સંસ્કૃતિસુધા । ૨૩ જૂન, નિર્વાણદિન નિમિત્તે | બાળસાહિત્યના બ્રહ્મા અને મુછાળી મા ગિજુભાઈ બધેકા

નૂતન બાલશિક્ષણના પ્રબળ પ્રવર્તક ગિજુભાઈનું પ્રદાન જ્યાં સુધી બાળકો રહેશે ત્યાં સુધી રહેવાનું છે.

    ૨૩-જૂન-૨૦૨૬   
કુલ દૃશ્યો |

gijubhai-badheka-bal-varta
 
 
એક કાગડો હતો. તે ખૂબ જ આનંદી અને મનમોજી હતો. ગમે તેવી મુશ્કેલી આવે, તો પણ તે ક્યારેય દુઃખી થતો નહીં. એક દિવસ રાજા કોઈ વાત પર આ કાગડા પર ખૂબ ગુસ્સે થયા. રાજાએ તેના માણસોને હુકમ કર્યો, ‘આ કાગડાને પકડીને ગામના કૂવા કાંઠે આવેલા ગારામાં ફેંકી દો, જેથી તે કાદવમાં ખૂંપીને મરી જાય!’
 
રાજાના માણસોએ કાગડાને કાદવમાં ફેંકી દીધો. પણ કાગડો તો ભારે આનંદી! કાદવમાં પડતાં જ તે જોરજોરથી ગાવા લાગ્યો, ‘લપસણું કરતાં શીખીએ છીએ, ભાઈ લપસણું કરતાં શીખીએ છીએ!’
 
રાજાને નવાઈ લાગી કે આ કાગડો સજા મળવા છતાં ખુશ કેમ છે? રાજાએ બીજો હુકમ કર્યો, ‘આને કાદવમાંથી કાઢીને કૂવામાં ફેંકી દો, જેથી તે ડૂબી જાય!’
 
માણસોએ કાગડાને કૂવાના પાણીમાં ફેંક્યો. કાગડો તો પાણીમાં તરતાં તરતાં ફરી ગાવા લાગ્યો, ‘કૂવામાં તરતાં શીખીએ છીએ, ભાઈ કૂવામાં તરતાં શીખીએ છીએ!’
 
કાગડો દરેક સ્થિતિમાં તે આનંદમાં જ રહ્યો. આ વાર્તા દ્વારા ગિજુભાઈ બાળકોને સમજાવતા કે જીવનમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે, જો આપણો અભિગમ સકારાત્મક હોય, તો આપણને કોઈ દુઃખી કરી શકતું નથી. પરિસ્થિતિ ગમે તે હોય, હંમેશા હસતા રહેવું જોઈએ.
 
ગુજરાતના સુખ્યાત બાળકેળવણીકાર ગિરજાશંકર ભગવાનજી બધેકા જેઓએ બાળક સાથે બાળક બની જઈ, વાર્તાઓ દ્વારા બાળકોનું જીવન ઘડતર કર્યું. વતન વળામાં શાળાની અને પછી ભાવનગર આવી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ અભ્યાસ અર્થે શામળદાસ કૉલેજમાં દાખલ થયા. કુટુંબની સ્થિતિ સારી ન હતી એટલે અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા. ધંધાર્થે આફ્રિકા ગયા. મુંબઈમાં વકીલાતનો અભ્યાસ કરી વકીલાત શરુ કરી. બાળક પોતાના પિતાને કોઈ વાત કહેતાં કદાચ સંકોચ અનુભવે, પણ ગિજુભાઈને બિન્દાસ્ત કહી શકતા હતા.
 
પોતાના પુત્ર નરેન્દ્રને ચીલાચાલુ નિશાળોને બદલે જીવનલક્ષી કેળવણી મળે એવી શાળાની શોધ આદરી. એમાંથી બાળકેળવણીનો જન્મ થયો. મારિયા મૉન્ટેસોરીનાં પુસ્તકો વાંચતા હતા, જેમાંથી બાળકેળવણીનો રસ્તો ખૂલ્યો. ભટ્ટસ્થાપિત છાત્રાલયમાં મદદનીશ ગૃહપતિ તરીકે આમંત્રણ મળતાં ગિજુભાઈ ભાવનગર આવી ‘દક્ષિણામૂર્તિ’માં જોડાઈ ગયા. સૂતેલો શિક્ષણવિદ જાગી ઊઠ્યો. અહીં રહીને બાળસાહિત્યનું સર્જન પણ કર્યું. એમનો હેતુ સાહિત્યકાર બનવાનો ન હતો, પણ બાળકેળવણી નિમિત્તે લખાતું ગયું.
 
૧૯૧૮થી કુમાર મંદિર શરૂ થયું. ગિજુભાઈને તેના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા. પછી ૧૯૨૨માં ટેકરી પરનું બાલમંદિર કસ્તૂરબા ગાંધીના હસ્તે ખુલ્લું મુકાયું. ગિજુભાઈના કાર્યથી પ્રભાવિત થઈ પ્રજાએ તેમનું રૂપિયા ૧૧,૦૦૦ની થેલી અર્પણ કરી અભિવાદન કર્યું. ગિજુભાઈ પણ ગિજુભાઈ હતા, આ રકમ બાળકોના કલ્યાણ અર્થે વાપરવા માટે આપી દીધી. મુદત પૂરી થતાં તેઓ ‘દક્ષિણામૂર્તિ’માંથી છૂટા થયા.
 
ગિજુભાઈ કહેતા કે, ‘બાળકોને સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને આપણે તેમના તરફ માનભરી દૃષ્ટિએ જોવું જોઈએ.’ વ્યક્તિત્વનો વિકાસનો પાયો બાલ્યાવસ્થા છે. બાળક કૂમળો છોડ છે તેની સૌથી વધારે કાળજી રાખવી જોઈએ. ગિજુભાઈએ ભાર વગરના બાલશિક્ષણનો પ્રસાર પણ કર્યો એની ખૂબ સારી અસર થઇ. બાળકેળવણીની ટીમ બનાવી અને શિક્ષકો અને વાલીઓ સાથે ગહન ચર્ચાઓ કરી. બાળકોના હાથમાં ‘અમને મારશો નહીં’, ‘અમને બિવરાવશો નહીં’, જેવાં સૂત્રો લખેલાં પૂંઠાં મૂકીને સરઘસો કાઢ્યાં.
 
ગિજુભાઈના માનસપુત્ર જેવા કથાનાયક લક્ષ્મીરામભાઈ મારફતે શાળામાં-વર્ગમાં અવનવા શિક્ષણના પ્રયોગો દ્વારા શિક્ષણને રોચક બનાવ્યું. રમતગમત દ્વારા શિક્ષણને સરળ કર્યું. બાળશિક્ષણની તેમણે લગભગ દોઢસો પુસ્તિકાઓ આપી છે.
 
તારાબહેન મોડક અને જુગતરામભાઈ એમાં સહાયક રહ્યા. કાકાસાહેબે તેમને ‘બાલસાહિત્યના બ્રહ્મા’ કહ્યા છે. ૧૦૨૯નો ‘શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક’ તેમને એનાયત થયેલો. તેમનાં પુસ્તકોના અંગેજી સહિત અનેક ભાષામાં અનુવાદ થયા છે. ગિજુભાઈમાં રાષ્ટ્રીય ભાવના છલોછલ હતી. ગાંધીજીના વિચારોથી બહુ પ્રભાવિત હતા. એમના શિષ્યો વર્ષો પછી જ્યારે પણ મળે એમને દંડવત્‌ પ્રણામ કરતા. શિક્ષક બનેલા એમના શિષ્યોએ પણ એમની આ ઉત્તમ કેળવણીને આગળ ધપાવી છે.
 
જૂના મિત્ર પોપટલાલ ચૂડગરના અતિ આગ્રહથી રાજકોટમાં અધ્યાપનમંદિર શરૂ કર્યું. બાલવિદ્યાપીઠની સ્થાપના, બાલજ્ઞાનકોશની રચના અને આત્મદર્શન તેમની આ ત્રણ ઇચ્છાઓ ૧૯૩૯માં તેમનું અવસાન થતાં અધૂરી રહી. નૂતન બાલશિક્ષણના પ્રબળ પ્રવર્તક ગિજુભાઈનું પ્રદાન જ્યાં સુધી બાળકો રહેશે ત્યાં સુધી રહેવાનું છે.
 
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.