ભિત જીવનશૈલી છે. આદિવાસી જે આદિકાળથી અરણ્યોની આરાધના કરે છે, જે આદિકાળથી પ્રકૃતિ-પૂજક છે. તેઓ જંગલનાં લાકડાં, નદીના પાણી કે જમીનને ક્યારેય માત્ર ‘સંસાધન’ કે કમાણીનું સાધન નથી ગણતા, તેઓ તેને ‘દેવ’ માને છે. પ્રકૃતિની પૂજા કરે છે અને જંગલના માત્ર સૂકા લાકડાનો મર્યાદિત ઉપયોગ કરે છે.
ગુજરાતનાં ફેફસાં
દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો એટલે કુદરતનો અણમોલ ખજાનો. સાગ, સાદડ, વાંસ, મહુડા અને ખેરના વૃક્ષોથી લચેલાં આ જંગલો ગુજરાતને પ્રાણવાયુ આપી રહ્યાં છે.
ડાંગ અને વાંસદાનાં જંગલો : ડાંગ એ ગુજરાતનો સો ટકા આદિવાસી અને સૌથી વધુ વનાચ્છાદિત જિલ્લો છે. વાંસદા નેશનલ પાર્ક જૈવવિવિધતાથી ભરપૂર છે. અહીં વાંસનાં ઝુંડ હવામાંથી વિપુલ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સિજન મુક્ત કરે છે.
તાપી અને વલસાડની ગિરિમાળાઓ: કપરાડા અને ધરમપુરનાં જંગલો, જેને ‘ગુજરાતનું ચેરાપુંજી’ કહેવાય છે, ત્યાં થતો અતિ ભારે વરસાદ આ ગાઢ જંગલોને આભારી છે. તાપી નદીના કિનારે સર્જાયેલી માનવ સભ્યતા જળ અને જંગલના સમન્વયનું જીવંત ઉદાહરણ છે.
આદિવાસી વીરાસત
અહીં જનજાતિ માટે જંગલો સ્વર્ગ છે. જંગલોને ઉદ્યોગપતિઓ અને ગેરકાયદેસર કટીંગ કરનારાઓથી બચાવવા માટે અદ્ભુત લોક-આંદોલનો અને પરંપરાઓ જીવંત રાખી છે :
૧. દેવરાઈ અથવા પવિત્ર વન (Sacred Groves) :
ડાંગ અને વલસાડનાં અંતરિયાળ ગામોમાં જંગલના અમુક ભાગને ‘દેવ’ ગણીને આરક્ષિત રાખવામાં આવે છે. આ વિસ્તારમાંથી એક પાંદડું તોડવાની પણ મનાઈ છે, જેના કારણે ત્યાં સેંકડો વર્ષ જૂની વનસ્પતિઓ આજે પણ સુરક્ષિત છે.
૨ જંગલ સુરક્ષા સમિતિઓ :
સરકારી વન વિભાગની સાથે મળીને સ્થાનિક આદિવાસી યુવાનો સ્વયંભૂ ‘જંગલ બચાવો’ મંડળો ચલાવે છે. તેઓ રાત્રે લાકડાંચોરોથી જંગલનું રક્ષણ કરવા ચોકીદારી કરે છે.
૩. ઓર્ગેનિક ખેતી અને રાગીનું (નાગલી)વાવેતર :
રસાયણો વાપરીને જમીન બગાડવાને બદલે ડાંગના આદિવાસીઓ આજે પણ ગાયના છાણના ખાતરથી નાગલી, વરાઈ અને અડદ જેવા પાક લે છે, જે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે.
૪. બીજ બેંક (Seed Bank): અહીંની આદિવાસી મહિલાઓ જંગલની લુપ્ત થતી ઔષધિઓ અને વનસ્પતિઓનાં બીજ ભેગાં કરી તેનું જતન કરે છે અને ચોમાસાની શરૂઆતમાં જંગલમાં તેનું કુદરતી વાવેતર કરે છે.
***
આ વર્ષે વિશ્વ વર્ષાવન દિને આવો, આપણે પર્યાવરણ-સંરક્ષણ માટે સંકલ્પ કરીએ : જેમ જનજાતિ જંગલને પોતાનું સ્વર્ગ માને છે, તેમ આપણે સૌ મળીને આ પૃથ્વીને સ્વર્ગ બનાવીએ. पेड लगाओं - पानी बचाओं , प्लास्टिक हटाओ - આ ત્રિમંત્ર આપણા રાષ્ટ્રનિર્માણનો મહામંત્ર બની રહો.
***
- કિરણ પાડવી
(પી.આઈ. તરીકે ફરજ બજાવતા લેખક પર્યાવરણ માટે વિશેષ રૂચિ ધરાવે છે.)