૧૯૭૫ના જૂનનો ઉત્તરાર્ધ એટલે, ભારતીય લોકતંત્ર અને બંધારણ પરનો પહેલો વજ્રાઘાત. આંતરિક કટોકટી,
પ્રિ- સેન્સરશિપ, મિસાનો અટકાયતી કાયદો, ડી. આઈ. આરનો બેફામ ઉપયોગ, જેલોમાં કારાવાસીઓ, ૩૭,૦૦૦ પ્રકાશનોનું ગળું રૂંધવાનો અંધાધૂંધ પ્રયાસ, અખબારો અને સાહિત્ય પર પ્રતિબંધ, જપ્તી-જડતી, થર્ડ ડિગ્રીનો કટોકટી-વિરોધીઓ યુવકો પર જુલમ, વિદેશી પત્રકારોની હકાલપટ્ટી, ઓલ ઇન્ડિયા રેડિયોનું સરકારી ભોપુંમાં પરિવર્તન, પ્રેસ પરિષદનો સંકેલો, ત્રણ સમાચાર સંસ્થાઓનું એકમાં વિલીનીકરણ, સ્વાધીન ચુકાદો આપનારા ન્યાયાધીશોની બદલી, જેલોમાં યોગ્ય સારવારના અભાવે ૧૦૭ મિસાવાસી અને બીજા કાનૂન હેઠળ પકડાયેલાઓનાં મૃત્યુ..
એકાવન વર્ષ પૂર્વે સમગ્ર દેશમાં ભય અને ભ્રમના ઘનઘોર વાતાવરણની સાથે લોકશાહીને સમાપ્ત કરવાનો સત્તાવાદ બે વર્ષ સુધી ચાલ્યો. ૨૫-૨૬ જૂનના, રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદના આદેશથી લાગુ પડેલી આંતરિક કટોકટી અને સેન્સરશિપ છેક ૨૨ માર્ચ, ૧૯૭૭ના દિવસ સુધી ચાલ્યાં. કારણ એ હતું કે ‘રો’ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના વડા શ્રીમાન રામચંદ્ર કાઓએ શ્રીમતી ઇન્દિરા ગાંધીને ભરપૂર ભરોસો આપ્યો હતો કે, તમતમારે ચૂંટણી જાહેર કરી દો, કોંગ્રેસ જ જીતશે અને તમે ફરી વાર વડાપ્રધાન બનશો. ૧૮ જાન્યુઆરી, ૧૯૭૭ના વડાપ્રધાને ચૂંટણીની જાહેરાત કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત ૨૬ સંસ્થાઓ પર ૪ જુલાઈ, ૧૯૭૫ના પ્રતિબંધ જાહેર કરાયો, તે પૂર્વે જ ૩૦ જૂન, ૧૯૭૫ના સરસંઘચાલક શ્રી બાળાસાહેબ દેવરસની ધરપકડ થઈ ચૂકી હતી. સંઘના જ હજારો કાર્યકર્તાઓને જેલોમાં પૂરી દેવામાં આવેલા. તે તો ૨૧ માર્ચ, ૧૯૭૭ના ચૂંટણી પરિણામો આવ્યાં, મતદારોએ શ્રીમતી ઇન્દિરા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજોને હરાવીને મતદાતા-ક્રાંતિ સર્જી, ત્યાં સુધી જેલોમાં જ હતા. ૨૨ માર્ચ, ૧૯૭૭ના સંઘ-કાર્યકર્તાઓ જેલોમાંથી મુક્ત થયા.
કટોકટીના આ દિવસો દરમિયાન ગુજરાતમાં શું થયું? તેનો રોચક અને સાહસિક ઇતિહાસ છે. નવનિર્માણ આંદોલનને લીધે ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકાર ઘર ભેગી થઈ, પછી થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી જાહેર થઈ. ભ્રષ્ટ શાસન સામે આંદોલનમાં અસંખ્ય નાગરિકો ગોળીએ વિંધાયા હતા, પ્રજા તો ઇચ્છતી હતી કે હવે કોંગ્રેસ પાછી ના આવે, પણ કોંગ્રેસ-વિરોધી પક્ષો દ્વિધામાં હતાં. આખરે એક બૌદ્ધિક પરિષદ થઈ, જનતા મોરચો રચાયો. સંસ્થા કોંગ્રેસ, ભારતીય જનસંઘ, ભારતીય લોકદળ, સમાજવાદીઓ અને અપક્ષો તેમાં સામેલ થયા. પ્રજાએ તેને સમર્થન આપ્યું, બહુમતી મળી, સરકાર બનાવી, બાબુભાઈ જ. પટેલ, કેશુભાઈ પટેલ, મકરંદ દેસાઈ, ભાઈલાલભાઈ કોન્ટ્રાકટર, હેમાબહેન આચાર્ય વગેરે મંત્રીઓની સરકાર બની તે કેન્દ્ર સરકારના પ્રપંચો છતાં ૧૨ માર્ચ, ૧૯૭૬ સુધી ચાલી.
એટલે તે સમયે ગુજરાતમાં કોઈ પાબંદી નહોતી, સભા-સરઘસોની છૂટ હતી. દિલ્હીમાં એકદમ ભયપૂર્વકના પ્રતિબંધો પછી બ્રિટિશ અખબાર ગાર્ડીયનનો સંવાદદાતા લીફશુલત્ઝ ગુજરાતની સ્થિતિ સમજવા આવ્યો હતો, મારી સાથે ઓટો રિક્ષામાં શહેરમાં ઘૂમીને સ્તબ્ધ થઈ ગયો, અરે, અહીં તો ક્યાંય ૧૪૪મી કલમ નથી, લોકો મુક્ત રીતે હરે-ફરે છે, સભાઓ કરે છે, સરઘસો કાઢે છે, કટોકટી વિરોધી સમાચારો છપાય છે.. બીજા દિવસે તેણે પોતાના અખબારને અહેવાલ મોકલ્યો તેનું મથાળું હતું, ‘પ્રતિબંધોની વચ્ચે એક સ્વતંત્રતાનો દ્વીપ છે ગુજરાત!
..પણ, એવી સ્થિતિ જાળવવી આસાન નહોતી. ૧૨ માર્ચ, ૧૯૭૬થી તો પરિસ્થિતિ એકદમ વિપરીત બની ગઈ. કેન્દ્રના આદેશ (જેના અમલીકરણ માટેની સૂચના આપતો સિદ્ધાર્થ શંકર રાયનો ઇન્દિરાજી પરનો અંગત પત્ર ૮ જાન્યુઆરી, ૧૯૭૫ હતો, એનો અર્થ એ કે કટોકટી જાહેર કરવામાં જાન્યુઆરીથી જૂન સુધીનો સમય ગયો.) મુજબ યાદી તૈયાર હતી, સૌથી પહેલા જનસંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક, વિદ્યાર્થી પરિષદને નિશાન બનાવવામાં આવ્યાં. યુનિયનો, સમાજવાદીઓનો વારો તે પછી તુરત આવ્યો, સંસ્થા કોંગ્રેસના આગેવાનો-કાર્યકર્તાઓ પક્ષ છોડીને ઇન્દિરા કોંગ્રેસમાં જાય અથવા રાજકારણમાંથી નિવૃત્ત થઈ જાય તો પકડવા નહિ. તે માટે સંજય ગાંધીનો વીસ મુદ્દાનો કાર્યક્રમ હતો તેણે સંમતિ આપવાની હતી! છતાં વ્યાપક કાર્યક્રમો તો થયા જ. બરાબર ૨૬ જૂને ગુજરાતવ્યાપી હડતાળ પડી, વકીલોએ સરઘસ કાઢ્યું. સંઘ-જનસંઘે પ્રતિકારની રાજ્યવ્યાપી વ્યવસ્થા ગોઠવી, સરદાર- પુત્રી મણીબહેન પટેલ અને ભોગીલાલ ગાંધીના નેતૃત્વમાં રાજભવન સુધી કૂચ નીકળી. જનતા મોરચા વિધાનસભા પક્ષે ઠરાવ કર્યો. ગુજરાત લોકસંઘર્ષ સમિતિ સક્રિય બની, દિલ્હી-મુંબઈ સાથે સંપર્કસૂત્ર ઊભું કરવામાં આવ્યું, સંઘ-પ્રચારકોની ભૂગર્ભ બેઠકો થવા માંડી. બધાંની પાછળ વોરંટ હતાં. તેનાથી બચી ગયેલા કાર્યકર્તાઓએ કામ ઉપાડી લીધું. નવમી ઓગસ્ટ ક્રાંતિ દિવસ ઉજવાયો, ભૂગર્ભ પત્રિકાઓ વિતરિત થવા માંડી. ‘ભૂમિપુત્ર’ પગલાં લેવાયાં ત્યાં સુધી ચાલ્યું. ‘સાધના’એ સેન્સરશિપ સામે ટેસ્ટ કેસ માટે અદાલતમાં જવાનું વિચાર્યું. તંત્રી વિષ્ણુ પંડયા અને સંઘર્ષ સમિતિના આગેવાન, જનસંઘના મહામંત્રી વસંતરાવ ગજેન્દ્રગડકરનો ૪૦ પાનાંનો સંયુક્ત લેખ ‘કટોકટી વિષે પુન: વિચારણા કરો’ લખ્યો, તે સેન્સર અધિકારીએ પ્રકાશન માટે રદ કર્યો એટલે ખ્યાત ધારાશાસ્ત્રી ચંદ્રકાંત દરુ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં ગયા. કોર્ટમાં કોઈ ચુકાદો આવે તે પહેલાં જ કેન્દ્રના સેન્સર અધિકારી ડી’પેનહાનો પત્ર- ચુકાદાના એક કલાક પહેલાં – આવ્યો કે તમે આ લેખ છાપી શકો છો એટલે કોર્ટમાંથી અરજી પાછી ખેંચવી પડી. વાસ્તવમાં કેન્દ્રના સેન્સરની એ રમત હતી, સાંજે બીજા પત્રમાં – સેન્સરશિપ આદેશમાં નવો ઉમેરો (ઓર્ડર નંબર એસ. ઓ. ૪૩૧, -ઇ) કરીને એ લેખ છાપી નહિ શકાય તેવો ફતવો મોકલ્યો. પણ વ્યૂહરચના મુજબ અંકો- વધારા રૂપે- છપાઈ ગયા, ભદ્રના કિલ્લે સ્વાતંત્ર્ય સમારોહમાં આ અંક લોકોના હાથમાં મૂક્યો, ગુજરાતમાં સેન્સરશિપનો ભંગ કરીને તમામ સમાચારો અને લેખનું પ્રકાશન – પત્રકારત્વમાં ઇતિહાસ સર્જતી ઘટના બની ગઈ. ત્યાર પછી પણ ગુજરાતમાં ધારાશાસ્ત્રી સંમેલન, પત્રકાર સંમેલન, શિક્ષકોની વિદ્યા ગુર્જરી સભા, વિચાર સ્વાતંત્ર્ય જનતા છાપું અને બીજી ભૂગર્ભ પત્રિકાઓ, પુસ્તિકાઓ, શ્રી એમ. સી. ચાગલાના અધ્યક્ષપદે નાગરિક સ્વાતંત્ર્ય પરિષદ, બંધારણ બચાવો પરિષદ, કોમનવેલ્થ સભ્યોને સાચી હકીકત આપવાનું આયોજન, વિદેશોમાં સત્યવાણી અને ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાને અસરકારક બનાવવા મકરંદ દેસાઈ, રામ જેઠમલાણી, ડૉ. સ્વામી અને અંજલિ પંડયાનું પ્રભાવી આયોજન, વ્યાપક સત્યાગ્રહ.. આ તો સંક્ષેપમાં યાદી છે, તેનાથી અધિક ગુજરાતે ભાગ ભજવ્યો.
જેલોની અંદર અને બહારના ઘણા ચહેરાઓ હવે આપણી વચ્ચે નથી, લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલ સાહેબ), વસંતરાવ ગજેન્દ્રગડકર, મકરંદ દેસાઈ, નાથાલાલ ઝગડા, ડૉ. પી. વી. દોશી, ચીમનભાઈ શુક્લ, સૂર્યકાંત આચાર્ય, હેમાબહેન આચાર્ય, બચુભાઈ ભગત, કેશવરાવ દેશમુખ, ભાષ્કરરાવ દામલે, અનંતરાવ કાલે, ચંદ્રકાંત દરુ, બાબુભાઈ જ. પટેલ, બ્રહ્મકુમાર ભટ્ટ, મનુભાઈ પટેલ, કાંતિભાઈ ભટ્ટ, ઉમાશંકર જોશી, કીર્તિદેવ દેસાઈ, મંગળસેન ચોપરા, કાશીરામ રાણા, ચંપકલાલ સુખડીયા, રતિલાલ મ. શાહ, અમૃત કડીવાળા, વિ. સ. વણીકર, વિ. અ. વણીકર, સંજીવન દેવધર, હરિશ્ચંદ્ર પટેલ, બચુભાઈ ઠાકર, જગદીશભાઈ ભટ્ટ, ભાસ્કર પંડયા, નારાયણરાવ ભાંડારી, પ્રા. નટવરલાલ રાજગુરુ, બબાભાઈ પટેલ, અશોક ભટ્ટ, દત્તાત્રેય ચિરંદાસ, રવિશંકર પુરોહિત, રામલાલ પરીખ, આર. કે. અમીન, પન્નાલાલ શાહ, પી. ચિદમ્બરમ, નગીનભાઈ શાહ, ભીખુભાઈ ભટ્ટ, હરિસિંહજી ગોહિલ, નારસિંહભાઈ પઢિયાર, ડૉ. વસંત પરીખ, જયંતીલાલ બારોટ, નરભેશંકર પાણેરી, રમણલાલ જોશી, લેખરાજ બચાણી, અનંતરાય દવે, દિલાવરસિંહ રાણા, બળભદ્રસિંહ રાણા, યશવંતભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ મણિયાર, અરવિંદભાઈ મણિયાર, પ્રવીણ રૂપાણી, વિજય રૂપાણી, ચુનીભાઈ વૈદ્ય, બાબુરાવ આપટે, ધીરુભાઈ દેસ, કિરીટ ભટ્ટ..
આ બધાં આપણી વચ્ચે નથી રહ્યાં. એ સિવાયના ૫૦૦ જેટલાંની દીર્ઘ યાદી છે. ઘરમાં આર્થિક હાલત ખરાબ હોય, બીજું કોઈ કમાનાર ના હોય, કોઈનું મૃત્યુ થયું હોય, બીમારીમાં પણ પેરોલ ના મળી હોય, જેલમાં એવી હાલત હોય કે સાજો-સારો માણસ પણ બીમાર થઈ જાય, માનસિક તંગદિલી અનુભવે (જેમ કે સી. ટી. દરુ જેવા ખ્યાત ધારાશાસ્ત્રીને જામનગર જેલમાં માનસિક સ્થિતિ સારી ના રહે તેવી રીતે રાખવામાં આવ્યા) બાબુભાઈ પટેલ અને હેમાબહેન આચાર્યએ રાજ્યપાલ સમક્ષ ગુસ્સો વ્યક્ત કર્યો ત્યારે તેમને ભાવનગર જેલમાં ખસેડવામાં આવ્યા હતા. અપૂરતી સારવારના કારણે બે જેલવાસીનાં મૃત્યુ થયાં.
દુર્ભાગ્યે આ ઐતિહાસિક સંગ્રામના દસ્તાવેજો જાળવવા જોઈએ તે થયું નથી. માત્ર નરેન્દ્રભાઈ મોદીનું ‘સંઘર્ષમાં ગુજરાત’, મકરંદ દેસાઈનું ‘સ્મગલર્સ ઓફ ધ ટ્રુથ’ અને મારાં બે પુસ્તકો ‘મિસાવાસ્યમ્’ અને ‘મિસાવાસીની જેલ-ડાયરી’ આ ચાર પુસ્તકો કેટલીક માહિતી પૂરી પાડે છે, હવે તેનું હિન્દીમાં પણ પ્રકાશન થઈ રહ્યું છે. આજે તો આ સંઘર્ષવીરોને અને તેમના સંકલ્પને વંદન!